ભારતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે 19 જુલાઇ,2022 ના રોજ લોકસભામાં જણાવ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં 3.92 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે અને તેમાંથી 1.70 લાખ લોકોએ અમેરિકન નાગરિકતા સ્વીકારી છે. 2020માં માત્ર 85,256 લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી જ્યારે વર્ષ 2021માં આ સંખ્યા વધીને 1,63,370 થઈ ગઈ હતી. 2019માં 1,36,441 ભારતીય નાગરિકોએ અન્ય દેશનું નાગરિકત્વ લેવા માટે ભારતનું નાગરિકત્વ છોડ્યું હતું. યુએનના વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ 2022 અનુસાર 1 કરોડ 80 લાખ ભારતીય નાગરિકો વિદેશમાં જુદા જુદા દેશોમાં રહે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આ ઉપરાંત છેલ્લાં સાત વર્ષથી દર વરસે સરેરાશ દોઢ લાખથી વધુ ભારતીય નાગરિકો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકત્વ છોડે છે. આ માટેનાં કારણો જુદાં-જુદાં હોઈ શકે પણ પોતાનો દેશ છોડીને પરદેશ જવા માટેનું આકર્ષણ વધુ બળવાન સાબિત થાય તે સારી બાબત નથી.
વીસમી સદીમાં 70 અને 80ના દાયકા એવા હતા જે દરમિયાન ભારતમાંથી ખૂબ મોટા પાયે અમેરિકા જેવા દેશોમાં ઉચ્ચ શિક્ષણ લઇ કારકિર્દી બનાવવાના હેતુથી સ્થળાંતર થયું. ભારતની આઇઆઇટીથી માંડી સારામાં સારી યુનિવર્સિટીઓમાં ભણેલા લોકો મહદંશે અમેરિકા ગયા કારણ કે ભારતમાં એડવાન્સ્ડ એજ્યુકેશન માટે પૂરતી આંતરમાળખાકીય સવલતો તેમજ નિષ્ણાતોની ઉપલબ્ધિ મર્યાદિત હતી. આ ઉપરાંત આવું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ માટે અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારતમાં કારકિર્દી માટેની તકો અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે ઉપલબ્ધ સપોર્ટ સિસ્ટમ મર્યાદિત હતાં. આ કારણથી ટોચની શિક્ષણ સંસ્થાઓમાં ભણેલા ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના હોશિયાર વિદ્યાર્થીઓ દેશ છોડી અને બહાર જવા માંડ્યા. આ આખીય પ્રક્રિયાને આપણે ‘બ્રેઇન ડ્રેઇન’ના નામથી ઓળખી. ભારતમાં અબજો રૂપિયાનું રોકાણ કરીને તૈયાર કરાયેલું આ માનવબળ ભારત છોડીને ગયું કારણ કે એમને પોતાની કારકિર્દી આગળ વધારવા માટે ખાસ કરીને અમેરિકામાં વિશિષ્ટ તકો દેખાતી હતી. મોટી તકની શોધમાં ભારતથી જતાં આ શિક્ષિત યુવાઓ, જેમાંથી ઘણા વિદેશમાં અગ્રણી બેન્કર્સ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો અને વિદ્વાનો તરીકે સ્થાપિત થવાના હતા તેઓ ભારત જેવી ધીમી ગતિથી વૃદ્ધિ પામતા અર્થતંત્રમાં પાછા ફરે તેવી શક્યતા નહોતી. આમ થવાને પરિણામે આજે ફોર્ચ્યુન-500 કંપનીઓમાં પણ બે ડઝન જેટલા ચીફ એક્ઝિક્યુટિવ ભારતીય મૂળના છે. ભારતનું નુકસાન એ બીજી રીતે અમેરિકા માટે ફાયદો બન્યું. કોઈ પણ દેશની આર્થિક તકો અને પ્રગતિની શક્યતાઓ જ્યારે મર્યાદિત હોય અથવા દેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક સમાન તકો મેળવવા બાબતે પ્રશ્નાર્થચિહ્નો લાગેલા હોય, દેશના શાસકોમાં એક યા બીજી રીતે દેશને ઉજ્જવળ ભાવિ તરફ દોરવાની ક્ષમતા બાબતે કાંઈક શંકા જેવું દેખાય તેવે સમયે જે-તે દેશમાંથી કારકિર્દી બનાવવા માટે અથવા પોતાના વેપારધંધામાંના રોકાણ અને કુટુંબની સલામતી માટે પણ લોકો સ્થળાંતર કરે એવું બનતું હોય છે. વિદેશ અથવા વતનથી દૂર જવાથી સુખ, સમૃદ્ધિ અને સલામતી મળે તથા ખૂબ મોટી પ્રગતિ થાય તેવી સાનુકૂળ પરિસ્થિતિ મળતી હોય ત્યારે માણસ પોતાનું ભાગ્ય અજમાવવા સિંગાપોર, દુબઈ, અમેરિકા, કેનેડા કે લંડન પહોંચી જાય. વિદેશમાં વસીને ઘણા ભારતીયો સમૃદ્ધ પણ બન્યા છે. વિશ્વમાં વિદેશી મુદ્રા ભંડોળ પોતાના દેશમાં મોકલનાર બિનનિવાસી આંતરરાષ્ટ્રીય નાગરિકોમાં ભારતીયો ટોચના સ્થાને છે.
આઈએમએફ ડેટા અનુસાર 2020-21માં અમેરિકા વિશ્વ જીડીપીના 24.2 ટકા હિસ્સા સાથે પ્રથમ છે. જ્યારે 18.6 ટકા સાથે ચીન બીજા નંબરે છે. ભારત 3.1 ટકા હિસ્સા સાથે ઘણું પાછળ છે. આ ઉપરાંત બેરોજગારી, કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા, લગભગ દરેક ક્ષેત્રમાં સરકારી તંત્રની દખલગીરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો ન થવો, કેટલાક રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વધતું જતું ઘર્ષણ, સરહદ ઉપર વધતી જતી તંગદિલી અને સ્ફોટક પરિસ્થિતિ, રૂપિયાનું ઘસાતું જતું મૂલ્ય, વગેરે કારણો કદાચ લોકો ઘરનું ભાથું બાંધીને અમેરિકા કે કેનેડા જેવા દેશોમાં નવું ઘર વસાવવા જાય છે તે માટે કારણભૂત હોઈ શકે. આ દિશામાં વધતો જતો પ્રવાહ ભારત માટે ચિંતાનું કારણ હોવું જોઈએ. ⬛ (લેખક ગુજરાતના આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. )ભ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.