તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાિહત્ય વિશેષ:શ્રી અરવિંદના દર્શનનો આવિષ્કાર : ‘સાવિત્રી’

રઘુવીર ચૌધરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતવર્ષના બધા યુગોની આધ્યાત્મિક અભિપ્સા શ્રી અરવિંદના ગ્રંથોમાં વ્યક્ત થાય છે

શ્રી માતાજીએ લખી જણાવ્યું છે : ‘સાવિત્રી મહાકાવ્ય શ્રી અરવિંદદર્શનનો સર્વોત્તમ આવિષ્કાર છે.’ ભારતવર્ષના બધા યુગોની આધ્યાત્મિક અભિપ્સા શ્રી અરવિંદના ગ્રંથોમાં વ્યક્ત થાય છે. મહાગ્રંથ ‘લાઇફ ડિવાઇન’ અને મહાકાવ્ય ‘સાવિત્રી’ એમાં મુખ્ય છે. કવિશ્રી સુંદરમે સાવિત્રી મહાકાવ્યના કેટલાક ખંડોનો અનુવાદ પ્રકાશિત કર્યો છે. એ પૂર્વે કવિશ્રી પૂજાલાલે ‘સાવિત્રી સાર-સંહિતા’ અને અંબુભાઇ પુરાણીએ ‘સાવિત્રી ગુંજન’ નામે છસો પૃષ્ઠનો ગ્રંથ આપ્યો છે. એ પછી કિરીટભાઇ ઠક્કરે ભૂમિપુત્રમાં સાવિત્રી વિશે લેખો લખ્યા. અભ્યાસીઓ-સાધકોએ એ લેખોની પુસ્તિકા પ્રકાશિત કરવા સૂચન કર્યું. પરિણામે વડોદરાના યોગમુક્તા પ્રકાશને ‘સાવિત્રી પ્રવેશિકા’ નામે એક્યાશી પૃષ્ઠની પુસ્તિકા પ્રગટ કરી છે. કિંમત છે માત્ર આઠ રૂપિયા. શ્રી માતાજીનું બીજું વાક્ય અહીં વાંચવા મળે છે : ‘સાવિત્રી’ છે જગતના રૂપાંતર માટેનો મંત્ર.’ કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કર વડોદરામાં રહે છે. કિરીટભાઇ સાથે સંવાદ સાધતા આવ્યા છે. પીયૂષભાઇને આ પુસ્તિકા પૂર્ણયોગના સાધકો માટે ઉપકારક લાગી છે. ‘સાવિત્રી’ પ્રવેશિકા માત્ર પ્રવેશિકા જ નહીં, બલ્કે હાથપોથી પણ બની રહે છે. સાવિત્રી સાહિત્ય આથી વધુ સમૃદ્ધ જ થાય છે. કિરીટભાઇએ સાવિત્રી મહાકાવ્યમાં પાત્રાલેખન વિશે લખીને મહાકાવ્યોનો સંક્ષિપ્ત સાર આપ્યો છે. શ્રવણવાને સાવિત્રી વિષયક ગ્રંથશ્રેણી આપ્યા છે. એના અગિયાર ભાગનું કિરીટભાઇએ ગુજરાતી રૂપાંતર કર્યું છે. બારમો ભાગ પ્રગટ થશે. ‘એક જ શક્તિ બે નામે ઓળખાતી હતી. એ બે નામ છે, ‘સાવિત્રી અને ગાયત્રી’ શ્રી અરવિંદ જણાવે છે : ‘સાવિત્રી દિવ્ય વાણી છે – અસરકારક, આજ્ઞાત્મક, દિવ્ય સર્જનાત્મક વાણી… બીજું નામ ‘ગાયત્રી’ જોડાયેલું છે…. સાવિત્રી નામ સવારે ક્ષિતિજની બહાર આવે તે પહેલાંના સમયના સૂર્યનું છે… જગતના આત્માનો-સત્યવાનનો જ ઉપકાર કરવા તે જન્મ ધારણ કરે છે.’ અશ્વપતિ સાવિત્રીનો માનવપિતા, તે તપસ્યાનો પતિ છે. આધ્યાત્મિક સાધનાની એકાગ્ર બનેલી શક્તિ છે અને તે શક્તિ આપણને માનવ ભૂમિકાઓ પરથી અમરત્વની ભૂમિકાઓ ઉપર પહોંચવામાં મદદ કરે છે.’ (પૃ. 5 સાવિત્રી પ્રવેશિકા) મા ભગવતી અશ્વપતિની જ દીકરી તરીકે અવતાર ધારણ કરવાનું સ્વીકારે છે. (પૃ. 13) અહીં પાત્રો રૂપકાત્મક નથી, વાસ્તવિક છે. શ્રી અરવિંદ આરંભે ‘ગૂઢ અંધકારનો અલ્પકાલીન ખંડ’ નિરૂપે છે. સાવિત્રી સત્યવાનના મૃત્યુરૂપી ભાવિનો સ્વીકાર કરવાના ઇન્કાર કરી દે છે. સાવિત્રી કહે છે : ‘સંજોગો કરતાં આત્મા વધુ શક્તિશાળી છે.’ શ્રી અરવિંદની કવિતાની ખૂબીઓ પણ કિરીટભાઇ દર્શાવતા રહ્યા છે. ‘વસંતના આગમને પ્રકૃતિ સૌંદર્યનો ઉત્સવ મનાવી રહી હતી…. All Nature was at Beauty’s festival – ત્યારે સાવિત્રીનો જન્મ થયો હતો. પૃથ્વીની ઝંખના અને પરમ મુ્દ્દા માટેના પૃથ્વીના પ્રકારના પ્રત્યુત્તરમાં સાવિત્રીનો જન્મ મા ભગવતીના અવતાર રૂપે થયો છે. મા ભગવતી હંમેશાં જગતમાં કાર્ય કરતાં જ રહે છે. એમનો સંકલ્પ છે to divinise clay. માટી (માનવશરીર)ને દિવ્ય બનાવવી. એ સંકલ્પે જ સાવિત્રીના દેહમાં પાર્થિવ સ્વરૂપ ધારણ કર્યું છે.’ સાવિત્રીનો ઉછેર થયો તે પ્રદેશનું વર્ણન સુંદર છે. પિતાની આજ્ઞા પ્રમાણે સાવિત્રી સત્યવાનને શોધે છે–પામે છે. નારદજી સાવિત્રીની વરણીને યોગ્ય જણાવે છે પરંતુ સત્યવાનના ટૂંકા આયુષ્યની ભવિષ્યવાણી કરે છે. દિવ્ય આત્માઓના પ્રેમને પણ વિધિનો સામનો કરવો પડે છે. સાવિત્રી નારદમુનિને પૂછે છે : ‘વેદના, શોખ અને દુ:ખ તેમ જ સ્ખલન વિશ્વમાં આવે છે કેવી રીતે? શું પ્રભુ જાતે આ ક્રૂર નિયમોનું નિર્માણ કરે છે? કે પછી અન્ય કોઇ શક્તિએ પ્રભુનું કાર્ય બગાડી મૂક્યું છે? પ્રભુ અન્ય શક્તિની અસરથી માનવજાતિને બચાવી શકતા નથી?’ નારદજી કહે છે : દુ:ખનું મુખ્ય કાર્ય ચેતનાને જગાડવાનું છે. ભાગ્યનો અર્થ અહીં સૂચવાય છે : ‘રાજા, તારી પ્રકૃતિ અને આત્મા વચ્ચે પ્રત્યેક ક્ષણે ચાલતો વ્યવહાર તારું ભાગ્ય.’ (પૃ. 49) સતતાના શિખર પરથી આવતો અવાજ સાવિત્રી સાંભળે છે : ‘ઊઠ, કાળ અને મૃત્યુનો પરાજય કરે.’ શ્રી અરવિંદની અનુભૂતિ હતી : ‘નીરવ બ્રહ્મનો સાક્ષાત્કાર.’ ‘આપણી અંદર રહેલી નકારાત્મકતા એ જ છે મૃત્યુનો અવાજ.’ (પૃ. 62) ‘આ વિશ્વ, આ સૃષ્ટિ તે બાહ્ય જગતમાં સિદ્ધ નિયમો કરતાં મારો પ્રેમ બળવાન છે.’ (પૃ. 65) ⬛

અન્ય સમાચારો પણ છે...