તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબકી:એ જયજયકાર બોદો નહ હોય

વીનેશ અંતાણી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક દિવસ ઢોલ-ત્રાંસા વાગશે, પરંતુ એ કોરોનાની મહામારી સામે મેળવેલા ‘સાચા’ વિજય સરઘસની પ્રામાણિક ઉજવણીનાં હશે

આજે, બીજી મે, બે હજાર એકવીસ, રવિવાર. ચાર રાજ્યો અને એક યુનિયન ટેરેટરીમાં યોજાયેલી ધુઆંધાર ચૂંટણીનાં પરિણામો આવશે. દિવસ આગળ વધશે તેમતેમ પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થશે. સામાન્ય સમયમાં ઢોલ-ત્રાંસાં વાગે, ગુલાલ ઊડે, વિજેતા પાર્ટીના ટેકેદારો હરખના માર્યા નાચતા દેખાય, ફટાકડા ફૂટે, નેતાઓ એકબીજાને મીઠાઈ ખવડાવતા દેખાય. ન્યાયતંત્રના દબાણ હેઠળ મોડેમોડે જાગેલા ચૂંટણી કમિશનના આદેશથી આ વખતે એવાં દૃશ્યો જોવા ન મળે તો સારું. આજનો દિવસ એમ કંઈ સહેલાઈથી પૂરો થવાનો નથી. બપોરે સાડા ત્રણથી રાતના સાડા અગિયારની વચ્ચે આઈપીએલની બબ્બે મેચો ટીવી પર પ્રસારિત થશે. એમાં પણ કદાચ ધુઆંધાર બેટિંગ જોવા મળશે. બધે ખુશી, પ્રસન્નતા અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાશે અને કહીં ખુશી, કહીં ગમની વચ્ચે અસંવેદનશીલ લોકો કોરોનાનો આતંક થોડા કલાક માટે બાજુએ રાખી દેશે. ટીવીવાળાઓ પાસે એટલી જગ્યા નહીં હોય કે દવાઓ, ઇન્જેક્શનો, ઓક્સિજનની અછતના તટસ્થ સમાચાર આપી શકે. આમ પણ ટીવીના સમાચારોમાં તટસ્થતાની વાત જ ભુલાઈ ગઈ છે. બહુ બિઝી દિવસ છે આજનો. કોરોનાનો પ્રકોપ માઝા મૂકી રહ્યો હતો એની વચ્ચે આપણે લોકશાહીનું પર્વ શાનદાર રીતે પાર પાડ્યું એનો ગર્વ બધે છલકાશે. વિજય મેળવવો, બધું દાવ પર લગાવી જીતવું અને વધારે તો વિરોધીઓને પાડી દેવા નાનીસૂની વાત નથી, પછી તે ચૂંટણીનો જંગ હોય કે ક્રિકેટનું મેદાન. એની વચ્ચે કોઈકને યાદ આવે તો સારું કે વિજય માત્ર ચૂંટણીમાં કે રસાકસીભરી ક્રિકેટની મેચોમાં જ નહીં, કોરોના સામે પણ જીતવાનું છે અને એ હજી બાકી છે. આ સમય હર્ષોલ્લાસનો નથી. થોડા સમય પહેલાં આપણે કોરોના સામે વિજયની ઊજવણી કરી લીધી હતી. જાતે જ પીઠ થાબડીને કબૂતરોની જેમ ગળાં ફુલાવ્યાં હતાં. ભૂલી ગયા કે એ કહેવાતો વિજય વાંઝણો સાબિત થઈ શકે. સિનેમાગૃહો, ખાણીપીણીનાં સ્થળો, ક્રિકેટનું મેદાન અને બધાં જ જાહેર સ્થાનો જનતા માટે ખુલ્લાં મુકાયાં, પછી લોકોએ પણ પાછળ વળીને જોયું નહીં. સરકારોને જ શા માટે દોષ આપવો? એ બધી જગ્યાએ ખુલ્લેઆમ, બેધડક, મોઢું છુપાવ્યા વિના ગયાં તો આપણે જ હતા. એ વખતે વિચાર પણ ન આવ્યો કે લોકોને દવા, ઇન્જેકશનો, દવાખાનામાં દાખલ થવા માટે આમથી તેમ ભટકવું પડશે. કુદરત ક્રૂરતા પર ઊતરી આવે ત્યારે હદથી બહાર નિષ્ઠુર બને છે. ઓક્સિજન પૂરું પાડતી વ્યવસ્થાએ જ દગો આપ્યો અને હોસ્પિટલમાં કે બહાર સારવાર લેતા દર્દીઓના શ્વાસ રુંધાઈ જાય એવા બનાવો બન્યા. રાજકારણ ખેલાયું. હોસ્પિટલોથી માંડી સ્મશાન-કબ્રસ્તાનમાં વેઇટિંગની ભયાનક પરિસ્થિતિ નિયતિ ક્રૂરતાથી મોઢું ફેરવી લે ત્યારે જ ઊભી થાય. એની વચ્ચે બીજું તો શું કરી શકાય? પ્રેમલા-પ્રેમલીની કે કળાની વાતો કરવી કે ફિલ્મી કલાકારોનાં ઊપસેલાં બાવડાં, અર્ધનગ્ન પુષ્ટ અંગોપાંગો કે ‘મન હળવું’ કરવા વિદેશી સાગરકિનારે ગયેલાં સેલિબ્રિટિઝના ફોટા-વિડીયો કે ઇન્ટરવ્યૂ જોવા-વાંચવા બેહૂદું લાગે છે. કોઈ વાત કરી શકાય તો માત્ર ભયાનક આંધીમાં ટકી જવાની આશાની. આ દિવસો પણ પસાર થઈ જશે – જેવો આશાવાદ બીજો કોઈ નથી. એ જ આશા કદાચ માનવજાતને – આજના સંદર્ભમાં ભારતવાસીઓને – થોડીક પણ રાહત અપાવી શકે. તો ચાલો, છેલ્લે એવી પણ એક વાત કરી લઈએ. હિન્દીના સાહિત્યસર્જક નિર્મલ વર્માએ એક ઇન્ટર્વ્યૂમાં કહેલી વાત યાદ આવી ગઈ. એક વાર નિર્મલજી યુરોપના કોઈ હવાઈ અડ્ડા પર ફ્લાઇટમાં જવા બેઠા હતા. મુશળધાર વરસાદ પડતો હતો અને બધું કાળાં ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. થોડી વારે એમનું વિમાન ઊડ્યું પછી એમણે જોયેલું દૃશ્ય એમના શબ્દોમાં : ‘મને નવાઈ લાગી કે જે શહેર પર આટલાં વાદળો હતાં, આટલો વરસાદ પડતો હતો, એ જ શહેરની ઉપરથી વિમાન ચોક્કસ ઊંચાઈ પર પહોંચ્યું ત્યારે વાદળાં, વરસાદ, ધુમ્મસ બધું નીચે રહી ગયું હતું અને એની ઉપર સાફ-સુંદર તારાખચિત આકાશ દેખાવા લાગ્યું હતું. પછી મને લાગ્યું કે જીવનમાં પણ આવું બને છે. એક સમયે આપણને થાય કે આ દુ:ખમાંથી બહાર નીકળવું અશક્ય છે, પરંતુ પરિસ્થિતિ વધારે સમય ટકતી નથી અને આપણે ફરી ઉજ્જવળ અજવાળામાં આવી જઈએ છીએ.’ આપણે બધાં લોકો નિયમોનું કડક પાલન કરીશું તો એવું જ બનશે – એક દિવસ ઢોલ-ત્રાંસા વાગશે, પરંતુ એ કોરોનાની મહામારી સામે મેળવેલા ‘સાચા’ વિજય સરઘસની પ્રામાણિક ઉજવણીનાં હશે. એ જયજયકાર બોદો નહીં હોય. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો