ડૂબકી:દરેક દિવસ જાણે વિજયનું સરઘસ

વીનેશ અંતાણી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લડ્યા વિના સ્વીકારી લીધેલો પરાજય માણસની નાલેશીભરી હાર છે. પોતાની સામે ગમે તેવી કપરી કટોકટી હોય તો પણ સામી છાતીએ પગ ખોડીને સામનો કરનાર વ્યક્તિ નિશ્ચિત લાગતા પરાજયને પણ વિજયમાં પલટાવી શકે છે

હારી જ જવા જેવી લાગતી લડાઈ પણ લડવી પડે છે. એ લડાઈ લડતાં હિંમત છોડીએ નહીં અને આશા ટકાવી રાખીએ તો જીત મળે છે. ઘણી પ્રાચીન કથાઓમાં યોદ્ધાની શૂરવીરતા માટે એનું મસ્તક કપાઈ ગયું, પણ ધડ લડતું રહ્યું એવું વર્ણન કરવામાં આવે છે. એ વર્ણનમાંથી ગમે તેવા વિપરિત સંજોગોમાં છેલ્લી ઘડી સુધી હાર નહીં માનવાની દૃઢતાનું અર્થઘટન પણ કરી શકાય. લડ્યા વિના સ્વીકારી લીધેલો પરાજય માણસની નાલેશીભરી હાર છે. એની સામે ગમે તેવી કપરી કટોકટીમાં સામી છાતીએ પગ ખોડીને સામનો કરનાર વ્યક્તિ નિશ્ચિત લાગતા પરાજયને પણ વિજયમાં પલટાવી શકે છે. ગામડાની એક પ્રૌઢ ઉંમરની મહિલાએ થોડાં થોડાં વર્ષેે પતિ અને ત્રણ દીકરામાંથી બે દીકરાને ગુમાવ્યા હતા. પતિ અને મોટો દીકરો દારૂની લતમાં ગયા. વચલો દીકરો મોટરસાઇકલ પર જતો હતો, ત્યારે ટ્રક સાથે અકસ્માત થવાથી ગંભીર રીતે ઘાયલ થયો. શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. એ બોલી શકતો નહોતો. ખાટલા પર પડેલી જીવતી લાશ બની ગયો હતો, પરંતુ એની પત્ની ગાયત્રીએ આશા છોડી નહીં. એ પતિની સારવાર કરાવવા સાત વર્ષ સુધી જુદી જુદી હોસ્પિટલમાં ધક્કા ખાતી રહી. પછી એક દિવસ એ પણ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યો. હવે પ્રૌઢ મહિલાના ઘરમાં ત્રણ વિધવા, દસેક વર્ષનો સૌથી નાનો દીકરો અને મૃત્યુ પામેલા બે મોટા દીકરાઓના ચાર નાના દીકરા રહ્યાં છે. તેમ છતાં મહિલા હસતાં મોંઢે બધું સહન કરતી રહી છે. કોઈ પૂછે તો જવાબ આપે છે : ‘જેણે દુ:ખ આપ્યું એ જ એને દૂર કરશે. મારા ઘરમાં તો પાંચ પાંડવો જેવા દીકરા અને સતી સાવિત્રી જેવી બે પુત્રવધૂ છે. અમને કોઈ હરાવી શકશે નહીં.’ ઓસ્ટ્રેલિયાના બાસ્કેટબોલના એક ખેલાડી ત્રણ વર્ષનો હતો, ત્યારથી એની માએ એને બાસ્કેટબોલનું કોચિંગ શરૂ કરાવ્યું હતું. એ દીકરાને બાસ્કેટબોલનો મોટો ખેલાડી બનાવવા માગતી હતી. ત્રણેક વર્ષ પછી મા મૃત્યુ પામી. દીકરો ઊંડા શોક અને હતાશામાં ડૂબી ગયો. એને કશાયમાં રસ રહ્યો નહોતો. આખો દિવસ ગુમસૂમ બેસી રહેતો. એક બપોરે એના પિતા બાસ્કેટબોલનો બોલ લઈ એની સામે ઊભા રહ્યા. દીકરાએ ધ્યાન આપ્યું નહીં, ત્યારે પિતા જમીન પર બોલ પછાડવા લાગ્યા, જાણે એ બાસ્કેટબોલ રમી રહ્યા હોય. જમીન પર અથડાતા બોલનો એકધારો અવાજ દીકરાના માથા પર પ્રહાર કરતો હતો. અચાનક એ ઊભો થયો. પિતાના હાથમાંથી બોલ આંચકી લીધો અને બહાર ફેંકી આવ્યો. તે વખતે પિતા કશું બોલ્યા નહીં, પણ એક રવિવારે એને અનાથાશ્રમમાં લઈ ગયા. ત્યાં કેટલાય બાળકો હસતાં-રમતાં-ગાતાં હતાં. પિતાએ કહ્યું, ‘તને ખબર છે, આ બાળકોએ નાની ઉંમરમાં એમનાં માતા અને પિતા બંનેનો સહારો ગુમાવ્યો છે? તેમ છતાં, તું જો, કે એ બાળકો ભાંગી પડ્યાં નથી. તું તો નસીબદાર છે. તારી સાથે તારો બાપ તો છે.’ એ દિવસ પછી દીકરાએ જાતને સંભાળી લીધી. એ કલાકો સુધી બાસ્કેટબોલની પ્રેક્ટિસ કરવા લાગ્યો. એણે માતાનું સપનું પૂરું કરવા ખૂબ મહેનત કરી અને બાસ્કેટબોલની નેશનલ ટીમમાં રમ્યો. એ કહે છે, ‘હું મારા પિતા પાસેથી શીખ્યો છું કે ગમે તેવા સંજોગોમાં હાર માનીએ નહીં તો આપણને કશું પણ આગળ વધતાં અટકાવી શકતું નથી.’ દરેક કટોકટી માણસને નવી તક આપે છે. એન્જિ મોઝિલો નામની બાવીસેક વર્ષની યુવતીને પોલીસે જણાવ્યું કે એના પતિની ખૂનના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એના પતિએ બે હત્યારા રોકી પોતાના પિતાનું ખૂન કરાવ્યું છે. એન્જિ પર આભ તૂટી પડ્યું. જે પુરુષ સાથે એણે સુખી અને સલામત જીવનની કલ્પના કરી હતી, એ આટલો ક્રૂર નીકળ્યો? એનાં લગ્નને દોઢ જ વર્ષ થયું હતું અને એ ગર્ભવતી હતી. પતિએ ખૂબ દેવું કર્યું હતું. તે ચૂકવતાં એન્જિ પૈસેટકે ખુવાર થઈ ગઈ. ક્યાંયથી આધાર રહ્યો નહીં. એનું ભાવિ અંધકારમય થઈ ગયું હતું. દીકરીનો જન્મ થયો ત્યારે એ એને બોજ જેવી લાગી. એ દીકરીને જોયા કરતી અને રડ્યા કરતી. એક રાતે એણે બે મહિનાની દીકરીને ઊંઘમાં સ્મિત કરતી જોઈ. દીકરીનું નિર્દોષ સ્મિત એના મનમાં ઊંડે ઊતરી ગયું. તે જ ક્ષણે એણે નિર્ણય લીધો કે એ દીકરીનું સ્મિત કદીય ભૂંસાવા દેશે નહીં અને પોતે પણ એવા જ સ્મિત સાથે જીવશે. એ ક્ષણ એન્જિના જીવનમાં બેઠાં થવાની આખરી તક હતી. એણે બધી હતાશા ખંખેરી નાખી. ફટાફટ પગલાં લેવા લાગી. જેલમાં પુરાયેલા પતિ સાથે છૂટાછેડા લઈ ભૂતકાળ સાથેનો છેડો ફાડી નાખ્યો. સમય જતાં બીજાં લગ્ન કર્યાં. આજે એ પચીસ વર્ષના સુખી લગ્નજીવનનો આનંદ માણે છે. ત્રણ સુંદર સંતાનોની માતા છે. એ કહે છે, ‘મારી દીકરીના એક સ્મિતે મારી જિંદગી બદલી નાખી. હવે મારા જીવનનો દરેક દિવસ જાણે વિજય સરઘસ બની ગયો છે.’ ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...