તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવવંતા ગુજરાતી:સોજિત્રાનાં અદ્દભુત સાયન્ટિસ્ટ ડો. નીતાબહેન પટેલ અમેરિકામાં બનાવી રહ્યાં છે કોરોનાની વેક્સિન

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમી ગરીબીમાંથી કાતિલ કોરોનાનો ખાત્મો કરવા વેક્સિન બનાવવામાં કાર્યરત

ગુજરાતીઓ વેપાર-ધંધો કરી જાણે.’ વર્ષોથી આ જ ઓળખ ગુજરાતીઓ માટે વપરાતી આવી છે, પરંતુ ડો. નીતા પટેલ સાત સમુંદર પાર પોતાના કામ થકી વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવામાં પોતાનો જંગી ફાળો આપી રહ્યાં છે. યસ, કોરોના વાઇરસની વેક્સિન બનાવી રહેલી અમેરિકાની ‘નોવાવેક્સ’ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં આ ગુજરાતી મહિલા વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સિનિયર ડાયરેક્ટર તરીકે સક્રિય છે. આ કંપનીની વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પાંચ મહિના પહેલાં બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી હતી. રોમાંચક વાત એ છે કે આ વેક્સિન તૈયાર કરવા અમેરિકન સરકાર તરફથી નોવાવેક્સ કંપનીને 1.6 બિલિયન ડોલરની સહાય મળી છે. આ વેક્સિન ડેવલપમેન્ટના પાયામાં રહેલાં 56 વર્ષીય ડો. નીતા પટેલ વિશે તેમના બોસ એક જ વાક્ય કહે છે, ‘શી ઇઝ જિનિયસ.’ આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબહેન માંડ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાને ટીબી થયો. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને આ રોગથી રીબાતા જોયા હતા. પરિણામે તેમના પિતા ફરી વાર કામે ચડી શક્યા નહીં અને પરિવાર કારમી ગરીબીમાં ધકેલાઈ ગયો. નાનપણમાં જ પિતાની કહેલી એક વાત નાનકડી નીતાએ ગાંઠે બાંધી લીધેલી કે મોટા થઇને ડોક્ટર બનવું અને ટીબીની દવા શોધવી. પરિવારની આર્થિક સ્થિતિ એવી ખરાબ કે રોજ ઉઘાડા પગે એકનાં એક કપડાં પહેરીને સ્કૂલે જવું અને બસના ભાડાના પૈસા પણ પાડોશી પાસેથી માગવા પડે, પરંતુ આ કઠણાઈઓ નીતા પટેલને તેમનાં ધ્યેય પરથી ચલિત કરી શકી નહીં. ભણવામાં તેજસ્વી એટલે એક પછી એક ધોરણની સીડીઓ પણ ફટાફટ ચડતાં ગયાં. સરકારી શિષ્યવૃત્તિઓએ પણ તેમનો રાહ આસાન કરી આપ્યો. નીતાબહેનની યાદશક્તિ ‘ફોટોગ્રાફિક’ છે. એટલે કે તેમની આંખ સામે એક વાર કોઈ વાહનની નંબર પ્લેટ કે ટેલિફોન નંબર આવી જાય, એટલે તેમના દિમાગમાં એ કાયમ માટે કોતરાઈ જાય! એ પછી તેમણે એક નહીં, પણ ડબલ માસ્ટર્સ ડિગ્રી મે‌ળવી, એક ભારતમાં અને બીજી અમેરિકામાં. એ પણ અનુક્રમે એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં અને આ સાથે સોજિત્રાની નીતા ડો. નીતા પટેલ બની ગયાં. પછી તો તેઓ અમેરિકાના જ એક બાયોકેમિસ્ટ સાથે લગ્ન કરીને ત્યાંના મેરીલેન્ડ રાજ્યના ગેઇધર્સબર્ગ ખાતે સ્થાયી થયાં અને જોબ શોધવાનું શરૂ કર્યું, પરંતુ સોજિત્રામાં પિતાને આપેલું વચન તેઓ ભૂલ્યાં નહોતાં. એમને ટીબી પર રિસર્ચ કરતી કંપનીમાં એ જ પ્રોજેક્ટ પર કામ કરવું હતું. ખાસ્સી મહેનત પછી એમને ‘મેડઇમ્યુન’ નામની એક નાનકડી કંપનીમાં કામ મળ્યું. આ કંપની કરતાં ક્યાંય વધારે પગાર તેમને બીજે મળતો હતો, પરંતુ આ પ્રોજેક્ટ તેઓ કોઈ કાળે છોડી શકે તેમ નહોતાં. 1990માં તેમણે આ જોબ સ્વીકારી ત્યારે એ કંપનીમાં તેઓ માત્ર 16મા એમ્પ્લોઇ હતાં. અત્યારે જોકે મેડઇમ્યુન કંપનીને એસ્ટ્રાજેનેકા (કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની)એ ખરીદી લીધી છે. એ કંપનીમાં તેમના બોસ રહી ચૂકેલા હેરેન વુ એસ્ટ્રાજેનેકાના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ છે. તેઓ ડો. નીતા પટેલ વિશે કહે છે, ‘એ અદ્્ભુત સાયન્ટિસ્ટ છે.’ દરેક સંઘર્ષમાં સફળતાની સાથોસાથ નિષ્ફળતા પણ હોય જ છે. જેમ કે, ડો. નીતા પટેલ જેના પર કામ કરતાં હતાં તેવી લાઇમ ડિઝીઝની એક વેક્સિન એની પહેલી ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં નિષ્ફળ ગઈ હતી. ‘રેસ્પિરેટરી સિન્સિશિયલ વાઇરસ’ (RSV) નામના રોગની એક દવા, જેના પર તેમણે કામ કરેલું, તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રિજેક્ટ કરી દીધી હતી. 2015ના અરસામાં નોવાવેક્સ નામની પ્રમાણમાં નાની ફાર્માસ્યુટિકલ કંપની પણ આ જ રોગની દવા પર કામ કરી રહી હતી. ડો. નીતાએ આ નિષ્ફળતામાં અવસર જોઇને નોનાવેક્સ જોઇન કરી લીધી. નવેમ્બર-2019થી કોરોનાએ ચીનના વુહાનની હદ વટાવીને દુનિયાભરમાં પોતાનો પંજો ફેલાવવાનો શરૂ કરેલો. ફેબ્રુઆરી-2020 મહિના સુધીમાં ભારત સહિત વિશ્વના ભલભલા દેશો જ્યારે આ ‘SARS-CoV-2’ એટલે કે નોવેલ કોરોના વાઇરસને ઓળખી રહ્યા હતા, ત્યારે ડો. નીતા પટેલે તેનું મારણ શોધવાની દિશામાં નક્કર પ્રયાણ કરી લીધેલું. તમામ મહિલા સાયન્ટિસ્ટોની બનેલી ડો. નીતાની ટીમે પ્રયોગશાળામાં 20 જેટલા પ્રોટીનનાં વર્ઝનનું ટેસ્ટિંગ કરી નાખેલું, જે શરીરને કોરોનાની સામેના પ્રતિકારક એન્ટિબોડીઝ તૈયાર કરવામાં મદદ કરતા હતા. હવે તેઓ એવો ટેસ્ટ તૈયાર કરવા પર કામ કરી રહ્યાં છે, જે વેક્સિન બનાવતા તમામ પ્લાન્ટમાં મટીરિયલની એકસરખી ચોકસાઈ પારખી આપે. આ વિનાશક વૈશ્વિક મહામારી પછી લેબોરેટરી જ ડો. નીતા પટેલનું બીજું ઘર છે. તેમનો જીવનમંત્ર છે, ‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ.’ આ માઇન્ડસેટનો પડઘો સોજિત્રાથી અમેરિકાના લીડિંગ સાયન્ટિસ્ટ બનવાની તેમની જીવનયાત્રામાં સંભળાય છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો