સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) તેના નાગરિકો માટે ખાનગી નોકરીઓ અને વ્યવસાયને સરળ બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. યુએઇ સરકાર 2026ના અંત સુધીમાં ખાનગી કંપનીઓમાં કામ કરતાં લોકોમાં ઓછામાં ઓછા 10 ટકા સ્થાનિક પ્રતિભાઓ હોય તે સુનિશ્ચિત કરવા માગે છે. જે કંપનીઓ જાન્યુઆરી, 2023 સુધીમાં ઓછામાં ઓછા બે ટકા સ્થાનિક નાગરિકોની ભરતી કરવામાં નિષ્ફળ જશે તેમને દંડનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, યુએઇ સરકારે એવી પણ જાહેરાત કરી છે કે તે જાહેર ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક વર્ષ લાંબી સવેતન રજાઓ અપાશે, જે અંતર્ગત આવી વ્યક્તિઓને એક વર્ષ માટે તેમનો અડધો પગાર ચૂકવવામાં આવશે. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ દ્વારા વધુ વ્યવસાયોને પ્રોત્સાહિત કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. યુએઇ સમેત તેલ અને ગેસથી સમૃદ્ધ આરબ ગલ્ફ દેશો તેના નાગરિકોને જાહેર ક્ષેત્રમાં મોટાપાયે રોજગાર આપે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર યુએઇના નવ મિલિયનથી વધુ રહેવાસીઓમાંથી માત્ર 12 ટકા યુએઇના નાગરિકો છે અને 90 ટકા ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં વિદેશીઓ છે. પરંતુ અમીરાતી સંશોધક ખલીફા અલ-સુવૈદી કહે છે કે હવે સમય બદલાઈ રહ્યો છે. તેઓ પોતે પણ જૂનમાં સરકારી પદ છોડ્યા પછી ખાનગી ક્ષેત્રની નોકરી શોધી રહ્યા છે. અલ-સુવૈદીનું કહેવું છે કે યુએઇ હવે એવા સ્તરે પહોંચી ગયું છે જ્યાં તેના નાગરિકો પાસે પૂરતા પ્રમાણમાં વૈવિધ્યસભર કૌશલ્ય અને કુશળતા છે. જાહેર એટલે કે સરકારી ક્ષેત્ર હવે આ બધી પ્રતિભાઓને સમાવી શકશે નહીં. તેલસમૃદ્ધ દેશ યુએઇ તેના નાગરિકોને જાહેર ક્ષેત્રમાં ઊંચા પગારો આપે છે. કેટલીક ખાનગી કંપનીઓ સ્થાનિક નાગરિકોની નોકરી માટેની અરજીને અવગણતી હોવાનું એક કારણ એ પણ છે કે સ્થાનિકો આકર્ષક સરકારી પોસ્ટમાં ચૂકવવામાં આવતા ઊંચા વેતનની માંગ કરશે. સરકાર હવે 2026 સુધીમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓમાં 10 ટકા હિસ્સો અમીરાતીઓનો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક પ્રતિભાઓને નોકરી આપવા ખાનગી કંપનીઓ પર દબાણ કરી રહી છે. જાન્યુઆરી, 2023થી 50થી વધુ કર્મચારીઓ સાથેની કંપનીઓ જો તેમની કૌશલ્ય આધારિત નોકરીઓના બે ટકા અમીરાતી દ્વારા ભરવામાં નિષ્ફળ જશે તો તેમને દંડ કરવામાં આવશે. આના કારણે કંપનીઓએ ભરતી કરવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે, જેમાંથી ઘણી તેમના લક્ષ્યોને પૂર્ણ કરવામાં અસમર્થ નીવડે એવું બની શકે છે. ભરતી એજન્સી આઇરિસ એક્ઝિક્યુટિવ્સના સ્થાપક હમઝા ઝૌઅલીએ જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાને નુકસાન ન પહોંચે તે રીતે ભરતીનું આ લક્ષ્યાંક હાંસલ કરવું એ એક અઘરી પ્રક્રિયા હશે. તેઓ માને છે કે વધુ યોગ્ય માર્ગ એ સુનિશ્ચિત કરવાનો છે કે અર્થતંત્ર એક સતત ચાલતી પ્રક્રિયા તરીકે અમીરાતીઓનો સમાવેશ કરે, તેમને તાલીમબદ્ધ કરે અને એ રીતે તેમની પાસેથી કામ લે. વોશિંગ્ટનમાં આરબ ગલ્ફ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટના બિન-નિવાસી ફેલો એમાન અલહુસેન જણાવે છે કે, અખાતી દેશોમાં અત્યારે રાજ્ય-સમાજ સંબંધોમાં બદલાવનો દોર ચાલી રહ્યો છે અને યુએઇ પણ એમાંથી બાકાત નથી. અખાતી દેશો ઇચ્છે છે કે નાગરિકો તેમની અપેક્ષાઓ બદલે અને અત્યાર સુધી દેશે તેમને જે આપ્યું છે તે દેશને પાછું આપે અને લાંબા કલાકો અને કદાચ ઓછી આવક સાથેની નોકરી સ્વીકારે. નવેમ્બરમાં, યુએઈના માનવ સંસાધન પ્રધાન, અબ્દુલરહમાન અલ-અવરે જણાવ્યું હતું કે 2022માં 14 હજારથી વધુ નવા અમીરાતીઓ જોબ માર્કેટમાં પ્રવેશ્યા છે. સરકારે પગાર સહાયક યોજનાની પણ જાહેરાત કરી હતી જે અનુસાર ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં અમીરાતીઓનું માસિક વેતન જો ૩૦૦૦૦ દિરહામ કરતાં ઓછું હોય તો તેમને 7000 દિરહામ (1900 ડોલર) સુધીનું વધારાનું વેતન આપવામાં આવે છે. અમીરાત માટે કોઈ રાષ્ટ્રીય લઘુત્તમ વેતન નથી, પરંતુ દેશના સાત અમીરાતમાંથી એક એવા શારજાહમાં તેઓ માસિક લઘુત્તમ AED 25000ના હકદાર છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ટોચનું પ્રાદેશિક હબ એવું યુએઈ 2020માં વિશ્વના 10 સૌથી ધનિક દેશોમાં સ્થાન ધરાવે છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર 2022માં યુએઇનું માથાદીઠ કુલ સ્થાનિક ઉત્પાદન 47000 ડોલર કરતાં વધુ હતું જે બ્રિટન અને ફ્રાન્સ કરતાં વધારે છે. યુએઇ મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે, પરંતુ અમીરાતમાં દેશવ્યાપી બેરોજગારીનો સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. દુબઈ સ્ટેટિસ્ટિક્સ સેન્ટર અનુસાર યુએઇના આર્થિક કેન્દ્ર દુબઈમાં, અમીરાતી બેરોજગારી 2012માં 2.5 ટકા હતી જે વધીને 2019માં 4.2 ટકા થઈ હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના અમીરાતી સંશોધક મીરા અલ-હુસૈને જણાવ્યું હતું કે ગયા વર્ષે 49 ટકાની વિદેશી માલિકી પર પ્રતિબંધ મૂકતા કાયદાઓ રદ કરવામાં આવ્યા પછી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ભૂતકાળમાં, અમીરાતી લોકો જેઓ ખાનગી ક્ષેત્રમાં જોડાવા ઇચ્છુક ન હતા તેમની પાસે જાહેર ક્ષેત્રની નોકરીનો, પોતાનો વ્યવસાય શરૂ કરવાનો અથવા વ્યવસાયમાં 51 ટકા સ્થાનિક ભાગીદાર બનવાનો વિકલ્પ હતો. હવે ઉપલબ્ધ વિકલ્પોને મર્યાદિત થઈ ગયા છે. અખાતી દેશોમાં હવે એના નાગરિકો જરૂરી કૌશલ્ય ધરાવતા થયા છે અને એ બધાનો સમાવેશ સરકારી નોકરીઓમાં થઈ શકે એમ નથી. બીજું યુએઇ સરકારમાં પોતાના નાગરિકોને નોકરી આપે છે તે ઊંચા પગારની હોય છે એટલે ખાનગી ક્ષેત્ર સામાન્ય રીતે આયાતી કૌશલ્ય એટલે કે બહારના દેશોમાંથી આવતા માનવસંસાધનો ઉપર આધાર રાખવાનું વધુ પસંદ કરે છે. આ પરિસ્થિતીમાં બદલાવ આવી રહ્યો છે. આમ જોઈએ તો એ બદલાવ ટકાવારીની દૃષ્ટિએ સાવ નગણ્ય છે આમ છતાંય આ વાત લાગે છે એટલી સહેલી નથી. એના દુરોગામી પરિણામો શું આવશે એ જોવાનું રહેશે. ⬛(લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.