તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોિશયલ નેટવર્ક:પરમાત્માએ બનાવેલી સૃષ્ટિ તરફ આપણી કોઇ જવાબદારી ખરી?

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક
  • વેદ-ઉપનિષદની વાતોનો પડઘો દુનિયામાં અનેક લોકોએ અલગ અલગ રીતે પોતાની વાતોમાં કે લેખનમાં પાડ્યો છે!

દેશ જુદો હોય, વેશ જુદો હોય, ભાષા જુદી હોય, પણ કેટલીક વાતો તો આખી દુનિયામાં જ સરખી વહેતી હોય છે. વાતની અભિવ્યક્તિ ભલે ગમે એટલી જુદી હોય તો, પણ! આપણે ત્યાં પણ એમ કહેવાયું છે કે પરમાત્માને બહુ એકલું એકલું લાગતું હતું. બહુ સૂનું સૂનું લાગતું હતું. એટલે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. ઉપનિષદમાં કહ્યું છે: ‘એકોહં બહુસ્યામ’ હું એક અનેક રૂપોમાં થયો છું. બ્રહ્મ એક છે. એને ઇચ્છા થઇ એકમાંથી અનેક થવાની અને સૃષ્ટિનું નિર્માણ થયું. પરંતુ અનેક થયા પછી પણ એના એકત્વમાં કોઇ અંતર ન આવ્યું. એ અનેક છતાં એક-એકાત્મ-એકરૂપ. જેમ બીજ એક જ હોય છે પરંતુ બીજારોપણ થયા પછી ધીરે ધીરે એ બીજ એકમાંથી અનેક થઇ જાય છે. ખેર આ વિષય તો ઘણો લાંબોને ગહન છે. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ છે વેદ-ઉપનિષદની વાતોનો પડઘો દુનિયામાં અનેક લોકોએ અલગ અલગ રીતે પોતાની વાતોમાં કે લેખનમાં પાડ્યો છે!

આફ્રોઅમેરિકન કવિ જેમ્સ જોન્સને પણ પોતાની રીતે પરમાત્માના સર્જનની અને એની સર્જન પ્રક્રિયાની વાત કરે છે. એ પણ વેદ-ઉપનિષદનો જ પડઘો પાડતા પોતાની કવિતામાં કહે છે કે પરમાત્મા અવકાશની બહાર આવ્યા. એમણે આજુબાજુ જોયું અને બોલ્યા, હું સાવ એકલવાયો છું. હું મારામાંથી સૃષ્ટિનું સર્જન કરીશ. હજારો મધરાત કરતાંય વિશેષ કાળો અંધકાર એમણે જોયો. એ હસ્યા. પ્રકાશનો વિસ્ફોટ થયો. અંધકાર હટી ગયો. ચારેબાજુ કેવળ પ્રકાશ જ પ્રકાશ! પરમાત્માએ પોતાના હાથમાં પ્રકાશનો પુંજ લીધો અને એમણે સૂર્ય બનાવ્યો. સૂર્યને બ્રહ્માંડમાં તરતો મૂકી દીધો. બાકીના પ્રકાશમાંથી એક બીજો નાનો ગોળો અંધકારમાં ફેંક્યો અને આમાંથી ચંદ્ર અને તારાનું સર્જન થયું. પરમાત્માએ આનંદ ઉત્કસાહથી કહ્યું, ચાલો, આ પણ સારું થયું.

પરમાત્મા એક પગથિયું નીચે ઉતર્યા. સૂર્ય એની જમણી બાજુએ. ચંદ્ર ડાબી બાજુએ. માથા પર તારાઓનો ઝગમગાટ, પૃથ્વી ચરણ નીચે અને પરમાત્મા ચાલ્યા. એમના એક પગલે ખીણ અને બીજા પગલે શિખર. એ ઊભા રહ્યા. જોયું. પૃથ્વી તપ્ત અને ઉજ્જડ. એમણે સાત સમંદર વહેતા કર્યા. આંખ ચોળી અને વીજળી ઝબકી. તાળી પાડી અને વાદળોમાં ગડગડાટ થયો. પૃથ્વીનાં પાણી નીચે વહેવા માંડ્યાં. લીલુંછમ ઘાસ ઊગ્યું. લાલ લાલ ફૂલો ખીલ્યાં. વૃક્ષની ટોચ આંગળીની જેમ આકાશનો માર્ગ ચીંધતી હતી. કોઈ ઘટાદાર વૃક્ષે પોતાના હાથ ફેલાવ્યા. સરોવરો રચાયાં. નદીઓ સમુદ્રને મળવા માટે દોડી. અને ઈશ્વર ફરી પાછા હસ્યા. એમની આસપાસ આખું મેઘધનુ વીંટળાઈ ગયું. એમણે પોતાનો હાથ ઊંચો કર્યો. દરિયા પર હાથ ફેલાવ્યો, જમીન પર હાથ ફેરવ્યો. ઘડીના છઠ્ઠા ભાગમાં હજુ એ હાથને નીચે ઢાળે એ પહેલાં તો માછલીઓ ઊછળવા માંડી. પંખીઓ ઊડવા માંડ્યાં. જંગલોમાં પશુઓ ભમવા માંડ્યાં અને પંખીઓની પાંખો હવાને ભેદતી રહી. કિલ્લોલનો મધુર સ્વર ગુંજી ઊઠ્યો!

પરમાત્મા હરતફરતા રહ્યા. એમણે જોયા કરી પોતે જ રચેલી અનંત-અદભૂત સૃષ્ટિને. જોયા કર્યો સૂરજ. જોયા કર્યો ચંદ્ર, સમુદ્ર, સરોવર, પ્રાણી, પંખી આ બધાંને જોયા કર્યાં અને પરમાત્મા બોલ્યા, હજી પણ હું સાવ એકલો છું. એકલવાયો છું. પછી ઈશ્વર એક શિખર પર વિચારમગ્ન દશામાં બેઠા, ઊંડી પહોળી નદીના પટ પર બેઠા. હાથમાં માથું ઢાળીને એમણે માત્ર વિચાર્યા કર્યું અને કહ્યું, હવે હું મારામાંથી માણસ સર્જીશ. નદીની પથારી પરથી બેઠા થયા. માટીનો એક પિંડ લીધો અને પરમાત્માએ માણસનું સર્જન કર્યું. આ એ જ ઈશ્વર જેમણે સૂર્યને સર્જ્યો અને આકાશમાં સ્થિર કર્યો. આ એ જ ઈશ્વર જેમણે રાત્રિના અંધકારમાં તારાઓને વેરવિખેર કર્યા. આ એ જ ઈશ્વર જેમણે હાથની મધ્યમાં પૃથ્વીને ગોળ ગોળ ઘુમાવી. આ એ જ ઈશ્વર જેમણે માટીના પિંડમાંથી મનુષ્યને સર્જ્યો. પિંડમાં એક ફૂંક મારી અને જીવતોજાગતો હરતો ફરતો, પરમાત્માની પ્રતિકૃતિ જેવો માણસ સર્જાયો. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.

કાવ્ય અહીં પૂરું થાય છે. કવિએ પછી કશું જ કહ્યું નથી. પણ માણસના સર્જન પછી પરમાત્મા શાંતિમંત્રની જરૂર પડી. માણસ સિવાયની અન્ય સૃષ્ટિ પછી પરમાત્માને શાંતિમંત્રની જરૂર પડી નથી. ઈશ્વરે માણસનું સર્જન કર્યું. પોતાની પ્રતિમૂર્તિ જેવા માણસનું. માણસ પાસે હવે બે વિકલ્પ રહ્યા. કાં તો એ દેવદૂત થઈ શકે, કાં તો એ પશુ. કાં તો એ માનવ થઈ શકે, કાં તો એ દાનવ. માણસે સૃષ્ટિનાં જ તત્ત્વો લઈને પોતાની સૃષ્ટિ સર્જાવી. શાંતિમંત્ર વેદના એ મંત્રો છે જેમાં શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. માણસ પાસે શાંતિમંત્ર છે, પણ શાંતિ વિનાનો. અજંપાનો અવતાર થઈ ગયો છે માણસ. જંપીને ક્યાંય બેસતો નથી અને કોઈને બેસવા દેતો નથી. બેચેની વિના એને ચેન પડતું નથી. શાંત સરોવરમાં કાંકરા નહીં, પણ પથ્થરો નાખવાની એને આદત પડી છે. હવે તો શાંતિમંત્ર જ આ પૃથ્વીને- માણસને શાંત કરી શકે એમ છે. ઓમ્ શાંતિ શાંતિ શાંતિ! - namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...