સોશિયલ નેટવર્ક:મનને આનંદ આપે એવું કામ કરો!

એક મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

શવ, યૌવન, વૃદ્ધાવસ્થા–આ ત્રણ તબક્કામાંથી તો દરેક માણસે પસાર થવું પડે છે. પ્રશ્ન એ છે કે આપણે જીવન કોઈ પણ અવસ્થામાં પૂરેપૂરું, પૂર્ણપણે જીવીએ છીએ ખરાં? પૂર્ણપણે જીવવું એટલે શું? તમે જે કંઈ કરો તે ઓતપ્રોત થઈને કરો. કર્મયોગનો આનંદ કંઇક અલગ જ છે. આપણે જીવનને મોજમજામાં કે ફાલતૂ કામોમાં વેડફી નાખીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે: સાર્થક જીવન તો એ જ છે જ્યાં ઝંઝાવાતોની વચ્ચે પણ કામનો આનંદ હોય!’ જો કે, માણસે મોજમજા ન કરવી જોઈએ એવું નથી. મોજમજા સપાટી પરની વસ્તુ છે. એમાં છબછબિયાં કરી શકાય. મોજમજાને અંતે થાક છે, કંટાળો છે, કોઈ પત્તાં રમ્યા કરે. પાર્ટી યોજ્યા કરે, ઉજાગરાઓ કર્યા કરે. આ બધાની એક મર્યાદા હોય છે. દરેક મોજમજા અમુક હદ સુધી જ સારી છે. એ હદ ઓળંગે ત્યાંથી કંટાળો શરૂ થાય. મોજમજાને કારણે માણસ બહારથી સુખી લાગે પણ અંદરથી એ સૂકાં પત્તાં જેવો થઈ ગયો છે. પોશાક બહારથી સારો લાગે પણ માણસ અંદરથી ચીંથરેહાલ હોય. ઝેન ધર્મ જાપાન સાથે સંકળાયો છે. ઝેન કથાઓ કોઈ પણ દૃષ્ટાંત કથા જેવી માર્મિક અને સૂક્ષ્મ હોય છે. જીવન જીવવાનો નિચોડ એમાં હોય છે. ઝાઝું ઉઘાડીને એ કશું કહેતી નથી, પણ જીવનના અભિગમનો સંકેત આપીને અર્થઘટન કરવાનું આપણા પર છોડી દે છે. આપણા પોતાનામાં સજ્જતા હોય તો આવી કથા પરથી કશુંક પામી શકીએ. ઝેન બેચેન મનને શાંત કરે છે અને ભીતરના એકાંત પ્રદેશ તરફ આપણને લઈ જાય છે. કેટલીક ઝેનકથા: રિઓકૉન જાપાનનો સંત કવિ. એનો ભત્રીજો અમનચમન અને વિલાસમાં ગળાડૂબ. બજારુ સ્ત્રીઓ પાછળ પૈસા ઉડાડતો. કોઈકે રિઓકૉનને કહ્યું કે તમે ભત્રીજાને સમજાવો. ભત્રીજો ખાસ્સો દૂર રહેતો હતો છતાં પણ રિઓકૉન નીકળી પડ્યા. એને ત્યાં પહોંચ્યા. આખી રાત ધ્યાન કર્યું. રાત પડીને ભત્રીજો ઘર બહાર નીકળી પડ્યો. સવારના પહોરમાં પાછો આવ્યો. રિઓકૉને કહ્યું ‘હવે મારે જવું છે.’ એમણે પગમાં ઘાસની સપાટ પહેરી હતી. ભત્રીજાને કહ્યું: ‘હું વૃદ્ધ થતો જાઉં છું. મારો હાથ ધ્રૂજે છે. મને સપાટની દોરી બાંધી આપ. મારાથી વાંકા પણ નથી વળાતું.’ ભત્રીજાએ કહ્યા પ્રમાણે કર્યું. એ વખતે રિઓકૉન માત્ર એટલું બોલ્યા, ‘આટલું યાદ રાખવું: માણસ દિવસે દિવસે વૃદ્ધ થતો જાય છે. માણસે જાતનું જતન કરવું જોઈએ.’ બસ માત્ર આટલું જ કહ્યું. બજારુ સ્ત્રીની કે ઉડાઉપણાંની કોઈ વાત ન કહી અને એ ચાલી નીકળ્યા. ભત્રીજો રિઓકૉનન સંકેત સમજી ગયો. બીજી કથા છે ઝેનગુરુ વિશેની. બગીચામાં સતત કામ કર્યા કરે. ગુરુ 80 વર્ષના. શિષ્યો જુવાન. ગુરુને વૃક્ષોનું જતન કરતા જુએ. જમીનને સાફ કરતા જુએ. ગુરુ જરાય થાકે નહીં. શિષ્યો એમને આરામ લેવાનું કહે પણ ગુરુ કોઈનું સાંભળે નહીં. એક શિષ્યને વિચાર આવ્યો કે ગુરુ બગીચામાં કામ કરે છે તો ગુરુનાં કામના ઓજારો જ સંતાડી દઈએ. એટલે ગુરુ ઓજાર વિના કશું જ કરી શકશે નહીં. બીજા શિષ્યોને આ વિચાર ગમ્યો અને એમણે ઓજારો સંતાડી દીધાં. ગુરુએ ખાવા-પીવાનું બંધ કર્યું. શિષ્યોને એમ થયું કે ગુરુ ગુસ્સે ભરાયા છે. ગુરુએ માત્ર એટલું કહ્યું કે કામ નહીં તો ખાવાનું નહીં. શિષ્યો સાનમાં સમજી ગયા અને એમણે ગુરુનાં ઓજારો પરત કર્યા. ઈક્યુ નામના એક ઝેનગુરુ હતા. બાર વર્ષના હતા ત્યારે પણ એમની બુદ્ધિ કુશાગ્ર હતી. અકસ્માતે એનાથી ગુરુનો ચાનો કપ ભાંગી ગયો. એના ટુકડાઓ થઈ ગયા. ગુરુ આવ્યા. શિષ્યે ચાના કપના ટુકડાઓ સંતાડી દીધા અને સાવ નિર્દોષ ચહેરે પૂછ્યું કે ગુરુજી લોકો શા માટે મૃત્યુ પામે છે? ગુરુએ શાંત ચિત્તે કહ્યું, ‘જીવનનો આ ક્રમ છે. દરેક વસ્તુ નાશ પામે છે અને નાશ નથી પામતી ત્યાં સુધી જીવે છે.’ શિષ્યે કપના ટુકડાઓ બતાવીને કહ્યું,‘ગુરુજી આ કપના મરવાની ઘડી આવી પહોંચી હતી.’ ઝેનનું તત્ત્વજ્ઞાન મનને અ-મન કરવામાં છે. આ બધી જ કથા-વ્યથાના મૂળમાં છેવટે તો મન પોતાનો ભાવ અને ભાગ ભજવે છે. બધાના મૂળમાં અંતે તો મન છે. મનને આનંદ આપે એવું કામ કરો! ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...