રાગ બિન્દાસ:એજ્યુકેશનના એલાર્મની ચીસો: હાલો હાલો માર્કસ મેળવીએ!

21 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • સવાર સવારમાં અડધી ઊંઘમાં તમને કોઈ પૂછે કે ઔરંગઝેબને કેટલી વાઈફ હતી કે પાણીપતનું યુદ્ધ પાણીપતમાં જ કેમ થયું? તો બાળકને ભણતર પર નફરત જ થાય ને?

ટાઈટલ્સ જીવતરનો ત્રાસ કોઇપણ સાઇઝમાં મળી શકે છે. (છેલવાણી) રોજ સવારે આઠ વાગ્યે ઊંઘીને ઊઠવાવાળા છોકરાએ એના પપ્પાને એક સવાલ પૂછ્યો: ‘પરોઢિયું અને વહેલી સવારમાં શું તફાવત છે?' આ સીધાસાદા સવાલના જવાબમાં એના પપ્પા એને ખૂબ વઢ્યા. બાળક વિચારમાં પડી ગયો કે સવાલ તો આટલી નાની વાતમાં પપ્પા મને વઢ્યા કેમ? કદાચ એના પપ્પાને પરોઢિયું અને વહેલી સવારનો અનુભવ નહીં હોય! આતંકવાદીઓ જેમ બાળકોનાં કુમળાં મનમાં હિંસાનાં બીજ વાવે છે, એમ આપણે નાનપણથી જ બાળકને વહેલાં ઊઠી સ્કૂલે જવાનું શીખવીએ છે. છેને 24 કેરેટની ક્રૂરતા! સવાર સવારમાં અડધી ઊંઘમાં તમને કોઈ પૂછે કે ઔરંગઝેબને કેટલી વાઈફ હતી કે પાણીપતનું યુદ્ધ પાણીપતમાં જ કેમ થયું? તો બાળકને ભણતર પર નફરત જ થાય ને? હમણાં તો અત્યાચારની હદ થઇ ગઇ. એક સમાચાર જાણવા મળ્યા કે હરિયાણા શિક્ષણ વિભાગ તરફથી સરકારી સ્કૂલના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની આવનાર બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી વધારવા માટે ‘માસ એલાર્મ’ની પહેલ કરવામાં આવી છે. આ માટે આવનાર કેટલાક મહિનાઓ સુધી મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓના સંચાલકોને દરરોજ સવારે 4.30 વાગ્યે છોકરાઓને ઉઠાડવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા વિનંતી કરી છે! વળી, છોકરાઓના માતા-પિતાએ એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે તેઓ 4.30 વાગ્યે ઊઠી જાય અને 5.15 વાગ્યે ભણવાનું શરૂ કરી દે. ભણવામાં પૂરતું ધ્યાન આપી શકે એટલા માટે શિક્ષણ અધિકારીઓએ પંચાયતા વડાઓને પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી લાઉડ મ્યુઝિક અને પાર્ટીઓ ન કરવા માટે ભલામણ કરી છે. માર્ક્સ કમાવાની ગાંડી ઘેલછાનો આ ક્રૂર ક્લાઇમેક્સ છે! ધર્મસ્થળો પર લાઉડસ્પીકર વિશે વિરોધ, એ અલગ મુદ્દો છે પણ માત્ર ચંદ વિદ્યાર્થીઓ માટે આખા ગામમાં શોર? વળી, લાઉડસ્પીકર પર એલાર્મ વાગશે તો વિદ્યાર્થીઓની સાથે-સાથે બીજા બધાં પણ કારણ વિના જાગી જશેને? ભૂતકાળમાં અમે ગણિતની પરીક્ષાથી એટલા ડરતા કે આજેય અડધી રાતે ઝબકીને જાગી જવાય છે! એટલે ત્યાં હરિયાણામાં 10-12નાં બાળકોએ ભણવાનું પણ બાકીના લોકો વહેલી સવારે ઊઠીને કરશે શું? એકચ્યુઅલી, વહેલા ઊઠવા અંગે સમાજમાં બહુ મોટો ભ્રમ છે: વહેલા ઊઠે એ જ બધાં ગ્રેટ! તો પછી જે વ્યક્તિ રાત્રે મોડે સુધી લખે, વાચે, ગપ્પાં મારે કે મહેફિલોમાં ભટકે એ મહાન કેમ નહીં? શહેર એ જ, સડક એ જ, માણસો એ જ, ફરક માત્ર રાત અને દિવસનો, એમાં આટલો ભેદભાવ કેમ? રાતના રખડુઓ ‘નિશાચર' તો વહેલા ઊઠીને ગાર્ડનમાં વોક લેનારા ‘વનેચર' કેમ નહીં? અમુક ભોળાઓ માને છે કે વહેલા ઊઠવાથી સુંદર, કળાત્મક વિચારો આવે છે! એવું હોત તો બધા દૂધવાળા કે શાકવાળા લેખકો હોત ને આજે એમનાં પૂતળાં બન્યાં હોત! ઈન્ટરવલ યાર કો મૈંને મુઝે યાર ને સોને ન દિયા! (ખ્વાજા આતિશ હૈદર અલી) કહેવાય છે કે ‘રાત્રે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર!’ એટલે જે લોકો સવારે વોક પર જાય છે એ બધાં સરહદ પર લડતાં ‘વીર’ અને ચાદર ઓઢીને સૂતા હોય એ બધા ‘કાયર’ એમ? હવે નવું સ્લોગન બનાવવું જોઈએ: ‘વહેલા ઊઠે વીર, મોડા ઊઠે એ મહા-વીર!’ હા, જે લોકો નોકરી, ધંધા, અભ્યાસ કે ટ્રેન-વિમાન પકડવા વહેલા ઊઠે છે, એમને માટે અમને સહાનુભૂતિ છે, પણ માન તો નહીં! એ એમની મજબૂરી છે પણ મહાનતા તો નથી જ નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂરતી ઊંઘ લીધા વગર ઊઠવાથી હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે. આમ પણ આ કમબખ્ત દુનિયામાં વહેલા ઊઠીને કરવાનું શું? છાપામાં લોકશાહીનાં કાદવકૌભાંડો અને આતંકનાં ઓવારણાં લેતા સમાચારો વાંચવાના કે નેતાઓનો વલ્ગર વાણીવિલાસ સહન કરવાનો કે જેના પોતાના લગન ફેલ છે એવા કલાકારો કે લેખકો પાસેથી સંબંધો સાચવવાની-સૂફિયાણી સલાહ વાંચવાની? હું તો કહું છું સમજદાર લોકોએ હંમેશાં મોડા જ ઊઠવું જોઈએ. કારણ કે વહેલો ઊઠનાર ઉતાવળે સવારમાં માર્કેટમાં ખોટું રોકાણ કરીને પૈસા બરબાદ કરી શકે છે. જ્યારે મોડો ઊઠનારો આરામથી માર્કેટના ટ્રેન્ડ જોઈને નિર્ણય લેશે તો કમ સે કમ બરબાદ થવાથી તો બચી જાશે! સાહિત્યમાં પણ જોઈ લો. કોઈ નવલકથા કે વાર્તામાં વહેલી સવાર વિશે સારા સીન કે પ્રસંગો જોવા મળે છે? ‘અધર સાઈડ ઓફ મિડનાઈટ'ને બદલે ‘અધર સાઈડ ઓફ અર્લી મોર્નિંગ' નોવેલ લખાય અને કવર પર સુંદર કન્યાને બદલે, દૂધવાળો સાઈકલ પર જતો હોત એવું ચિત્ર હોય તો કોઈ એક કોપીય ખરીદે? પ્રેમમાંય માણસ આખીઆખી રાત જાગે જ છે ને? પણ કોઈ વહેલું ઊઠ્યું છે કોઈની યાદમાં? ‘મીઠાં લાગ્યા રે મુને આજના ઉજાગરા’ જેવાં જૂનાં ગીતો આજેય લોકપ્રિય છે, એની સામે આજ સુધી કોઈએ લખ્યું છે કે:‘વ્હાલા લાગ્યા રે મુને વહેલી સવારના વધામણાં?’ ઓશો રજનીશે નિદ્રાને પણ એક ધ્યાન-સમાધિ કહી છે. જોકે એમણે તો સંભોગથી સમાધિ સુધીની વાત પણ કરેલી પણ એના કરતાં આ નીંદરવાળી વાતને લીધે એ અમારાં પ્રિય વિચારક છે! દોસ્તો,મારું માનો તો મોડે સુધી સૂતા રહેવામાં પળભર તો પળભર પણ પરમ આનંદ છે. જો વહેલાં ઊઠીને એનું એ બોરિંગ ને દુઃખદાયક જીવતર જીવવાનું હોય તો પરાણે વહેલાં શું કામ ઊઠવાનું? કોઇ પેલા એલાર્મને બંધ કરાવો તો સાચી બાળકોની સેવા ગણાશે. એન્ડ ટાઈટલ્સ ઈવઃ તું જાગે છે કે ઊંઘે છે? આદમઃ બંનેની વચ્ચેનું! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...