જિંદગીનો 4D વ્યૂ:ડિઝાયર વર્સીસ ડિઝર્વનેસ, ડેસ્ટિની વર્સીસ ડિટર્મિનેશન

3 દિવસ પહેલાલેખક: શૈલી જાની
  • કૉપી લિંક

એક વાર એક છોકરો પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવ્યો. એના પિતાએ એને મનગમતી ગિફ્ટની ઓફર કરી. દીકરાને એનો ક્લાસમેટ પિન્ટુ પોતાની નવી કાંડા-ઘડિયાળ બતાવીને બહુ ચીડવતો. એટલે દીકરાએ કાંડા-ઘડિયાળ લેવાની ઈચ્છા દેખાડી. પિતા એને શહેરના મોંઘા શો-રૂમમાં લઇ ગયા. ત્યાં શોકેસમાં પડેલી ઘડિયાળો જોઈને દીકરાનું મોં પડી ગયું. ‘આવી ભંગાર ઘડિયાળો નથી જોઈતી.’ તેણે અકળાઈને કહ્યું. ‘અરે! આ તો શહેરનો સૌથી મોટો શો-રૂમ છે, એક-એકથી ચડિયાતી બ્રાન્ડેડ ઘડિયાળો છે અહીંયા, એમાંથી તને એકેય ન ગમી?’ પિતાએ પ્રેમપૂર્વક પૂછ્યું. ‘ના.. આ.... આ તો બધી બોગસ છે. મારે તો પિન્ટુ પહેરે એવી ડોરેમોનવાળી ઘડિયાળ જોઈએ.’ દીકરાએ શો-રૂમની બહાર ઊભેલી રમકડાંની લારી તરફ અંગુલીનિર્દેશ કરતાં કહ્યું. ‘અરે ભગવાન! એ તો સાવ ખોટી ઘડિયાળ છે, બેટા.’ પિતાએ હસતાં હસતાં જવાબ આપ્યો. ‘ના, મારે એ જ ઘડિયાળ જોઈએ છે. ઓલા પિન્ટુડા કરતાંય મોટ્ટી અને કલ્લરફુલ.’ અને પિતાએ પ્રેમપૂર્વક દીકરાને ગમતી પચાસ જ રૂપિયાની રમકડાંની ઘડિયાળ લારીમાંથી અપાવી દીધી. એ બાળકની જેમ આપણેય આપણા ઈશ્વરની આગળ મોટ્ટી ઘડિયાળ માંગતા હોઈએ છીએ, પણ રોઈ-કકળીને ઈશ્વર આગળ જીદ કરતી વખતે આપણી બાલિશતા એ સ્વીકારવા તૈયાર નથી હોતી કે આપણે ઝંખેલી ઘડિયાળ મોટી નહીં, પણ ખોટી છે. આપણી ઝંખના કરતાં ક્યારેક આપણે ઘણી વધુ લાયકાત ધરાવતાં હોઈએ છીએ, તો ક્યારેક આપણા ગજા બહારનું માંગી બેસતાં હોઈએ છીએ. કંઈક મેળવવાની આપણી 'ડિઝાયર' એટલી તીવ્ર હોય છે કે આપણે એ બાબતની તસ્દી જ નથી લેતાં કે આપણે એ 'ડિઝર્વ' કરીએ છીએ કે નહીં. ક્યારેક એવુંય બને કે આપણી ઝંખના યોગ્ય જ હોય અને એના માટેની યોગ્યતા પણ આપણામાં હોય, પણ એ ચીજ આપણી 'ડેસ્ટિની'માં ન હોય. બે ડગલાં આગળ ચાલતું આપણું નસીબ આપણાં સપનાંઓનું ખૂન કરતું રહે ને આપણું ભગ્ન છતાં આશાવાદી હૃદય નવા સપનાંઓને જન્મ આપતું રહે. તમામ પ્રકારની પ્રતિકૂળતાઓની વચ્ચે સતત ઓટોઅપડેટ થતી રહેતી ડિઝાયર એ બીજું કંઈ નહીં, પણ આપણી આંતરિક ચેતનાનું સર્વાઇવલ માટેનું 'ડિટર્મિનેશન' છે. કઈંક ઝંખવું.... ઝંખેલું ન મળવું...... જે મળે એને હરિઇચ્છા ગણીને અપનાવવું એ આપણી 'ડેસ્ટિની' છે, ને છતાંય આવનારા સમયમાં કંઈક સારું થશે જ એવી આશાએ જીવીએ ત્યાં સુધી સપનાં પાળવાની કેળવેલી ટેવ એ આપણું 'ડિટર્મિનેશન' છે. પણ જ્યાં સુધી એ 'ડિઝાયર' 'ડેસ્ટિની'માં તબદીલ ન થાય ત્યાં સુધી આશાવાદી હૃદયમાં જન્મતી ઈચ્છાઓનું સ્વાગત કરતાં રહેવું. કારણ કે, જ્યારે સપનાંઓ તૂટે ત્યારે અવાજ નથી આવતો - અને ઈચ્છાઓ મરતી વખતે સ્યુસાઇડ નોટ લખીને નથી જતી, પણ તોય જો રોજ સવારે હૃદયમાં પ્રસન્નતાનો સૂર્યોદય થતો હોય.... તો માનવું કે જીવન ઉત્સવ જેવું થઈ ગયું!!⬛

અન્ય સમાચારો પણ છે...