દેશ-વિદેશ:યુક્રેન યુદ્ધના માહોલ વચ્ચે જી-7 સમિટમાં ચર્ચા

3 મહિનો પહેલાલેખક: જય નારાયણ વ્યાસ
  • કૉપી લિંક
  • અમેરિકા રશિયા સામે વૈશ્વિક દબાણ વધારવા માગે છે, પણ ભારત સાથે સંબંધ બગાડવાનું જોખમ ઉઠાવી શકે નહીં

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે અમેરિકાએ ભારતને વધુ રશિયન તેલ ખરીદવા સામે ચેતવણી આપતાં કહ્યું કે નવી દિલ્હીને આનાં પરિણામો ભોગવવા પડી શકે છે. હવે પશ્ચિમી દેશો તેમનું વલણ નરમ કરતાં જણાવે છે કે ભારતે કોઈ એક પક્ષ પસંદ કરવાની જરૂર નથી. આ બદલાતા સ્વર ભારતે આ કટોકટીમાં પોતાના માટે પસંદ કરેલા મધ્યમ માર્ગને પ્રતિબિંબિત કરે છે. આ માર્ગ દ્વારા ભારતે તેની આર્થિક તકોને મર્યાદિત કર્યા વિના મહત્તમ ભૂરાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. રશિયાને અલગ પાડવામાં મદદ કરવા માટેની પશ્ચિમી દેશોની વિનંતીઓને અવગણવા છતાં પણ ભારતે પશ્ચિમી દેશો સાથે કલાઇમેટ એક્શન અને વિકાસ પર કરાર કર્યા હતા. જી-7 દેશના નેતાઓની જૂન,2022ના અંતમાં મળેલી સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારત પોતાને ગરીબ રાષ્ટ્રોના અવાજ તરીકે સ્થાન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. સમિટમાં વડાપ્રધાને કહ્યું કે પ્રતિબંધો વિકાસશીલ દેશોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. ભારતે સસ્તા રશિયન ક્રૂડની ખરીદીને ફુગાવાના સમયમાં જરૂરિયાત તરીકે ગણાવી તેનો બચાવ કર્યો હતો. મોદીએ કહ્યું કે ઊર્જાનો વપરાશ માત્ર ધનિકોનો વિશેષાધિકાર ન હોવો જોઈએ - એક ગરીબ પરિવારનો પણ ઊર્જા પર સમાન અધિકાર છે અને આજે, જ્યારે ભૂરાજકીય તણાવને કારણે ઊર્જાનો ખર્ચ આસમાને છે, ત્યારે આ બાબત યાદ રાખવી વધુ જરૂરી છે. અમેરિકા ભલે રશિયા સામે વૈશ્વિક દબાણ વધારવા માગે છે, પણ સાથે જ તે ભારત જેવા સાથી દેશો સાથે સંબંધ બગાડવાનું જોખમ પણ ઉઠાવી શકે નહીં. ચીનને રોકવાની અમેરિકન વ્યૂહરચનામાં ભારત ખૂબ અગત્યનું છે. જી-7 સમિટ પહેલાં, યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સંયોજક જ્હોન કિર્બીએ ભારતને ‘ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર’ તરીકે વર્ણવ્યું હતું અને સાથે ઉમેર્યું પણ હતું કે અમેરિકા રશિયાથી ભારતને દૂર કરવા માગતું નથી.

જી-7 સમિટમાં, અમેરિકન પ્રમુખ જો બિડેને 600 બિલિયન ડોલરના આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત કરી હતી જેને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. ચીને આ યોજના દ્વારા મોટું નાણાંભંડોળ પૂરું પાડીને વિશ્વભરમાં રાજદ્વારી સંબંધો બનાવવા દબાણ ઊભું કર્યું છે. બિડેને જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના લાભાર્થીઓમાં ભારતનું સ્થાન અગ્રિમ હશે. નિષ્ણાતો માને છે કે અમેરિકા એશિયા-પેસિફિકમાં જે પ્રકારનું આર્કિટેક્ચર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમાં ભારત વિના તે આગળ વધી શકે તેમ જ નથી. જેમજેમ અમેરિકા અને યુરોપના દેશો રશિયાને અલગ કરવા માટે તેમના આગામી તબક્કાના પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે, તેમતેમ ભૂખમરાની સમસ્યા અને ઊર્જા સંકટની ચિંતાઓ વધી રહી છે. પશ્ચિમી દેશો પણ સમજવા લાગ્યા છે કે રશિયન પ્રતિબંધોએ વૈશ્વિક સ્તરે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ઊર્જાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જે રશિયાની ઓઇલની આવકમાં વધારો કરવામાં મદદરૂપ બની રહ્યું છે. ભારતે વારંવાર ઓઇલ મુદ્દે પશ્ચિમની ઝાટકણી કરી છે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મહિનાની શરૂઆતમાં સ્લોવાકિયામાં એક ફોરમમાં પૂછ્યું હતું કે શું રશિયન ગેસની ખરીદી એ યુદ્ધને ભંડોળ નથી પૂરું પડતી? યુરોપે એ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે કે યુરોપની સમસ્યાઓ એ વિશ્વની સમસ્યાઓ છે, પરંતુ વિશ્વની સમસ્યાઓ એ યુરોપની સમસ્યાઓ નથી.

સમાપનમાં એમ કહી શકાય કે જી-7ની ચર્ચાઓ મુખ્યત્વે રશિયા ઉપર નવાં નિયંત્રણો લાદવાં, ચીનથી દૂરી બનાવવી, યુક્રેનને મદદ વધારવી અને યુરોપિયન યુનિયનના દેશો વધુ સંગઠિત અને એકબીજા સાથે જોડાયેલા રહે તે મુદ્દે હતી અને તેમાં તેઓ મહદઅંશે સફળ થયા. કલાઇમેટ ચેન્જ અંગેનો મુદ્દો ગાજ્યો બહુ પણ એમાં હજુ કશી જ નક્કર વાત સપાટી પર આવી નથી એટલે એની રાહ જોવી રહી. (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. )

અન્ય સમાચારો પણ છે...