તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રે જિંદગી:દો ઔર દો કા જોડ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હસમુખલાલ આજીવન હિસાબમાં અવ્વલ રહ્યા અને નસીબજોગે એમના હિસાબો કાયમ સાચાં જ પડતા રહ્યા. જોકે જીવને એવો વળાંક લીધો કે એમને સમજણ ન પડી કે પોતાના હિસાબમાં ભૂલ ક્યાં થઇ?

- રાજ ભાસ્કર

હસમુખદાસ પાડોશીના ઘર આગળથી પસાર થયા ત્યાં જ એમના કાનમાં નિદા ફાજલીની ગજબના શબ્દો પડ્યા, ‘દો ઔર દો કા જોડ… હંમેશા ચાર કહાં હોતા હૈ…’ શબ્દો સાંભળી એમનું મોં અને મન બંને કડવાશથી ભરાઈ ગયાં. એ મનમાં બબડ્યા, ‘આ કવિઓય ખરા હોય છે. જે મનમાં આવ્યું એ ઘસડી મારીને લોકોના માથે મારી દે અને લોકો તો વળી, એમનાથીયે જાય એવા. ગણિતની દૃષ્ટિએ કશું જ ફિટ ન બેસતું હોય તો પણ વાહ વાહ કરી મૂકે...’ મનના બબડાટ સાથે તેમણે આ ગીત સાંભળતાં ધનજીભાઈ તરફ જોયું, ‘...લખનારોય ગાંડો અને સાંભળનારોય ગાંડો... બે અને બે વળી ચાર ના થાય તો શું થાય?’ હસમુખભાઈ ઘરે પહોંચ્યા, ચા પીધી અને પછી એમની હિસાબની ડાયરી લઈને બેસી ગયા. ભગવાને એમને જાણે એક જ કામ માટે આ ધરતી પર મોકલ્યા હતા અને એ હતું હિસાબ કરવાનું. હિસાબ રાખવો એ એમનો પહેલો, છેલ્લો અને એકલોતો શોખ હતો. એમાંય પાછા એ ગણિતના પ્રોફેસર. બધા એમને ‘હસમુખદાસ’ને બદલે ‘હિસાબદાસ’ કહેતા. આ વાત એમને ખબર હતી, છતાં એમણે હિસાબનું ‘દાસ’પણું નહોતું છોડ્યું. એમણે આખી યુવાની હિસાબમાં જ ગુમાવી દીધી હતી. હું આને પ્રપોઝ કરીશ, એ હા પાડશે તો એને લઈને ફરવા જવું પડશે. ગિફ્ટ આપવી પડશે તો આટલો ખર્ચો થશે. એ ડાયરીમાં હિસાબ લખતા પછી સરવાળો કરતા અને પછી આંકડો જોઈ પ્રપોઝ કરવાનું જ માંડી વાળતા.

લગ્નનું નક્કી થયું ત્યારે પણ એમણે ડાયરીમાં હિસાબ લખી દીધેલો. લગ્નનો ખર્ચ આટલો, ફરવાનો ખર્ચ આટલો, બે મહિના પછી જ બાળકનું પ્લાનિંગ કરવું એટલે અગિયાર મહિને બાળક અવતરે. એ વખતની મોંઘવારીના હિસાબે છોકરો થાય તો પેંડાનો ખર્ચ આટલો અને છોકરી થાય તો જલેબીનો ખર્ચ અને પછી પાંચ વર્ષ સુધી બાળકનાં રમકડાંનો ખર્ચ. છઠ્ઠા વર્ષે સ્કૂલમાં મૂકીએ ત્યારે આટલી ફી થાય, સ્કૂલ ડ્રેસના આટલા અને રિક્ષાભાડું આટલું. માત્ર લગ્નની તારીખ નક્કી થઈ હતી એટલી વાતમાં એમણે ડાયરીની ‘સેજ’ પર હિસાબનું ‘હનીમૂન’ પણ માણી લીધું હતું અને ખર્ચના ‘આંકડા’રૂપી બાળકોય પેદા કરી દીધાં અને ખરેખર બન્યું પણ એમ જ. એમનો હિસાબ પોઈન્ટ-ટુ-પોઇન્ટ સાચો ઠર્યો. એમને આનંદ એ હતો કે એમનો હિસાબ ક્યારેય ખોટો નહોતો પડ્યો. એ માનતા કે બે અને બે ચાર જ થાય, એમ બે–પાંચ વર્ષ નહીં આખી જિંદગીનો હિસાબ રાખી શકાય છે. આખરે તો એ ગણિત જ છે ને! પાંચ-પાંચ વર્ષના હિસાબો મળી જતાં એમની ‘આંકડાકીય’ હિંમત ઓર વધી ગઈ હતી. હવે તો એ વીસ-વીસ વર્ષના હિસાબો પણ માંડવા મંડ્યા હતા. એમની નોકરીને દસ જ વર્ષ થયા હતા. છતાં એમણે બાકીના વર્ષો દરમિયાન મળનારા ઇન્ક્રિમેન્ટ્સ અને છુટ્ટા થયા પછી મળનારી રકમનો પણ હિસાબ કરી નાંખ્યો હતો. રિટાયર્મેન્ટ પછી પત્નીને લઈને ચારધામની યાત્રાનો ખર્ચ, ઘરડી માની તબિયત કથળી હશે એનો ખર્ચ, મા ઊકલી જાય તો એના ક્રિયાકર્મનો ખર્ચ, બાર સાયન્સ પછી છોકરો મેડિકલમાં જાય તો એની હોસ્ટેલનો ખર્ચ, છોકરી એન્જિનિયરિંગમાં જાય એનો ખર્ચ, એનાં લગ્ન થાય, એનાં ઘરેણાં, જમણવાર અને પહેરામણીનો ખર્ચ… બધો જ હિસાબ રેડી હતો. ***

એક દિવસ હસમુખભાઈ ક્લાસ એટેન્ડ કરી નીચે ઊતરી રહ્યા હતા ત્યાં જ એમનો મોબાઈલ રણક્યો, ‘જલદી ઘરે આવી જાવ.’ હસમુખભાઈ તાબડતોબ ઘરે પહોંચ્યા. પત્નીએ હાથમાં ચિટ્ઠી મૂકી. દીકરી તન્વી બાજુવાળા મહેશ સાથે ભાગી ગઈ હતી. હસમુખભાઈનું મોં રડમસ થઈ ગયું. એ આખી રાત બાલ્કનીમાં બેસી રહ્યા. સવારે ઓરડામાં પહોંચ્યા ત્યારે બીજો આઘાત એમની રાહ જોઈ રહ્યો હતો. દીકરીના ભાગી જવાનું દુઃખ પત્ની સહન ન કરી શકી. તેનું હૃદય બંધ પડી ગયું. તેરમા દિવસે રાત્રે હસમુખભાઈ હિસાબની ડાયરી લઈને બેઠા હતા. એના શીર્ષક બદલી રહ્યા હતા. માના ક્રિયાકર્મ પાછળ થનારા ખર્ચ પર પરાણે પત્નીનું નામ લખવું પડ્યું અને દીકરીનાં લગ્નનાં ખર્ચના આંકડા પર ચોકડી મારવી પડી. હવે એ ભૂમિતિના પ્રમેયની જેમ ઘરમાં ખાલી પડેલા ખૂણાનું માપ શોધી રહ્યા હતા. વિચારતા હતા કે હિસાબમાં ભૂલ ક્યાં થઈ? એમને ખબર નહોતી કે આ જિંદગી છે અને એના આંકડા ક્યારે ગાળિયો બનીને ગળામાં ભરાઈ જાય એ કોઈને ખબર નથી હોતી. બે અને બે ચારનું ગણિત હંમેશાં સાચું નથી પડતું. બે અને બે બાવીસ પણ થાય અને શૂન્ય પણ થાય, જેમ એમની જિંદગીમાં થયું. rcbhaskar@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો