અસાંજો કચ્છ:સિંધુ સંસ્કૃતિનું અડધું ખુલ્લું પાનું ધોળાવીરા

કીર્તિ ખત્રી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બધાઇ હો, યુનેસ્કોને ધોલાવીરા કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરને કી ભારત સરકાર કી દરખાસ્ત મંજૂર કર દી હૈ...’ 5મી જૂને ફોન પર અા સમાચાર અાપતાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગના દિલ્હીસ્થિત નિવૃત્ત અધિકારી રવીન્દ્રસિંહ બિસ્ત ભાવુક થઇ ગયા હતા. લાગણીઅોનો અા ઊભરો સ્વાભાવિક હતો. અાખરે તેમણે જ તો રણ વચાળે ખડીર બેટમાં ચાૈદ વર્ષ સુધી ઉત્ખનનનો ધૂણો ધખાવીને ધરતીના પેટાળમાં દટાયેલા સિંધુ ખીણ સંસ્કૃતિના સાૈથી અનોખા નગરના અવશેષ પાધરા કરીને ઇતિહાસ સર્જી દીધો છે. ધોળાવીરાની 5000 વર્ષ પૂર્વેની હડપ્પીય વસાહતની અા ખોજે ઉજાગર કરેલા સિંધુ ખીણ સભ્યતાના વિવિધ પાસાં અાશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવા છે. ખાસ કરીને ટાઉન પ્લાનિંગની સૂઝ, વરસાદી પાણીના અેકેઅેક ટીપાંને સંગ્રહ કરવાની અાવડત, અનોખી માટીકલા, મોતીની માળાનો વ્યવસાય, સ્ટેડિયમ, સ્તૂપ, સમાધી કે પથ્થરથી બાંધકામની પદ્ધતિ તો ખૂબ જ ચર્ચાતા રહ્યા છે. ઇતિહાસ પર નજર કરીઅે તો કચ્છમાં સિંધુ સંસ્કૃતિના પદ્િચહ્્ન હોવાની શક્યતાઅો લાંબા સમયથી તજજ્ઞો જોઇ રહ્યા હતા. ખાસ કરીને મોહેંજો ડેરો (પાકિસ્તાન) અને કચ્છના રણની ભાૈગોલિક નજદીકી ઉપરાંત અન્ય મુદ્દેય ચર્ચાઅો થતી રહી હતી. 1960માં હડપ્પા સંસ્કૃતિના નગરની જાણકારી બહાર અાવી. 1967માં પુરાતત્ત્વવિદ ડો. જગત્પતિ જોશીઅે ધોળાવીરાની મુલાકાત પછી તેની માહિતી જાહેર કરી. 1970ના દાયકામાં કચ્છમાં પડેલા દુકાળના સમયમાં ખડીરમાં ચાલી રહેલા રાહતકામ વખતે ગામના ગઢવી શંભુદાનને અેક મુદ્રા મળી, જે હડપ્પીય યુગના પુરાવા સમાન હતી. 1970-73 દરમિયાન જગત્પતિ જોશીના નેજા હેઠળ અારંભિક ઉત્ખનન કાર્ય હાથ ધરાયું અને અા ટીંબો ખરેખર અેક વિશિષ્ટ હડપ્પીય નગર હોવાનું શોધી કઢાયું. અે પછી સરકારી રાહે અા સાઇટ પર ઉત્ખનનની વાતો થતી રહી, પણ નાણાં કે ચોક્કસ દિશા સાથેના અાયોજનના અભાવે કામ શરૂ થઇ શક્યું નહીં. અાખરે કેન્દ્ર સરકારના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગ દ્વારા 1989થી ઉત્ખનન હાથ ધરાયું અને 1991માં વરિષ્ઠ અધિકારી અને તજજ્ઞ ડો. રવીન્દ્રસિંઘ બિસ્તે ખડીરની ધરતીના પેટાળમાંથી ઊપસેલા નગરની લાક્ષણિકતાઅો પર પ્રકાશ પાડવાનું શરૂ કર્યું. 2005 સુધી ઉત્ખનન ચાલતું રહ્યું તેમ તેમ સિંધુ સંસ્કૃતિના અા નગરની વધુને વધુ વિશેષતાઅો બહાર અાવતી રહી. ધોળાવીરા સાઇટને માત્ર રાષ્ટ્રીય નહીં, અાંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળતી રહી. દેશ-વિદેશમાં પુરાતત્ત્વ વિષય સાથે સ્નાતક કે અનુસ્નાતક વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઅો પ્રેક્ટિકલ જ્ઞાન માટે અહીં અાવવા લાગ્યા. ડો. બિસ્તે તો ચાૈદ-ચાૈદ વર્ષ સુધી અેક જ સાઇટ પર સૂઝ-બૂઝ સાથે નિષ્ઠાપૂર્વક નેતૃત્વ પૂરું પાડીને ઇતિહાસ સર્જી દીધો. તેમને બઢતી મળતી રહી અને અાર્કિઅોલોજિકલ સર્વે અોફ ઇન્ડિયાના જોઇન્ટ ડાયરેકટર જનરલના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. ધોળાવીરાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 2013માં ભારત સરકારે તેમને પદ્મશ્રી અેવોર્ડથી નવાજ્યા હતા. અત્યારે ડો. બિસ્ત દિલ્હીમાં નિવૃત્ત જીવન ગાળે છે, પણ ધોળાવીરા સહિતના હડપ્પીય નગરો અને સિંધુ સંસ્કૃતિના અભ્યાસપૂર્ણ વક્તવ્યો અાપતા રહ્યા છે. ધોળાવીરાના સમગ્ર પ્રોજેક્ટને સંબંધ છે ત્યાં સુધી કેન્દ્ર સરકારના અધિકારી તરીકે શ્રી બિસ્તે કેપ્ટનની ભૂમિકા ભજવી, તો ગુજરાત સરકારના અધિકારી તરીકે યદુવીરસિંહ રાવતે વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવી છે. 1989માં ઉત્ખનન શરૂ થયું અેનાથી પાંચ વર્ષ પહેલાં ધોળાવીરામાં સર્વે હાથ ધરાયો, ત્યારથી 2000 સુધી તેઅો જોડાયેલા રહ્યા છે. ગુજરાતી ભાષા જાણતાં હોવાથી સ્થાનિક લોકો અને અધિકારીઅો સાથે વહીવટી સંકલન-સંપર્ક તેમણે ખંતપૂર્વક કર્યા હતા. પ્રોજેક્ટની મહત્ત્વની ખોજ મનાતા સાઇનબોર્ડને સિફતપૂર્વક બહાર લાવવામાં તેમનો મુખ્ય ફાળો હતો. ધોળાવીરા, ત્યાંની ધરતી અને લોકો સાથે રાવતને અેવી અાત્મીયતા બંધાઇ છે કે તેઅો તેને પોતાનું બીજું વતન માને છે. ઉત્ખનનના શરૂઅાતના દિવસોમાં અેક પત્રકારની હેસિયતથી મેં પણ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અે સમયે નહોતા પાકા રસ્તા કે અન્ય કોઇ સુવિધાઅો, પણ કચ્છ માટે થઇ રહેલી ખોજનો અાંખે દેખ્યો હેવાલ લખવાનો રોમાંચ હતો. ધોળાવીરાની સીમમાં બાવળ-થોરના વૃક્ષો કાપી સાફ કરાયેલા મેદાન પર તંબુ-વસાહત ઊભી કરાઇ હતી. ધરતીના પેટાળની હડપ્પીય વસાહત પાધરી કરવા ધરતી પર નવી વસાહત ઊભી થઇ હતી. છેક બાલાસર સુધીના શ્રમજીવીઅો સાઇટ પર ઉત્ખનનના કામે લાગ્યા હતા. શરૂઅાત 100-125થી થઇ પણ શ્રમજીવીઅોનો અાંક 600 સુધી પહોંચી ગયો હતો. ગામમાં ઉત્સાહનો માહોલ હતો. સરપંચ વેલુભા સોઢા અમારા જેવા અતિથિઅોના યજમાન અવારનવાર બનતા. ક્યારેક બિસ્ત પણ અમારી સાથે જોડાતા અને અમે વિકાસની વાતો કરતા. સપનાંયે જોતા. હવે તો અહીં ફટાફટ ધોરીમાર્ગ બનશે, અેકલ-બાંભણકા રોડ બંધાશે, રાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનશે. હોટલો થશે અને રોજ સેંકડો દેશી-વિદેશી પર્યટકો ખડીર ભણી અાવશે. પરંતુ અાજે 30 વર્ષ પછી ખરેખર શું થયું છે અે અંગે વિચારીઅે છીઅે તો નિ:શંક અેમ કહી શકાય કે જે કંઇ થયું છે તે અધકચરું છે. અરે! ઉત્ખનન દરમિયાન સિંધુ ખીણ સભ્યતા સાથે સંકળાયેલી અલભ્ય ચીજવસ્તુઅો મળી છે, અે પણ દિલ્હી લઇ જવાઇ છે અે કચ્છવાસીને કઠે છે. ઉપરાંત, દોઢ દાયકાથી ઉત્ખનન સાવ બંધ છે. અામ કેમ? હજુ તો ઘણાં રહસ્ય ધોળાવીરાના પેટાળમાંથી બહાર કાઢવાનાં છે. યુગોયુગોની અકબંધ ડાયરી સમા કચ્છમાં સિંધુ ખીણ સંસ્કૃતિનું પાનું અંશત: ખુલ્યું છે. પૂરું ખુલવાનું હજુ બાકી છે અને જ્યારે હવે અેને વૈશ્વિક માન્યતા મળી છે, ત્યારે પાનું પૂરેપૂરું ખોલીને ભારતનું પુરાતત્ત્વ ખાતું વિશ્વ સમક્ષ ઉજાગર કરે અે માટે કચ્છે, ખડીરવાસીઅોઅે અને કચ્છના પ્રતિનિધિઅોઅે જાગૃત રહેવું પડશે. ⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...