તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:દિવાળી પછીની દરકાર તન રે તુ કાહે ના ધીર ધરે?

2 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • ભૂલથી એક સ્ત્રી, કોઈ પુરુષને કહી બેસે કે, ‘અરે,બહુ અલગ દેખાવ છો!’ ત્યારે પેલો પુરુષ તરત કહેશે કે ‘વજન વધ્યું છે ને? ઑફિસના કામમાં ખાવાનું ભાન નથી રહેતું.’

ટાઇટલ્સ ખુશ રહેવું એ પણ એક ધ્યાનનો જ પ્રકાર છે. (છેલવાણી) રાજ કપૂરના પપ્પા, રિશીકપૂરના દાદા, રણવીર કપૂરના પરદાદા અને મુઘલે આઝમના અકબર બાદશાહ એવા મહાન અભિનેતા પૃથ્વીરાજ કપૂર પંજાબી ફૂડના શોખીન અને સુપર્બલી જાડાપાડા હતા. ડોક્ટરે ડાયેટિંગની સલાહ આપી કે થાળી ભરીને બાફેલાં શાકભાજી-સલાડ ખાવાના, પણ ત્રણ મહિના પછી એમનું વજન ઓર વધી ગયું! ડોક્ટરે એમને પૂછ્યું, ‘તમે બાફેલા શાકભાજી, સલાડ વગેરે નથી ખાતા?’ પૃથ્વીરાજજીએ કહ્યું,‘ખાઉં છું ને? એના પછી જ તો છ પરાઠાં, બે સબ્જી, બે મીઠાઈ લઉં છું!’ આપણું સૌનુંયે લગભગ આવું જ છેને? જેમ સાસરે જતી કન્યાથી બાબુલનું આંગન છૂટતું નથી એમ આપણાથી પણ તહેવારોમાં મીઠાઈ, ચોકલેટ, આઈસક્રીમ કે ફરસાણ નથી છૂટતાં.

દિવાળીના દિવસોમાં શુભ વિચારો અને પ્રકાશના પર્વની ટીપિકલ વાતો સાંભળ્યા પછી દિમાગ બહેર મારી જાય છે અને ‘દિવાળી પછી સોશિયલ મીડિયા પરના મેસેજો ડિલીટ કેમ કરવા?’ જેવા સવાલો પછી સૌથી મોટો પ્રાણપ્રશ્ન એ બની રહે છે કે ‘તહેવારોમાં ખૂબ મીઠાઇ-ફરસાણ ખાધા બાદ વજન કેમ ઉતારવું?’ અલગ-અલગ ડાયેટિશિયનો પણ પોતપોતાના દાવા કરે છે, પણ એમાંથી અમારે કયા દાવાને દવાને રૂપે અપનાવવો?

વધતાં વજનનું એવું છે કે ધારો કે તમે કોઈ સ્ત્રીને માત્ર વિવેક ખાતર કહો કે’અરે વાહ, આજે બહુ અલગ જ લાગો છો!’ એટલે આવી બન્યું! તરત કહેશે કે ‘કેમ જાડી લાગું છું? વજન વધી ગયું છે મારું?’ પછી તમે નરમાશથી સમજાવશો કે, ‘ના, ના, યૂ લુક ફાઈન, અલગ એટલે જાડા-પાતળાની વાત નથી કરતો’ અને ફરી તમે એ બહેનની ઇન્કવાયરીમાં ફસાઇ જશો. પેલી તરત જ દલીલ કરશે, ‘જાવ જાવ, મને સારું લાગડવા કહો છો ને? હમણાં કામકાજ બહુ રહે છે એટલે ધ્યાન નથી અપાતું! તમે માનશો, ગઈ કાલે જ કોલેજ ટાઈમનું જીન્સ મેં પહેરવા કાઢ્યું અને લગભગ ફિટ આવ્યું.’ તમને ધ્રાસકો પડશે કે આ હમણાં અહીં રસ્તામાં જ જીન્સ પહેરીને બતાડશે કે શું? તમે તરત જ ‘મારી મમ્મી સિરિયસ છે, હોસ્પિટલ જઈ રહ્યો છું.’ જેવા ગંભીર બહાનાં કાઢીને જાન છોડાવવા ભાગી નીકળવા જશો તોયે પેલી પાછળથી બૂમ પાડીને કહેશે,‘3 મહિનામાં વજન ઉતારીને દેખાડીશ!’

તમે મનમાં કહેશો, ‘ત્રણ મહિના નહીં, ત્રણ વરસ લે, પણ મને છોડ!’ અને ત્રણ મહિના બાદ પણ પેલીનું વજન ત્રણ ગ્રામ પણ ઊતર્યું ન હોય! પણ ફરી મળો ત્યારે તમે એની સાથે સાવચેત થઇને ‘નાગાલેન્ડમાં પાણીની સમસ્યા’ કે ‘રશિયામાં રબ્બરનું ઉત્પાદન’ જેવા કોઇપણ બોરિંગ વિષય પર વાતો કરશો, પણ એના દેખાવ વિશે એક હરફ પણ બોલવાની હિંમત નહીં કરો! પુરુષો પણ ઓછા નથી. જો ભૂલથી પણ એક સ્ત્રી, કોઇ પુરુષને કહી બેસે કે, ‘અરે,બહુ અલગ દેખાવ છો!’ ત્યારે પેલો પુરુષ તરત કહેશે કે ‘વજન વધ્યું છે ને? ઓફિસના કામમાં ખાવાનું ભાન જ નથી રહેતું એટલે. આ મૂછ કાઢી નાખી એટલે ફેસ મોટો લાગે છે? ના, ના, આ તો જીન્સમાં સહેજ હું જાડો લાગું છું... વળી હમણાં જિમમાં જવાનો ટાઈમ જ નથી મળતો, જ્યારથી મને ‘મેનેજર’ બનાવ્યો અને કંપનીએ ગાડી આપી એટલે ચાલવાનું ઓછું, ફાઈવસ્ટારમાં ખાવાપીવાનું, યુસી!’ વગેરે પોતાની ઈન્કમ, ગાડી, તરક્કી, જે હાથમાં આવે એની એ માણસ ઢાલ બનાવીને ખુદના વધી ગયેલા વજનને (વાંચો ‘ફાંદ’ને) ઢાંકવાનો પ્રયત્ન કરશે. પેલી સ્ત્રી ‘ના, ના..જસ્ટ જ કહું છુ! ઓકે, હું નીકળું? ઘરે છોકરાં એકલાં છે,’ વગેરે બહાનાં કાઢીને હડી કાઢશે.

ઇન્ટરવલ રૂપ તેરા ઐસા દર્પન મેં ના સમાયે (સ્થૂળ શરીર માટે ઇંદિવરનું ગીત) ખુદાની મહેરબાનીથી અમારું વજન બહુ છે નહીં, પણ જેમ દરેક કવિ-લેખકને એમ લાગતું હોય છે કે એણે હજી ‘શ્રેષ્ઠ સર્જન’ કરવાનું બાકી છે, એમ અમને પણ સતત મનમાં એમ રહ્યા કરે છે કે અમારે હજી વજન ઘટાડવાનું છે! ‘હાઉ ટુ લૂઝ વેઈટ એન્ડ શેપ-અપ બોડી’ પ્રકારની અનેક બુક્સ અમે વાંચી ચૂક્યા છીએ, પરંતુ મોટે ભાગે એ બુક્સ, સૂતાં સૂતાં જમીને વાંચી હોવાથી અમારું વજન ઘટવાને બદલે વધ્યું જ છે! આવી બુક્સ વાંચી વાંચીને અમે પોતે એક ઓરિજિનલ બુક લખી શકીએ એટલી માહિતી અમારી પાસે ડાયેટિંગ વિશે છે! ‘ઈશ્ક’ માટે કવિઓ કહે છે કે ‘આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ’ એવું જ ડાયેટિંગમાં છે. એમાં જિમ્નેશિયમ જઇને પરસેવા દરિયામાંથી રોજ પાર થવું પડે‍!

ડાયેટની ચિંતા કરવા કરતાં ‘ચિંતા કરવાનું ‘ચિંતા ડાયેટિંગ’ અજમાવવા જેવું છે. એટલે કે રોજ તમારે અમુક માત્રામાં ચિંતા કર્યા કરવાની જેથી વજન ઊતરવા માંડે! આઈડિયા ખોટો નથી, પણ પ્રોબ્લેમ એ છે કે કયા ખોરાકમાં કેટલી કેલરી છે, પણ કઈ ‘ચિંતા’ કરવાથી કેટલી કેલરી ઘટે એનો ચાર્ટ બનાવવો અઘરો છે! જો ‘ચિંતા’નું બેરોમીટર નક્કી થાય તો ચિંતા કરવાનો ડાયેટ પ્લાન બનાવી શકાય, જેમ કે - ‘અમેરિકાએ બીજા દેશોને દબડાવવા જોઈએ નહીં...(50 કેલેરી ઘટે), ફિલ્મોમાં લેખકો-નિર્દેશકોએ હોલિવૂડમાંથી ચોરી કરવી જોઈએ?’ (100 કેલેરી ઘટે), ગુજરાતમાં રોડ પર ઢોર રખડતાં ક્યારે બંધ થશે? (200 કેલેરી ઘટે)’

આવાં અનેક ડાયેટ પ્લાન, જાડી વ્યક્તિઓના ઈતિહાસ-ભૂગોળ જોઈને બનાવી શકાય. ‘સરદાર પટેલને શો અન્યાય થયો?’ કે ‘ધોનીએ બે વરસ પહેલાં જ ‘રિટાયર થઈ જવું જોઈતું હતું નહી?’ એવા જનરલ ટોપિકની ચિંતા કરીને પણ વજન ઘટી શકે. અમારા લખાણમાં ઊંડાણ ઓછું છે, ગ્રામર ખોટું છે - જેવી ચિંતાઓ અન્ય લેખક મિત્રો કરે છે. એને કારણે એમનું વજન ઊતરી શકે અને મને વાંચીને એમનું વાંચન સુધરી શકે! ગુજરાતી લેખકોએ સ્રી-પુરુષોના સંબંધો વિશે ન લખતાં ‘બટાકા ખાવાથી વજન વધે?’ જેવા વિષયોથી ‘ચિંતા ડાયેટ’ને ટેકો આપવો જોઈએ. ‘આપણું વજન વધારે નથી હોતું, જોવાવાળાની અપેક્ષા વધારે હોય છે!’ એવા વિચારો પણ ‘ચિંતા ડાયેટ’ને રસપ્રદ બનાવી શકે છે. એન્ડ ટાઇટલ્સ ઇવ : એક ડાયેટિંગનો પ્લાન કહું? આદમ : રહેવા દે. હું એ ઓલરેડી કરી ચૂક્યો છું‍! sanjaychhel@yahoo.co.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser