તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વૃક્ષો અને છોડ ભલે બહારથી અલગ અલગ, દૂર અને મૌન દેખાઈ રહ્યા હોય, પરંતુ જમીન નીચેનો દૃષ્ટિકોણ કંઈક જુદો જ છે જ્યાં તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યાં છે. સદીઓથી, મનુષ્ય પ્રકૃતિના આ અનોખા રહસ્યથી અજાણ હતો, તેથી સંભવ છે કે તમને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, પરંતુ આ સત્ય છે. જેમ મનુષ્યો ટેલીફોન અથવા વેબ દ્વારા વાર્તાલાપ અને ડેટાનો વિનિમય કરે છે, તેવી જ રીતે વૃક્ષો અને છોડની પણ પોતાની સિસ્ટમ છે. માનવ વેબ ફક્ત ત્રણ દાયકાઓ જૂનું છે, પરંતુ વૃક્ષો અને છોડની આ સિસ્ટમ સેંકડો, હજારો, લાખો જ નહીં પણ 50 કરોડ વર્ષ જૂની છે. ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડની ક્રાઉદર લેબ અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં સંશોધનકારોએ મશીન લર્નિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને આ રસપ્રદ હકીકત શોધી કાઢી છે. આપણે સાંભળ્યું છે કે વૃક્ષો અને છોડ એકબીજાને માહિતીની આપ-લે કરે છે. ઉપરાંત, જો એક વૃક્ષ પર સંકટ આવે છે, તો તે અન્ય વૃક્ષને તેની જાણ કરી દે છે. આપણે એટલું જાણતા હતા કે તેઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે હવા, ફેરોમોન્સ અને ગંધ આધારિત સંકેતોનો ઉપયોગ કરે છે. યાદ કરો, ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બાસુએ પણ સાબિત કર્યું હતું કે વૃક્ષોને પણ લાગણી હોય છે. તેઓ દુઃખી પણ થાય છે, તેમને દર્દ પણ થાય છે અને ખુશી પણ. આ બધું જાણવા છતાં આપણા માટે એવું વિચારવું લગભગ અશક્ય હતું કે વૃક્ષ એક ચોક્કસ પ્રકારના ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરતાં હશે. જોકે, હવે એ પણ જાણી લો કે 90% થી વધુ વૃક્ષો જમીનની અંદર રહેલી ફૂગ દ્વારા એકબીજાને માહિતીની આપ-લે કરે છે. વૃક્ષના મૂળમાં અને તેની આસપાસ થાય છે, જેનું નામ છે - માઈકોરાઈઝલ ફૂગ અને આ સિસ્ટમનું નામ કોમન માઈકોરાઈઝલ નેટવર્ક અથવા સીએમએન છે. છતાં વૈજ્ઞાનિકોએ તેને ટ્રેન્ડી નામ આપ્યું છે - વૂડ વાઇડ વેબ. વૃક્ષોનું આ ઇન્ટરનેટ આપણા ઇન્ટરનેટથી ઘણા પગલાંઓ આગળ છે, કારણ કે તેમાં ફક્ત સંકેતો જ મોકલવામાં નથી આવતા, વૃક્ષો એક બીજા સાથે રસાયણો અને ખનિજો-મીઠાની આપ-લે પણ કરી શકે છે. ત્યાં એલેલો-કેમિકલ્સ પણ છે જેનો ઉપયોગ કરીને અન્ય વૃક્ષો અને છોડોને ઉગાડવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકાય છે. મનુષ્યની બાર્ટર સિસ્ટમની જેમ, અહીં પણ લેવડ-દેવડનો કારોબાર કરવામાં આવે છે. માયકોરાઇઝા એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ ફૂગ અને છોડના પરસ્પર સબંધો છે. પૃથ્વીની અંદરની આ વિશાળ ફૂગ વૃક્ષોના મૂળિયાઓ વચ્ચે કડીની જેમ કાર્ય કરે છે. જો વૃક્ષોએ અન્ય વનસ્પતિને સંદેશ મોકલવો હોય, તો તેઓ પહેલાં તેમના મૂળ દ્વારા સંકેતો મોકલશે જે ફૂગ સુધી પહોંચે છે અને પછી તે ફૂગ તેમને અન્ય ઝાડના મૂળ સુધી પહોંચાડી દે છે. આપણે તેને બોટનિકલ નેટવર્કિંગ સિસ્ટમ તરીકે જોઈ શકીએ છીએ જેનો ઉપયોગ વૃક્ષોના મૂળ વચ્ચેના સંકેતોના વિનિમય માટે થાય છે. આ નેટવર્ક એક પ્રકારની ફૂગ સુધી મર્યાદિત નથી, પરંતુ તેના બદલે 150 થી 200 પ્રકારની ફૂગ નેટવર્કિંગનાં વાયરની ભૂમિકા ભજવે છે. આ સિસ્ટમ દ્વારા વૃક્ષો એકબીજાને કાર્બન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, પાણી, આત્મરક્ષણ માટેની સામગ્રી અને રસાયણો મોકલે છે. જો કોઈ વૃક્ષ કે છોડની આજુબાજુમાં ખનિજ પદાર્થો, પાણી અને અન્ય પૌષ્ટિક તત્વોની વિપુલતા હોય, તો તે એમાંથી કેટલુંક એવી જગ્યાનાં વૃક્ષોને મોકલી શકે છે જ્યાં એનું પ્રમાણ ઓછું હોય. જેમ કે, જંગલની બહારના ભાગમાં ઘણો સૂર્યપ્રકાશ હોય છે, જેથી વૃક્ષોના પાંદડાઓમાં વધુ સારી રીતે ફોટો-સંશ્લેષણ થાય છે અને વધુ કાર્બન ઉત્પન્ન કરે છે. આ વૃક્ષો તેમનાં વૂડ વાઇડ વેબ દ્વારા વધારાના કાર્બનને જંગલના આંતરિક ભાગમાં સ્થાનાંતરિત કરે છે, જ્યાં છાંયડો વધુ અને પ્રકાશ ઓછો હોય છે. નવા ઊગનાર છોડને વધુ પોષક તત્ત્વો અને પાણીની જરૂર હોય છે. મધર ટ્રી એટલે કે મોટા વૃક્ષો તેમની સંભાળ માતા સંતાનની સંભાળ રાખે છે. જંગલોનો અભ્યાસ કરનારા સંશોધનકારે તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો કહ્યો. તેમણે જોયું કે જંગલમાં 400 થી 500 વર્ષ પહેલાં કાપવામાં આવેલા એક વૃક્ષનું થડ હજી જીવંત છે. તેમાં કેટલીક નાની શાખાઓ અને પાંદડાઓ ફૂટી રહ્યા છે. આટલા લાંબા સમય પછી પણ, આ વૃક્ષને જીવંત જોવું તે આશ્ચર્યજનક લાગશે, પરંતુ જો તમે માઈકોરાઈઝલ નેટવર્કનો વિચાર કરો, તો તે આશ્ચર્યજનક નહીં લાગે. આ વૃક્ષને આસપાસના વૃક્ષોમાંથી પૌષ્ટિક તત્વો, પાણી અને અન્ય આવશ્યક ચીજો મળતી હશે. જ્યારે કોઈ વૃક્ષ મરી રહ્યું હોય, ત્યારે તે સમાપ્ત થાય તે પહેલાં પોતાના સંસાધનોને કોઈ દાનવીરની જેમ નજીકના અન્ય વૃક્ષોમાં વહેંચી દે છે. વુડ વાઇડ વેબની માહિતીની આપ-લે એક મહત્વપૂર્ણ ક્ષમતા છે. વૃક્ષો આના દ્વારા પોતાનું દર્દ અને પીડા પણ વહેંચે છે અને કટોકટીની સ્થિતિમાં અન્યને ચેતવે પણ છે. આ માટે બાયોલોજિક અથવા વિદ્યુત સંકેતોનો ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે ચોક્કસ પ્રકારના રસાયણો મોકલીને પણ સંકેતો આપવામાં આવે છે. ઉદ્દેશ એ છે કે અન્ય વૃક્ષો તેમની સ્વરક્ષણ પ્રણાલીઓ બનાવે. અાનું એક બીજું પાસું પણ છે. જેમ હેકર્સ અને સાઇબર એટેકર્સ ઇન્ટરનેટ પર હાજર છે, તેવી જ રીતે આ વૂડ વાઇ ઇન્ટરનેટ પર કેટલાક વૃક્ષો બીજા છોડમાંથી પૌષ્ટિક તત્વો ચોરવા અને ખતરનાક રસાયણો મોકલીને તેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. આમાં ઓર્કિડ અને અખરોટ જેવા વૃક્ષો જાણીતા છે. સવાલ એ થાય છે કે બાકીના સમયમાં વૃક્ષો આ નેટવર્કનો શું ઉપયોગ કરતા હશે? એમની વચ્ચે કોઈ વાતચીત થતી હશે? વૈજ્ઞાનિકો આવા પ્રશ્નોના ઉત્તરો શોધવા પ્રયત્નશીલ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.