હું આજે ફરી સ્તબ્ધ છું. દિવસે પણ સ્તબ્ધ જ હતી. કલ્પના કરી ન હતી કે શીલા આવું કરે. પણ એણે કર્યું એ હકીકત બની ગઈ અને છાપે પણ ચડી ગઈ. જોકે હું તો એની અંતરંગ સખી. એના મનમાં શું ચાલે છે કે મારા મનમાં શું ચાલે છે એની અમને બંને ખબર રહેતી. પણ તે છતાં મને ખબર જ ન પડી. ધોરી ધરાર ન પડી. જ્યારે પડી ત્યારે શું વ્યક્ત કરવું એ જ ન સમજાયું. શીલા આવું કરે? અરે ન જ કરે. ઘડીભર માની નહોતી શકી. પહેલાં લાગ્યું કે ભાઈની કોઈ ભૂલ થાય છે. પણ ના એની કોઈ ભૂલ થતી નહોતી. શીલાએ કોઈ કાળ ચોઘડિયે આપઘાત કરી લીધો હતો. આજે એને એક મહિનો થયો. મારી સખીઓ તો ઘણી છે પણ શીલા જેવી હિંમતવાન અને સ્માર્ટ અને સમજદાર એકેય નથી. અમે કોલેજ કરતા ત્યારે એ મને કહેતી, ‘દર્શના તું બહુ સમજદાર અને વ્યવહારુ છો, મારામાં એવું ક્યારે આવશે? હું તારા જેવી સમજદાર ક્યારે થઈશ?’ પણ સમય જતાં મને સમજાયું કે શીલા મારા કરતાં હિમતવાન છે. એણે લેબ ટેક્નિશિયનનો કોર્સ કર્યો. એક ફાંકડા યુવાનનું દિલ શીલા ઉપર વારી ગયું. બંનેએ લગ્ન કરી લીધાં. પણ મને નવાઈ જરા લાગી હતી કે હું જેને જીજાજી કહેતી એ અશ્વિન આર્મીમાં જોડાઈ ગયો. શીલાએ એને સામેથી રજા આપી. શીલા મોટી ખાનગી હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન તરીકે જોડાઈ ગઈ. આમ તો આ શહેરમાં જ તેના માવતર. એના માવતરનું ઘર ખાતુંપીતું ગણાય. એમનાં ત્રણ મકાન હતાં. પણ લગ્ન પછી એ સ્વમાની છોકરીએ ભાડે મકાન લીધું. સમય જતાં એણે પ્લોટ લીધો. જીજાજીની નોકરી એવી કે છ મહિને આવે તો આવે. અહીં શીલાએ પોતાની રીતે મકાન બનવરાવ્યું. એનું મકાન બનતું હતું ત્યારે એનો દીકરો મીત ચાર વર્ષનો હતો. આજે મીત તેર વર્ષનો છે. સાચું કહું તો શીલાની લાઈફ જોઈને મને ક્યારેક ન પરણવાનો અફસોસ થતો. મા દીકરો જે રીતે જીવતા હતા એ જોઈને આઝાદી કોને કહેવાય એ સમજાય. શીલા જેટલી રફ એન્ડ ટફ હતી એટલી જ ભાવુક. એનો પ્રોફેશનલ એટિટ્યુડ જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે લગ્નનાં પંદર વર્ષ પછી પણ વિજ્ઞાનનું ભણેલી કોઈ યુવતી પોતાના પતિની યાદમાં પ્રેયસીની જેમ આંસુ સારે. એને જ્યારે જીજાજીની બહુ યાદ આવતી ત્યારે એ મને ફોન કરતી. હું રાતે એના ઘેર જતી. મીત સૂઈ જાય એ પછી એ મને વળગીને રીતસર રડતી. કોઈ મુગ્ધાની જેમ મને કહેતી, ‘દર્શના તું એમને ફોન કરીને કહેને કે ગમેતેમ કરીને આવી જાય’ હું ત્યારે એની આંખોમાં જોઈ રહેતી. મેં તો લગ્ન કર્યાં નહોતાં. પ્રેમી કે પતિ એટલે શું એની તો મને આ ભવમાં સમજ પડવાની નહોતી. તોય હું એને આશ્વાસન દેતી. અને થોડી વારમાં જ વરસીને ખાલી થયેલા આકાશ જેવી એ સ્વચ્છ દેખાતી. પછી હસીને કહેતી, ‘ચાલ, દસુડી તને મસ્ત ચા પીવડાવું’ એના ચહેરા ઉપર છલકતો જીવનરસ જોઈને થતું કે અત્યારે જે શીલાને થાય છે એવું ત્યાં જીજાજીને થતું હશે? પણ એ બધું હવે માત્ર સ્મરણો છે. એક મહિના પછી પણ મને એ સમજાયું નથી કે એવો કયો પ્રશ્ન હતો જેના કારણે શીલાએ ગળામાં પોતાનો જ દુપટ્ટો બાંધીને, પોતાના શ્વાસ રૂંધી નાખ્યાં? જે બન્યું એ માત્ર અડધો કલાકમાં બન્યું. શીલા દોઢ વાગે ઘેર આવતી. એનો દીકરો પોણા બે વાગે સ્કૂલેથી આવતો. એ આવ્યો ત્યારે શીલાની સ્કૂટી હંમેશની જેમ પાર્ક થયેલી હતી. એનો મોબાઈલ ફોન ટેબલ ઉપર પડ્યો હતો. એને થયું કે મમ્મી ઉપરના રૂમમાં હશે. અડધો કલાક રાહ જોયા પછી ઉપર ગયો ત્યારે ઉપરનો દરવાજો અંદરથી બંધ હતો. એણે પોતાના પાડોશી એટલે મારા ભાઈને ઘેર જઈને વાત કરી. ભાઈ-ભાભીએ મીત સાથે આવીને ઉપરના રૂમનો દરવાજો ખખડાવ્યો. આખરે એમણે શીલાના ભાઈને ફોન કર્યો. મજબૂત દરવાજો તૂટ્યો ત્યારે જે દૃશ્ય દેખાયું એ કોઈથી માની શકાય એવું નહોતું. આજે ફરી ભાઈનો ફોન આવ્યો. એણે કહ્યું કે મીત તોફાને ચડ્યો છે. એ જોરજોરથી રાડો પાડીને શીલાના હસબન્ડને કહી રહ્યો છે, ‘તમારા કારણે જ મમ્મી મરી ગઈ. તમે જ મારા મમ્મીના ખૂની છો’ હું સ્તબ્ધ છું. શું મીતને એવી કોઈ બાબતની ખબર હશે જેની કોઈને ખબર નહોતી?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.