માય સ્પેસ:મનોરંજન હવે અનપ્રેડિક્ટેબલ વ્યવસાય છે

એક મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

ગયે મહિનેે રજૂ થયેલી ફિલ્મો ‘લાલસિંહ ચઢ્ઢા’, ‘રક્ષાબંધન’ અને ‘એક વિલન રિટર્ન્સ’ સુપર ફ્લોપ થઈ છે... આ પહેલાં પણ કોરોના પછી રજૂ થયેલી મોટી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સફળતા જોઈ શકી નથી, જેની સામે નાની ફિલ્મો અને ઓછા ખર્ચે બનેલી સ્ટાર વગરની ફિલ્મોએ ખૂબ સારો બિઝનેસ કરી બતાવ્યો છે. બોલિવૂડના મેકર્સને ધીરે ધીરે સમજાવા લાગ્યું છે કે, કોરોના પછી થિયેટરમાં જઈને ફિલ્મો જોવાની ટેવ ઘટવા લાગી છે. હજી ફિલ્મ થિયેટરમાંથી ઊતરે કે તરત જ ઓટીટી પર ઉપલબ્ધ થઈ જાય છે. મોટા ભાગના દર્શકો હવે ઘેર બેસીને ઓટીટીમાં ફિલ્મ જોવાનું પસંદ કરવા લાગ્યા છે. 700 કે હજાર રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં કંઈ કેટલુંય જોવા મળતું હોય તો 300થી 500 રૂપિયાની એક ટિકિટ લઈને આખો પરિવાર હવે ફિલ્મ જોવા નથી જતો એ વાત ધીમે ધીમે બોલિવૂડની ખર્ચાળ ફિલ્મોને નુકસાન કરી રહી છે. ‘થલાઈવી’, ‘પાનીપત’, ‘ગુલાબો સિતાબો’, ‘શમશેરા’, ‘પૃથ્વીરાજ’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’, ‘રન વે 34’ અને ‘રાધેશ્યામ’ જેવી ફિલ્મો અઠવાડિયા-બે અઠવાડિયાંમાં ઊતરી ગઈ ત્યારે કરોડો નાખીને આવી ફિલ્મો બનાવનાર, એના પ્રચારમાં ભયાનક ખર્ચો કરનાર વિતરકો અને નિર્માતા બંને માટે આર્થિક સમસ્યા ઊભી થઈ છે. બીજી તરફ, ઓટીટી ઉપર નાની ફિલ્મોને સીધી રિલીઝ કરી દેનારા નિર્માતાઓ પોતાના ખર્ચા ઉપર થોડાક પૈસા લઈને સુરક્ષિત થઈ ગયા છે. ‘રાધે’ જેવી ફિલ્મ પણ સીધી ઓટીટી પર રિલીઝ થઇ હતી અને ‘મીમી’, ‘મીનાક્ષી સુંદરમ્’, ‘જલસા’, ‘ડાર્લિંગ્સ’ જેવી નાની અને ઓછા ખર્ચે બનેલી ફિલ્મો ઓટીટીના રેટિંગ્સ લઈને સફળ પુરવાર થઈ છે. સાચું પૂછો તો બોલિવૂડનો ટ્રેન્ડ સમજાય તેવો નથી રહ્યો, એવી સૌની ફરિયાદ છે, પરંતુ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ સમજાય કે હવે મોટા સ્ટાર્સ, ભવ્ય સેટ જેવી બાબતો પ્રેક્ષકોને અભિભૂત કરતી નથી. આજના સમયમાં જે કંઈ ‘ચાલે છે’ તે કન્ટેન્ટ અથવા વાર્તા છે. બીજી એક સૌથી મોટી બાબત એ છે કે, ગઈકાલ સુધી આપણને માત્ર હિંદી ફિલ્મો ઉપલબ્ધ હતી, વધુમાં વધુ થોડી રિજનલ ફિલ્મો ભારતભરમાં રિલીઝ થતી. હવે ઓટીટીને કારણે હોલિવૂડ, સાઉથ, ટર્કિશ, સ્પેનિશ અને દેશ-વિદેશની ફિલ્મો અને ઓટીટી સિરીઝ હવે આપણને ઘેર બેઠા ઉપલબ્ધ થઈ છે. લોકોને સબટાઈટલ સાથે જોવાની ટેવ પડી છે એટલું જ નહીં, મોટી મોટી વેબસિરીઝ અને ફિલ્મો હવે હિંદીમાં કે રિજનલ ભાષામાં ડબ થઈને રજૂ થવા લાગી છે. અત્યાર સુધી જે સરખામણી શક્ય નહોતી, એ હવે આપણને આપણા જ ટેલિવિઝન ઉપર ઘેર બેઠા પસંદગીની તક આપે છે. હવે સોશિયલ મીડિયા ઉપર સેલ્ફ પ્રોક્લેઈમ્ડ સ્ટાર્સ વધતા જાય છે. રિલ્સ અને યૂટ્યૂબર્સ હવે તાજું અને હ્યુમરથી ભરપૂર કન્ટેન્ટ આપે છે. બીજો એક મહત્ત્વનો ફેરફાર એ છે કે, હ્યુમર હવે દરેક કન્ટેન્ટનો રાજા બન્યો છે. રોજિંદી તકલીફોમાંથી બહાર નીકળીને મનોરંજનનાં નામે પ્રેક્ષકને જો હાસ્ય પીરસવામાં ન આવે તો એને ઝાઝો રસ પડતો નથી. બીજી તરફ, હિંસા અને સેક્સ ઓટીટી ઉપર એટલું છૂટથી ઉપલબ્ધ છે કે, સેન્સરે ચલાવેલી કાતર પછીનું સિનેમા પ્રેક્ષક માટે કંઈ ખાસ મનોરંજન લાવતું નથી. પ્રેક્ષકોનો ટેસ્ટ સાવ બદલાઈ ગયો છે એમ કહીએ તો ખોટું નથી. પહેલાં જે નથી જોયું એવું કંઈ જોવા મળે તો જ પ્રેક્ષક પૈસા ખર્ચવા તૈયાર છે! અત્યાર સુધી ફિલ્મો ફક્ત સ્ટાર્સના નામથી ચાલતી હતી અને સ્ટાર્સને વફાદાર પ્રેક્ષકો હતા. પોતાના ફેવરિટ સ્ટાર માટે ઝઘડી પડતા, એની એક ઝલક નિહાળવા માઈલોનો પ્રવાસ કરતા કે કલાકો ઊભા રહેતા ફેન્સ હવે ઘટતા જાય છે. નવી પેઢીના પ્રેક્ષકો માટે હવે કોઈ ‘સ્ટાર’ નથી. સોશિયલ મીડિયાએ આ બધા સ્ટાર્સની વણઓળખાયેલી બાજુ ઉઘાડી આપી છે. એમની અંગત જીવનની કેટલીક એવી બાબતો જે ફેન્સ સુધી ક્યારેય નહોતી પહોંચતી એ હવે સોશિયલ મીડિયાને કારણે દરેક સેલફોન સુધી પહોંચતી થઈ ગઈ છે. જે લોકો ભાગ્યે જ જોવા મળતા કે જેમના વિશે ભાગ્યે જ કોઈ માહિતી મળતી એવા લોકો હવે પોતે પણ જાતભાતના વિડીયો કરીને સોશિયલ મીડિયા પર ટકી રહેવાના પ્રયાસો કરે છે. દરેક માણસના હાથમાં ફોન છે એટલે ક્યાંય પણ દેખાતા સ્ટાર્સ હવે સીધા સોશિયલ મીડિયા પર પહોંચે છે. જાદુ ખતમ થયો છે, કારણ કે સ્ટાર્સ પણ સામાન્ય માણસની જેમ જીવે છે એ વાત ખૂલી ગઈ છે. ડિમોનિટાઈઝેશન અને સરકારના આર્થિક સકંજાને કારણે સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ઠલવાતા બ્લેક મની બહુ ઘટી ગયા છે, બીજી તરફ વિદેશી સ્ટુડિયોઝ અને કોર્પોરેટને કારણે હવે ફિલ્મમેકિંગનો ટ્રેન્ડ અને એકાઉન્ટિંગ પણ બદલાયા છે. આઈએમડીબીને કારણે ફિલ્મના બધા જ આંકડા હવે ઇન્ટરનેટ પર મળી રહે છે. વિવાદ ઊભા કરીને ફિલ્મ ચલાવવાનો પેતરો પણ હવે જાણે જૂનો થઈ ગયો હોય એમ કોઈ વિવાદ અઠવાડિયાથી લાંબો ટકતો નથી! આલિયાની પ્રેગ્નન્સી હોય કે, રણવીરસિંહના નગ્ન ફોટોગ્રાફ્સની વાત, પ્રેક્ષક કે ફેનને હવે મજબૂત, મુદ્દામાં રસ છે! આનું એક કારણ કદાચ એ છે કે, નવી પેઢી અંજાઈ જવામાં માનતી નથી-અભિભૂત થતી નથી. 1990-95 પછી જન્મેલી પેઢી ગ્લોબલ સિટિઝન છે. એમની પાસે વિશ્વભરના સમાચાર સેલફોન પર ઉપલબ્ધ છે, યૂટ્યૂબ અને બીજી એપ ઉપર નવી પેઢીને બધું જ મળે છે-એટલે એમને પણ મનોરંજનની બાબતમાં સમાધાન કરવાની જરૂર નથી પડતી. આ જનરેશન પાસે મનોરંજન માટે જાતભાતની ગેમ્સ પણ ઉપલબ્ધ છે, એમણે માત્ર સિનેમા કે ઓટીટી પર આધારિત રહેવાનું નથી. ટૂંકમાં, મનોરંજનની આખી વ્યાખ્યા જ નવેસરથી લખવાનો સમય આવ્યો છે એમ કહીએ તો ખોટું નથી. ગયા અઠવાડિયે અક્ષયકુમારે એક સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો જેમાં એમણે પોતાના પ્રેક્ષકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયાના દુષ્પ્રચારથી દૂર રહીને ફિલ્મોનો બોયકોટ કરતા લોકોને સપોર્ટ ન કરવો જોઈએ. બીજી તરફ ‘લાલસિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા પછી આમીર ખાનના વિતરકોએ એમની પાસે પૈસા પાછા માગ્યા એવી વાત બોલિવૂડના બજારમાં સંભળાવા લાગી છે. કોરોના પછી મલ્ટિપ્લેક્સિસ બંધ થઈને મોલ થયા છે... થિયેટરની સંખ્યા ઘટી છે, એટલે ફ્રાઈડે-સેટરડે-સન્ડેના ઈનિશિયલની આવક પણ હવે પહેલાં જેવી નથી રહી. સિનેમાનું ઈકોનોમિક્સ ગૂંચવાયું છે. હજારો લોકોને રોજી આપતી આ ઈન્ડસ્ટ્રી પોતે જ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. પ્રિન્ટ મીડિયા અને ટેલિવિઝનની જેમ જ સિનેમાના માધ્યમને પણ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષમાંથી પસાર થવું પડશે. ⬛ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...