તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોિશયલ નેટવર્ક:ઊંઘમાં પ્રવેશો એ પહેલાં સાચું કામ કરો

કિશોર મકવાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌતમ બુદ્ધ એમના શિષ્યોને કહેતા કે રાતે ઊંઘો એ પહેલાં ધ્યાન ધરજો. માણસ સૂતાં પહેલાં ધ્યાન ધરે તો એના મનને મોકળો અવકાશ મળે

અખો કહે છે : આંધળો સસરો ને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ, કહ્યું કાંઈ ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું... એક તો સસરો આંધળો હોય ને જાડો ઘૂમટો તાણેલો હોય એવી વહુ હોય. કથાકાર ગમે એટલો સારો હોય પણ જો શ્રોતામાં સાંભળવાની શક્તિ અને સમજ ન હોય તો વાણી વ્યર્થ જાય છે. માણસનું મન ઘણું વિચિત્ર છે. મોટા મોટા સંતો આવ્યા અને ગયા પણ એમની વાણીને પૂરેપૂરી પામનારા બહુ ઓછા. બોલવું જેમ એક કળા છે તેમ સાંભળવું પણ કદાચ બોલવા કરતાં વધારે મહાન કળા છે. એક સંતે તો ત્યાં સુધી કહ્યું હતું કે અણસમજુ માણસો આગળ બોલવું અને બગાડવું એના કરતાં આપણી વાણીનાં બીજ પવનમાં વાવવાં જોઈએ. રજનીશજીએ ગૌતમ બુદ્ધ વિશે એક વાત કહી હતી. ગૌતમ બુદ્ધ એમના શિષ્યોને કહેતા કે રાતે ઊંઘો એ પહેલાં ધ્યાન ધરજો. માણસ સૂતાં પહેલાં ધ્યાન ધરે તો એના મનને મોકળો અવકાશ મળે. એટલે કે મન શાંત થઈ જાય અને શાંત મન મૌનને વિશાળ અવકાશ આપે. અડધો એક કલાકનું ધ્યાન તમારી નિદ્રાને ગહન બનાવે. તમે સવારે જાગો ત્યારે તમારી આંખમાં હોય પ્રભાતનું પારિજાત. ગૌતમ બુદ્ધ દરેક પ્રવચનને અંતે આ વાત કહેતા, ‘હવે તમે ધ્યાનમાં સરો – નિદ્રા પહેલાં.’ પછીથી તો આ રોજિંદી ઘટના બની ગઈ. એટલે નિદ્રા પહેલાં ધ્યાનમાં સરો એમ કહેવાને બદલે માત્ર એટલું જ બોલતા કે તમે ઊંઘમાં પ્રવેશો એ પહેલાં તમારું સાચું કામ કરો. બુદ્ધના તો અનેક શિષ્યોની ગણતરી કરાય નહીં. આમ એક વખત પ્રવચનને અંતે કહ્યું કે હવે તમે અહીંથી જાઓ અને નિદ્રા પહેલાં સાચું કામ કરો. બન્યું એવું કે બુદ્ધની એક સભામાં એક ચોર અને એક રૂપજીવીની હતાં. આ સાંભળીને ચોરને અને રૂપજીવીનીને એમ થયું કે આ પહેલાં ગુરુ છે જે આપણને કહે છે કે ઊંઘતાં પહેલાં તમે સાચું કામ કરો. બંનેને એમ થયું કે બુદ્ધ અમને ઓળખી ગયા છે. બુદ્ધને આ વિશે કશી જાણ ન હતી. બીજે દિવસે સવારે ચોર બુદ્ધ પાસે આવ્યો. એણે કહ્યું કે તમે મને સાચું કામ કરવાનું કહ્યું પણ હવે હું ચોરી નહીં કરું, કારણ કે તમે પહેલા માણસ એવા છો કે જે ચોરી કરવાનું કહે છે અને મને થાય છે કે મારે ચોરી ન કરવી જોઈએ. મેં મારી આખી જિંદગી આમાં જ વેડફી. તમે મને મારા કામ પ્રત્યે સભાન કર્યો. બજારુ સ્ત્રી પણ બુદ્ધ પાસે આવી હતી. એણે કહ્યું કે મેં મારો ધંધો છોડી દીધો છે. તમે દસેક હજાર માણસની હાજરીમાં મને કહ્યું કે સાચું કામ કર. મને હવે મારું શરીર વેચવામાં રસ નથી. મારું સાચું કામ તો તમારા ચરણમાં છે. બુદ્ધને તો આ ચોર અને રૂપજીવીને ખ્યાલ જ ન હતો. બંને જણા એના શિષ્ય થઈ ગયાં અને પછી એમણે કહ્યું કે આપણા શબ્દોનો શો અર્થ થાય છે એનો આધાર માત્ર આપણા શબ્દો પર નથી, પણ સામા માણસની સમજણ પર છે. બુદ્ધના જ્યારે અંતિમ દિવસો હતા ત્યારે બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું કે તમે અમને તમારા શબ્દો લખાવતા અટકાવ્યા છે, પણ તમે જે જિંદગીભર બોલ્યા એ શબ્દો તમારા સાંનિધ્યમાં પણ ઘણા લોકોને સમજાયા નથી. તમે જો ન હોવ તો આ બધા શબ્દો તમારા પછી પણ કોઈને સમજાશે ખરા? તમારા શબ્દો તો સોનાની લગડી જેવા છે. પછીના માણસો આ શબ્દોને પામી શકે એટલા માટે આ શબ્દો લખવાની અમને પરવાનગી આપો. બુદ્ધે કહ્યું: ‘લખવા હોય તો લખો, પણ એક જ શરતે. તમે એમ લખજો કે ગૌતમ બુદ્ધ જે કહી ગયા એ અમે સાંભળ્યું છે એ પ્રમાણે કહીએ છીએ. કદી એમ ન કહેતા કે ગૌતમ બુદ્ધે આ કહ્યું છે કે તે કહ્યું છે. તમે જે સાંભળ્યું છે અને તમે જે સમજ્યા છો એટલું જ લખજો. આ નાનકડા પ્રસંગમાં બહુ મોટી વાત સચવાઈ છે. શબ્દનો બધો આધાર શ્રોતાની સમજણ પર છે. કોણ કેટલું ઝીલી શકે છે ? – એ જ મહત્ત્વની વાત છે. નહીંતર તો ‘ભેંસ આગળ ભાગવત’જેવું થાય. જે જન્મે છે તે મરણ પામે છે. એક બાજુ જનમની ક્ષણ છે. એને સામે છેડે મરણની ક્ષણ છે. આ બંને કિનારા વચ્ચે જીવન કાં તો વહે છે અથવા થીજી જાય છે. હું કોણ છું ? - ના પ્રશ્નનો જવાબ મારા જીવનનો શો હેતુ છે ? મારા જીવનનું કયું પ્રયોજન છે ? – એના પર વિશેષ આધાર રાખે છે. કોઈ માણસ ચિક્કાર પૈસાદાર થાય તો એ લખપતિ કે કરોડપતિ તરીકે ઓળખાય છે. કદાચ એનું પ્રયોજન ધન જ હોય. જો માણસ સહેજ વિચારે તો એ કેવળ ધનનો સંચય નહીં કરે, દાન કરશે અને એ રીતે પોતાને પ્રાપ્ત થયેલા ધનની સાર્થકતા અનુભવશે અને સમાજને ઉપયોગી એવાં કાર્યો કરશે. માણસને પોતાના જીવનનું પ્રયોજન વહેલું-મોડું પણ સમજાવું જોઈએ. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...