િવચારોના વૃંદાવનમાં:દેશદ્રોહ પણ આદર્શના નામે??? એક નિષ્ણાતે લખેલું કડવું પુસ્તક

ગુણવંત શાહ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિશાળમાં આઠમા ધોરણમાં ભણતી એક છોકરીએ કાળો ઝંડો ખેંચી કાઢીને ત્યાં જ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તે છોકરીનું કુટુંબ આજે પણ ગાયબ છે

એક વાર મુ. મનુભાઇ પંચોલી (દર્શક)એ મને આગ્રહપૂર્વક લોકભારતી (સણોસરા)માં પ્રવચન માટે બોલાવ્યો હતો. રાજકોટની યુનિવર્સિટીના યુવાનો સમક્ષ પ્રવચન પત્યું પછી દર્શક સાથે વાતચીત દરમ્યાન મોરારજી દેસાઇની વાત નીકળી. દર્શકે એક જ વાક્ય એવું કહ્યું કે વાત તરત પૂરી થઇ ગઇ. ‘ગુણવંતભાઇ! આ બધા આંધળા નેતાઓમાં અમારો મોરારજી કાણો છે.’ એ વખતે અમારી સાથે ‘નિરીક્ષક’ સામયિકના તંત્રી સદ્્ગત જયન્ત પંડ્યા પણ ઉપસ્થિત હતા. આજે મારે શ્રી નરેન્દ્ર મોદી વિશે કોઇ જ અભિપ્રાય આપવો હોય તો હું માત્ર એટલું જ કહું : ‘આજના આંધળા નેતાઓમાં નરેન્દ્ર મોદી કાણા છે.’ માનવજાતના ઇતિહાસમાં સૌથી ઉમદા અને સૌથી મહત્ત્વની શોધ કઇ? સૌથી મહાન શોધ એટલે લોકતંત્રની શોધ. બીજી મહત્ત્વની શોધ તે માનવતાવાદી સેક્યુલરિઝમની શોધ. ત્રીજી મહત્ત્વની શોધ તે માનવ-અધિકારના રક્ષણ માટેના આગ્રહની શોધ. બધાં જ ધર્મશાસ્ત્રો બળીને ખાખ થઇ જાય, પરંતુ જો આ ત્રણ બાબતો બચી જાય તો પૃથ્વીને ઊની આંચ ન આવે. માનવતા બચે તો જ ધર્મ બચે! માનવતા મરી પરવારે પછી ધર્મનું અસ્તિત્વ જ ક્યાં ટકે? સ્તાલિન, હિટલર અને માઓ ઝેડોંગ જેવા દાનવોએ માનવતા જ નષ્ટ થાય એવા ભયંકર અપરાધો કર્યા હતા. આજે પણ નક્સલવાદીઓ માઓવાદના આદર્શને નામે કતલનો માર્ગ અપનાવે છે. માનવીની કતલ પણ આદર્શને નામે? સેક્યુલરવૃત્તિના પાયામાં માનવતા હોય કે કોઇ કોમ? કહેવાતા ડાબેરી રાજકારણીઓને વળી લોકતંત્ર અને માનવઅધિકારો સાથે શી લેવાદેવા? શું એ લોકોનો દેશદ્રોહ પણ આદર્શવાદી ગણાય કે? જવાબ ખોળવા માટે એક પુસ્તક વાંચવું જ રહ્યું : ‘Know the Antinationals’. લેખક લશ્કરીવિદ્યાના નિષ્ણાત છે. પુસ્તકમાં પ્રગટ થયેલી સામગ્રી આધારભૂત છે અને નક્કર છે. એમને ટીવી પર ઘણા લોકાએ જોયા છે. એમનું નામ છે : RSN Singh, (પ્રકાશક : LANCER, કિંમત રૂ. 795) પુસ્તક વાંચવા જેવું છે કારણ કે આપણી આંખ ખોલનારું છે. માત્ર સાર જ અહીં પ્રસ્તુત છે. પૂર્વગ્રહો કાયમ રાખીને વાંચનારાઓને વાંધા કાઢવાની ચળ ઊપડે તો તે ક્ષમ્ય ગણાય કારણ કે લોકતંત્રમાં પૂર્વગ્રહો કાયમ રાખવાની પણ છૂટ હોય છે. હા, હકીકતની અવગણના ન થઇ શકે. હકીકત તો સત્યની સગી બહેન ગણાય. હકીકત પવિત્ર છે કારણ કે સત્ય અતિ પવિત્ર છે. જૂઠા મનુષ્યનો તો પૂર્વગ્રહ પણ આદર્શમાં ખપી જાય તેવો લપસણો હોવાનો! માત્ર થોડીક હકીકતો ટૂંકમાં પ્રસ્તુત છે. સાંભળો : 1. તેઓ નાચ્યા અને આખી રાત પાર્ટી મનાવી. કારણ? લગભગ 75 CRPFના જવાનો છત્તીસગઢમાં માઓવાદીઓએ ચલાવેલી કતલમાં મૃત્યુ પામ્યા હતા. એમણે ભારતીય લશ્કરના જવાનોને બળાત્કારી ગણાવ્યા હતા. એ માઓવાદીઓને ચીન અને પાકિસ્તાનની સીધી યા આડકતરી મદદ મળી હતી. જેહાદ અને માઓવાદના મિશ્રણમાંથી જન્મેલો ‘આદર્શવાદ’ તેમને વહાલો હતો. પાર્ટી આખી રાત ચાલી અને તેનું સ્થાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં હતું. (પાન – 302) 2. તા. 5મી સપ્ટેમ્બર, 2010 (શિક્ષકદિન) કેટલાક માઓવાદીઓએ નાની નિશાળમાં બાળકોની નજર સામે એક પ્રાથમિક શિક્ષકનું માથું વાઢી નાખ્યું. કારણ શું? માઓવાદીઓને એવો વહેમ હતો કે એ શિક્ષક પોલીસને માહિતી પૂરી પાડતો હતો. એ પ્રાથમિક શાળા તે દિવસથી બંધ છે. માઓવાદીના આતંકના રોકડા ભયને કારણે આસપાસની અન્ય નિશાળો પણ બંધ છે. હત્યાનું કારણ શું? સમાનતાનો આદર્શ! (પાન-10) 3. છેલ્લાં 15 વર્ષો દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખતમ કરવાની રાજકીય આતુરતા ઓછી નથી. તેઓ પ્રધાનમંત્રી બન્યા તે પહેલાં પણ એ આતુરતા હતી. એની ચરમસીમા પટનામાં વર્ષ 2013ના અક્ટોબર મહિનામાં પ્રગટ થઇ હતી. આ પુસ્તકના લેખક RSN સિંઘ પોતે તે ક્ષણે પટનાના ગાંધીમેદાનમાં હાજર હતા, જ્યારે બોંબ વિસ્ફોટ ચાલુ હતા. શ્રી મોદી જરા પણ ખચકાટ વિના મંચ પર પહોંચી ગયા હતા. તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પટના ખાતે પ્રથમ વાર દસ લાખની માનવમેદનીને સંબોધન કરવાના હતા. લેખક RSN સિંઘ આગલી સાંજે ત્યાં ગયા ત્યારે તેમને મંચ પર જતાં કોઇએ પણ રોક્યા ન હતા. પરંપરાગત સુરક્ષા એવી છે કે મંચની સીક્યુરિટી માટે મંચની આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવે અને સેનિટાઇઝ કરવામાં આવે અને તે પણ કલાકો પહેલાં. હવે એવું પુરવાર થયું છે કે પ્રતિબંધિત SIMI સંસ્થા, જે લશ્કર-એ-તૈયબા સાથે સાંઠગાંઠ ધરાવનારી હતી તે સંસ્થાના સભ્યોએ આવી યોજના રચી હતી. શ્રી રાહુલ ગાંધીએ અગાઉ પટનાની મુલાકાત લીધી ત્યારે સીક્યુરિટીની તમામ બાબતોની કાળજી લેવામાં આવી હતી. હત્યા માટેની પૂરતી તૈયારી કરી રાખવામાં આવી હતી. આવો ભયંકર પ્રયત્ન નિષ્ફળ ગયો તેને કારણે કેટલાક રાજકીય નેતાઓ ખૂબ નારાજ હતા. શ્રી મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ એ લગભગ નિશ્ચિત જણાતું હતું કે તેઓ દેશના ભાવિ પ્રધાનમંત્રી બનશે. (પાન-45) (શ્રી મોદીના માનવઅધિકારનું શું? કોઇ તો પૂછે!) 4. વર્ષ 2014માં વારાણસી ખાતે થયેલી ચૂંટણીમાં સંખ્યાબંધ માઓવાદીઓ અને જેહાદીઓ વારાણસીમાં ઊતરી પડેલા અને ચર્ચનો ટેકો પ્રાપ્ત થયા પછી કેજરીવાલ અને નરેન્દ્ર મોદી સામેની લડતમાં નરેન્દ્ર મોદીને હરાવવાની મથામણ કરી હતી. બિહારની ટોચની પ્રાદેશિક પાર્ટીના નેતાએ એક સિનિયર પત્રકારને કાનમાં કહ્યું હતું કે તેને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, નોર્વે જેવા દેશોના ન્યાયમૂર્તિઓ અને બોલીવૂડ તરફથી કન્હૈયા સામે કોઇ ઉમેદવાર ખડો ન કરવા માટે ખાસ આગ્રહ કરનારા સેંકડો ટેલિફોન કર્યા હતા. કાશ્મીરી જેહાદીઓએ બેગુસરાઇમાં પણ કન્હૈયાની તરફેણમાં કામ કરેલું. (પાન-225) (કન્હૈયાકુમારની ટોળકી માટે ‘ટુકડે-ટુકડે ગેન્ગ’ શબ્દપ્રયોગ જાણીતો બન્યો હતો.) 5. આ પુસ્તકના લેખકે સરકાર દ્વારા નિયુક્ત એવી સ્ટડી ટૂર દરમ્યાન માઓવાદીઓએ સર્જેલી લાલ પટ્ટી (red corridor)નો પ્રવાસ કર્યો હતો. તે દરમ્યાન ગયાના કલેક્ટર સાથે વાતો થઇ. તેમાં જાણવા મળ્યું કે નિશાળમાં આઠમા ધોરણમાં ભણતી એક છોકરીએ કાળો ઝંડો ખેંચી કાઢીને ત્યાં જ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તે છોકરીનું કુટુંબ આજે પણ ગાયબ છે. શું તે છોકરી ‘જમણેરી ગુંડો’ હતી? (પાન-317) 6. પાકિસ્તાનના એક ખાનગી સોર્સ દ્વારા આ પુસ્તકના લેખકને કહેવામાં આવ્યું હતું કે જેહાદી અને માઓવાદી ભેગા મળીને દિલ્હીને પરેશાન કરવાના છે. એ હતો પાકિસ્તાની ISIનો એજન્ટ ચીમા, જેને પાકિસ્તાની હાઇકમિશને નોકરીમાં રાખ્યો હતો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં જે નાટક થયું તેનો ખરો કાવતરાબાજ ચીમા હતો. (પાન-318) 7. ભારતમાં યુનિવર્સિટીઓનાં કેમ્પસો પર જે જોવા મળી રહ્યું છે તે તો બે વિદેશી વિચારધારાઓનું મિલન છે. સામ્યવાદી વિચારધારા ભારતમાં આવી પહોંચી તેને પરિણામે રશિયામાં લાખો મનુષ્યોની અને ચીનમાં એથી પણ વધારે સંખ્યામાં નિર્દોષ માણસોની કતલ કરવામાં આવી હતી. (પાન-319) 8. આ પુસ્તકના લેખકને દાંતીવાડાના કલેક્ટરે કહ્યું હતું કે માઓવાદીઓએ રાજીવ ગાંધીની સરકાર દ્વારા ઊભા કરાયેલા બત્તીના થાંભલાઓ જમીનદોસ્ત કરી નાખ્યા હતા. રાજીવ ગાંધીએ વિદ્યુતિકરણ યોજના હેઠળ જંગલ વિસ્તારમાં વીજળી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. માઓવાદીઓનો એજન્ડા વિકાસનો ન હતો, વિનાશનો હતો. (પાન-320) ⬛ }}} પાઘડીનો વળ છેડે પુસ્તક દેશભક્તોની આંખ ખોલનારું છે અને દેશદ્રોહીઓને આત્મનિરીક્ષણ માટે જગાડનારું છે. પુસ્તકની પ્રસ્તાવનાની શરૂઆત સોલિડ છે. અહીં તે પ્રસ્તુત છે. સાંભળો : ‘સોવિયેટ યુનિયન તૂટી પડ્યું તેમાંથી મોટામાં મોટો પાઠ શીખવા જેવો છે. સમજવું પડશે કે કોઇ દેશ બહારથી ગમે તેવો મજબૂત જણાતો હોય, પરંતુ તે એક દેશ તરીકે ટકી ન શકે, જો એ અંદરથી મજબૂત ન હોય. ખરેખર તો એની અંદરની તાકાત જ બહારની તાકાતને પોષણ પૂરું પાડતી હોય છે. સોવિયેટ યુનિયન (યુ.એસ.એસ.આર.) અંદરથી આદર્શની અને મનોવૈજ્ઞાનિક બાબતોમાં નબળું પડી ચૂક્યું હતું.’ આર.એસ.એન. સિંઘ નોંધ : ભારતના ટુકડા કદી નહીં પડે એવું માની લઈને ઊંઘતાં રહેવામાં જોખમ છે. આજે પણ દેશવિરોધી એવાં વિઘાતક પરિબળો પૂરેપૂરાં સક્રિય છે. ભારત ન તૂટે તે માટે સતત જાગ્રત રહેવાનું છે. અને હા, હવે આપણી વચ્ચે સરદાર પટેલ પણ ક્યાં છે? હા, નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ જરૂર મળશે. Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...