વિજ્ઞાનધર્મ:સનાતન સર્જન: અવકાશવિજ્ઞાન અને અધ્યાત્મના મધ્યેથી!

20 દિવસ પહેલાલેખક: પરખ ભટ્ટ
  • કૉપી લિંક

(ગતાંકથી ચાલુ) મહાવિષ્ણુની સૂક્ષ્મ ચેતનામાંથી પ્રગટ થયેલ કરોડો-અબજો શ્રી(ગર્ભોદકશાયી)વિષ્ણુ પોતપોતાનાં અલગ બ્રહ્માંડોના અધિપતિ છે. તેમના અવતરણને 1000 મહાયુગ વીતી ગયા બાદ પ્રત્યેક ગર્ભોદકશાયી વિષ્ણુની નાભિમાંથી ભગવાન બ્રહ્મા કમળના આસન પર સૃષ્ટિચક્રમાં પ્રવેશ કરે છે. વૈજ્ઞાનિક શૈલીમાં કહેવું હોય તો, માતાની નાળ સાથે જેમ બાળક જોડાયેલું હોય એ જ રીતે, બ્રહ્મા પણ શ્રીવિષ્ણુના નાભિકમળ સાથે અતૂટ સંબંધ ધરાવે છે. ગર્ભોદકશાયી વિષ્ણુના નાભિકમળમાંથી જન્મ લીધા બાદ ભગવાન બ્રહ્મા શૂન્યમનસ્ક ભાવે પોતાની આજુબાજુ છવાયેલ ઘેરા અંધકારને દૂર કરવાના પ્રયાસો કરવા લાગે છે. તેમને પાંચ મસ્તકો છે, જે જન્મતાંવેત ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ) અને ઉર્ધ્વભાગનાં મસ્તક વડે પોતાની આજુબાજુમાં પ્રકાશની શોધ કરે છે. તદ્દન દિશાહીન હોવાને લીધે તેઓ મૂંઝાઈને ધ્યાનમુદ્રામાં બેસી જાય છે. ફરી 100 મહાયુગ વીતી જાય છે અને આખરે શ્રી ગર્ભોદકશાયી વિષ્ણુ તેમને માર્ગ સૂઝાડવા માટે પોતાના પૂર્ણ સ્વરૂપમાં દૃશ્યમાન થાય છે. શ્રીવિષ્ણુ સૃષ્ટિના સર્જનથી માંડીને બ્રહ્માના જીવન-પ્રયોજન સુધીની તમામ ગાથા તેમને વિસ્તૃત રીતે સમજાવી આપે છે. પોતાના સમગ્ર જીવન-કાર્યથી માહિતગાર થઈને બ્રહ્મા જીવસૃષ્ટિનું સર્જન કરવાનો આરંભ કરે છે. તેઓ સૌપ્રથમ હાલીચાલી ન શકે તેવા સ્થિર પદાર્થો (જેમ કે ગ્રહ, પહાડ, નદી વગેરે)નું નિર્માણ કરે છે (ગ્રહ પોતે ક્યારેય ભ્રમણ નથી કરતો. ગુરુત્વાકર્ષણબળ તેને આમ કરવા પર મજબૂર કરે છે!) ત્યારબાદ, ઝાડ, છોડ, ઔષધિ, 12 પ્રકારનાં પંખી, 28 પ્રકારનાં પ્રાણીનું સર્જન કર્યા બાદ ચાર સનાતન કુમારોનો જન્મ થાય છે. પરંતુ તેઓ બ્રહ્માના સર્જનનાં કાર્યને અવગણીને ધ્યાન-તપ અને અધ્યાત્મના રસ્તે ચાલી નીકળે છે. જેના લીધે ક્રોધે ભરાયેલ બ્રહ્મા પોતાનાં ત્રીજા નેત્રમાંથી અતિ વિનાશકારી પરમ શિવ તત્ત્વનું ધ્યાન ધરે છે. ભગવાન રુદ્ર, તેમનાં એકસમાન દેખાતાં 10 સ્વરૂપો (ક્લોન્સ) સાથે અર્ધનારીશ્વરરૂપે પ્રગટ થઈને વિશ્વને નારીશક્તિ ‘રુદ્રાણી’ પ્રદાન કરે છે. હવે વારો આવે છે બ્રહ્માના દસ માનસપુત્રોનો! તેમની વિરક્તિથી ક્રોધે ભરાયેલ બ્રહ્મા અનેક તામસિક શક્તિ (અસુર/રાક્ષસ) પેદા કરે છે. થોડા સમય બાદ ગુસ્સો શાંત થતાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પરિણામસ્વરૂપ, જન્મ લે છે દેવતાઓ! પછી તો પિતૃ, દેવી સરસ્વતી, ગાયત્રી તેમજ પ્રસૂતિ પણ સૃષ્ટિચક્રમાં પ્રવેશ લે છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિએ ત્યારબાદ ધરતી પર જીવનને આગળ ધપાવ્યું હોવાની કથા છે. હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજના મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્તવોનું નિર્માણ કરે છે. ક્રમાનુસાર, સ્થિર પદાર્થો જેમ કે ગ્રહો, પહાડ, રેતી આકાર લે છે. અને ત્યારબાદ પ્રાણી, પંખી, જળચર, ઔષધિ અસ્તિત્વમાં આવે છે. સૌથી છેલ્લે મનુષ્ય નિર્માણ સાથે સર્જનની પ્રક્રિયા પૂરી થાય છે. પુરાણોમાં જે દશાવતારનો ઉલ્લેખ થયેલો છે એ ખરેખર મહાવિષ્ણુ કે ગર્ભોદકશાયી વિષ્ણુનાં રૂપો નથી! આશ્ચર્ય થાય એવી વાત જરૂર છે, પરંતુ સત્ય તો એ છે કે મહાવિષ્ણુનું ત્રીજું અને આખરી સ્વરૂપ ‘ક્ષીરોદકશાયી વિષ્ણુ’ છે! તેમને આપણે પરમાત્મા સ્વરૂપે પૂજીએ છીએ. તેઓ દરેક યુગમાં અલગ-અલગ અવતારો ધારણ કરી વિશ્વને અધર્મની પકડમાંથી મુક્ત કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરે છે. ધ્રુવલોકના શ્વેતદીપ પર આવેલા ક્ષીરસાગરમાં તેમનું રહેઠાણ હોવાથી તેમને ‘ક્ષીરોદકશાયી વિષ્ણુ’ કહેવાયા છે. ક્ષીરોદકશાયી વિષ્ણુ અત્યંત મૃદુ હૃદયી અને જીવંત ચેતનાના સ્વામી છે. તેઓ પૃથ્વીના કણ-કણમાં નિવાસ કરીને માનવજાતને હંમેશાં સત્કર્મો કરવા માટેની પ્રેરણા આપતાં રહે છે. મહાવિષ્ણુ અને ગર્ભોદકશાયી વિષ્ણુએ સોંપેલાં તમામ કાર્યોને નિષ્ઠાપૂર્વક પૂરા કરીને બ્રહ્માંડને તેના પૂર્ણત્વ તરફ લઈ જવું એ તેમનું કર્મ છે, જે યુગ-યુગાંતર સુધી ચાલ્યા રાખે છે.⬛ (સમાપ્ત) bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...