વિજ્ઞાનધર્મ:દૈવત્વનો મૂક જીવો સાથેનો ઋણાનુબંધ!

પરખ ભટ્ટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} કોઇ પણ ચોક્ક્સ જાતનું ટેગ આપી દેતાં પહેલાં એક વાત જાણવી અત્યંત જરૂરી છે કે દરેક ધર્મ પાસે પોતપોતાની સમજૂતીઓ છે

ઇજિપ્શિયન અને ગ્રીક માયથોલોજીમાં પ્રાણીપૂજાને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આજની તારીખે પણ તેઓ પોતાની પરંપરા અનુસાર તેને અનુસરી રહ્યા છે! નોર્સ, ઝોરોઆસ્ટ્રિયન્સ, ઇજિપ્શિયન અને ગ્રીકની સરખામણીએ હિંદુ માયથોલોજીમાં પ્રાણીપૂજાને પ્રમાણમાં ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિશ્વના કેટલાક દેશો હજુ પણ એવું જ માની રહ્યા છે કે હિંદુઓ દરેક પ્રકારનાં પંખી-પશુ અને વનસ્પતિની પૂજા-અર્ચના કરે છે. એનાં લીધે જ આ ધર્મને કેટલીક વખત પેગન (કુદરતની પૂજા કરવામાં માનનારો ધર્મ) સાથે સરખાવવામાં આવે છે! પરંતુ કોઇ પણ ચોક્ક્સ જાતનું ટેગ આપી દેતાં પહેલાં એક વાત જાણવી અત્યંત જરૂરી છે કે દરેક ધર્મ પાસે પોતપોતાની સમજૂતીઓ છે. જેને સમજ્યાં-ઓળખ્યાં વગર પૂર્વધારણા બાંધી લેવી એ તદ્દન અયોગ્ય બાબત છે. જૂની ભારતીય સંસ્કૃતિ તથા પ્રણાલીનું નિરીક્ષણ કરતી વેળાએ સમજાય કે ઝેબુ બુલ, યુનિકોર્ન સીલ તેમ જ અન્ય પ્રકારના રહસ્યમય પ્રાણીઓને એ સમયનાં સિક્કા, મૂર્તિ, આકૃતિમાં સ્થાન આપવામાં આવ્યું છે! આજે પણ મ્યાનમાર નજીક આવેલી ઇરાવદી (Irrawaddy) નદીના કિનારે વસેલાં ગામોમાં એનાં ભગ્નાવશેષો જોવા મળી શકે છે. તમામ પ્રાણી-પંખી-જીવજંતુ ઇશ્વરનું સર્જન હોવાને લીધે ખરા અર્થમાં હિંદુ ધર્મ પાળતો પ્રત્યેક માણસ એમને ઈજા પહોંચાડતાં પૂર્વે દયાભાવ દાખવે છે. પોતાની અંદર રહેલી દિવ્યતા અને પૃથ્વી પરના દરેક પ્રાણી પ્રત્યે સમભાવ દાખવવાની લાગણી અહીં છુપાયેલી છે એમ કહી શકાય. આ જ કારણસર, ભારતમાં શુદ્ધ શાકાહારી ભોજનને વધુ સાત્ત્વિક ગણવામાં આવે છે! હિંદુ વેદ-પુરાણોમાં ભગવાન બ્રહ્માએ તો નાગ જેવી ઝેરીલી પ્રજાતિને પણ દિવ્ય ગણાવી છે. સમુદ્રમંથનમાં વાસુકિ નાગને લીધે દેવતાઓને અમૃત પ્રાપ્ત થઈ શક્યું, પરંતુ એની એક પણ બૂંદ પર વાસુકિએ પોતાનો અધિકાર નહોતો જતાવ્યો! સૃષ્ટિની શરૂઆતથી શેષનાગ જ ભગવાન વિષ્ણુની શૈયા બનીને સેવા આપે છે. ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મનું અનુસરણ કરનારા લામા સાધુઓ પોતાની ચર્ચા દરમિયાન આઠ નાગરાજ (ડ્રેગન-કિંગ)નો ઉલ્લેખ અચૂકપણે કરે છે : અનાવતપ, તક્ષક, સાગર, વાસુકિ, ઉપાનંદ, બળવાન, નંદ અને ઉત્પલ! હિંદુ ધર્મમાં કેટલીક માન્યતાઓને બહુ મજબૂત ખભા અને વિચારોનો સહારો છે, જેના કારણે મોટા ભાગના અનુયાયીઓ એને અનુસરે છે. ઉદાહરણ તરીકે, થોડી સદીઓ પહેલાં ભારતમાં સાંઈબાબાના એકેય મંદિરો જોવા નહોતાં મળતાં, પરંતુ સાંઈબાબાના અવસાન બાદ એમના સાક્ષાત્કારનો અનુભવ કરી ચૂકેલા ભક્તોએ સમગ્ર દેશમાં અનેક મંદિરો બંધાવ્યા અને પૂજા શરૂ કરાવી. દેશ-વિદેશમાં એમને આજે ઇશ્વરના અવતાર માનીને પૂજવામાં આવે છે. બિલકુલ એવી જ રીતે, કેટલાક ભક્તો પ્રાણીઓને ઇશ્વરના દૂત માનીને તેમની પૂજા કરે છે. આવું કરતી વેળાએ તેઓ કોઇ ચોક્ક્સ પ્રાણીને નહીં, પરંતુ એમની અંદર છુપાયેલા ઇશ્વરની અર્ચના કરી રહ્યા છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષીને વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન વાયુ ઉચ્છવાસરૂપે ઠાલવવાનું કામ કરે છે. ફળફળાદિ, લાકડું, છાંયો ઇત્યાદિ તમામ વૃક્ષો પાસેથી મેળવવું શક્ય છે. ટૂંકમાં, વનસ્પતિ-વૃક્ષો વગર મનુષ્યનું પૃથ્વી પર જીવન અશક્ય છે. બીજી બાજુ, અગર મનુષ્યનું નામોનિશાન આ ધરતી પરથી મટી ગયું તો એવી પરિસ્થિતિમાં પણ અન્ય જીવોનું અસ્તિત્વ તો સદાય અકબંધ રહેશે! આનો સીધો મતલબ એમ છે કે, વનસ્પતિ-વૃક્ષોની પૂજા થવી એ સાવ સ્વાભાવિક વાત છે, કારણ કે એ જીવનદાતા છે. હિંદુ ધર્મમાં ઊંડાણપૂર્વકની માન્યતા છે કે, ઇશ્વર અત્ર-તત્ર-સર્વત્ર છે! એની હાજરી બ્રહ્માંડના કણેકણમાં છે. પશુપ્રાણી-જીવજંતુ-વનસ્પતિથી માંડીને નિર્જીવ વસ્તુઓમાં પણ પરમ તત્ત્વની અનુભૂતિને અનુમોદન મળ્યું છે. મોટા ભાગનાં દેવી-દેવતાએ અલગ-અલગ પ્રકારનાં પશુપંખીને પોતાનાં વાહન તરીકે સ્વીકાર્યાં છે. ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) વિશે વાત કરીએ તો, ભગવાન બ્રહ્માનું વાહન હંસ, વિષ્ણુનું વાહન ગરુડ અને શિવના વાહન તરીકે નંદીને હિંદુ ધર્મમાં પવિત્ર માનીને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ પ્રકારે ગણેશ, કાર્તિકેય, ગંગા, લક્ષ્મી, સૂર્યદેવ, શનિદેવનાં વાહન તરીકે અનુક્રમે મૂષક, મોર, મકર, ઘુવડ, ઘોડા અને કાગને સ્વીકારવામાં આવ્યા છે! આ સિવાયનાં તેત્રીસ કોટિ દેવી-દેવતાનાં વાહનો પણ ખરાં જ! એક બાબત અહીં ખાસ સમજવા જેવી છે. નમસ્તે કહેવાથી આપણે કોઇની પૂજા કરીએ છીએ એવું બિલકુલ નથી. ગાય અથવા અન્ય કોઇ પશુને ચાંલ્લા કરી દેવાથી એ કંઈ ભગવાનમાં પરિવર્તિત નથી થઈ જતાં. એવી જ રીતે, પશુ કે પ્રાણીની આરાધનાને હિંદુ ધર્મમાં પ્રતીક સ્વરૂપ માનવામાં આવે છે! ભગવાન વિષ્ણુના પ્રથમ ચાર અવતાર (મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ) કોઇ ને કોઇ અંશે પ્રાણી દેહ સાથે સંકળાયેલા છે. એમના સાતમા અવતાર ભગવાન શ્રીરામે વાનર (ખાસ કરીને હનુમાન અને સુગ્રીવ), પક્ષી (જટાયુ, સંપાતિ) તથા પશુ (જાંબવંત) સાથે ખાસ્સું તાદાત્મ્ય કેળવ્યું હતું. હિંદુઓ જ્યારે હનુમાનની આરાધના કરે છે એ વખતે અન્ય ધર્મના અનુયાયીઓ એવું માને છે કે હિંદુત્વ વાનરની પૂજા કરે છે! પરંતુ એ સત્ય નથી. વાસ્તવમાં હિંદુત્વ હનુમાનની ભીતર રહેલા ભગવાન રામ પરત્વેના ભક્તિભાવનો આદર કરે છે.⬛ bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...