પ્રશ્ન વિશેષ:આપણને ખબર છે કે ભરોસો અને વિશ્વાસ એટલે શું?

4 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક

એક ઉપદેશ સતત અપાય છે, ‘તમે જે કંઈ કરો તે ઈશ્વરને અર્પણ કરો’. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ બે મુખ્ય ભાવ વ્યક્ત થયા છે. પહેલો: સ્વધર્મનું આચરણ અને બીજો: સર્વે કર્મો ઈશ્વરને અર્પણ. પ્રશ્ન એ થાય કે, આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય હોય છે ખરું? અને એ અર્પણ કરવા યોગ્ય ન હોય તો સર્વ ઈશ્વરને અર્પણ એવું આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? કેટલાક અકર્મપ્રેમીઓ માને છે કે, ‘આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે હું કંઈ નહીં કરું.’ આ તો એક તામસિક અને નિષ્ક્રિય એવો આપણો ભાવ છે. પરંતુ વ્યક્તિએ પૂરો પુરુષાર્થ કરીને પુરુષાર્થ અને ભગવાનની કૃપાશક્તિનો સુભગ સમન્વય સાધવાનો છે તે વાત ભૂલવા જેવી તો નથી જ. પ્રભુ સહાય કરશે જ, એવી નિશ્ચિત અપેક્ષાના આધારે જીવવું એ હકીકતમાં જીવન છે ખરું? મોટા ભાગના સાધકોને બીજી કેટલીક વસ્તુઓ કે વ્યક્તિઓની સાથે ભગવાનને જોડવાની ટેવ છે. ભગવાન તેમના માટે એકમાત્ર હોતા નથી અને તેથી તેમનો કોઈ નેનો અનુભવ પણ થતો નથી. શ્રી માતાજી તો એમ કહે છે, ‘તમે જેટલી ઈચ્છાઓ વધારે કરશો એટલો ઈશ્વરને મેળવવામાં તમને વિલંબ થશે.’ મારે મારી જાત સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરી દેવાની છે. મારા આત્માને તે જોઈએ છે તેથી ભગવાન મળશે જ. એ સિવાય વધુ કંઈ ન થઇ શકે એવું સાધક માનતો હોય છે. આ માન્યતાના આધારે આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ અથવા તો ઈશ્વર આપણા સુધી પહોંચી શકે એમ માનીને જીવવું એ વધુ પડતું છે. જીવનની કેટલીયે બાબતો એવી છે કે જે ઈશ્વરને અર્પણ કરવા જેવી હોતી નથી. આવી બાબતો કઈ કઈ છે તેની આપણે ખાસ વિચારણા કરવા જેવી છે. આજકાલની મોટી નબળાઈ એ છે કે અતિ ઉત્તમ શબ્દોને આપણે બહુ જ વારંવાર નીચા સ્તરે વાપરીને તેને ખૂબ દરિદ્ર બનાવી દીધા છે. એમાંના બે શબ્દો એટલે ‘ભરોસો’ અને ‘વિશ્વાસ’ છે. આપણે લોકશાહીના પ્રચારમાં પણ ભરોસો શબ્દ વાપરવા લાગ્યા અને વાતે વાતે મારામાં ભરોસો રાખો એવું બોલવા લાગ્યા. એવું બોલનારને ખબર હોય કે હું ભરોસાપાત્ર નથી છતાં પણ બોલનાર ઢોલ પીટીને કહેતો હોય કે મારામાં વિશ્વાસ રાખો, ત્યારે એ શબ્દનું અવમૂલ્યન કરવાનો હીન પ્રયાસ છે. ભરોસો છે શું? સીધી ને સાદી વાત. ભરોસો એટલે મને જોઈએ ત્યારે જરૂર સહાય મળશે જ એવી એક નિશ્ચિત અપેક્ષાનો ભાવ. ભરોસો પણ અપેક્ષા છે, પણ નિશ્ચિત અપેક્ષા છે. એના વિશે શંકા આશંકા નથી જ અને એ પણ મને સહાયની જરૂર હશે ત્યારે જ. જરૂર પૂરી થયા પછી મળે તો એ ભરોસાપાત્ર નથી. વિશ્વાસ એની સાથે સાથે ચાલતો શબ્દ છે. વિશ્વાસ એટલે આ ભરોસાની સાથે સાથે જતો સલામતીનો ભાવ. જે નિશ્ચિત અપેક્ષા મેં રાખી એ મને મળશે જ એવો ભરોસો હોય ત્યારે એ અપેક્ષા પૂર્ણ થયા પછી મારી પરિસ્થિતિ હવે યથેચ્છ હશે, એવી સલામતીનો ભાવ મારામાં ઊતરે એને વિશ્વાસ કહેવાય. હવે આ જ વાત ભગવાન વિચારે છે. ભગવાનને એમ થાય છે કે ચાલો, આ ભક્ત કે સાધકનું શુદ્ધિકરણ હું હાથમાં લઉં. પણ ત્યારે ભગવાનને પ્રશ્ન થાય છે કે, મારો ભક્ત સાધના કરવાને બદલે પોતાના પ્રયત્નો ઉપર આધાર રાખતો થાય એ સાચું કે પોતાના પ્રયત્નો પર આધાર રાખવાને બદલે પોતાની જાતને મારા હાથમાં સોંપી દે એ સાચું! અર્થ એવો નથી કે આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે ને હું તો કંઈ નહીં કરું એ તો તામસિક નિષ્ક્રિય સમર્પણ કરીને બેસી જવા જેવી વાત છે, એવું આપણે જાણ્યું છે. એમણે પૂરો પુરુષાર્થ કરી લેવાનો છે. અને ‘પુરુષાર્થને અંતે ભગવત કૃપા મારામાં શક્તિ ઉમેરશે’ એવો ઘાટ ઘડવાનો છે. મહર્ષિ અરવિંદ કહે છે કે મારી સાધનામાં મેં પોતે આ જ સિદ્ધાંતોનું અનુસરણ કર્યું હતું . હું જે યોગની કલ્પના કરું છું એની કેન્દ્રવર્તી પ્રક્રિયા આ જ આંતરિક સમપર્ણ છે. થોડું કઠિન બન્યું. આંતરિક સમર્પણ અને બાહ્ય સમર્પણ એવા ભાગ પડતા હશે? તો શું વળી સમર્પણને પણ વધુ સમજવું પડશે? હા, સમજવું તો પડશે પણ એ એટલું અઘરું નહીં લાગે. એક સુંદર મજાના ઉદાહરણથી એ તરત સમજાઇ જશે. (ક્રમશ:) {bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...