માયથોલોજી:ભાગવત પુરાણ અને ભગવદ્ ગીતામાં તફાવત

દેવદત્ત પટનાયક8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકો મોટા ભાગે ભાગવત પુરાણ (જેને સામાન્ય રીતે ભાગવત કહેવાય છે) અને ભગવદ્ ગીતા (જેને સામાન્ય રીતે ગીતા કહેવાય છે)માં ગૂંચવાઇ જાય છે. ભાગવતમાં ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે દુનિયા સાથે જોડાય છે. એ કૃષ્ણને વિષ્ણુના અવતાર રૂપે સ્થાપિત કરે છે. મહાભારત ભરત વંશના યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કુરુ વંશનું બીજું નામ, પાંડવ અને કૌરવ જે વંશના સભ્યો છે. મહાભારતમાં ભરત વંશના ઝઘડા દ્વારા ભગવાન કૃષ્ણનું રૂપ લઇ દુનિયા સાથે જોડાય છે. ભાગવતમાં કૃષ્ણ પાંડવોને મળે છે, તે પહેલાંના જીવનનું વર્ણન છે, જ્યારે પાંડવોને મળ્યા પછીનું વર્ણન મહાભારતમાં જોવા મળે છે. ભાગવતમાં કૃષ્ણ ગોવાળિયા રૂપે ગ્રામ્ય વિસ્તારમાં જીવન વિતાવે છે, જ્યારે મહાભારતમાં તેઓ નગરમાં આવી યોદ્ધા અને રણનીતિજ્ઞ તરીકે જીવન પસાર કરે છે. ભાગવત લાગણીઓ (ભક્તિ માર્ગ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે મહાભારત કર્મ (કર્મ માર્ગ) અને વિચારો (જ્ઞાન માર્ગ)માં સાયુજ્ય સાધવાને મહત્ત્વ આપે છે. ગીતા, જે મહાભારતનો જ એક ભાગ છે, તે ત્રણેય માર્ગોને જોડે છે. જે વિચાર ગીતામાં રજૂ કરવામાં આવ્યો છે, એ જ વિચાર કૃષ્ણની રાસ-લીલા દ્વારા એકદમ અલગ રીતે ભાગવતમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. ભાગવતમાં કૃષ્ણના બાળપણની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે – એ કઇ રીતે તેમને મારવા મોકલાયેલા અસુરોનો વધ કરે છે, કુદરતી આપત્તિમાં ગામનું રક્ષણ કરે છે, પોતાના મિત્રો સાથે ગાયો ચરાવવા જાય છે અને ગોપીઓની મજાક કરી તેમની મટકીનું માખણ ચોરે છે. આ વર્ણન પછી ભાગવત પ્રણય અને કામુકતાનું વર્ણન કરે છે. દર પૂનમે કૃષ્ણ તુલસીની ઝાડીઓના સુગંધિત વન એટલે કે વૃંદાવનમાં વાંસળી વગાડે છે. આ મધુર સૂરથી આકર્ષાઇને ગોપીઓ ગાઢ ઊંઘમાં સૂતેલા પોતાના પિતા, ભાઇ, પતિ અને પુત્રોને છોડી કૃષ્ણની ફરતે ગોળાકારમાં નૃત્ય કરવા માટે દોડી આવે છે. આમ, બિહામણું વન રમણીય મધુવનમાં ફેરવાઇ જાય છે. આનંદના ચક્ર (રાસ-મંડળ)ની આ રચનાને રાસ લીલા કહે છે. તે ત્યાં સુધી ચાલતી, જ્યાં સુધી ગોપીઓ કૃષ્ણ પર પોતાનો અધિકાર દર્શાવવા ન લાગે અને જ્યાં સુધી રાસ-લીલા ચાલતી, ત્યાં સુધી દરેક ગોપીને લાગતું કે કૃષ્ણ માત્ર પોતાની સાથે રાસ રમે છે. કુરુક્ષેત્રની રણભૂમિ અને મધુવનની રાસલીલા વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. ત્યાં યુદ્ધ થાય છે, તો અહીં નૃત્ય. ત્યાં પુરુષ છે, તો અહીં મહિલાઓ, ત્યાં રક્ત વહે છે, તો અહીં દૂધ. ત્યાં સૌ ક્રોધિત છે, તો અહીં પ્રેમભર્યું વાતાવરણ છે. ત્યાં દિવસ છે, તો અહીં રાત છે. ત્યાં બધું ખાનગીમાં થાય છે, જ્યારે અહીં બધું જાહેરમાં બને છે. ત્યાં પ્રકૃતિનું જંગલી સ્વરૂપ છે તો અહીં કુદરતી મેદાનમાં પાળેલા પ્રાણીઓ છે અને ત્યાં હિંસાનું વર્ચસ્વ છે, જ્યારે અહીં કામુક તણાવ છે. મહાભારતમાં સંપત્તિ અને ભાગવતમાં નિષ્ઠા સાથે જોડાયેલ નૈતિકતા અને ઔચિત્યની સ્થાપિત ધારણાઓને પડકારીને કૃષ્ણ એક અંતહીન વૈદિક વિષય પ્રતિ ધ્યાન આકર્ષિત કરે છે કે કઇ રીતે કોઇ પોતાના મગજ પોતાની બુદ્ધિ મુજબ જાણકારીને અલગ અલગ રીતે સમજે છે. દુનિયામાં બુદ્ધિનું સ્તર અનંત હોવાથી દરેક વાતને સમજવાની રીત પણ અનંત છે. માત્ર વિશાળ મન (બ્રહ્મમન) જ અનંતને સમજી શકે છે. આ ઉપરાંત, ભાગવતમાં કૃષ્ણનાં માતાઓની વાત કરવામાં આવી છે : દેવકી, જે એમને જન્મ આપે છે અને યશોદા જે એમને ઉછેરીને મોટા કરે છે. એમાં કૃષ્ણની પ્રેમિકાઓનો ઉલ્લેખ છે. રાધા જેને કૃષ્ણ ગોકુળમાં છોડીને આવે છે અને યમુના જે દ્વારકા સુધી એમનો પીછો કરે છે. કૃષ્ણની પત્નીઓનો ઉલ્લેખ છે : સત્યભામા જે ધનવાન અને માગણીઓ ધરાવે છે અને રુક્મિણી જે સામાન્ય અને વિનમ્ર છે. ભાગવત શાહી દરબારોની નહીં, પણ આંતરિક નિવાસોની વાતો જણાવે છે, શહેરની નહીં, ગામડાંની વાતો, યુદ્ધભૂમિની નહીં, ગોપાલકની વાતો. કૃષ્ણ મહાન રાજનૈતિક, યોદ્ધા અને શિક્ષક ભલે હોય પણ એ કોઇના પુત્ર, પ્રેમી, પતિ અને કોઇના ભાઇ અને પિતા પણ છે. તેઓ કાયમ નિશ્ચિત ન હોવાથી ઘણી વાર લોકોમાં અકળામણ પણ ઉત્પન્ન કરે છે. આ જ કારણોસર મહાભારત એક પૌરુષ કથા છે, તો ભાગવત અત્યંત સ્ત્રૈણ કથા છે, જે ભગવાનના ઘરને બાહ્ય ભવ્યતાથી આંતરિક સાદગી સુધી લાવે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...