સોશિયલ નેટવર્ક:ડો. હેડગેવાર પ્રણિત દેશભક્તિની છ કસોટીઓ

કિશોર મકવાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસોટીએ ભારત અને ભારતીયોને નવી દિશા ચીંધી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. કેશવ બલીરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા અને સમાજ પ્રત્યે એમની સંવેદનશીલતા અત્યંત ગહન અને પ્રખર હતી. દેશભક્તિ એમના જીવનનો વ્યવહાર હતી. બાલ્યકાળથી પ્રગટ થયેલો એમનો આ પાવન, શુદ્ધ ભાવ એમના સમગ્ર જીવન દરમિયાન ઉજાગર થતો રહ્યો. ડો. હેડગેવારની તપસ્યા, નિઃસ્વાર્થ સાધના, નિર્ભયતા તથા અદમ્ય સાહસયુક્ત દિવ્ય ઝાંખીને આંકવા તથા માપવા અસંભવ છે! ડો. કેશવરાવ હેડગેવારે દેશભક્તિની છ કસોટીઓ પર જાતને કસી હતી. તે સાચા દેશભક્ત તરીકે ખરા ઊતર્યા અને 1925માં વિજયાદશમીના દિવસે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’નો પ્રારંભ કરી, દેશભક્તોના પ્રેરણાસ્રોત બની ગયા. એમણે રચેલી દેશભક્તિની છ કસોટીએ ભારત અને ભારતીયોને નવી દિશા ચીંધી. એક : જન્મભૂમિ પ્રત્યે આત્મીયતા : ડો. હેડગેવારે કહ્યું દેશભક્તિનો અર્થ છે – ‘આપણે જે ભૂમિ અને સમાજમાં જન્મ્યા છીએ તે ભૂમિ અને સમાજ પ્રત્યે લાગણી, આત્મીયતા અને મમતા હોવી જરૂરી છે.’ દેશભક્તનો જે ભૂમિ પર જન્મ થયો છે, તેને તે માતૃભૂમિ, પિતૃભૂમિ તથા પુણ્યભૂમિ માને છે. વેદકાળથી આજ સુધી નિરંતર સંભળાતો ઉદ્્ઘોષ –‘ભૂમિ મારી માતા છે, તેનો હું પુત્ર છું.’ બે : દેશ માટે સર્વસ્વ અર્પણ : દેશભક્તિનો અર્થ છે–સમાજના ઉત્કર્ષ, સમાજમાં સમતા-સમરસતા અને બંધુતા નિર્માણ કરવી, સમાજના ઉત્થાન માટે સર્વસ્વ સમર્પણ કરવાની ચેતના જગાડતી પ્રેરણાશક્તિ. દેશ પ્રત્યે આત્મીયતા, તેની સંસ્કૃતિ પર ગૌરવ, જીવનમૂલ્યો પ્રત્યે નિષ્ઠા કૃતિમાં પરિવર્તિત થાય એ જ એની ચરમસીમા છે – સર્વસ્વ સમર્પણ. ત્રણ : સમષ્ટિનિષ્ઠ જીવન : દેશભક્તિનો અર્થ છે,‘સર્વ’ના સુખની ચિંતા. દેશભક્ત માટે ‘હું’ અને ‘મારો’ પરિવાર આ વર્તુળમાં આવતા નથી. એનું આચરણ સમષ્ટિને સુખી બનાવવા માટેનું હોય છે. તે બધાના સુખમાં સુખી રહે છે. તેનો મંત્ર છે – પ્રાણીમાત્રના કલ્યાણની મંગળ કામના... આપણી પવિત્ર ભૂમિ ભારત, દેવતાઓએ જેના ગૌરવના ગીતો ગાયા એ જ આપણી મા છે. ચાર : પોતાની સંપૂર્ણ શક્તિ સમાજને ચરણે : દેશભક્તિનો અર્થ છે – વ્યક્તિગત આશા અને આકાંક્ષાઓને સમાજના ચરણે અર્પણ કરી પોતાની સમગ્ર શક્તિ કેવળ સમાજસેવામાં લગાવી દેવાનો કઠોર પ્રયાસ. પાંચ : જીવનપુષ્પ માતૃ ચરણોમાં : દેશભક્તિનો અર્થ છે – માતૃભૂમિનાં ચરણોમાં સમર્પિત અનન્ય નિઃસ્વાર્થ કર્તવ્ય-કઠોર જીવન, ફૂલોની માદક સુગંધસમ યૌવન, વિકાસ, ગુણોની હારમાળા, વાણીની મધુરતા, ભાવ, ઝમઝમ ઝણકાર તથા તાલ. દેશભક્ત આ બધું માતૃભૂમિનાં ચરણોમાં સમર્પિત કરે છે. છ : સમાજ એકાત્મભાવ : દેશભક્તિનો અર્થ છે – સંપૂર્ણ સમાજમાં એકાત્મભાવ. દેશને પ્રેમ કરનાર કે સમગ્ર હિંદુ સમાજનું હિત જોનાર કે સંગઠન કરનાર ક્યારેય જાતિવાદના વિષવમળમાં અટવાતો નથી. જેને હિંદુ સમાજનું સંગઠન કરવું છે તે સામાજિક વિષમતા પેદા કરનારી જ્ઞાતિવાદની રચનાને સ્વીકારી જ ન શકે. રાષ્ટ્રનો વૈભવ અને સુરક્ષા સમરસ સમાજથી જ સંભવ છે. વાસ્તવમાં, આપણું કર્તવ્ય એક જ હોય કે આપણી માતૃભૂમિ પ્રત્યે નિ:સ્વાર્થભાવે પૂર્ણ સમર્પિત થઇ સેવા કરીએ... ચાહતા હૂં દેશ કી ધરતી, તૂઝે કુછ ઓર ભી દૂં... ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...