તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પોર્ટ્સ:શું શ્યામ રંગ સમીપે ન જાવું?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ચામડીના રંગને લીધે અપૂરતી તક કે સાથી/વિરોધી ટીમના ખેલાડીઓ દ્વારા થતી વંશીય ટિપ્પણી બંધ થવી જોઈએ

વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર અને લેજન્ડરી ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગનું પુસ્તક ‘Why we kneel and how we rise’ ચર્ચામાં છે. હોલ્ડિંગે આ પુસ્તક થકી દુનિયાભરમાં અને ખાસ કરીને રમતજગતમાં કેટલી હદ સુધી રંગભેદનું કલંક પ્રસરેલું છે તેની ઉપર પ્રકાશ પાડ્યો છે. હોલ્ડિંગે સ્પષ્ટ રીતે સંદર્ભો ટાંકીને પોતાનો મત રજૂ કર્યો છે કે જેટલા પણ ખેલાડીઓએ રંગભેદ વિશે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, તે બધા લોકોની કારકિર્દી અકાળે સમાપ્ત થઇ ગઈ છે. સમાજમાં રંગભેદ એટલી હદે પ્રસરેલો છે કે જો કોઈ વ્યક્તિ પોતાને થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવે તો સમાજ એકજૂથ બનીને તેનું નિરાકરણ લાવવાને બદલે તે વ્યક્તિને સમાજ બહાર કરી દે છે. અમેરિકન ફૂટબોલમાં કોલીન કેપરનિક, ક્રિકેટમાં માઈકલ કારબેરી, યોર્કશાયર ક્રિકેટ ક્લબના અઝીમ રફિક જેવાં ઉદાહરણો આપણી સામે છે. ભારતની ઓસ્ટ્રેલિયા ટૂરમાં મેચ જોવા આવેલ એક દર્શકે મોહંમદ સિરાજ ઉપર જાતીય ટિપ્પણી કરી હતી, તે છૂપું નથી. હમણાં ગયા મહિને ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન ચાલુ મેચમાં પોતાના ડેબ્યુની ક્ષણો વાગોળી રહ્યો હતો, ત્યારે સોશિયલ મીડિયામાં સાતેક વર્ષ અગાઉ તેણે કરેલી ટ્વિટ વાઇરલ થઇ રહી હતી. હોલ્ડિંગ પુસ્તકમાં લખે છે કે રમતજગત તો ઠીક, સામાન્ય જનજીવનમાં પણ રંગભેદની અસર એટલી છે કે તે જાહેર વર્તણુકમાં આંખે ઊડીને વળગે છે. તે ઉદાહરણ આપતાં જણાવે છે કે જો બે વ્હાઇટ લોકો રસ્તા પર જતા હોય અને તેઓ સામેથી કોઈ બ્લેક માણસ તેમની દિશામાં આવતો જુએ તો તેઓ તેનાથી બને તેટલી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. આ એક સામાન્ય ઘટના છે, પણ આ જ હકીકત વર્ષોથી તેમના મનમાં છૂપી હોય છે કે શ્યામવર્ણીય વ્યક્તિ મોટે ભાગે ગુનેગાર હોય છે. ડેરેન સેમીએ થોડા સમય પહેલાં આઈસીસી દ્વારા પ્રાયોજિત એક ઓનલાઇન લેક્ચરમાં પોતાની વાત મૂકતા કહ્યું કે જેમ એન્ટિ ડોપિંગ કે પછી એન્ટિ કરપ્શન જેવા વિષયો પર ટ્રેનિંગ આપવામાં આવે છે કે પછી તેનાથી માહિતગાર કરાવવામાં આવે છે, તે જ રીતે એન્ટિ રેસિઝમ વિશે પણ ખેલાડીઓને માહિતી આપવામાં આવે તો જ કાળક્રમે ક્રિકેટમાં રેસિઝમનો અંત આવશે. સેમીના મત મુજબ ખેલાડીના બાળપણથી લઈને ઇન્ટરનેશનલ લેવલ પર તે ક્રિકેટ રમતો થાય ત્યાં સુધી રેસિઝમ જેવા વિષય પર કોઈ વાત નથી કરતું. ભલે તે જાતિવાદી શબ્દો હોય કે ન હોય કે પછી એવા શબ્દો સંસ્કૃતિ કે જીવનશૈલી કે રોજિંદી જિંદગીનો એક ભાગ હોય, તેવા શબ્દોને ટાળવા જોઈએ. તમામ ખેલાડીઓ પોતપોતાની રીતે મહેનતથી આગળ આવે છે અને તેમને માત્ર તકની જરૂર હોય છે. જ્યારે ખેલાડી રમતના સૌથી ઊંચા સ્તરે પરફોર્મ કરવા માગતો હોય ત્યારે રેસિઝમને કારણે મનોમન અન્યાયની લાગણીથી ઘવાય છે. રંગભેદ વિશે વાત કરવી ખૂબ અગત્યની છે. ફોર્મ્યુલા વનનો રેસર ડેનિયલ રીકાર્દો કે પછી ઈંગ્લિશ પ્રીમિયર લીગના ફૂટબોલર્સ પણ આ મુદ્દાને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. હશે! જાગ્યા ત્યારથી સવાર. આ મુદ્દાને લીધે હવે વધુ સહન કરવાની તૈયારી અત્યારે કોઈની નથી. માત્ર ચામડીના રંગને લીધે અપૂરતી તક કે પછી સાથી/વિરોધી ટીમના ખેલાડીઓ દ્વારા થતી વંશીય ટિપ્પણી બંધ થવી જ જોઈએ. રમતનો સંદેશ એકતા હોવો જોઈએ, વિભાજન નહીં.⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...