ડૂબકી:તારી બેડલીને બૂડવા નહીં દઉં

8 મહિનો પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક
  • આપણે માત્ર આપણી પ્રગતિ અને ભૌતિક સુખાકારી માટે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતાં પ્રકૃતિનાં અન્ય તત્ત્વોનો ભોગ લીધો છે

વૃક્ષ-બચાવ આંદોલન ‘ચિપકો’ના પ્રણેતા અને પર્યાવરણની રક્ષાના ભેખધારી સુંદરલાલ બહુગુણાનું થોડા દિવસ પહેલાં અવસાન થયું. પર્યાવરણ અને વૃક્ષોની જાળવણીનું મહત્ત્વ ફરી તાજું થયું. એ સંદર્ભમાં જેસલ-તોરલની જાણીતી કથા અલગ રીતે યાદ આવી. ખૂનખાર બહારવટિયો જેસલ કાઠી રાજાની ઘોડી તોરીની ચોરી કરવા ગયો અને ઘોડીની સાથે સતીરાણી તોરી – તોરલને મેળવી કચ્છ પાછો આવવા નીકળ્યો. રસ્તામાં સમુદ્ર પાર કરવા વહાણમાં બેઠાં. મધદરિયે ભયાનક તોફાન શરૂ થયું. જેસલને ભય લાગ્યો કે એનું વહાણ ડૂબી જશે. સામે મૃત્યુ દેખાતું હતું. જેસલ થરથર કાંપવા લાગ્યો. સતી તોરલ શાંતિથી બેઠી હતી. એના મોંઢા પર દિવ્ય તેજ જોઈ જેસલને ખાતરી થઈ ગઈ કે એ સામાન્ય સ્ત્રી નથી. એ તોરાંદેને વિનવવા લાગ્યો કે એને બચાવી લે. તોરલ કહે છે : ‘તારાં પાપોનો એકરાર કર, તારો ધરમ શું છે તે સંભાર, હું તારી બેડલીને બૂડવા નહીં દઉં.’ જેસલ સાચા દિલથી એનાં પાપ કબૂલે છે. એનામાં રહેલાં દુષ્ટ તત્ત્વો ધોવાઈ જાય છે અને હૃદયપરિવર્તન થાય છે. ‘જેસલ જગનો ચોરટો તે જેસલ જગનો પીર’ બને છે. માનવોના પાપાચારની યાદી લાંબી છે. કહેવાયું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ-અભિમાન, વેરભાવ, ઇર્ષ્યા જેવા અવગુણો માણસની સદ્-વૃત્તિને ધૂંધળી કરી નાખે છે અને એ ન કરવાનાં કામ કરે છે. માણસજાતે સ્વાર્થ માટે ધરતીમા અને પ્રકૃતિનાં તત્ત્વો પર અક્ષમ્ય દુષ્કર્મ કર્યાં છે. જેસલ એનાં પાપોની યાદીમાં કહે છે તેમ, એણે ‘સાતવીશું મોડબંધા મારીયા’, ‘હરણાં હણ્યાં લખ ચાર’, ‘ત્રોડી સરોવર-પાળ.’ આ પાપો પર નજર નાખીશું તો માનવોએ કુદરત પર કરેલા અત્યાચારના પડઘા સંભળાશે. આપણે મોડબંધા વરરાજા જેવાં વૃક્ષોની ખુલ્લેઆમ કતલ કરી છે, વનનાં પ્રાણીઓને હણી વન્યજીવનનો નાશ કર્યો છે. સરોવરપાળ તોડવાનો અર્થ એટલે કુદરતી જળસ્રોત સાથે ચેડાં કરવાં જેવા ગુના કર્યા છે. પર્યાવરણનો નિર્દયતાથી વિનાશ કર્યો છે. એ બધું જ આપણે કહેવાતા વિકાસના નામે કર્યું છે. ઇઝરાયેલના વિદ્વાન ઇતિહાસકાર યુવલ નોઆ હરારીની વાત ફરી એક વાર યાદ કરીએ. માનવજાતના વિકાસના ઇતિહાસના આલેખનના અંતે એમને જે દેખાયું એનો સારાંશ છે : અત્યાર સુધી માનવોએ ગર્વ લઈ શકાય એવાં બહુ ઓછાં કામ કર્યાં છે. આપણે માત્ર આપણી પ્રગતિ અને ભૌતિક સુખાકારી માટે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતાં પ્રકૃતિનાં અન્ય તત્ત્વોનો ભોગ લીધો છે. આ સત્યની વેદના પહાડો અને જંગલોમાં વસતા આદિવાસીઓથી વધારે કોણ જાણે? કેટલાક આદિવાસી કવિ-સર્જકોનાં લખાણોમાં એ પીડા તીવ્રપણે વ્યક્ત થઈ છે. મહાદેવ ટોપ્પો નામના કવિ કહેવાતા સભ્ય સમાજના લોકોને પૂછે છે : ‘તમારામાંના કેટલાને જંગલનાં ઝાડનાં નામ આવડે છે? તમે એનાં પાંદડાં, મૂળિયાં વિશે શું જાણો છો? કીડી અને કરોળિયા વિશે તમારી પાસે શી માહિતી છે? આદિવાસીઓ એવું બધું જાણે છે, છતાં તમે એમને ઉતારી પાડો છો?’ કુદરતનાં તત્ત્વોનો ઉપાસક આ કવિ કહે છે : ‘હું જંગલનો કવિ છું. હું વૃક્ષો વાવીશ અને કવિતા પણ વાવીશ.’ ઝારખંડની આદિવાસી કવયિત્રી જસિંતા કેરકેટ્ટાએ એમની એક કવિતામાં મૂળ ભૂમિમાંથી ફરજિયાત ઊખેડી નાખવામાં આવતા આદિવાસીઓની પીડા વ્યક્ત કરી છે. એ કવિતામાં પોતાનું વતન, માટી અને ઘાસથી આચ્છાદિત ઝૂંપડીઓ છોડીને જવું પડતું હોય એવા આદિવાસીઓ વિકાસનાં પ્રતીક જેવાં શહેરોને પ્રશ્ન પૂછે છે : ‘ક્યા તુમ કભી ઉજડે હો કિસી વિકાસ કે નામ પર?’ મુન્ડા જાતિના કવિ-લેખક અનુજ લુગુન કહે છે : ‘પહાડની આ બાજુ જંગલ છે અને પેલી બાજુ વાઘ છે. એ બાજુ રાજધાનીઓ આવેલી છે.’ જંગલના નિવાસીઓને સાચા વાઘનો ડર લાગતો નથી, એમને ડર લાગે છે માણસના સ્વાંગમાં કોઈ પણ ઘડીએ ત્રાટકવા મોઢું ફાડી ઊભેલા પૂંજીપતિઓ, શાસકવૃત્તિના લોકો અને પોતાને સભ્ય માનતા સમાજરૂપી વાઘોનો. માનવજાતે કુદરત પર કરેલા પાપાચારનો કોઈ હિસાબ નથી. એને કારણે માનવોએ અનેક આપત્તિઓનો સામનો કરવો પડ્યો છે, ચેતીશું નહીં તો ભવિષ્યમાં પણ આપત્તિઓ આવશે. મધદરિયાની વચ્ચે વહાણ ડૂબવાની તૈયારી હોય, છતાં આપણી આંખ ઊઘડતી નથી. પાપોનો એકરાર કરી પસ્તાવો કરવાની પ્રમાણિકતા આપણે ગુમાવી બેઠાં છીએ. અસંવેદનશીલતા આપણો મહારોગ બની ગયો છે અને એના વાઇરસથી કોઈ બચી શકતું નથી. સતી તોરલની જેમ સાચા માર્ગે દોરે એવું કોઈ આપણી હોય તો એ ભરોસો દઈ શકે : ‘તારી બેડલીને બૂડવા નહીં દઉં.’⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...