આપણે આગળ જોયું કે ડો. બાબાસાહેબ આંબેડકરે પશ્ચિમી બુદ્ધિજીવીઓ અને ઇસાઇ મિશનરીએ ઘડેલી આર્ય-દ્રવિડ થીયરીને બોગસ-જૂઠી ગણાવી ભારત ભક્તિનું શ્રેષ્ઠતમ ઉદાહરણ રજૂ કર્યું. મૂળ નિવાસી સંકલ્પના અને આર્ય આક્રમણ વિચાર અંગ્રેજો અને પાદરીઓએ ભારતને જીતવા માટે ઘડેલી રણનીતિનો જ એક હિસ્સો હતી. ડો. આંબેડકર માટે ‘નેશન ફર્સ્ટ’ હતું. ડો. બાબાસાહેબ આંબેડકરે વિદેશી આચાર વિચારના આધારે દેશમાં અરાજકતા ફેલાવનાર ડાબેરી વિચારને પણ પોતાનો દુશ્મન માન્યો. ડો. આંબેડકરે ડાબેરીઓ માટે કહ્યું ‘કમ્યુનિઝમ પોતાની સ્થાપના માટે વિરોધીઓની હત્યા કરતા પણ આગળ પાછળ જોતા નથી. કમ્યુનિસ્ટ અરાજક છે, એમને હિંસાનો માર્ગ પ્રિય લાગે છે.’(ડો. આંબેડકર, વિશ્વ બૌદ્ધ સંમેલન, કાઠમંડું-નેપાળ, 20 નવેમ્બર, 1956) 1947માં દેશ સ્વતંત્ર થયો પછી પણ શિક્ષણતંત્ર પણ અંગ્રેજિયત માર્ગે મેકોલે પધ્ધતિથી ચાલતું રહ્યું પરિણામે માર્ક્સવાદી અને અંગ્રેજ માનસિકતાવાળા સેક્યુલરિસ્ટોએ પાઠયપુસ્તકોમાં પણ આર્ય આક્રમણની ખોટી વાતો ઘુસાડી દીધી. પરંતુ નવા સંશોધનોથી પુરવાર થયું કે આર્ય-અનાર્યની વાત અંગ્રેજોએ સત્તા ટકાવવા ઉપજાવી કાઢી હતી. એલીનોર ઝેલિયેટ જેવા અનેક વિદેશી લેખકોએ ડો. બાબાસાહેબના વિચારોને તોડીમરોડીને વિકૃત રીતે રજૂ કરી, ડો. આંબેડકરને ધરાર અન્યાય કર્યો. ડો. આંબેડકર ‘શુદ્રો કોણ?’ પુસ્તકમાં લખે છે: ‘આર્યોના આક્રમણ અંગેની કથા તો એકનવી જ શોધ છે. આ કથાની શોધનીઆવશ્યકતા પશ્ર્ચિમી વિદ્વાનોને એટલામાટે પડી કે એમને એ તથ્ય સિદ્ધ કરવું હતું કે આજના ‘ઈન્ડો-જર્મન લોકો જ આર્યોનાં મૂળ શુદ્ધ રક્તના છે. તેનું પ્રથમ વતન યુરોપમાં ક્યાંક હોવાની ધારણા છે. એટલે એમની સામે પ્રશ્ર્ન એ હતો કે આર્યભાષા ભારતમાં કેવી રીતે આવી ? આપ્રશ્ર્નોનો ઉત્તર શોધવા માટે પ્રથમ તો આર્યો બહારથી આવ્યા એ જ તારણ કાઢવું પડ્યું. બીજું, આર્યો યુરોપમાંથી આવ્યા એવી થિયરી પ્રચલિત કરવી પડી કારણ કે વર્તમાન યુરોપિયન જાતિ સર્વશ્રેષ્ઠ છે અને એશિયાવાસીઓ કરતાં તે ઉત્તમ છે, આ તથ્ય સ્વીકાર્યા પછી સર્વશ્રેષ્ઠતા પુરવાર કરવાનો આધાર શોધવાની જરૂરિયાત પેદા થઈ અને એટલે જ આ કથા એમને સહાયરૂપ પુરવાર થઈ.’ (સંપૂર્ણઅક્ષરદેહ ગ્રંથ-13, પૃષ્ઠ-88થી 122, પુસ્તક: શુદ્રો કોણ હતાં?) ડો. બાબાસાહેબ આંબેડકર આર્યો બહારથી ભારતમાં આવ્યા હતા વાત સદંતર નકારી કાઢે છે. તેઓ લખે છે: ‘આર્યો બહારથી આવ્યા છે અને દાસ-દસ્યુઓ ભારતના મૂળવાસીઓ છે એ વાત પણ સત્ય લાગતી નથી. પાશ્ચાત્ય વિદ્વાનોના સિદ્ધાંતો-મતોનોઅભ્યાસ કરતા આપણે કેટલાંક તારણો સ્પષ્ટ તારવી શકીએ છીએ કે, (1) વેદોમાં ‘આર્યને જાતિ તરીકે ક્યાંય ગણવામાં આવી નથી. (2) વેદોમાં એવો કોઈ પ્રસંગ કે ઉલ્લેખ નથી જેનાથી એવું સિદ્ધ થઈ શકે કે આર્યોએ ભારત ઉપર આક્રમણકરીને અહીંના મૂળવાસી દાસ અને દસ્યુઓની ઉપર વિજય મેળવ્યો. (3) આર્ય, દાસ અને દસ્યુ જાતિઓની અલગતાને સિદ્ધ કરવા માટે કોઈ સાક્ષી કે પ્રમાણ વેદમાં ઉપલબ્ધ નથી. (4) વેદમાં એવા મતનું સમર્થન કરવામાં આવ્યું નથી કે આર્યો દાસ અને દસ્યુઓ કરતા ભિન્ન રંગના હતા.’ (સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ-13, પૃષ્ઠ-88થી 122, પુસ્તક: શુદ્રો કોણ હતા?) ડો. આંબેડકર કહે છે: ‘આર્યો બહારથી આવ્યા અને દાસ તથા દસ્યુ જાતિઓને તેમણે પરાજિત કરી - આ સિદ્ધાંતનું સમર્થન કરનારા લોકોએ ઋગ્વેદના આ મંત્રો તરફ ધ્યાન આપ્યું નથી એવું લાગે છે.’ થોડા સમય પહેલા હરિયાણાના રાખીગઢીમાં જે માનવ કંકાલ મળ્યા તેના આધારે જે સંશોધન થયું અને તેમાં સંશોધકોએ પુરવાર કર્યું કે આર્ય જેવું કંઇ નથી. અહીં રહેતા બધાં ભારતના જ નિવાસી હતા. આર્ય-દ્રવિડ થિયરી એ પશ્ચિમી વિદ્વાનોએ બનાવેલો કાલ્પનિક ગુબ્બારો છે. રાખીગઢીના સંશોધને ડો. આંબેડકરની વાતને સાચી પુરવાર કરી કે આર્ય નામની કોઇ જાતિ જ નહોતી, બધા અહીંના જ નિવાસી હતા અને શૂદ્રો સૂર્યવંશી શાખાના રાજપૂત હતા.’⬛ namaskarkishore@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.