રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે, રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’ ! રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા મરેલીના એક કવયિત્રીએ જબરદસ્ત મરશિયો લખ્યો છે... સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો, એટલું જ નહીં લગભગ દરેક માણસે એના વિશે ‘કંઈક’ લખ્યું છે, એટલે મને થયું કે, હું નહીં લખું તો રહી જઈશ! આ ‘રહી જવાની લાગણી’માંથી જન્મેલા કેટલાક શબ્દો માણસને ન કહેવાનું કહેવડાવી નાખે છે. ક્યારેક થાય કે, અધકચરી સમજણ સાથે આપણે લાગણીના ઉછાળામાં લખી નાખેલી વાત આપણે જ ગળવી પડે. સાંપ્રત સમાજના પ્રતિબિંબને ઝીલતી એમની વાત છાતી વલોવી નાખે, હૃદય ચીરી નાખે, માથું ફાડી નાખે ને આંખો નીચોવી નાખે એવી હોઈ શકે, છે! પરંતુ દરેક ઈમોશનલ વાત લોજિકલ નથી હોતી એ સત્ય ભારતીય જનસમાજને કોણ સમજાવે? આપણે બધા લાગણીમાં વહીને કોઈ કારણ વગર કેટલીક બાબતોની ચાલતી ગાડીમાં ચડી જનારા, હઈશો હઈશો કરીને ધક્કા મારનારા લોકો છીએ. વાતમાં કેટલું વજૂદ છે એ તપાસવા જેટલી ધીરજ અને ધગશ આપણામાં છે નહીં એટલે મરશિયો વાઈરલ થયા પછી ‘કવિ શું કહેવા માગે છે...’ એ વિશે કવિ અને બીજાઓએ ઘણી ચર્ચા કરી. ઉમાશંકર જોશી જ્યારે કોલેજમાં હતા ત્યારે એમની જ કવિતા એમના જ ક્લાસમાં ભણાવવામાં આવતી હતી. એમના પ્રોફેસર એ કવિતાનો અર્થ સમજાવતા હતા ત્યારે ઉમાશંકરભાઈ ઊભા થયા, ‘કવિ એમ નથી કહેવા માગતા...’ એમણે કહ્યું. ‘તું ચૂપ રહે. સાહેબ તું છે કે હું ?’ એમના પ્રોફેસરે પૂછ્યું હતું. કેટલીક કવિતાઓ કવિને પોતાને પણ સમજાય એ પહેલાં બીજાઓને સમજાઈ જતી હોય છે! સઈદ રાહીનો એક શેર, ‘મેરી દાસ્તાં કો જરા સા બદલ કર, મુજે હી સુનાયા સવેરે સવેરે...’ની જેમ સૌએ શબવાહિનીની વહેતી ગંગામાં પોતાના હાથ ધોયા છે. આજકાલ સરકારનો વિરોધ કરવાનો એક નવો ટ્રેન્ડ, નવી ફેશન ચાલી છે. કંઈ પણ ન થાય, ખોટું થાય, ભૂલ થાય તો એને માટે ‘સરકાર’ જવાબદાર છે. ઘરના નળમાં પાણી ન આવે કે હોસ્પિટલમાં ઓક્સિજન ન મળે, રેમડેસિવિરના બ્લેક માર્કેટ થાય કે કોઈ બે-ચાર હળતિયા-મળતિયા ટોકનની ગરબડ કરે તો પણ જવાબદાર તો સરકાર જ છે... ચાલો, એ જવાબદારી પણ સરકાર સ્વીકારી લે તો આ ‘સરકાર’ એટલે કોણ? બે જણાં? કે પછી એક આખી સિસ્ટમ જે આપણે જ, મતદારોએ વોટ આપીને ઊભી કરી છે. આમ જોવા જઈએ તો સરકાર ત્રણ વિભાગમાં વહેંચાય છે. કાયદો-વ્યવસ્થા, ન્યાય અને અમલદારશાહી. આ ત્રણેય પાંખ પોતાનું કામ બરાબર નથી કરતી એવી ફરિયાદ છેલ્લાં કેટલાંય વર્ષોથી કેટલીય પેઢીઓ કરી રહી છે. તેમ છતાં, આ દેશમાં ચૂંટણી થાય છે. લોકો વોટ આપે છે... રેલીઓમાં હોંશે હોંશે ભાગ લે છે અને જીતનું જશન મનાવે છે, પણ એ પછી કોઈ કજિયાળી સાસુની જેમ વાંધાવચકા તો ચાલુ જ રહે છે. આપણે બધા ગૃહિણીની ભૂલ કાઢવા ટેવાયેલા લોકો છીએ. મીઠું ઓછું છે કે ખાંડ વધારે છે કહેતા લોકોને ચા કે શાક બનાવવામાં પડતી મુશ્કેલી વિશે જાણ નથી, ને કદાચ હોય તો એમને એ મુશ્કેલી તરફ નહીં, પરંતુ શું નથી... કેટલું ખરાબ છે... અથવા કોને દોષ દઈ શકાય એ વિશેના કરમચંદ બનવામાં રસ છે! ઘરમાં દસ માણસની રસોઈ થઈ હોય અને દોઢસો જમવાના હોય તો શું થાય? સો જણાંની બેસવાની વ્યવસ્થા હોય એમાં પાંચસો ઘૂસી જાય તો શું થાય? અને આ દોઢસો કે પાંચસો માટે જેટલી સરકાર જવાબદાર છે એનાથી ઘણા વધુ આપણે જવાબદાર, ના બેજવાબદાર છીએ! વારંવાર માસ્ક પહેરવાની, સેનેટાઈઝ કરવાની કે ઘરમાં રહેવાની સૂચના પછી પણ આપણે જે કરી રહ્યા છીએ એ જોતાં ‘બિલ્લા રંગા’ તો આપણે પોતે જ છીએ ! જે સરકારને આપણે દોષ દઈએ છીએ એ પોતાના પ્રયાસ કરી રહી છે. પ્રયાસ ઓછા પડે છે કારણ કે, આપણે કોઈ કોરોના માટે તૈયાર નહોતા... આવા પ્રકારની મહામારી આવી શકે એની કલ્પના દુનિયામાં કોઈને નહોતી. ઈટાલી, બ્રાઝિલ કે યુરોપમાં પણ ‘બિલ્લા રંગા’ હોવા જોઈએ, નહીં તો ત્યાં આટલા મૃત્યુ કેવી રીતે થાય ? અમેરિકામાં પણ ‘બિલ્લા રંગા’ની પહોંચ હોવી જોઈએ, નહીં તો બાર મહિનાથી મૃતદેહો ફ્રીઝરમાં કેમ રહે? આખી દુનિયા તકલીફમાં છે, પ્રત્યેક દેશમાં, પ્રત્યેક રાજ્યમાં, પ્રત્યેક શહેર, ગલી, મહોલ્લા કે ઘરમાં મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે કોઈ બે જણાં, કે સરકારને જવાબદાર ઠરાવીને કદાચ સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસ માટે સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકાય, પરંતુ અંતે તો આપણે આપણી અણસમજ અને બેવકૂફીનું પ્રદર્શન જ કરીએ છીએ. જે જે લોકો સરકારને દોષ દે છે, એમણે પોતે કેટલાં ઘરમાં ટિફિન પહોંચાડ્યાં ? એમણે કેટલા ગરીબોને કિટ આપી ? કે એમણે કેટલા કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મદદ કરી ? આ લખતી વખતે હું મારી કામગીરીના આંકડા આપી શકું એમ છું. નિરંજન ભગતની કવિતા, ‘પથ્થર થર થર ધ્રૂજે...’ અહીં યાદ આવી જાય, ‘જેણે પાપ કર્યું ના એકે, એ પથ્થર પહેલો ફેંકે...’ આ શબ્દો અને આ સંવેદનાને કવિતા કહી શકાય. મીનપિયાસીની કવિતામાં એમણે છેલ્લી પંક્તિઓ લખી છે, ‘પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ-દુઃખ પૂછ્યું’તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું’તું? ગેંગે ફેંફે કરતા કહેશો, હેં હેં હેં હેં શું શું શું ?’ છેક નરસિંહ મહેતા સુધી જઈ શકાય, ‘અખંડ રોજી હરિના હાથમાં...’ પ્રભાતિયામાં એમણે લખ્યું છે, ‘દેવાવાળો નથી દૂબળો, ભગવાન નથી રે ભિખારી...’ અથવા અવિનાશ વ્યાસની કવિતા, ‘વદે ગોર, પંડ્યા, પૂજારીઃ કોઈ લઈ લ્યો રે ભગવાન! પ્રભુ તારી મંડાણી દુકાન...’ આ બધી કવિતાઓ છે. આમાં સંવેદના પણ છે, ઈમોશનનો ઊછાળો પણ છે... અને ધર્માંધતા કે જનસમાજની નિષ્ક્રિયતા, નિષ્ઠુરતા પ્રત્યે ઈશારો પણ છે... આશ્ચર્ય એ વાતનું છે કે, એમાં ક્યાંય કોઈ એક કે બે વ્યક્તિ પરત્વે આંગણી ચીંધવાની, પર્સનલ હુમલો કરવાની વાત નથી! મિહીર ભૂતાએ 13 મેની પોસ્ટમાં લખ્યું છે, ‘કવિતાઓ ગાળ ન હોઈ શકે, ગાળ એ કવિતા ન હોઈ શકે...’ પર્સનલ અટેક કરવો હોય તો પત્ર લખવાની, ફોન કરવાની કે નામ લઈને સીધી આંગળી ચીંધવાની હિંમત હોવી જોઈએ. જો એમ ન હોય તો કારણ વગર ચર્ચાના ચકડોળ પર બેસીને ગોળ ગોળ ઘૂમવાનો અર્થ નથી. કારણ કે, ચકડોળ ફેરવનારા નીચે ઊભા છે, ઊતર્યા પછી ફેર તો જે ઘૂમ્યા હશે એને જ આવશે! ⬛ kaajalozavaidya@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.