સોશિયલ નેટવર્ક:દિવાળી એટલે પ્રકાશ પર્વ…

એક મહિનો પહેલાલેખક: કિશોર મકવાણા
  • કૉપી લિંક

‘પ્રકાશ’ની કામના, ઉપાસના અને જીવનને પ્રકાશિત કરવાના પ્રયત્નો પ્રાચીન સમયથી થતાં આવ્યા છે. ‘પ્રકાશ’ ભારતનાં મૂળમાં છે, તેનાં અર્થમાં છે. ‘ભા+રત’નો અર્થ થાય છે પ્રકાશમાં ઓતપ્રોત; પ્રકાશમય...! એટલે જ તો આપણી પ્રાર્થનામાં પણ આપણે ઈશ્વરને વિનવીએ છીએ, ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા...!’ બીજા શબ્દોમાં કહીએ તો, ‘તમસો મા જ્યોતિર્ગમય...!’ આ પ્રકાશ તરફ આપણને લઈ જનાર છે ‘ગુરુ’. ‘ગુ’નો અર્થ થાય છે ‘અંધકાર’ અને ‘રુ’નો અર્થ થાય છે પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર ‘ગુરુ’ છે. ભારતની સનાતન સંસ્કૃતિ પ્રકાશમય સંસ્કૃતિ છે. તેની અભિવ્યક્તિ એ પ્રકાશપર્વ દ્વારા કરે છે. ભારતમાં ઉજવાતા સૌથી મોટા પ્રકાશપર્વને દિવાળી કહેવાય છે. ખગોળશાસ્ત્રના આધાર પર ઉજવાતા આ પર્વની વિશેષતા એ છે કે સમગ્ર વર્ષ દરમિયાન કારતક મહિનાની અમાસ સૌથી અંધારી રાત હોય છે. અંધકાર અશુભનું પ્રતિનિધિત્વ કરે છે. માટે અસંખ્ય દીપ પ્રગટાવી આપણા પૂર્વજોએ એને અજવાળી છે. સુખ, સમૃદ્ધિ માટે પૂજા અનુષ્ઠાનની સાથે તેજોમય દીપમાળાનું પર્વ ધીરે-ધીરે પરંપરા બની ગઈ. સમૃદ્ધિના દેવતા ‘કુબેર’ પ્રત્યે સન્માન દર્શાવવા તેને ‘યક્ષરાત્રિ’ પણ કહેવાય છે. લંકા પર રામે રાવણ પર વિજય મેળવી ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યામાં આનંદ, ઉત્સવ અને ઉમંગનો માહોલ હતો. લોકોએ ઘરે ઘરે દીપથી અયોધ્યા સજાવ્યું હતું. અયોધ્યા રામમય હતું, પ્રકાશથી ઝળાંઝળાં હતું. રામ એટલે રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે જ રામ… લગભગ 2500 વર્ષ પૂર્વે મહર્ષિ વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં ઉલ્લેખ મળે છે કે યક્ષરાત્રિએ ઘર, બજાર અને રસ્તાઓ પર દીપ પ્રગટાવીને રોશની કરવામાં આવે છે. તત્કાળ સમૃદ્ધ થવા માટે જુગાર રમવામાં આવે છે. સાથે જ પરસ્પર મીઠાઈ વહેંચવામાં આવે છે. આદિત્ય પુરાણમાં પહેલીવાર યક્ષરાત્રિને પ્રકાશપર્વ કહેવામાં આવ્યું છે. કુબેરની પ્રતિનિધિ લક્ષ્મીનો ઉલ્લેખ પણ પહેલીવાર મળે છે. સ્કંદપુરાણ સુધી પહોંચતા સુધીમાં દેવીલક્ષ્મી પ્રકાશપર્વના કેન્દ્રમાં આવી જાય છે. પ્રકાશ પર્વને ‘દિવાળી’ નામ ક્યારે મળ્યું એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેમ છતાં આ નામ લગભગ દોઢ હજાર વર્ષ પુરાણું છે. 1500 વર્ષ પૂર્વે લખાયેલા ‘નીલમત પુરાણ’માં કાશ્મીરના એક પ્રદીપ્ત સમારોહમાં લક્ષ્મીપૂજનનો ઉલ્લેખ જોવા મળે છે અને તેને દિવાળીપર્વનું નામ આપવામાં આવે છે. સાતમી શતાબ્દમાં હર્ષવર્ધનના પ્રસિદ્ધ નાટક ‘નાગાનંદ’માં દીપોત્સવનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. અહીં દીપ પ્રજ્વલનની સાથેસાથે નવવિવાહિત યુગલને ઉપહાર સ્વરૂપે મીઠાઈ આપવાનો પણ ઉલ્લેખ છે. નવમી શતાબ્દીમાં રાજશિખરે પોતાની કાવ્યમીમાંસામાં દીપોત્સવને ‘દીપમાળા’ કહીએ સંબોધી છે. આ પર્વ દરમિયાન ઘરની સાફ-સફાઈ, રંગરોગાન કરવા ઉપરાંત ઘર અને બજારને દીવાથી સજાવવામાં આવે છે. અગિયારમી સદીમાં ભારત આવેલાં અલબરુનીએ કારતક માસમાં દિવાળી મનાવાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પંદરમી શતાબ્દીમાં આવેલાં વેનિસના વેપારી નિકોલ ડી કોંટીએ પોતાના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે, ‘ આ તહેવાર દરમિયાન અહીં લોકો મંદિરોમાં એકઠાં થાય છે. મંદિરની છત પર અસંખ્ય તેલનાં દીવા પ્રગટાવવામાં આવે છે. આ દીવા રાત-દિવસ ઝળહળતા રહે છે. લોકો નવા કપડાં પહેરે છે અને સાથે મળીને નૃત્ય કરે છે, ગીત ગાય છે અને વિભિન્ન પ્રકારના સ્વાદિષ્ટ ભોજન આરોગે છે. સોળમી સદીમાં પાયસ નામના યાત્રીએ વિજયનગર સામ્રાજ્યમાં દિવાળીમાં ઘર અને મંદિરોને દીવાથી શણગારવામાં આવતાં હોવાનું વર્ણવ્યું છે. વર્ષ 1886માં પ્રકાશિત ‘વીર વિનોદ’ ગ્રંથમાં કવિ શામળદાસે મેવાડના ઇતિહાસને સમાવ્યો છે. આ ગ્રંથમાં તેમણે એ સમયે ઊજવાતી દિવાળીનું વર્ણન કરતા લખ્યું છે, ‘દશેરાથી દીપમાલિકા સુધી બધા જ લોકો પોતાના મકાનને લીંપીગૂંપીને સ્વચ્છ કરે છે. સાંજના સમયે મહારાણાસાહેબ નગીનાવાડીમાં દરબાર ભરીને તમામ સરદાર, પાસવાન વગેરેને કાળી ગુંદગરીના સાંઠા આપે છે. રાત્રિના સમયે મહેલોમાં ખૂબ જ સુંદર રોશની થાય છે. બજાર, ગલીકુંચીથી લઈને સામાન્ય માણસના મકાન પણ રોશનીથી ઝગમગી ઊઠે છે. ⬛ namaskarkishore@gmail.com

અન્ય સમાચારો પણ છે...