તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય સ્પેસ:દિલ ના-ઉમ્મીદ તો નહ, નાકામ હી તો હૈ લમ્બી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ

કાજલ ઓઝા વૈદ્ય11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે બધાં એક વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ચારે તરફ નિરાશા અને નાકામી, મૃત્યુ અને બીમારી, સરકારની અસફળતા કે ઈનફ્રાસ્ટ્રક્ચરનો અભાવ... આર્થિક સંકડામણ અને સતત થઈ રહેલાં અપમૃત્યુ... સવાલો અનેક છે, જવાબ કદાચ કોઈની પાસે નથી. આ મહામારી માનવસર્જિત છે કે કુદરતનો કહેર છે એ વિશે પણ આપણે હજુ નિશ્ચિતપણે કશું કહી શકતા નથી. રોજ સમાચાર જોઈને મનમાં એક ભયની લહેર દોડી જાય છે, ‘આના પછીનો વારો આપણો હશે?’ કે પછી, ‘આપણા સ્વજનને આવું કંઈ થશે તો હોસ્પિટલ, ઓક્સિજન, 108ની આ માયાજાળમાંથી કેમ બહાર નીકળીશું?’ આવા સવાલો સૌને થઈ રહ્યા છે, ત્યારે એકબીજાને આ જ વિષય પર વાત કરવાને બદલે કોઈ બીજી વાત કરવાથી કદાચ મન બીજી દિશામાં વળે. કોઈ કહેશે કે, ‘મન બીજી દિશામાં વળવાથી પરિસ્થિતિ થોડી બદલાશે? સમસ્યા તો ત્યાં જ ઊભી રહેવાની છે.’ વાત સાચી છે, પરંતુ સતત એ વિચાર્યા કર્યાથી, એ જ સાંભળ્યા કરવાથી કે એના વિશે જ વાતો કર્યા કરવાથી એ વાત મનમાંથી જતી નથી. ભયની લાગણી મનમાં લાંબા સમય સુધી રહે છે. આપણે રોગ કરતાં વધુ ભય અને નિરાશાથી ઘેરાઈ ગયા છીએ. મદ્રાસ હાઈકોર્ટે ટકોર કરી કે, ચૂંટણી પંચના અધિકારીઓ પર કતલનો મુકદ્દમો ચલાવવો જોઈએ, વેલ! ચૂંટણી પંચ જ શા માટે? જાહેરસભા ભરતા નેતાઓ, કાર્યકરો અને ટોળે વળતા લોકો બધાં ઉપર અનેક લોકોના ખૂનનો મુકદ્દમો ચલાવી શકાય. જે લોકો જાહેર સભામાં નથી ગયા એ તદ્દન બેગુનાહ છે? ના, એ કુંભમાં ગયા છે, મંદિરોમાં ટોળે વળ્યા છે, એટલું ઓછું હોય એમ શાકભાજીની લારી પર જાણે કે પોતે રહી જવાના હોય એમ ધક્કામુક્કી કરીને શાક ખરીદતા લોકો પણ એટલા જ મોટા ગુનેગાર છે. આરટીપીસીઆર કરાવવા માટે લાઈનમાં ઊભેલા લોકો તો જાણે છે કે આમાંના કેટલાક પોઝિટિવ હોઈ શકે છે, તેમ છતાં એકબીજાને અડીને-ધક્કા મારીને ઊભા રહેતા લોકો ગુનેગાર નથી ? એની સામે કેટલાક લોકો તદ્દન બેજવાબદાર અને બેદરકાર છે. પાણીપૂરી, ખમણ કે ચોળાફળીની લારી પર ટોળે વળીને માસ્ક વગર, કદાચ હાથ ધોયા વગર ખાઈ રહ્યા છે. સત્ય તો એ છે કે સ્વચ્છ ન રહેવા માટે ગરીબી એ બહાનંુ ન હોઈ શકે. ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોનાં ઘરો ભલે નજીક હોય, પરંતુ એથી એમણે ગંદા કે બેદરકાર રહેવાની કોઈ જરૂર નથી. આપણને નડે છે આપણું અજ્ઞાન અને આપણી બેદરકારી. અત્યારે આ બંનેથી છૂટવા માટે સૌથી પહેલાં તો જાગી જવું પડશે. ખાતાં પહેલાં હાથ ધોવા, બહારથી આવીને હાથ-પગ ધોઈને જ ઘરમાં કોઈ પણ ચીજને અડવું, માસ્ક પહેરી રાખવું કે કારણ વગર ઈધર-ઉધર ન ભટકવું જેવા સાદા નિયમો આપણે કોઈ પણ પાળી શકીએ એમ છીએ, પરંતુ પાળતા નથી, કારણ ? આપણે તદ્દન મૂર્ખ અને બેજવાબદાર પ્રજા છીએ. આપણે ત્યાં કુંભના નામે હજારો લોકો સ્નાન કરે છે કે આરતીના નામે સેંકડો ટોળે વળે છે ત્યારે બધાં ભગવાન ભરોસે પોતાની જાતને છોડી દે છે. અત્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે પરંતુ એ બધાંની વચ્ચે સ્વસ્થ લોકો પણ છે જ, જે પોતાની નિયમિત જિંદગી જીવી રહ્યા છે. એમની પાસે બે શસ્ત્ર છે, પહેલું સ્વચ્છતા અને જાગૃતિ, બીજું, આશા-ઉમ્મીદ-હોપ! આપણા પ્રયત્નો પોતાને જ નુકસાન કરવાના છે, આપણી બેદરકારી અને ફાંકા ફોજદારી જાતને જ ખતમ કરવા કટિબદ્ધ છે અને પછી આપણે આશા કે હોપની વાત કરીએ તો એ બેકાર છે. આપણે સૌથી પહેલાં પ્રયત્ન કરવો પડશે. એ પછી ઈશ્વર પરની શ્રદ્ધા કે દીવા-દિવેટ, બાધા આખડી કઈ કામમાં આવતા નથી, ત્યારે આપણે નિરાશાથી ઘેરાઈ જઈએ છીએ. ઉમ્મીદ કે આશા, પ્રયત્ન સાથે સંયોજાય તો જ પરિણામ આપી શકે છે. સૌએ સાથે મળીને એક પ્રયાસ કરવાનો છે આ અંધારી ટનલમાંથી બહાર નીકળવાનો. આ અંધારી ટનલ કેટલી લાંબી છે, આગળ કેટલું અંધારું હશે એ બંને બાબતનો આપણી પાસે કોઈ અંદાજ નથી, પરંતુ આપણી પાસે સ્વચ્છતા અને જાગૃતિ, માસ્ક અને સેનિટાઈઝેશનના બહુ નાના છતાં ટમટમતા દીવા છે જે આ અંધારી ટનલને પસાર કરવામાં આપણી મદદ કરી શકે એમ છે. આપણે એ દીવા બુઝાવી દીધા છે એટલું જ નહીં, અંધારી ટનલ વધુ અંધારી થાય એવી રીતે ટોળે વળીને એકમેકને અથડાઈ રહ્યા છીએ... એ પછી પોઝિટિવિટીની વાતો અને હોપ-ઉમ્મીદના લેક્ચર્સ આપણી નિરાશામાં વધારો કરે છે. સત્ય એ છે કે, ઇશ્વરે આપણને શ્રદ્ધા નામનું એક સરસ સોફ્ટવેર ઈનબિલ્ટ આપ્યું છે, પરંતુ સાથે સાથે એ શ્રદ્ધાને લોજિકથી વાપરવાની જરૂર છે. જો આપણી શ્રદ્ધા સાચી હોય તો કણકણમાં ઈશ્વર છે, મંદિરમાં ભીડ કરવાની જરૂર નથી. જો આપણો ભરોસો સાચો હોય તો એક વાર એના ભરોસે પણ, આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેને આપણે ઈશ્વર, અલ્લાહ, જિસસ કે બીજા કોઈ પણ સ્વરૂપે જોઈએ છીએ એણે આપણને જિંદગી આપી છે, આપણી જવાબદારી એણે નથી લીધી. જો સૌ સૌની જવાબદારી લઈ લે, જો સૌ સ્વચ્છતા રાખવાનું, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝ કરવાનું અને જાગૃતિપૂર્વક અડવું, ભેટવું, ધક્કા મારવા કે નજીક ઊભા રહેવા જેવી ભૂલો ટાળે તો કદાચ આપણે સ્વસ્થ ભારતની ઉમ્મીદ અથવા હોપ ઊભી કરી શકીશું. યાદ રાખીએ, ટોળું કોરોનાની પ્રિય જગ્યા છે... માસ્ક વગરના માણસો એને બહુ જ ગમે છે અને અસ્વચ્છતા એનું નિવાસસ્થાન છે. બેદરકારી એને પ્રોત્સાહન આપે છે અને આપણી બેવકૂફી ઉપર એ અટ્ટહાસ્ય કરે છે. ⬛ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો