કહેવતનું પોસ્ટમોર્ટમ:ધરમ કરતા ધાડ પડી – અંધશ્રદ્ધાની વાડ પડી

3 દિવસ પહેલાલેખક: ગૌરાંગ દરજી
  • કૉપી લિંક

ધર્મ એટલે શું? કોઈ એક ભગવાન, વિચારધારા કે વ્યક્તિ પ્રત્યે આપણી આસ્થા. આપણે જેને પણ ઈશ્વર માનીએ છીએ તેના ચરણોમાં જીવન સમર્પિત કરવું તે. ખરેખર તો ધર્મ સારા માનવી બનવાનો એક રસ્તો છે. જીવનના અજ્ઞાનને દૂર કરવાનું માર્ગદર્શન છે. સદીઓ પૂર્વે સાચા ધર્મના રખેવાળોએ લોકો ધર્મમાં વધુ ધ્યાન આપે, તેમાં એકાગ્રતા દાખવે તે માટે જુદી જુદી વિધિઓ બનાવી. સમય જતાં ધર્મનો મર્મ બદલાયો અને આ વિધિઓ અને કર્મકાંડો જ ધર્મ બની ગયા. ધર્મ વિશે જેટલું જ્ઞાન ફેલાયું, એટલું જ અજ્ઞાન પણ ફેલાયું અને તેથી જ તેનો લાભ લેવાવાળા ફૂટી નીકળ્યા. આજે સાચા અર્થમાં ધર્મ નિભાવતી સંસ્થાઓ કરતાં ધર્મના નામે ધંધો કરતી સંસ્થાઓ દસ ગણી વધી ગઇ છે. ધાર્મિક સ્થળની મુલાકાતે જાવ ત્યારે અનુભવ થશે કે કર્મકાંડના નામે મોટા ખર્ચા કરાવતા કેટલાં બધાં પડ્યાં હોય છે. આપણે ધર્મના નામે રૂપિયા વાપરવા હોય તો હંમેશાં આશંકા રહેતી હોય છે કે તે સાચા રસ્તે વપરાશે? ધર્મના નામે ઉઘરાણાં કરવાવાળા કેટલાં બધાં મળી આવશે! દરેક ધર્મમાં આ સર્વસામાન્ય અનુભવ છે. જ્યારે શુદ્ધ નિયતથી કરાયેલું કાર્ય ગેરમાર્ગે જાય ત્યારે નથી લાગતું કે ધરમ કરતાં ધાડ પડી! હવે કરીએ આ કહેવતનું પોસ્ટમોર્ટમ. દરેક ધર્મ ટકે છે એના અનુયાયી, ભક્તો, ફોલોઅર્સના આધારે. આ લોકોની સંખ્યા જેટલી વધારે એટલું એ ધર્મનું મહત્ત્વ વધારે. તેમાંય જેના ફોલોઅર્સ પાસે સંપત્તિ વધારે તે ધર્મનું વર્ચસ્વ વધારે. દરેક ધર્મ, પંથ ખુલ્લેઆમ કે છૂપી રીતે પોતાનું વર્ચસ્વ વધારવા મથતાં જ હોય છે અને તેના માટે તેમને જોઈએ આંખો બંધ કરી દરેક વાત માની લેનારા ભક્તો. ખરા અર્થમાં તો ‘મગજ બંધ’ સમજવું, પણ આજના ફોલોઅર્સ એવાં અંધશ્રદ્ધાળુ નથી. કમ્પ્યુટરના યુગમાં જીવતી પેઢી લોજિકથી વિચારે છે. તેને વ્યક્તિપૂજા કરતાં વિચારપૂજામાં વધારે રસ છે. માત્ર પોતાનું જ નહીં, પણ સમાજનું સાચું-ખોટું વિચાર્યા વગર તે કોઈ ધાર્મિક કાર્ય અમલમાં નહીં મૂકે. દર્શન બે હાથ જોડીને કરવા કે હૃદય પર હાથ મૂકીને - તેમાં પડવા કરતાં ભક્તિ અને લાગણી કેવી રીતે વ્યક્ત કરવી તે વિચારનાર પેઢી આવી ગઇ છે. બીજાના ધાર્મિક વિચારોનું સન્માન કેવી રીતે કરવું તે તેમને આવડે છે. આજની યુવા પેઢીને ધર્મના સાચા અર્થ રૂપી મોતી વીણતા હંસ અને ધર્મમાં ‘બગ્સ’ બનીને ઘુસેલા બગભગત વચ્ચે ભેદ પારખતાં આવડે છે. ભૂતભભૂતવાળા બાબાઓ કરે તેવા ચમત્કાર તો તે પ્રયોગશાળામાં કરી બતાવે છે. આ જાગૃતિ જ છે જે અંધશ્રદ્ધાની વાડને પાડવા સક્ષમ છે. યાદ છે ને, સમોસા સાથે લીલી ચટણી ખવડાવી કૃપા કરવાવાળા નિર્મળબાબા ઉપર જેલની કૃપા બની રહેલી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...