સહજ સંવાદ:ચૂંટણી 2022: વોટ ઇઝ ઇન અ નેમ-સરનેમ?

20 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • દરેક ધર્મ અને સંપ્રદાયમાં ભલે સામ્ય શોધાતું હોય, દરેક આસ્થાનું નિર્માણ પરિસ્થિતિ મુજબ થતું હોય એટલે સામ્યને બદલે અલગ ઓળખ રહેવાની

વિધાન ભલેને શેક્સપિયરનું હોય કે બીજાનું, વારંવાર તેની ચર્ચા થતી રહે છે. વાંક તો ફઇબાનો (હવે તો તેવું પણ રહ્યું નથી, નામનો કોઈ અર્થ જ ના હોય એવાં વિચિત્ર નામો પણ પાડવામાં આવે, કેટલાંક કંટાળીને નામફેર કરાવે. નોટિસ છપાવે (જોકે, તેના હેતુ બીજા પણ હોય છે.) કે અંકશાસ્ત્રી પાસે જઈને નામમાં એકાદ અક્ષર જોડે કે તોડે. ) પરંપરામાં કુટુંબની ઈચ્છા પણ અસર કરે. મારી એક વિદ્યાર્થિનીનું નામ બસલતા હતું. લતા તો ઠીક, પણ આ બસ ક્યાંથી જોડાયું? તેણે રસપ્રદ ખુલાસો કર્યો કે અમારા કુટુંબમાં હું ત્રીજું અને તે પણ કન્યા, સંતાન હતી. મા-બાપ થાકી ગયાં કે પુત્ર ના જન્મ્યો. એટલે ‘બસ, હવે’ એવું વિચારીને લતાની સાથે બસ જોડી દીધું. તમને યાદ હશે કે એક ચૂંટણીમાં ભાજપનું સૂત્ર હતું: ‘બસ, હવે તો ભાજપ!’ હવે તેનું રૂપાંતર બીજા પક્ષોએ ‘હવે અમને મોકો…’ એવું કરી નાખ્યું છે. ‘હવે’, ‘અબ’, ‘નાઉં’ આ દરેક ચૂંટણીમાં પ્રિય શબ્દાવલી રહે છે. પોતે જ નક્કી કરી લે છે કે અબ કી બાર, હમારી સરકાર’ પછી મતદાર ભલે ‘અબ કી બાર, આપ હી બેકાર’ વિચારતો હોય! અને આ નામો? પક્ષોનાં નામોની તો રસપ્રદ કહાણી છે. ચૂંટણી પંચના ચોપડે ચડેલાં આ નામો રાજકીય પક્ષોનાં છે: ‘વિપ્લવી બાંગ્લા કોંગ્રેસ’, ‘ડેક્કન કોંગ્રેસ’, ‘ગાંધી-કામરાજ કોંગ્રેસ’, ‘ઓલ ઈન્ડિયા ગરીબ કોંગ્રેસ’, ‘કામરાજ દેશીય કોંગ્રેસ’, ‘ભારતીય વિપ્લવી કોમ્યુનિસ્ટ પાર્ટી’, ‘બોલ્શેવિક પાર્ટી ઓફ ઈન્ડિયા’, ‘દલિત-મુસ્લિમ મહાસંઘ’, ‘ઓલ ઈન્ડિયા મજલિસે-ઇત્હા-ઉલ-મુસલમિન’, ‘મરૂમલાચી દ્રવિડ મુનેત્રકઝગમ’, ‘તમિલનાડુ ટોઈલર્સ પાર્ટી’, ‘કોમનવેલ પાર્ટી’, ‘હિસ્ટોરિકલ રિસર્ચ’, ‘ગાંધી સેવક સભા’, ‘શોષિત દલ’, ‘ઓલ ઈન્ડિયા જસ્ટિસ પાર્ટી’, ‘લોક સેવક સંઘ’, ‘પાંડવ દલ’, ‘રાઇઝિંગ સન પાર્ટી’, ‘સત સંઘ’, ‘વિજય શક્તિ’, ‘અભય ભારત’.… આ વખતે 2024 સુધીમાં બીજી હજારેક પાર્ટી ઊભી થશે અને ઘણી બાળમરણ પામશે. ગુજરાતની ધારાસભામાં જીતેલા પ્રતિનિધિઓનાં નામોમાં પણ વૈવિધ્ય છે, થોડાંક ઉદાહરણો આ રહ્યાં: સૂકાભાઈ, વેચાતભાઈ, ભેમાભાઇ, છનાભાઈ, પૃથ્વીરાજ, બુધાજી, ગબાભાઈ, તેરસિંહ…. અને બીજાં ઘણાં. પણ આ તો સામાજિક પરિવારિક પ્રક્રિયા છે અને તે રીતે નામ હોય છે. આવું જ અટક-સરનેમનું છે અને નામનું પણ છે. આગામી ચૂંટણી લડી રહેલાં કેટલાંક નામ અને અટક જુઓ. અંજારના ઉમેદવારની અટક છાંગા છે. નિષ્ઠાવાન શિક્ષક તરીકે પણ જાણીતા છે. ટંકારાના ઉમેદવાર દેથરિયા છે. રાજકોટને એક ટીલાળા મળ્યા છે, ખોડલધામ સાથે જોડાયા છે. બાવળીયા તો જાણીતા કોળી સમાજના પ્રતિનિધિ. જામનગરના રીવાબા જાડેજા છે. એક ઉમેદવાર દિવ્યેશ અકબરી છે. આમાં દિવ્યેશની સાથે અકબરી કઈ રીતે આવ્યું હશે તે શોધનો વિષય ગણાય. ખંભાળિયામાં મુળુ ‘બેરા’ અટક ધરાવે છે. પોરબંદરને બોખીરિયા મળ્યા છે. કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા અને માંગરોળમાં ભગવાનજી ‘કરગઠિયા’. ટીવી પર ભલભલાને હંફાવતા મહેશને કસ બતાવવા પક્ષે સાવરકુંડલા મોકલ્યા છે. ગઢડામાં ટૂંડિયા શંભુપ્રસાદ છે, એવું જ બીજું અનુયાયીઓ માટેનું નામ સ્વામી દેવકિશોર દાસજી. તેઓ જંબુસર વિસ્તારના ઉમેદવાર છે. કંડોરીયા અટક ધરાવતા એક ઉમેદવાર દ્વારિકામાં બેઠક લડે છે. પંડોરીયા, સાકરીયા, કરપડા, ભટાસના, સોરાણી, ભૂવા, બારસિયા, ખૂંટ, સખીયા, દોંગા, ત્યાગી, જુંગી, ભાદરકા, સતાસીયા, જોલીયા, ધાર્મિક, મોક્ષેશ… આ નામો અખબારોએ પ્રકાશિત કર્યાં છે. ચૂંટણી પંચે અંગ્રેજી યાદી આપી હશે તો તેનું આવડ્યું તેવું ગુજરાતી થયું હોય એવું બને. આ નામો અને અટકો બંને સમાજશાસ્ત્રના સંશોધન માટે ભારે ઉપયોગી છે. ગુજરાતી ભાષાના વિદ્વાન ડો. હરિવલ્લભ ભાયાણીએ કેટલાંક નામોના વ્યુત્પત્તિશાસ્ત્ર પર કામ કર્યું હતું. આંબેડકરને ગાંધીજી શરૂઆતમાં બ્રાહ્મણ સમજતા હતા. ભીમ શબ્દને લીધે તેવું હશે અથવા મોટા ભાગના સમાજસુધારકો જેઓ દલિત ઉદ્ધારનું કામ કરતા તે બ્રાહ્મણ હતા એટલે તેવું માન્યું હોવું જોઈએ. સમાજની પરખ નામ અને અટકથી ના થાય એ તો છેક વેદકાલીન પ્રબોધન છે. જ્ઞાન અને સંસ્કાર જ સાચી ઓળખ બની શકે. આવું જ આપણાં ગામોનાં નામોનું છે. સ્વ બાબુભાઇ પટેલ તેવાં નામોની યાદી આપતાં જે સ્ત્રી પુરુષ કે પતિપત્ની જેવાં ગામો છે. જેમ કે બારેજા છે તો બારેજડી પણ છે! આ બધાં રસ પેદા કરે તેવાં નામ સાથે તે વાત જોડાયેલી છે કે વ્હોટ ઈઝ ઇન અ નેમ? પણ આ એકાંગી ડહાપણ છે. નામોની પોતાની એક કથા હોય છે. રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, યુધિષ્ઠિર અને દુર્યોધન, કૈકેયી અને સુમિત્રા, તુલસીદાસ અને ઔરંગઝેબ… આ નામોનો એકબીજામાં બદલાવી નાખી શકાય? પુતિન સામ્ય શોધવાનું અને ઝેલેન્સ્કી વચ્ચે કેવો નામફેર અને સ્વભાવફેર છે? અરે, દરેક ધર્મ અને સંપ્રદાયમાં ભલે સામ્ય શોધવામાં આવતું હોય કે ‘ઈશ્વર, અલ્લા તેરો નામ…’ પ્રાર્થના ગાવામાં આવતી હોય, દરેક આસ્થા અને ઉપાસનાનું નિર્માણ પરિસ્થિતિ મુજબ થતું હોય એટલે સમાનતાને બદલે અલગ ઓળખ તો રહેવાના જ. ભૂગોળ, પરંપરા, જીવનશૈલી. ઇતિહાસ અને જરૂરિયાત જેવાં પરિબળો ભાગ ભજવે છે. શાંતારામની ફિલ્મનુ એક ગીત હતું, ‘તૂ પુરબ હો, હમ પશ્ચિમ હૈ, ઇન દોનો કા મેલ કભી મિલતા નહીં…’ ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ એન્ડ વેસ્ટ ઈઝ વેસ્ટ…’ આ કવિતા ભારતમાં બેસીને અંગ્રેજ કવિએ લખી હતી. એટલે ‘વ્હોટ ઈઝ ઇન અ નેમ’નું એક રસપ્રદ પરિબળ જાણી લીધાં પછી વિચારવાનું તે એ જ છે કે ઉમેદવારની ગુણવત્તા કેવી છે અને કયા પક્ષનું કેવું ચરિત્ર છે.⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...