માયથોલોજી:ધર્મમાં રાધાનું નિરૂપણ

18 દિવસ પહેલાલેખક: દેવદત્ત પટનાયક
  • કૉપી લિંક

જ્યારે પણ લોકો ઇસ્લામના કોઇ મુદ્દા વિશે સ્પષ્ટીકરણ ઇચ્છે છે ત્યારે તેઓ કુરાન અથવા તો હદીસની મદદ લે છે. કુરાન અને હદીસ બંને ઇસ્લામના સ્ત્રોત છે. જોકે, હિંદુ ધર્મના મોટાભાગના ધર્મશાસ્ત્રોનું કહેવું છે કે તમામ પરંપરા અને નીતિમાં દેશ, કાળ અને સમુદાયની ક્ષમતા એટલે કે એના ગુણોને આધારે બદલાવ થવો જોઇએ. મનુસ્મૃતિમાં પણ વાતનું જ પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

હિંદુ ધર્મમાં દેશ, કાળ અને સમુદાય પ્રમાણે રાધાને કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે એના અભ્યાસથી આપણે આ વાતને સરળતાથી સમજી શકીએ છીએ. રાજસ્થાનના નાથદ્વારામાં મંદિરમાં કૃષ્ણને શ્રીનાથજીના રૂપમાં પૂજવામાં આવે છે. અહીં રાધાની કોઇ મૂર્તિ નથી. પુરીના જગન્નાથ મંદિરમાં, પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં, કેરળના ગુરુવાયુરના ગુરુવાયુરપ્પન મંદિરમાં અને કર્ણાટકના ઉડુપીના કૃષ્ણ મંદિરમાં પણ રાધાની મૂર્તિ નથી. આ છતાં ગંગાના મેદાન પ્રદેશમાં કૃષ્ણ પૂજામાં રાધાની મહત્ત્વની ભૂમિકા રહી છે.

આ વાતને ઇતિહાસના દૃષ્ટિકોણથી જોઇએ તો વેદોમાં રાધા કે કૃષ્ણનો કો ઉલ્લેખ નથી. જોકે 3,000 વર્ષ કરતાં પણ પહેલાં રચાયેલા વેદોમાં એક ગોવાળિયાનો ઉલ્લેખ મળે છે, સ્પષ્ટ રીતે કૃષ્ણનો ઉલ્લેખ મુખ્યત: મહાભારતમાં જ જોવા મળે છે, જેના પ્રારંભિક લેખિત પુરાવા 2,000 વર્ષ કરતાં થોડા જ જૂના છે. જોકે આ મહાભારત અને એના પરિશિષ્ટ, હરિવંશમાં રાધાનો કોઇ ઉલ્લેખ નથી.

જોકે રાધાનો પહેલો ઉલ્લેખ લગભગ 1,000 વર્ષ જૂનાં ઉત્તરકાલીન પ્રાકૃત સાહિત્યમાં જોવા મળે છે, જેનું નિરૂપણ લગભગ 800 વર્ષ પહેલાં જયદેવ દ્વારા સંસ્કૃતમાં લખવામાં આવેલ ‘ગીત ગોવિંદ’ નામની કવિતામાં સંપૂર્ણ રીતે વિકસિત થયું. વિષ્ણુ પુરાણની જેમ જ 1500 વર્ષ કરતા જૂનાં પુરાણ પ્રારંભિક પુરાણમાં પણ રાધાનો કોઇ ઉલ્લેખ નથી. 600 વર્ષ કરતાં વધારે જૂનાં બ્રહ્મવૈવર્ત પુરાણ જેવા ઉત્તરકાલીન પુરાણોમાં રાધા અને કૃષ્ણને પૌરુષ અને સ્ત્રૈણ સિદ્ધાંત માનવામાં આવ્યા અને કહેવાયું છે કે તેમનાં માધ્યમથી આખા વિશ્વનો ઉદય થયો છે. આ રીતે હિંદુ ઇતિહાસમાં રાધાના ઉલ્લેખ થવા લાગ્યો.

જોવામાં આવ્યું છે કે ભારતના અનેક કૃષ્ણ પંથોમાં રાધાનો એકસરખી રીતે સ્વીકાર કરવામાં નથી આવ્યો. 15મી સદીના સંત ચૈતન્ય મહાપ્રભુનો બંગાળના વૈષ્ણવવાદ પર ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમના માટે રાધા અને કૃષ્ણને એકબીજાથી અલગ કરવાનું અકલ્પનીય હતું. જોકે, આસામમાં 15મી 16મી શતાબ્દીના સંત, કવિ, નાટ્યકાર અને સંગીતકાર શંકરદેવે ભાગવત ધર્મ, વૈષ્ણવવાદ અને કૃષ્ણ પૂજાનો પ્રચાર કર્યો પણ રાધાનું કોઇ નામોનિશાન નથી મળતું. 12મી શતાબ્દીમાં ચક્રધર સ્વામી નામના સંત અને દર્શનશાસ્ત્રીએ મહારાષ્ટ્રમાં મહાનુભાવ પંથની સ્થાપના કરી હતી. આસામની જેમ અહીં પણ કૃષ્ણ પૂજાને બહુ મહત્ત્વની માનવામાં આવે છે, પણ એમાં રાધાનું કોઇ સ્થાન નથી. જોકે, તામિલનાડુમાં અલગ પરિસ્થિતિ જોવા મળે છે. ત્યાંના અલવર સંતોએ પોતાની કવિતાઓમાં કૃષ્ણભક્તિનું ભાવુક શબ્દોમાં વર્ણન કર્યું અને કૃષ્ણને પ્રેમ કરનારી ગોવાલણોને બહુ મહત્ત્વ આપ્યું.

આ ગોવાલણોમાં પિન્નૈ નામની ગોવાલણનો ઉલ્લેખ છે, જેને કૃષ્ણ પણ બહુ પ્રેમ કરે છે. પિન્નેને રાધા તરીકે તો નહીં પણ આદિમ-રાધા તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં દક્ષિણ ભારતનાં મંદિરોમાં રાધાને ક્યારેય કૃષ્ણની બાજુમાં ઊભા રહેલાં દેખાડવામાં નથી આવતાં. આ રીતે આપણે જાણ થાય છે કે રાધાની ભારતના તમામ પ્રાંતોમાં, ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં અથવા તો તમામ હિંદુ તેમજ વૈષ્ણવ સમુદાયમાં હાજરી જોવા નથી મળતી. આ વાતનો સારી રીતે અહેસાસ કરવો જરૂરી છે કારણ કે એ હિંદુ ધર્મનો સ્વભાવ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો પોતાના ધર્મને એકરૂપ કરવાનો પ્રયાસ કરે છે. હિંદુ ધર્મ આના કરતાં સાવ વિરુદ્ધ છે અને એ વિવિધતા પર વિકસે છે. આ વાતને રાધાના ઉદાહરણથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...