‘ મારે કે મારા પરિવારને સરકારી નોકરી સાથે દૂર દૂર સુધી લેવા દેવા નહોતા. સુરતના હીરાઘસુ પરિવારોની જેમ હું પણ હીરા ઘસવાનું જ વિચારતો હતો, પણ જીવન હંમેશાં આશ્ચર્યોથી જ ભરેલું હોય છે.’ ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસના યુવા અધિકારી ડો. અલ્પેશ માણીયા પોતાના જીવનમાં આવેલા વળાંકોની વાત કરે છે. અલ્પેશભાઈ મૂળ ભાવનગરના. માતા સવિતાબહેન અને પિતા ધરમશીભાઈ. સૌરાષ્ટ્રમાંથી સુરત માઈગ્રેશન થયું ત્યારે પરિવારે ખેતી છોડી હીરાકામ અપનાવ્યું.
‘નાનપણમાં એક ઘટના ના બની હોત તો મારા સિવિલ સેવાના પાયા નખાયા જ ન હોત. સુરતના ઘરમાં પ્રદીપકાકા છાપું નાખતા. મારા ઘરે છાપાં વાંચવાની ટેવ નહોતી કોઈને. અમે તેમને કહ્યું કે હવેથી છાપું ન નાખતા, પણ પ્રદીપકાકાએ કહ્યું કે વર્ષોથી આ ઘરે નાખું છું તો હજી પણ નાખીશ. ભલે પૈસા ના આપતા. હું ચોથામાં હતો. પ્રદીપકાકાની જીદ રોજ સવારે આખી દુનિયાના સમાચાર મારા ફળિયે આવવામાં નિમિત્ત બની. વાંચવાનો શોખ ત્યાંથી લાગ્યો. આ ઘટના ના ઘટી હોત તો કદાચ જીવન જુદું હોત. પાસ થઇ ગયા પછી સૌથી પહેલો હું પ્રદીપકાકાને જ મળ્યો.’ અલ્પેશભાઈ બાળપણમાં જ ટાઈમ ટ્રાવેલ કરાવે છે. દસમું ધોરણ પત્યું ત્યારે સુરતના હીરા ઘસવાના કલ્ચર પ્રમાણે રિઝલ્ટ આવે ત્યાં સુધી ફેક્ટરી પર હીરા પણ ઘસ્યા. ટકા સારા આવ્યા તો સાયન્સ લીધું. પછી કિસ્મત વાઘોડિયા લઇ આવી અને ત્યાંથી તેમણે ડેન્ટિસ્ટ્રીનો અભ્યાસ પૂરો કર્યો. ઇન્ટર્નશિપ દરમિયાન ગરીબ અને આદિવાસી વિસ્તારના દર્દીઓ સાથે મળવાનું થયું. સરકારની કામગીરીની વ્યાપકતા વિશે ખ્યાલ આવ્યો. એક ડોક્ટર તરીકે એક દર્દીને મદદ કરવાનો જે સંતોષ હોય તો એક અધિકારી તરીકે સમાજને મદદરૂપ થવાનો સંતોષ કેટલો હોય! થોડી જાણકારી મેળવી અને આમ શરૂઆત થઇ, ડો. અલ્પેશની સિવિલ સેવાની સફરની. જે ઘરમાં દસમું એટલે ઘણું કહેવાય, એ ઘરનો દીકરો ડોક્ટર થાય અને હવે સિવિલ સેવા જેવી અનિશ્ચિતતા તરફ જવાનું નક્કી કરે તો પરિવાર ચિંતિત થાય જ. પણ ડો. અલ્પેશે સ્પીપાની પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી. આ પરીક્ષાની સફળતાએ ઘરના સભ્યોને થોડા નિશ્ચિંત કર્યાં.
ડો. અલ્પેશે પાંચ ઇન્ટરવ્યૂ આપ્યા છે. જે વાંચે એ રસપૂર્વક વાંચે. બંધારણ વિશે વાંચવાનું ચાલુ કર્યું ત્યારે એક જ અઠવાડિયામાં એનું પુસ્તક પૂરું કરી નાખ્યું. સમજણ કેળવી. બીજા વિષયો વાંચ્યા. પ્રીલિમ્સ પાર કરી. CSAT ની તૈયારી પણ ઉપયોગી નીવડી. રસપ્રદ વાત એ છે કે જે વર્ષે પરીક્ષા પાસ કરી એ વર્ષે ટેક્નિકલ કારણોસર પ્રાલિમ્સના એક દિવસ અગાઉ જ કોલલેટર મળ્યો હતો. ડો. અલ્પેશનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. તેમણે લખવાની બહુ પ્રેક્ટિસ નહોતી કરી. મારી આ એક ભૂલ છે તેવું તેઓ કહે છે, પણ મેઈન્સમાં ક્રિકેટના શોખીન ડો. અલ્પેશની બેટિંગ ધમાકેદાર રહી. જવાબોને ભાષાના ભરડામાં ગૂંગળાવાને બદલે અર્થ અને વિષય વિસ્તાર થઇ શકે તેવું લખાણ. મુદ્દાસર લખવાનું. આડીઅવળી કામ વગરની વાતો નહીં લખવાની. પરિણામે ગુજરાતી સાહિત્ય અને જનરલ સ્ટડીઝના પેપરમાં તેઓ ઉત્તમ પ્રદર્શન કરી શક્યા. પર્સનાલિટી ટેસ્ટના તબક્કા પણ રોચક અનુભવોથી ભરેલા છે. ધોલપુર હાઉસની પુરાતન ઇમારતની અંદર પુછાતા સવાલો ભારતના ભાવિ અધિકારીઓ માટે તકનો દરવાજો ખોલે છે. ઇન્ટરવ્યૂના એ છેલ્લા તબક્કા સુધી પહોંચતાં પહોંચતાં જ ઉમેદવાર કેટલીય કસોટીઓ પર કસાઈ ચૂકયો હોય છે. ડો. અલ્પેશને પણ અલગ અલગ વિષયો પર સવાલો પૂછાયા. ગ્રિડ ફેલ્યોરથી માંડીને ડેન્ટિસ્ટ્રી અને ઇન્ટરનેશનલ રિલેશન્સ સુધી તેઓ જવાબો આપતા રહ્યા. શાંત મગજે પ્રામાણિકતાથી જવાબ આપવાની કળા વિકસાવવી પડે. તેમની મહેનત ફળી. તેમણે સિવિલ સેવા પરીક્ષાનો લક્ષ્યવેધ કરી લીધો. અંતે ઇન્ડિયન કોર્પોરેટ લો સર્વિસ માટે તેમની પસંદગી થઇ. દેશમાં કોર્પોરેટ સેક્ટર પારદર્શકતાથી કામ કરી શકે તે માટેની વહીવટી અને કાયદાકીય જવાબદારીઓ તેમને નિભાવવાની હોય છે. તેમનું પહેલું પોસ્ટિંગ ઓડિશા ખાતે થયું. લેભાગુ કંપનીઓને તાળાં મારવાથી માંડીને છેતરામણી જાહેરાતોથી લોકોના ખોટા પૈસા પડાવતી કંપનીઓને પકડવાના કામ તેમણે કર્યા. હાલ તેઓ ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફ કંપની તરીકે મુંબઈ ખાતે ફરજરત છે. ક્રિકેટ અને મેડિટેશને તેમને ખૂબ સાથ આપ્યો. પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાને દરેક નાગરિક વરે તો દેશની પ્રગતિ કોઈ રોકી શકે નહીં, એવું એમનું માનવું છે. પોતાની સફળતા માટે મિત્રો અને પરિવારને શ્રેય આપતાં ડો. અલ્પેશની યાત્રા સૌ માટે પ્રેરણારૂપ છે. ⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.