તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય વિશેષ:મહામારીમાં માનવીય સંબંધોનું આલેખન ‘કાલપાશ’

2 મહિનો પહેલાલેખક: રઘુવીર ચૌધરી
  • કૉપી લિંક
  • ‘કાલપાશ’ના છેલ્લા પ્રકરણમાં વાર્તાકથક નીતિન યમરાજા સાથે વાત કરતો બતાવ્યો છે

ડો. મોહન પરમાર નવલિકા-નવલકથાના નીવડેલા લેખક છે. એમના વિવેચન લેખો પણ ધ્યાન ખેંચતા રહ્યા છે. દલિત સાહિત્યના સંવર્ધન સાથે એ વ્યાપક સાહિત્યના પણ અભ્યાસી રહ્યા છે. વાર્તાસંગ્રહ ‘અંચળો’(2016)માટે એમને સાહિત્ય અકાદમી દિલ્લી રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે.

બાર નવલિકાઓના લેખક તરીકે એમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં એમની ‘કાલપાશ’ નામની 153 પૃષ્ઠની કથા પ્રગટ થઇ છે. ‘કાલપાશ’ના છેલ્લા પ્રકરણમાં વાર્તાકથક નીતિન યમરાજા સાથે વાત કરતો બતાવ્યો છે. જુદા જુદા જીવો એમનાં કર્મો પ્રમાણે દુર્ગતિ કે સદ્્ગતિ પામે છે એવી યમરાજાની વ્યવસ્થા નિર્દેશી છે. કથાને અંતે નીતિનના પિતા અવિનાશ કોરોનાનો ભોગ બનીને થોડાં દિવસમાં મૃત્યુ પામ્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી શબવાહિની અવિનાશભાઈના શબને સ્મશાને લઇ જાય છે. જૂનમાં આ કથા લખાઈ ત્યારે કદાચ શબનું મોં જોવાની છૂટ સિવિલમાં નહીં હોય, પણ બે વ્યક્તિને એપોલોમાં શબ જોઈ ઓળખી બતાવવાની જોગવાઈ હતી. અહીં નીતિન કે એના માતૃશ્રી લાચાર રહી જાય છે. ‘મારે બાપુજીની લાશને બાથ ભરી રડવું હતું.’ એ પિતાજીનાં મિત્ર ડોક્ટર સુધાકરભાઈ વિનંતી કરે છે. પણ ડોક્ટર જાણે છે કે લાશને સિવિલમાંથી જ પેક કરીને લાવ્યા છે. પિતાજી અવિનાશ અને આ ડોક્ટર સુધાકર પરમ મિત્રો રહ્યા છે. અવિનાશે એમનાં 73 વર્ષના આયુષ્યમાં કેટ-કેટલાં સત્કર્મો કર્યા છે! સુધાકર એમની આર્થિક મદદને કારણે ડોક્ટર તરીકે શિક્ષણ મેળવી શક્યા હતા.

નવલકથાના આરંભે અવિનાશ પુત્ર નીતિનને ડોક્ટર સુધાકર પાસે લઇ જાય છે. તાવ હતો, બેચેની હતી. સુધાકરે આપેલી દવાથી નીતિન ઠીક થઇ જાય છે. અહીં કોરોનાનાં લક્ષણો વર્ણવવાની તક હતી. નીતિન સ્વપ્ન દ્વારા ભય અનુભવ તો આલેખાયો છે. ચોથું પ્રકરણ બીમાર નીતિનના ભયગ્રસ્ત દ્રશ્યોમાં ખેંચી જાય છે, એ પછી નીતિન બચી જાય છે એથી બાપુજી અવિનાશ નિરાંત અનુભવે છે. સહુને સાવધ રહેવા, માસ્ક, અંતર, સ્નાન વગેરેની સૂચનાઓ એ આપતા રહે છે. અડોશી પડોશી સાથે એ અને નીતિન દૂરથી વાત કરતા રહે છે. નવનીતભાઈ અને પંકજભાઈ છેક સુધી સાથ આપે છે. નીતિનની પત્ની અંજલિનું પાત્ર પ્રત્યક્ષ થયું છે. એનું સંયમી વર્તન પ્રતીતિજનક લાગે છે. એને બે દીકરી છે આકૃતિ અને દેવકી. દીકરાની અપેક્ષા છે પણ આ કોરોનાકાળમાં એ ગર્ભ ધારણ કરવા ઈચ્છતી નથી. ભાભીનું સીમંત છે તો અંજલિ એકલી જાય છે, ચાર વાગ્યે પાછી આવી જાય છે. આમ બહાર જવાનું હોય ત્યારે કાળજી રાખવા અંગે સહુથી સાવધ બાપુજી છે. પહેલો આંચકો બારમાં પ્રકરણમાં આવે છે. નીતિનનો મામાનો દીકરો, આશાસ્પદ ક્રિકેટર કોરોનામાં ગુજરી જાય છે. ‘છેલ્લા સ્ટેજ પર હતો ને કોરોનાની ખબર પડી. છ ફૂટ ઉંચો, પહોળો અને ગોરો પણ...બાપુજી પણ અવાચક બની ગયા. એ અહીં આવતો ત્યારે બાપુજીને પગે લાગતો. રૂડીરૂપાળી વાતો કરીને બાપુજીનું મન હરી લેતો હતો...’(પૃ.84)

વાર્તાકથક નીતિન એની મનોદશાનો નિર્દેશ કરવાનું ચૂકતાં નથી. વાનમાંથી લાશ બહાર કાઢવા માટે બે ત્રણ જણ આગળ ગયા. હુંય આગળ વધેલો. પણ આંખો સામે મારી બે બેબીઓ અને અંજલિ અલપ-ઝલપ થયાં અને હું પાછો પડી ગયો. તે વખતે દૂર દૂર ઊભાં-ઊભાં આંસુ સારતા દૂરના માણસો જેવો જ હું પોતાને દેખાયો. (પૃ. 83) લેખકે વાસ્તવિક ઘટનાઓ સાથે કલ્પિત કાર્યવાહીનો સંયોગ સાધવા પ્રયત્ન કર્યો છે. ભગવાન સાથે મળીને બંધ મકાનોની અંદરની ક્રિયાઓનો વીડિયો ઉતારીને સામજિક વાસ્તવિકતાનો નિર્દેશ કર્યો છે. ભગવાન પોતાને કુદરત તરીકે પણ ઓળખાવે છે તેથી એમનાં પાંચ સહાયક જળ, માટી, પવન, પ્રકાશ, આકાશની આ રમણા છે એવું સમજાય છે. જાહેરજીવનના આગેવાનો લોકડાઉનમાં પોતાના સ્વાર્થ સાધવાનું આયોજન કરે છે એનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ચોકીદાર દ્વારા એવા માણસોની સાચી ઓળખ રજૂ કરી છે. આ વિસ્તાર સાહિત્ય કરતાં પત્રકારત્વના ક્ષેત્રનો લાગે. વળી, ભગવાનના પાત્રની કલ્પના પરાવાસ્તવ પ્રકારના લેખનમાં વધુ અસરકારક નીવડે. અહીં બાપુજી દ્વારા થતો નિર્દેશ વધુ સંગત લાગે છે. ‘જે દિવસથી કોરોનાનું સંક્રમણ વધ્યું અને મંદિરો લોકડાઉન થયાં, ત્યારથી એમણે આસ્થા ગુમાવી દીધી હતી. એક દિવસ મેં એમને કહ્યું હતું, ‘હમણાંથી પૂજા કેમ કરતા નથી?’ ‘બસ, જે ભગવાનમાં મંદિરનાં બારણાં તોડવાની તાકાત નથી, તેને ભજીએ કે ન ભજીએ, બધું સરખું છે. ‘પણ ભગવાન કોઈ ચમત્કાર ન બતાવે, એ તો છૂપી રીતે મદદ કરતો હોય છે.’

‘મારે હવે છૂપી રીતે કે જાહેરમાં એની દયાની કાંઈ જરૂર નથી. ઈશ્વર છે કે નહીં તેની જ મને તો હવે શંકા થવા લાગી છે.’ (પૃ.70) કથાકથક નીતિન અધિકારી છે, એના બાપુજી અવિનાશ મામલતદાર હતા. સમગ્ર જીવન એમણે સચ્ચાઈ અને પરમાર્થમાં પસાર કર્યું છે. કંઈ કેટલાયને મદદ કરી છે, ઉછીના પૈસા આપ્યા છે. અંત ભાગમાં કોરોનાની ઘાતક અસરમાં આવતાં પહેલાં એ બધી વીગત નીતિનને આપે છે. હૃદયનો દુખાવો અને બેચેની થતાં એ ડોક્ટર મિત્ર સુધાકર પાસે જાય છે. ડોક્ટર એમને કોરાનાની સારવાર માટે સિવિલમાં દાખલ કરાવે છે. પણ કોઈ સ્વજનને મળવાની છૂટ નથી. સહુથી સાવધ અને સક્રિય, જાગ્રત અને પરગજુ માણસની આ અસહાય સ્થિતિ, સ્વજનોથી અણધાર્યો વિચ્છેદ! આરંભે યુવકનું મૃત્યુ અને અંતે આ સ્વસ્થ આધેડનું મૃત્યું વાચકને સંવેદનના એક તારથી જોડે છે. લોકડાઉનની માઠી અસર વિષે અહીં ઘણી ચર્ચા છે પણ છેવટનો પ્રભાવ કોરોનાની મહામારીનો અનુભવાય છે. જો કાલપાશની બીજી આવૃત્તિ કરવાનો પ્રસંગ આવે તો મોહનભાઈ પાસે આ મહામારીની અસરો અને સાજા થયેલા દર્દીઓએ ભોગવવા માંડેલી આડઅસરોની વિગતો પણ હશે. ત્યારે ભગવાન કે વિડીયોની જરૂર નહીં રહે.’ પાત્રાલેખન પ્રભાવક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો