વિચારોના વૃંદાવનમાં:લોકતંત્ર એટલે જ વિચારતંત્ર અને પ્રેમતંત્ર સિક્યુરિટી જેટલી ટાઇટ, એટલી સભ્યતા ઢીલી!

19 દિવસ પહેલાલેખક: ગુણવંત શાહ
  • કૉપી લિંક
  • લોકતંત્રમાં અપશબ્દ ગણાય તેવો એક શબ્દ કયો? પ્રધાનો અને નેતાઓને મળતી ‘સિક્યુરિટી.’ સિક્યુરિટી એટલે આપણા નાગરિક ધર્મને મારવામાં આવતી એક અસભ્ય લપડાક

સ્વીડનમાં એક અમેરિકન સૈનિક બસમાં બેઠો હતો. પાસે બેઠેલા પેસેન્જરને એણે કહ્યું: ‘આખી દુનિયામાં તમને અમેરિકા જેવો લોકતાંત્રિક દેશ જોવા નહીં મળે. ત્યાં સામાન્ય માણસ પણ નાગરિક હોવાને કારણે વ્હાઇટ હાઉસમાં જઇને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મ‌ળી શકે છે અને ચર્ચા કરી શકે છે.’ પાસે બેઠેલા પેસેન્જરે ઠંડે કલેજે અમેરકિનને કહ્યું: ‘એમાં શી મોટી વાત છે? સ્વીડનમાં તો લોકો અને રાજા એક જ બસમાં સાથે મુસાફરી કરી શકે છે.’ થોડીક વાર થઇ પછી પેલો પેસેન્જર બસમાંથી ઊતરી ગયો. બીજા પેસેન્જરોએ અમેરિકનને કહ્યું: ‘તમારી પાસે જે માણસ બેઠો હતો, તે અમારા રાજા ગુસ્ટાફ-6 ઍડોલ્ફ પોતે હતા.’ આ પ્રસંગ સાવ સાચો! લોકતંત્રમાં અપશબ્દ ગણાય તેવો એક શબ્દ કયો? પ્રધાનો અને નેતાઓને મળતી ‘સિક્યુરિટી.’ સિક્યુરિટી એટલે આપણા નાગરિક ધર્મને મારવામાં આવતી એક અસભ્ય લપડાક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખબર પણ નહીં હોય કે પોતે કેટલી વાર મરતાં બચી ગયા! જેમ જાનનું જોખમ વધારે, તેમ સિક્યુરિટી વધારે ટાઇટ. સિક્યુરિટી પાછળ કેટલો ખર્ચ થાય છે, તેની ચર્ચા જ અસ્થાને ગણાય તેવી પરિસ્થિતિ છે. આપણી રાષ્ટ્રીય શરમ હવે આપણને પજવતી નથી. ‘રાષ્ટ્રીય’ શબ્દનો અર્થ જાણવા જેવો છે. ‘રાષ્ટ્રીય’ એટલે ‘રાજાનો સાળો.’

સંસ્કૃત શબ્દકોશમાં આ બાબત ચકાસી લેજો. રાજાનો સાળો હોય તેમ રાજાનો જમાઇ પણ હોયને? હા, એવા જમાઇ માટે સંસ્કૃત ભાષામાં કોઇ ખાસ શબ્દ નથી. સોનિયા ગાંધી પરિવારના રોબર્ટ વાડ્્રા સાળા નથી, જમાઇ છે. હવે તો ટીવી ચૅનલ પર કોંગ્રેસ પક્ષ માટે વાડ્્રા-કોંગ્રેસ’ જેવો શબ્દપ્રયોગ લગભગ રિવાજ બની ગયો છે. 136 વર્ષ જૂનો કોંગ્રેસ પક્ષ હવે વાડ્્રા-કોંગ્રેસ’ તરીકે ઓળખાય તે વાતે વિરોધીઓએ હરખાવા જેવું નથી. ઇન્દિરાજીના પ્રધાનમંડળમાં સૌથી યુવાન એવા બે પ્રધાનો હતા: ગુલામ નબી આઝાદ અને આરિફ મોહંમદ ખાન. ગુલામ નબી આઝાદની વિદાય પછીની કોંગ્રેસ નોઇડામાં 40 માળની ઇમારત તોડવામાં આવી પછીના ભંગાર જેવી ગણાય. આઝાદ જેવો ખાનદાન મુસલમાન બીજો જડવો મુશ્કેલ છે. નીરજા ચૌધરી જેવી તેજસ્વી સમીક્ષકે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું: ‘Rahul is a boon to Narendra Modi, not only because he is no match for the pm as a communicator…’ (The Indian Express, August 30,2022) નોંધવા જેવું છે કે નીરજા ચૌધરી મોદીજીના સમર્થક નથી.

ખરી વાત એ છે કે સોનિયાજીના િનવાસે (10- જનપથ) મળવા જનારો પ્રત્યેક કોંગ્રેસી ગણોતિયા કે વસવાયો હોય છે. શું વિરોધ પક્ષો એક થાય અને પોતાનો સામનો કરે તેવી રાજકીય વ્યૂહરચના ગોઠવવાની જવાબદારી પણ પ્રધાનમંત્રી મોદીજીની છે કે? કોંગ્રેસના પતન માટે જવાબદાર એવી ગણોતયાવૃત્તિ ન ટળે ત્યાં સુધી કોંગ્રેસ નવજીવન પામે એ શક્ય નથી.

સિક્યુરિટી એટલે શું? લોકતંત્રમાં એનું સ્થાન કેટલું? વર્ષો પહેલાં જિનીવાના સરોવર આગળ રૂસોની પ્રતિમા પાસે બેઠો હતો ત્યારે જોયેલું દૃશ્ય યાદ આવે છે. સ્વચ્છ પાણીમાં સફેદ બતકો તરી રહ્યાં હતાં. પાણીની સપાટી નીચે બતકો પગ હલાવે તે પણ જોઇ શકાય. સરોવરની ફરતે ટ્રાફિક ખરો, પરંતુ ઘોંઘાટ ઓછો. કબૂતરો ઘણાં. ટિટોડી જેટલાં કદનાં એ કબૂતરો આખું સરોવર ગજવી રહ્યાં હતાં. ત્યાં એક અનોખી ઘટના જોવા મળી.

બેઠી ખામણીની અને ઠીંગણી દેખાતી એક ડોશી સરોવરના કઠેરા પાસે ઊભી રહીને પક્ષીઓને કશુંક ખવડાવી રહી હતી. એ કબૂતર તો ડોશીમાતાને માથે બેઠું હતું. માતાના હાથમાંથી ખાવાનું છીનવી લઇને ઊડી જતાં કબૂતરો અવિવેકી અને નિર્ભય જણાયાં. ડોશીમાએ માતાજી અને પક્ષીઓ વચ્ચેની પ્રેમસગાઇ પ્રગટ કરતું એ દૃશ્ય પ્રેમસેતુને પ્રગટ કરનારું હતું. એ ડોશીમા કેવળ નિજાનંદ માટે પક્ષીઓને બ્રહ્મબોજન કરાવવા રોજ સરોવરની મુલાકાત લેતાં હતાં. જિનીવા લેક પર ઊડનારાં પક્ષીઓ માટે સિક્યુરિટી ક્યાં હતી?

કવિ ડૉ. યશવંત ત્રિવેદીએ લખેલી કાવ્યપંક્તિઓ પણ કેમ ભુલાય? એમણે જિનીવા સરોવર પણ લખેલી પંક્તિઓ સાંભ‌ળો: અહીં સરોવર પર ઊડતાં પંખીઓ તો આગંતુકોને જોઇને ન્હાતી ન્હાતી નાઠેલી પરીઓના આકાશમાં પડી ગયેલાં વસ્ત્રો… ને આકાશમાં ઊભેલી એક રેખાંશી ક્ષણ પર સ્વિસ છોકરીઓ એક ગીતને ગોઠવી રહી છે - કદાચ તમે પાછા ન આવો તોય…

નિર્બળ, નાજુક પક્ષીઓના ગણતંત્રમાં જો આવી સહજ નિર્ભયતા હોઇ શકે, તો ઉત્ક્રાંતિના દાદરની ટોચ પર બેઠેલા માનવીના ગણતંત્રમાં સિક્યુરિટી માટે આવી ખર્ચાળ સિસ્ટમ શા માટે? લોકતંત્ર સભ્ય લોકોની સંસ્કૃતિનું બીજું નામ છે. જેમ સિક્યુરિટી ટાઇટ, તેમ આપણી સભ્યતા ઓછી! જહ્્ોન કેનેડીની હત્યા થઇ તે પળે જે બન્યું તેની ફિલ્મ એક NRI મિત્રે બતાવી હતી. કેનેડી પર જે ઘરની બારીમાંથી હત્યારાએ ગોળી છોડી, તે ઘર અને તે બારી પ્રવાસીઓને ડલાસ શહેરમાં બતાવવામાં આવે છે. જેવી ગોળી છૂટી અને પ્રમુખ કેનેડીના માથામાં વાગી ત્યારે મસ્તિષ્કનો એક લોચો ખુલ્લી કારના પાછલા ભાગે પડ્યો અને એ લોચાને ઝાલવા માટે મિસિસ કેનેડીએ પ્રયત્ન કર્યો, તે દૃશ્ય ફિલ્મમાં સ્પષ્ટ જોઇ શકાય છે. થોડાક સમય પછી જહ્્ોન કેનેડીના નાનાભાઇ રોબર્ટ કેનેડીની હત્યા થઇ હતી. ગમે તેટલી ટાઇટ સિક્યુરિટી પણ સંપૂર્ણ સલામતીની ગેરંટી નથી આપી શકતી. સૌથી ચુસ્ત સિક્યુરિટી કેવળ માનવીય સભ્યતા જ આપી શકે. ઉત્ક્રાંતિની હજારો સદીઓ જખ મારે છે!

પરમાણુબૉંબની સામે માત્ર એક જ બૉંબ ટકી શકે તેમ છે અને એ છે: લવબૉંબ! જગતના સૌથી મોટા આતંકવાદી ઓસામા બિન લાદેનનો સગો દીકરો ઓમર પિતાની આતંકવાદી હરકતોથી નારાજ હતો. પોતાની પ્રિયતમા સાથે મળીને એ પશ્ચિમના દેશો અને પિતા વચ્ચે શાંતિદૂતની ભૂમિકા ભજવવા માટે આતુર હતો. હિરણ્યકશિપુને ત્યાં જન્મેલા પુત્ર પ્રહ્્લાદની વાતો વાંચવા મળી હતી. ઓમર લાદેન પિતા જેવો આતંકવાદી નથી. આજે એ કયા દેશમાં છે, તેની પણ માહિતી ઝટ મ‌ળતી નથી. ‘ભાંગમાં તુલસી’, જેવો ઘાટ! (કોઇ સુજ્ઞ વાચક ઓમર લાદેન વિશે જણાવે તો ગમશે.)

કવિ પ્રેમાનંદે રચેલા ‘નળાખ્યાન’માં દમયંતી વિખૂટો પડેલો નળ કર્કોટક નાગના દંશને કારણે કાળોકૂબડો બની જાય છે. કળિના પ્રભાવને કારણે નળ દમયંતીનો ત્યાગ કરે છે. કદરૂપો બનેલો નળ બાહુક તરીકે રાજા ઋતુપર્ણના સારથિ તરીકે કુંદનપુર જવા માટે નીકળે છે. રાજા અને સારથિ વચ્ચે કાવ્યશાસ્ત્રવિનોદ થાય છે. જે ક્ષણે નળના દેહમાંથી કળિ વિદાય થાય છે, ત્યારે જતી વખતે કળિ પોતાનાં અપલક્ષણો નળ સમક્ષ વર્ણવી બતાવે છે. કળિ નળને કહે છે: પંડિત દુ:ખી, મૂરખ સુખી; ભોગીને રોગ ભરિયા; અસાધુ અન્ન સંતોષે પામે, સાધુ ઘડી ન ઠરિયા! પ્રેમાનંદની આ પંક્તિઓ આજની પરિસ્થિતિમાં કદાચ વધારે પ્રસ્તુત જણાય છે. પરિણામે સિક્યુરિટીની જરૂર આજે પણ ઓછી નથી. આપણે કદાચ એ જ લાગનાં છીએ! ⬛

અન્ય સમાચારો પણ છે...