રણમાં ખીલ્યું ગુલાબ:દિલ કા દર્દ છુપાયે બૈઠે હૈ, હમ ઉનકે સામને મુસ્કુરાયે બૈઠે હૈ

2 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • મૌલિ માટે અતિશય અસહ્ય વાત તો એ બની કે એ રાત્રે જ આવું અપમાન વેઠ્યાં પછી એણે પતિને શરીરસુખ ભોગવવા દેવું પડ્યું.લગ્નજીવનના પ્રારંભિક દિવસોમાં જ મૌલિનાં તમામ સપનાંઓ ચકનાચૂર થઇ ગયાં હતાં

રાતના બે વાગ્યા ત્યારે ડોરબેલ વાગી. મૌલિએ બારણું ઉઘાડ્યું. પતિદેવ ઊભા હતા. મૌલિની અકળામણ શબ્દોમાં વ્યક્ત થઇ ગઇ, ‘આ તે કંઇ સમય છે ઘરે આવવાનો, દિશાંત?’ દિશાંત પત્નીને હડસેલીને ઘરની અંદર પ્રવેશી ગયો. જવાબ આપવા માટે એણે મોં ખોલ્યું એ સાથે જ સૌથી પહેલાં સિગારેટના ધૂમાડાની અને વ્હિસ્કીની બદબૂ બહાર નીકળી, એ પછી એના શબ્દો. દિશાંતનો જવાબ તો પ્રથમ બે દુર્ગંધ કરતાં પણ વધારે અસહ્ય હતો, ‘મારા પોતાના ઘરમાં આવવા માટે મારે સમય જોવાનો હોય? ચાલ હટ, આ મારું ઘર છે. તું મને સવાલ પૂછવાવાળી કોણ?’ ‘દિશાંત, આ તારું એકલાનું ઘર નથી પણ આપણું ઘર…’ મૌલિ પોતાનો અધિકાર બતાવવા માટે બોલી ગઇ પણ એને ખબર જ હતી કે પતિદેવ અત્યારે રાજાપાઠમાં છે. રાજા દિશાંતને મધરાતી એકાંતમાં સામે ઊભેલી મૌલિરાણી ગમી ગઇ. મૌલિ ગમી જાય એવી હતી એટલે તો એણે એની સાથે લગ્ન કર્યાં હતા. પણ અત્યારનો માહોલ કંઇક વિશેષ હતો. દિમાગ પર શરાબનો નશો છવાયેલો હતો અને આંખો સામે મદીલી મૌલિ હતી. મૌકા ભી થા, મકસદ ભી થા ઔર દસ્તુર ભી થા. દિશાંતિ પત્નીને પોતાની નજીક ખેંચી અને એને ચૂમવા માટે પોતાનું મોં ઝુકાવ્યું. મૌલિ એક આંચકા સાથે અળગી થઇ ગઇ, ‘તમે શરાબ પીને આવ્યા છો? મેરેજ પહેલાં મેં તમને પૂછ્યું હતું ત્યારે તો તમે કોઇ જ વ્યસન ન હોવાની વાત કરી હતી.’ દિશાંત ‘રામાયણ’ ટી.વી. સિરિયલના રાવણ જેવું અટ્ટહાસ્ય કરીને બોલ્યો, ‘એવું તો બોલવું પડે. જો તારાં જેવી રૂપાળી સ્ત્રીને મેળવવી હોય તો થોડુંક જુઠ્ઠું તો બોલવું પડે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.’ મૌલિના આઘાતનો પાર ન રહ્યો. આ માણસ જોડે એણે લવમેરેજ કર્યાં?! એ પોતાની જાતને સવાલ પૂછી રહી. મૌલિ સૌંદર્યની બાબતમાં ‘રિચી રિચ’ હતી પણ એ એક સામાન્ય પરિવારમાંથી આવતી હતી. એણે એના પપ્પાને ક્યારેય ધાણા-દાળ ખાતા પણ જોયા ન હતા, એને પોતાને ચાનું પણ વ્યસન ન હતું. રોજ સવારે ઊઠીને દૂધ પીવાવાળી મૌલિ અડધી રાત પછી દારૂ ઢીંચીને આવતા પતિને કેવી રીતે સ્વીકારી શકે? મૌલિનું મોં ફૂલી ગયું, પણ એ સમયે એને વાતને આગળ વધારવામાં ડહાપણ ન લાગ્યું. દિશાંત અત્યારે દિશાહીન લાગતો હતો. એનો જવાબ પણ મૌલિને પોતાના ગાલ પર વાગેલા તમાચા જેવો લાગ્યો હતો. જો પોતે વધારે સવાલ-જવાબ કરે તો ક્યાંય સાચો તમાચો મારી દેતા પણ દિશાંત વાર ન લગાડે. મૌલિ માટે અતિશય અસહ્ય વાત તો એ બની કે એ રાત્રે જ આવું અપમાન વેઠ્યાં પછી એણે પતિને શરીરસુખ ભોગવવા દેવું પડ્યું. લગ્નજીવનના પ્રારંભિક દિવસોમાં જ મૌલિનાં તમામ સપનાંઓ ચકનાચૂર થઇ ગયાં હતાં. લગ્ન કરતાં પહેલાં એ અને દિશાંત પૂરાં બે વર્ષ સુધી પ્રેમમાં રહ્યાં હતાં. અનેકવાર મળતાં રહેતાં હતાં. ત્યારનો દિશાતં અત્યારના દિશાંત કરતાં સાવ જુદો જ હતો. અત્યંત વિનમ્ર, પ્રેમાળ, ઉદાર, નિર્વ્યસની અને સમજુ લાગતો દિશાંત લગ્ન પછી અચાનક પોતાના મૂળ સ્વભાવ પર આવી ગયો હતો. એવું લાગતું હતું જાણે પત્ની માટે એની પાસે સમય જ ન હતો! એની જોબ સાંજે પાંચ વાગે પૂરી થઇ જતી હતી. એ પછી ઘરે આવવાને બદલે એ પોતાના મિત્રોની ટોળકીમાં ગોઠવાઇ જતો હતો. રાત્રે બે વાગે એ ઘરે આવે ત્યાં સુધીમાં ભોજન અને મૌલિ બંને ઠંડાં થઇ ગયાં હોય. ભરઊંઘમાં સૂતેલી મૌલિનો મોબાઇલ ચીસ પાડીને એને જગાડે, ‘બારણું ખોલ. હું આવ્યો છું. ડોરબેલ વગાડું તો મમ્મીપપ્પા જાગી જશે.’ ક્યારેક દિશાંત બહાર જમીને આવ્યો હોય, ક્યારેક એનો હુકમ છૂટે: ‘બહુ ભૂખ લાગી છે. ભેળ કે સેન્ડવિચ બનાવી આપ.’ શરૂઆતના દિવસોમાં તો મૌલિ બનાવી આપતી. પછી ધીમે ધીમે એણે બબડવાનું ચાલુ કર્યું, ‘આ તે કંઇ રીત છે? સાંજની રસોઇ ફેંકી દેવી પડે છે અને આટલી મોડી રાતે મારે તમારા માટે…’ દિશાંતના મુખેથી દ્વિઅર્થી વાક્ય નીકળી પડતું, ‘તું મારી રાતની ભૂખ સંતોષવા માટે તો મારા ઘરમાં આવી છે.’ ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવાને બદલે વણસતી ગઇ. મૌલિને તમાકું, અને સિગારેટના ધુમાડા પ્રત્યે ભારે નફરત હતી. બહારથી ધૂમ્રપાન કરીને આવેલો દિશાંત બ્રશ કર્યાં વગર જ એના પર તૂટી પડતો ત્યારે મૌલિ છટપટાઇને રહી જતી હતી. એક દિવસ હિંમત કરીને મૌલિએ સાસુ-સસરા સમક્ષ ફરિયાદ રજૂ કરી. સસરા ચૂપ જ રહ્યા. સાસુએ શિખામણ આપી, ‘દિશુ તો છે જ એવો. લગ્ન કરતાં પહેલાં તને ખબર ન હતી? પ્રેમમાં પડતી વખતે તેં અમને પૂછ્યું હતું? અને આપણે તો સ્ત્રીનો અવતાર. પતિ એ જ પરમેશ્વર. બધા પુરુષો આવા જ હોય છે. થોડુંક સહન કરતાં શીખો.’ મૌલિ સમસમીને રહી ગઇ. સાસુની બંને વાત એને મંજૂર ન હતી. દિશાંત જો પહેલેથી આવો જ હતો તો લગ્ન કરતાં પહેલાં એ કેમ અલગ રીતે રજૂ થયો? રહી વાત સ્ત્રીની. પોતે આ ઘરમાં કુળવધૂ બનીને આવી હતી, ગુલામડી બનીને નહીં. નાની વાત હોય તો સહુ કોઇ ચલાવી લે પરંતુ આવો અધરાત-મધરાતનો અત્યાચાર આખી જિંદગી કોણ સાંખી લે? એ રાત્રે દિશાંત સહેજ વહેલો ઘરે આવ્યો. બેડરૂમનાં બારણાં બંધ કરીને એણે મૌલિને ધમકાવવાનું શરૂ કર્યું, ‘મમ્મીએ ફોનમાં મને બધી વાત કરી છે. તું મારાં મમ્મીપપ્પા આગળ મારી વિરુદ્ધમાં ફરિયાદ કરવાની હિંમત કેવી રીતે કરી શકી? અત્યાર સુધી તો હું સારો રહ્યો છું. આજે તને બતાવું કે હું ખરાબ થાઉં તો હું શું કરી શકું છું.’ આવું કહીને દિશાંતે મૌલિના છુટ્ટા વાળ પકડીને દીવાલ સાથે એનું માથું અફાળ્યું. દિશાંતનો હાથ ભારે હતો. ચોટ એટલી તીવ્ર હતી કે મૌલિ બેહોશ થઇને જમીન પર ઢળી પડી. દિશાંત પથારીમાં જઇને નસકોરાં બોલાવવાં લાગ્યો. થોડીવાર પછી કળ વળી એટલે મૌલિ પણ ઊભી થઇને બીજા રૂમમાં જઇને ઊંઘી ગઇ. સવારે જાગીને એણે નિર્ણય લઇ લીધો. પોતાનાં કપડાં અને જરૂરી ચીજવસ્તુઓ બે બેગ્સમાં ભરીને એ બંગલામાંથી નીકળી ગઇ. જતાં જતાં સાસુ-સસરાંને કહેતી ગઇ, ‘તમારા પુરુષપ્રધાન પરિવારમાં હું રહી શકું તેમ નથી. થોડા દિવસોમાં ડિવોર્સ પેપર્સ મોકલી આપીશ. તમને બીજી વહુ મળી જશે, મને બીજો પતિ. મારે જીવનસાથીની જરૂર છે, ધણીની નહીં. બે મહિનામાં ડિવોર્સ થઇ ગયા. ભણેલીગણેલી મૌલિ એક પ્રાઇવેટ ઓફિસમાં જોબમાં રહી ગઇ. પિયરમાં જઇને એ મમ્મીપપ્પાનાં માથાં પર બોજ બનીને જીવવા માગતી ન હતી. ઓફિસમાં એની સાથે કામ કરતા પંદરેક કર્મચારીઓ મૌલિની સાથે ખૂબ સારું વર્તન દાખવતા હતા. એક દિવસ બાજુના ડેસ્ક પર કામ કરતી ચિત્રાએ એને કહ્યું, ‘મૌલિ, તું ક્યાં સુધી એકલી રહીશ? તારા જેવી બ્યૂટિફુલ સ્ત્રીને અપનાવવા માટે કોઇ પણ પુરુષ તૈયાર થઇ જાય.’ ‘હા, મને એ વાતની ખબર છે. હું ફરીથી લગ્ન કરવાની જ છું, પણ કોઇ યોગ્ય પાત્ર મળે તો જ.’ મૌલિએ ઉમેર્યું, ‘એવો સુપાત્ર પુરુષ શોધવો ક્યાં?’ ચિત્રા હસી પડી, ‘તું પણ પેલી કહેવતની જેવું કરે છે, કાંખમાં છોકરું અને ગામમાં ગોતે છે. તારા માટે સૌથી સુયોગ્ય મુરતિયો તો આપણી ઓફિસમાં જ છે.’ ‘આપણી ઓફિસમાં? તું કોની વાત કરે છે?’ મૌલિને આશ્ચર્ય થયું. ‘હું અવિનાશની વાત કરું છું.’ ચિત્રાએ માહિતી આપી, ‘ઓફિસમાં બધાં એવું માને છે કે અવિનાશ મેરિડ છે. એ વાત સાચી પણ છે. અવિનાશ પરણેલો હતો, પણ પંદર દિવસ પહેલાં એ ડિવોર્સ લઇને એની પત્નીથી અલગ થયો છે. તેને એક દીકરો પણ છે, જે એની પત્ની પાસે રહેશે. અવિનાશ નખશિખ સજ્જન, સ્નેહાળ અને વિનમ્ર છે. ઓફિસમાં બધાની સાથે હળીમળીને રહે છે. શુદ્ધ ચારિત્ર્યનો છે. મને તો બધી રીતે તારા માટે યોગ્ય લાગે છે. તમારા બંનેના સાથે ફોટાથી આલ્બમ પણ શોભી ઊઠશે.’ મૌલિના મનમાં લગ્નની શરણાઇ ગુંજવા લાગી. એ પણ અવિનાશના વ્યક્તિત્વથી ખુશ હતી, પણ એને ખબર ન હતી કે એ ડિવોર્સી છે. એ તો એને મેરિડ જ માનતી હતી. મૌલિએ ચિત્રાને કહી દીધું, ‘મારા તરફથી હા છે. આ કામ હું તારા પર છોડું છું. તું અવિનાશનું મન જાણી લેજે.’ બે દિવસમાં જ ચિત્રા સમાચાર લઇ આવી. અવિનાશ પણ મૌલિની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયો હતો. આ વાત આખી ઓફિસમાં ફેલાઇ ગઇ. ઓફિસમાં 35 વર્ષથી કામ કરતા સિનિયર કર્મચારી જનુકાકાએ મૌલિને ખાનગીમાં બોલાવીને સલાહ આપી, ‘તારી અને અવિનાશની જોડી જામે છે, પણ તું ઉતાવળ ન કરતી. અવિનાશ સાથે લગ્ન કરતાં પહેલાં એક વાર મંજરીને મળી લેજે. મંજરી એની પ્રથમ પત્ની છે.’ બીજા જ દિવસે મૌલિ મંજરીને મળવા પહોંચી ગઇ. અવિનાશ વિશે અભિપ્રાય પૂછ્યો. મંજરીએ જણાવ્યું, ‘તમને બધાને એ ખૂબ સારો લાગતો હશે. ઓફિસમાં દેવ જેવો લાગતો અવિનાશ ઘરમાં દાનવ જેવો બની જાય છે. તેના રોજરોજના મારથી કંટાળીને હું….’ સાંભળીને મૌલિને લાગ્યું કે કોઇએ ફરીથી એક વાર એનું માથું દીવાલ સાથે અથડાવ્યું હોય! ⬛drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...