તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડણક:ધંધા-નોકરીમાં રિટાયરમેન્ટ પછી શું કામ કરવું છે તે અત્યારે જ નક્કી કરી લો!

શ્યામ પારેખએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મન અને શરીર સ્વસ્થ હોય અને ચુસ્તી-ફૂર્તિ જળવાઈ રહી હોય તો ચાર દીવાલોમાં બેસીને દિવસો વિતાવવાનો વિચાર ન જ કરવો

થોડા સમય પહેલાં મારે ન્યૂયોર્ક સ્થિત અને ગુજરાતી મૂળના સિનિયર સિટિઝન્સ માટે એક વક્તવ્ય આપવાનું થયું. બધા જ સિનિયર સિટીઝન્સ ક્લબના સભ્યો 50થી ઉપરની વયના અને મોટા ભાગના લોકો તો 70 થી લઈને 85 વર્ષ સુધીના હતાં. તેમાંના ઘણા લોકો રિટાયરમેન્ટ પહેલાં મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં ઉચા હોદ્દા સુધી પહોંચેલા, તો અમુકના મોટા ધંધા-ધાપા. ઘણા લોકો તો એવા કે 80 વર્ષની આસપાસ ઉંમર હોવા છતાં ખુબજ એક્ટિવ - ધંધાકીય સામાજિક કે કૌટુંબિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને મસ્ત! આવા વડીલોને તો ભલા શું સલાહ આપી શકાય? એમની પાસેથી તો શીખવાનું જ હોય! મેં તો થોડાક દૃષ્ટાંતો સાથે એમની સાથે મારા વિચારો શેર કર્યા અને એવો સંદેશો આપ્યો રિટાયરમેન્ટ એક ખાસ સિરિયસલી લેવા જેવી વસ્તુ નથી અને જીવીએ ત્યાં સુધી પ્રવૃત્ત રહેવું ખૂબ જરૂરી છે. આજના જમાનામાં સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ હોય એમને રિટાયરમેન્ટ જેવો વિચાર પણ ન કરવો જોઈએ. પોતાની મરજી મુજબની સામાજિક કૌટુંબિક કે ધંધાકીય પ્રવૃત્તિઓ, મન અને શરીર ચાલે ત્યાં સુધી ચાલુ જ રાખવી જોઈએ. મજાની વાત એ છે કે રિટાયરમેન્ટ વિશે મને તેમના અનુભવમાંથી ઘણું જાણવા અને શીખવા મળ્યું. જેમાં આ અમુક મુદ્દાઓ હું અહીંયા ચર્ચવા માંગુ છું. પ્રથમ તો એ કે ક્યારે રિટાયર્ડ થવું છે અને રિટાયર થયા પછી શું કરવું છે તેનું વ્યવસ્થિત પ્લાનિંગ હોવું જરૂરી છે. બીજા નંબરે જિંદગીભર કરવા ઈચ્છયું હોય પરંતુ કરી ન શક્યા હોય તથા સમાજને ઉપયોગી લાગતી હોય તેવી પ્રવૃત્તિઓ કરવા માટે કટિબદ્ધ થવું જરૂરી છે. ત્રીજું એ કે રિટાયરમેન્ટ પછી મનગમતી પ્રવૃત્તિ કરી શકાય તે માટે નાણાકીય આયોજન પહેલેથી કરવું ખૂબ જરૂરી છે અને માનસિક તથા શારીરિક સ્વસ્થતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. એક વડીલે ખુબ સરસ સ્વાનુભવ કહયો. તેમનું કહેવું હતું કે મોટાભાગના લોકોએ આખી જિંદગી પૈસા કમાવાની ઝંઝટમાં નોકરી ધંધા સિવાય બીજું કંઈ જ કામ કર્યું નથી હોતું. જેને કારણે રિટાયરમેન્ટ બાદ નોકરી ધંધા સિવાય નું શું કામ કરી શકાય એ વિશે અેમને કોઈ જ જાણકારી કે સમજ નથી હોતી અને એટલા માટે તેઓ અન્ય લોકોને સલાહ આપે છે કે પૈસા કમાવાની સાથે સાથે અન્ય સમાજ ઉપયોગી કામ પણ 30, 40 કે પચાસના દાયકામાં થોડું ઘણું કરી લેવું જરૂરી છે જેથી કામકાજ બાદની રિટાયરમેન્ટ જિંદગીની દિશા ચોક્કસ રહે. અને સૌના અનુભવ પરથી નોંધવા જેવી વાત એ જણાઇ કે જ્યાં સુધી માનસિક કે શારીરિક જરૂરિયાત ન વર્તાય ત્યાં સુધી ચાર દીવાલો વચ્ચે બેસીને દિવસો પસાર કરવાવાળા રિટાયરમેન્ટનો તો વિચાર જ ન કરવો. ઘણીવાર એવું લાગે છે કે ભારતમાં હજી નિવૃત્તિ પછી વડીલો માટે ગૌરવ અને ડિગ્નિટી જાહેરમાં પ્રણામ કરવા પૂરતા જ રહી જતા હોય છે. નિવૃત્તિ પછી પૂરતી આવક ન ધરાવતા કે નાણાકીય રીતે સદ્ધર ના હોય તો તેમની સાથે જાણે તેમને અસ્તિત્વનો હક્ક જ નથી એવી જ રીતે વર્તાવ કરવામાં આવે છે. તાજેતરમાં મારી જાપાનના ટોકિયોની મુલાકાતમાં મેં એક બહુ રસપ્રદ ઘટના નિહાળી. નારિતા એરપોર્ટ પર ઉતરતા જ ઘણા બધા વડીલો, જે પહેલી નજરે સિત્તેરની આસપાસના લાગે તેમને એક યુનિફોર્મ જેકેટ પહેરીને ઉભેલા જોયા. ઈમિગ્રેશન માટે કઈ જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું, કઈ રીતે જવું, એના માટેના સાઈનબોર્ડ લઈને તેઓ ઉભેલા. ઇમિગ્રેશનમાં ખૂબ લાંબી લાઈનો હતી પણ આ બધા વડીલો ખૂબ ઝડપભેર ફોર્મ ભરવામાં મદદ કરતા હતા અને મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓને શિસ્તભેર લાઈનમાં રહેવા માટે સતત સૂચનાઓ આપતા હતા અને એ સમયે રાત્રે 9:00 વાગ્યા હતા. આ જ પ્રમાણે શિબૂયા-શિંજુકુ જેવા નાઇટલાઇફ અને પ્રવાસીઓમાં લોકપ્રિય એવા વિસ્તારોમાં પણ લગભગ દરેક ચાર રસ્તા ઉપર અડધી રાત્રે પણ એકલદોકલ વડીલો પ્રવાસીઓએ સ્થાનિકોને મદદ કરવા અને માર્ગદર્શન આપવા હાજર! મને સમજાણું કે જાપાનનો સમાજ અને સરકાર વૃદ્ધોને કરવું હોય તો સમાજ માટે પણ ખુબ ઉપયોગી હોય તેવું કામ આપીને તેમનું સન્માન કરતી હતી. મને તરત જ સવાલ થયો કે આવું આપણા દેશમાં કે અન્ય દેશમાં કેમ નથી થતું. અમદાવાદ, દિલ્હી અને મુંબઇ એરપોર્ટ પર વિદેશગમન વખતે કે પરત આવતી વખતે લાંબી લાંબી લાઈનો અને લોકોને શિસ્ત જાળવવા માટે બંદૂકધારી જવાનો મોટી સંખ્યામાં હોય છે અને છતાં પણ લોકો રોષે ભરાય છે કામ જલ્દી થતું નથી, તો પછી આવું કામ આપણા દેશમાં પણ વડીલો ને કેમ ન આપી શકાય. આપણા દેશમાં બેરોજગાર યુવાનોની સંખ્યા પણ ખૂબ મોટી છે અને તેમને માટે રોજગાર શોધવો એ મોટાભાગની સરકારો માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ સાબિત થયું છે. ત્યારે આપણા સમાજમાં અમુક ઉંમરથી ઉપરના લોકો કામ ગોતવા નીકળે તો એમને તમે તો ઘરડાં થઇ ગયા કે રિટાયર થઈ ગયા હવે આરામ કરો, બીજાઓને કરવા દો એમ કહીને આપણો સમાજ ધુત્કારી કાઢે છે. આ કારણોસર ખૂબ જરૂરી છે કે જિંદગીના સાયંકાલમાં શું પ્રવૃત્તિઓ કરવી છે તેનું આગોતરું આયોજન કરી જરૂરી પ્રયોજન અગાઉથી કરી લેવા જરૂરી છે. ⬛ dewmediaschool @gmail.com

અન્ય સમાચારો પણ છે...