મનનો મોનોલોગ:લાયકાત અંગેના મનોમંથનને શંકા કહેવાય કે સભાનતા?

25 દિવસ પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • પોતાની લાયકાત વિશે સભાન બનવા માટે બૌદ્ધિક વિનમ્રતા જોઈએ

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ. એટલે કે આપણી લાયકાત કે ઉપલબ્ધિઓ વિશે શંકા થવી. એટલું જ નહીં, ક્યારેક તો આપણી ઓળખ પણ મિથ્યા લાગવી. સખત પરિશ્રમ પછી કોઈ સભા, પદ, સન્માન કે પુરસ્કાર મળ્યું હોવા છતાં મનમાં સતત એવી શંકા રહેવી કે આપણે તેના અધિકારી નથી. આપણી લાયકાત કરતાં આ માન, ઉપલબ્ધિ કે સફળતા અનેકગણી વધારે છે. મોટા ભાગના લોકો આનાથી ઊલટું અનુભવતા હોય છે. તેમને લાગે છે કે જે સન્માન કે સફળતાના તેઓ અધિકારી છે, એ તેમને હજુ મળ્યાં જ નથી. એનાથી તદ્દન વિપરીત એ લોકો હોય છે જેઓ સફળ હોવા છતાંય તેમને પોતાની જ લાયકાત અંગે સવાલો થયા કરે છે. આવું શું કામ થવું જોઈએ? એક વાર રસ્તા પરથી પસાર થતી વખતે મેં એક મોટા ગજાના અને સિદ્ધહસ્ત લેખકનું હોર્ડિંગ જોયું. મને બહુ જ ગમ્યું. મેં તાત્કાલિક એ હોર્ડિંગનો ફોટો પાડીને લેખકને મોકલ્યો. એમનો રીપ્લાય આવ્યો, ‘it’s just a fluke’. (મતલબ કે સદ્્ભાગ્યવશ સાંપડેલું). મેં એમને લખ્યું, ‘આ fluke મેળવવા માટે કેટલી બધી મહેનત કરવી પડી હશે!’ સફળતા માટેનો કોઈ શોર્ટકટ નથી હોતો અને છતાં શિખર પર પહોંચી ગયેલા લોકોને એવું લાગે છે કે આ સફળતા તેમની લાયકાત કરતાં વધારે છે. એનો અર્થ એ નથી કે માત્ર ભાગ્યના જોરે તેઓ આટલે ઉપર પહોંચી શક્યા. એનો અર્થ એ છે કે પોતાને મળેલી પ્રસિદ્ધિ, પ્રશંસા અને સફળતા અંગે તેઓ સતત સભાન છે અને આ સભાનતા જ તેમને વધારે આગળ લઈ જાય છે. હકીકતમાં, સફળતા ત્યારે જ મળે છે જ્યારે વર્ષો સુધી કરેલી મહેનત ભુલાઈ ગઈ હોય છે. એ સંઘર્ષ, તકલીફો અને પ્રયત્નોને એટલો બધો સમય વીતી ચૂક્યો હોય છે કે જ્યારે ખરા અર્થમાં ઉપલબ્ધિઓ મળે છે ત્યારે આપણને એ ભાગ્યવશાત લાગે છે. ઈમ્પોસ્ટર સિન્ડ્રોમની ગણના મનોરોગમાં નથી થતી. તે એક પ્રકારનો intellectual self-doubt છે. પણ વ્યક્તિગત રીતે, એને લાયકાત વિશેની શંકા ગણવા કરતાં હું લાયકાત વિશેની સભાનતા કહીશ. અલબત્ત, પોતાની લાયકાત વિશે સભાન બનવા માટે બૌદ્ધિક વિનમ્રતા જોઈએ. ઘમંડી લોકો ક્યારેય સભાનતા ન કેળવી શકે. જે સભા, પાર્ટી કે મહેફિલમાં જવાનું મને આમંત્રણ મળ્યું છે, એમાં ભાગીદાર થવા માટે શું ખરેખર હું લાયક છું? એવું જે વિચારે છે, એ સભાન છે. જેઓ પોતાની પાત્રતા અંગે આત્મમંથન કરે છે, એ સભાન છે. આ નાલાયક હોવાની કે જાતને ધિક્કારવાની વાત નથી. આ પોતાની યોગ્યતા અંગે સતત વિચારશીલ રહેવાની વાત છે. પ્રિય કવિ સ્નેહી પરમારે સભાપાત્રતા અંગેની એક અદ્્ભુત ગઝલ આપી છે. એમાંના એક શેર પર આફરીન થઈને આ સંદર્ભમાં રજૂ કરું છું. ‘એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.’ પોતાની લાયકાત અંગે પ્રશ્ન કરવા માટે પણ લાયકાત જોઈએ અને એ લાયકાત જેનામાં હોય, એ ખરો અધિકારી. જેમ જેમ વધારે વાંચતાં જઈએ, તેમ તેમ સમજાતું જાય કે આપણને કેટલું બધું નથી આવડતું! પર્વત ચડવાની શરૂઆત કરીએ, એટલે આપણું કદ વામણું થતું જાય. એ સમયે તળેટીમાં ઊભેલા લોકોને જોઈ ઘમંડ કરવાને બદલે, હજુ કેટલું ચઢાણ બાકી છે એનો વિચાર કરીએ તો સભાનતા આપમેળે આવી જાય. અધિકારપૂર્વક મળ્યું હોય તેથી શું? પાત્રતા વિશેનું મનોમંથન બહુ જરૂરી હોય છે. એ આપણને વિનમ્ર રાખે છે. કોઈ ઊંચાઈએથી નીચે પટકાવાનો ડર એમને જ લાગે છે, જેઓ ઊંચાઈ પર હોવાનો દાવો કરે છે. જેઓ જમીન પર ચાલે છે, તેમને આ ડર નથી લાગતો.

અન્ય સમાચારો પણ છે...