િવચારોના વૃંદાવનમાં:નવા વર્ષે નવા ધર્મની શોધ!એ ધર્મનું નામ હશે : ‘स्मितधर्म’

ગુણવંત શાહ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણસ પથારીમાં પડ્યો હોય અને કણસતો રહે તોય એ જીવતો ગણાય છે. હા, આયુષ્યની સરેરાશ લંબાઇ વધી છે એ ખરું, પરંતુ અમિતાભ બચ્ચને ‘મિસ્ટર નટવરલાલ’ ફિલ્મમાં બાળકોને વાઘની વાર્તા કહેતી વખતે પૂછેલો પ્રશ્ન સતત યાદ રાખવા જેવો છે : ‘અરે યે જીના ભી કોઇ જીના હૈ, લલ્લુ?’ આયુષ્ય તો વધ્યું, પરંતુ લંબાઇ ગયેલા આયખામાં માણસ ખરેખર કેટલા દિવસ જીવ્યો? આવો ભયંકર પ્રશ્ન ન પૂછવામાં જ આપણી સલામતી રહેલી છે. કણસાટ જીવનની નિશાની કદી ન હોઇ શકે. કણસાટ એટલું તો સિદ્ધ કરે છે કે આપણે જીવવાનું ચૂકી ગયાં અને મૃત્યુમય અવસ્થામાં કણસવાનો અભિશાપ વેઠી રહ્યાં છીએ. વાસી ધર્મ તાજી સમસ્યાઓ ઉકેલી શકે ખરો? પૈસાદાર મનુષ્ય પૂરી માત્રામાં જીવે છે એવો ભ્રમ ત્યજવામાં ઉતાવળ કરવા જેવી છે. જીવવું એટલે શું? જીવવું એટલે ખીલવું. પૂરી માત્રામાં જીવવું એટલે પૂરી માત્રામાં ખીલવું. જીવનમાં પ્રાપ્ત કરવા જેવી એક જ બાબત છે અને તે છે : ‘ખિલવણી.’ ખીલવું એ પ્રત્યેક પુષ્પનો સ્વધર્મ છે. ગુલાબનું ફૂલ પૂરી માત્રામાં ખીલી ઊઠે ત્યારે એનું જીવવું સાર્થક થતું દીસે છે. કોઇ પણ પુષ્પને ધર્મની ઝાઝી ગરજ નથી હોતી. ખીલવું એ જ એનો ધર્મ અને ખીલી ઊઠવું એ જ એનો મોક્ષ! (રવીન્દ્રનાથ આ વાતે સંમત છે.) અબ્રાહમ મેસ્લોએ દુનિયાને એક નવો શબ્દ આપ્યો : ‘સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન.’ આપણી ભાષામાં એને ‘આત્મસાર્થક્ય’ કહી શકાય. જ્યારે કોઇ માણસ પૂરી માત્રામાં ખીલી ઊઠે ત્યારે આત્મસાર્થક્ય પામે છે. એવા મનુષ્યનું નિર્મળ સ્મિત ખીલેલા પુષ્પ જેવું હોય છે. એવો મનુષ્ય ગીતા કે ઉપનિષદ કે કુરાન કે બાઇબલ કે તાલમુદ ન વાંચે તો પણ ચાલી જાય! નવા વર્ષે નવા ધર્મની શોધ કરવા જેવી છે. એ નવા ધર્મને આપણે ‘સ્મિતધર્મ’ જરૂર કહી શકીએ. આવો નવો ધર્મ માનવજાતને જરૂર સ્મિતદીક્ષા આપી શકે તેમ છે. અમેરિકાના ડલાસ શહેરમાં પ્રવચન ગોઠવાયાં ત્યારે પૂરા ચાર દિવસ રહેવાનું બનેલું. મારા યજમાન હતા શિરીષ જોશી. એમને લઇને મિત્ર દિલીપ મહેતા સુરત મળવા પણ આવેલા. રોજ સવારે છ વાગે મોર્નિંગ વાૅક માટે નીકળું ત્યારે એક સુંદર યુવતી સામે મળે. એટલું સમજાયું કે એ અમેરિકન નાગરિક ન હતી. એ સ્મિતપૂર્વક ગૂડ મોર્નિંગ કહે તે મને ખૂબ ગમે. ત્રીજે દિવસે સવારે એ સામી મળી ત્યારે મેં પૂછ્યું : ‘મેડમ ! તમે કયા દેશનાં વતની છો?’ જવાબમાં એણે કહ્યું : ‘હું ઇરાકથી આવું છું.’ મેં કહ્યું : ‘તો તો તમે સદ્દામ હુસૈનના દેશમાંથી આવો છો ને.’ તરત જ એ યુવતીએ કહ્યું : ‘He is not a human being, he is a devil. એણે કૂર્દ લોકોની કતલ મોટા પાયે કરેલી. મારાં સ્વજનો પણ મૃત્યુ પામ્યાં છે.’ મેં એ યુવતીને એક કિસ્સો કહ્યો. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી શ્રી ગિરિલાલ જૈને એક લેખમાં એ કિસ્સો નોંધ્યો હતો. ગિરિલાલ જૈને લખ્યું હતું તે યાદદાસ્ત પરથી અહીં નોંધું છું : ‘એક મુસલમાન ઇરાકથી ભારત આવ્યો અને મને મળવા આવ્યો. એણે કહ્યું : ‘એક માતા રડતી રડતી મને મળવા આવી. તે પોતાના પુત્રની શોધમાં દુ:ખી દુ:ખી થઇને પુત્રને શોધી રહી હતી પણ ક્યાંય પત્તો મળતો ન હતો. છેવટે હું એ સ્ત્રીને એક સ્થાને લઇ ગયો જ્યાં ખોપરીઓનો મોટો ઢગલો બતાવીને એ દુ:ખી માતાને મેં કહ્યું : ‘તારા પુત્રને આ ઢગલામાંથી શોધી લેજે.’ ગિરિલાલ જૈન જુદી માટીના સેક્યુલર માણસ હતા તેથી કટ્ટરપંથી સેક્યુલર જમાતને ખૂંચતા હતા. સદ્દામ હુસૈન જ્યોર્જ બુશનું ચિત્ર પગલુછણિયા પર ચિતરાવતો અને વી.વી.આઇ.પી. એવા વિદેશી મહેમાનોને ડિનર પર બોલાવતો, જેથી બુશના ચિત્ર પર પગ મૂકીને ડિનર પાર્ટીમાં સૌએ જવાનું થાય. આ વાત મેં કહી ત્યારે સદ્દામ હજી જીવતો હતો. સદ્દામને કેટલાક લોકો સેક્યુલર ગણતા હતા કારણ કે એ શિયા-સુન્ની વચ્ચે ભેદભાવ રાખતો ન હતો. સાવ અજાણ્યો માણસ સામે મળે ત્યારે કોઇ પણ અમેરિકન સ્ત્રી એનું અભિવાદન સ્મિતપૂર્વક કરે છે. ધર્મ તેને જ કહેવાય, જેના થકી ‘સ્માઇલિંગ સોસાયટી’ નિર્માણ પામે. જે ધર્મ મનુષ્ય પાસેથી એનું સહજ સ્મિત છીનવી લે એને બીજું ગમે તે કહેવાય, धर्म ન જ કહેવાય. એવા ધાર્મિક(?) સમાજમાં ઘરડાંઘર કે વિધવાશ્રમો કે અનાથાશ્રમો કે મફત ભોજનાલયો હોઇ શકે, પરંતુ પરસ્પર પ્રેમ કરનારાં યુગલો ન હોઇ શકે. પ્રસન્ન યુગલત્વ વેઠી જ ન શકે એવો ધર્મ પાળનારો સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ ગણાય તેવી મારી માન્યતા મારી પાસે ભલે રહી! મને મારો ‘સ્મિતધર્મ’ વહાલો છે. એ ધર્મ પાળનારા સમાજમાં પ્રેમચર્ય અને આનંદચર્ય એ જ ખરું બ્રહ્મચર્ય! નવા ધર્મનું નામ स्मितधમમમर्म રાખીએ તો નવું વર્ષ સાર્થક થઇ જાય. જે ધર્મ પાષાણયુગમાં પ્રચલિત હોય તેમાં સ્થાન પામેલાં મૂલ્યો આજના ઇલેક્ટ્રોનિક યુગમાં કોઇ પણ પરિવર્તન નહીં પામે શું? પરિવર્તન જેવી કાયમી બાબત બીજી કઇ હોઇ શકે? સહજ સ્મિતમાં યુદ્ધ રોકવાની તાકાત રહેલી છે. વાલિનો વધ થયો પછી શું બન્યું? નાનો ભાઇ વાલિની પત્ની તારાને અંત:પુરમાં રાખીને મજા લૂંટવા લાગ્યો અને સીતાની શોધ બાજુએ રહી ગઇ. રામને દુ:ખ થયું, પરંતુ લક્ષ્મણ સુગ્રીવ પર અત્યંત ક્રોધે ભરાયો. રામે લક્ષ્મણને કહ્યું : ‘તું સુગ્રીવને મળવા જા. એને કહેજે : ‘જે માર્ગે વાલિ ગયો છે, તે માર્ગ હજી બંધ થયો નથી.’ લક્ષ્મણ જ્યારે સુગ્રીવના મહેલ પર પહોંચ્યો ત્યારે એનો લાલચોળ ચહેરો જોઇને સૌ કાંપી ઊઠ્યાં. સુગ્રીવને સંદેશો પહોંચાડવામાં આવ્યો : ‘લક્ષ્મણનો ક્રોધ શમે તેમ નથી. કોઇ ઉપાય કરો નહીં તો તમારું રાજપાટ છિન્નભિન્ન થઇ ગયું જાણવું.’ બરાબર એ જ ક્ષણે વાલિની પત્નીએ બાજી સંભાળી લીધી. એણે લક્ષ્મણનું અભિવાદન કર્યું અને સ્મિતપૂર્વક એવા મધુર શબ્દો કહ્યા કે લક્ષ્મણનો ક્રોધ શાંત પડી ગયો. સ્ત્રીના સ્મિતમાધુર્યમાં વિશ્વશાંતિનો કીમિયો સંતાયેલો છે. બંધિયાર અને કણસતા સમાજમાં એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્ત્રીના સ્મિતિમાધુર્યને પણ ચારિયહીનતા સાથે જોડી દેવામાં આવે છે. સતી સ્ત્રીઓની યાદીમાં તારાને સ્થાન મળ્યું છે ! વાલ્મીકિ રામાયણના કિષ્કિંધાકાંડનો 28મો સર્ગ વર્ષાઋતુમાં સીતાવિયોગે ઝૂરતા મર્યાદાપુરુષોત્તમ રામની વેદનાથી ભીનો બન્યો છે. રામ અને લક્ષ્મણ માલ્યવાન પર્વત પર નિવાસ કરતા હતા. રામની વિરહવેદના કેવી હતી? રામ કહે છે : હે સુમિત્રાનંદન! નીલા રંગનો આશ્રય લઇને ચમકી રહેલી આ વીજળી મને રાવણના મહેલમાં તરફડતી સીતા જેવી દેખાય છે. મંદ મંદ હવા નિસાસા જેવી જણાય છે. હે લક્ષ્મણ મારો શોક વધી ગયો છે. મારા માટે દિવસો પસાર કરવાનું મુશ્કેલ બની ગયું છે. એલેક્સિસ કેરલ સાવ સાચું કહે છે : ‘મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધ્યું છે એ સાચું છે, પરંતુ જેને તમે જીવતો જુઓ છો, તે અંદરથી કેટલો મરી ગયો છે તેનું માપ કાઢ્યું છે ખરું?’ યાદ છે? આજે પંડિત નેહરુનો જન્મદિન છે. એમને વંદન. ⬛ }}} પાઘડીનો વળ છેડે ધર્મ ! એ વળી કઇ બલાનું નામ છે? હું તો માત્ર જીવનને જાણું છું. જીવન એટલે ખેતર કે દ્રાક્ષવાટિકા. મંદિર તમારી ભીતર છે. તમે જ છો એ મંદિરના પૂજારી! ખલિલ જિબ્રાન (‘ધિસ મૅન ફ્રોમ લેબેનાૅન’ પુસ્તકમાંથી) Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...