તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુદરતના બેમિસાલ કરિશ્મા સમા સફેદ નમકીન રણની પાકિસ્તાનને અડતી સરહદોની છેલ્લા ચાર દાયકામાં વખતોવખત મુલાકાત લીધીછે. ઋતુ-હવામાન સાથે રણના બદલાતા રૂપ ને મિજાજના સારા-નરસા સાક્ષાત્કારે કર્યાં છે. સરહદની પ્રથમ મુલાકાતનો અનુભવ પહેલી નજરના પ્રેમ જેવી વર્ણવી ન શકાય અેવી અનુભૂતિ કરાવી ગયો હોવાથી ક્યારેય ભૂલાય તેમ નથી. વાત 1983ના જૂન મહિનાની છે. ભારત-પાક સરહદે જવાનો પ્રથમ પ્રસંગ હોવાથી અાતુરતાની સાથે રોમાંચ પણ ભળ્યો હતો. સાંજે ભુજથી અમે બી.અેસ.અેફના અધિકારી દીવાનચંદ સાથે પેટ્રોલ જીપમાં રવાના થયા ત્યારે સખત ગરમી વચ્ચે લૂના વાયરા શરીરને દઝાડી રહ્યા હતા. અમારે 200 કી.મી.નું અંતર કાપીને વીઘાકોટ પહોંચવાનું હતું. ધર્મશાળા ચોકી પછીનો 90 કી.મી.નો રસ્તો કાચો હતો અને નવ વાગ્યા છતાં લૂ વાતી હતી. રેતી અને ધૂળના ઢેફાંવાળા ઊબડખાબડ રસ્તા પર ક્યાંક ઘાસના ભોથાં હેડાલાઇટના શેરડામાં બિહામણું દૃશ્ય ઊભું કરતા હતા. અે સમયે સરહદે પૂરતી માળખાકીય સુવિધાઅો હજુ ઊભી થઇ ન્હોતી. ટાંચા સાધનો સાથે પડકારભર્યા સંજોગોમાં સીમા સુરક્ષા દળના જવાનો સરહદની રક્ષા કરતા હતા.
રાતે સાડાબાર વાગ્યે વીઘાકોટ પહોંચ્યા. જમી પરવારીને વાતે વળગ્યા. દીવાનચંદે કહ્યું, હવે વાંધો ન હોય તો કેરોસીનના ફાનસ અોલવી દઇઅે. અા ચોકીઅો પર અે સમયે વીજળી નહોતી. અરે, અાજુબાજુના સેંકડો ચો. કિ.મી. વિસ્તારમાં વીજળી નહોતી અેટલે ફાનસ બંધ થવાની સાથે જ અેક નવો અનુભવ અેક નવી રોમાંચક અનુભૂતિ થઇ. ખુલ્લા અાકાશ તરફ જોયું તો અંધારી રાતે તારાનો અદ્્ભુત નજારો માથે ઝળૂંબતો હતો. અાકાશ અેટલે ‘તારે મઢી ચુંદડી’નો અર્થ પહેલીવાર સમજાયો. અંધારી રાતની અહીંની મજાં કાંઇ અોર છે અેમ દીવાનચંદ અમને કહી રહ્યા હતા ત્યાં જ અેકાઅેક પ્રકાશનો મોટો ઝગારો ઉત્તરે દેખાયો. ‘કાંઇ નહીં અે તો કોઇઅે સિગારેટ પીવા દીવાસળી સળગાવી લાગે છે...’
જવાનો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, અાવી અંધારી રાતે જો કોઇ દોઢ-બે કિલોમીટર દૂર પણ દીવાસળી જલાવે કે ટોર્ચલાઇટ કરે તો અહીં દેખાય. અે સમયે અમે અાકાશમાં ઊંચે સુધી ફરતા રહેતા પ્રકાશના જોરદાર શેરડા પણ જોયા. સર્ચલાઇટ જેવા અે શેરડા વીઘાકોટની સામે અાવેલી પાકિસ્તાની ચોકીના રેન્જર્સની જીપના હતા. અેક જવાને ચોકીના છેક છેવાડે વોચટાવર પર ચડવાનું ઇજન અાપ્યું અને અમે ત્યાં ગયા તો કલ્પનાતીત દૃશ્ય રૂંવેરૂંવા ઊભાં કરી ગયું. લોખંડના કાટખૂણિયા પોલથી બનાવયેલા ટાવરના ત્રીજા માળે લાકડાંના ફ્લોરની વચ્ચોવચ ઊભીને જોયું તો તારાજડિત બ્રહ્માંડની મધ્યમાં જાણે અમે ઊભા હતા. અહીં અેક લોખંડના પોલ પર લટકીને ઝૂલ્યા તો અાકાશ ઝોલા ખાતું હોય અેમ લાગ્યું.
બીજા દિવસની બપોરનો અનુભવ રાત કરતાં સાવ જુદો અને થકવીને નાહિંમત કરી મૂકે તેવો હતો. વીઘાકોટથી વળતી મુસાફરી શરૂ કરી, પણ છાડબેટના કિનારા સામેથી અાપણી ચોકીઅો પર પહોંચતા પહોંચતા નાકે દમ અાવી ગયો. અગિયાર વાગ્યા ત્યાં તો ગરમાગરમ લૂ અને બેકાબૂ અશ્વ જેવી ધૂળની ડમરીઅો શરૂ થઇ ગઇ. અાકાશ બ્લૂને બદલે પીળું દેખાવા લાગ્યું. જીપની બારીના કાચના સ્ક્રૂના કાણામાંથી ધૂળની રીતસરની શેર શરીરને વાગીને દઝાડતી હતી. અાંખો બળતરાથી લાલઘૂમ બની હતી અને ચામડી ચચરતી હતી. હાથ પરથી ધૂળ ખંખેરીને જોયું તો પરસેવો સૂકીને નમક બની બાઝી ગયો હતો. સદ્્નસીબે થોડા સમય બાદ અેકાઅેક પવન શમી ગયો અને વાતાવરણમાં સ્તબ્ધતા અાવી ગઇ... ત્યાં જ સામે સીમાદળની ચોકી દૃશ્યમાન થતાં દીવાનચંદના થાકેલા ચહેરાની રેખાઅો બદલાઇ ગઇ. અેકાદ કિ.મી.નું અંતર કાપ્યું હશે તો અે સીમા ચોકીની અાકૃતિ વધુ નજીક અાવવાને બદલે દૂર સરતી ગઇ.
‘હટ... અા તો મૃગજળ!’ દીવાનચંદથી બોલાઇ ગયું. અેમના અવાજમાં થોડી ભોંઠપ ભાસતી હતી. અમારી હાજરીમાં મૃગજળથી છેતરાઇ ગયા અે કદાચ અેમને ગમ્યું નહોતું. રણનાં ઝાંઝવા પણ કમાલ છે. ક્યારેક દૂરની વસ્તુ નજીક લાગે અને ક્યારેક નજીકનું વૃક્ષ દૂર ભાગે. ડાબી તરફ જોયું તો દૂર દૂર ક્ષિતિજે પાણી જેવા અાસમાની રંગનો પટ્ટો જોયો. અે પટ્ટો વધુ સ્પષ્ટ બનતા નાનાં નાનાં વૃક્ષો અને જમણી બાજુ તો ન સમજાય અેવા દૃશ્યમાં મહાકાય છતાં વિચિત્ર અાકારના બે માનવી અમારી તરફ દોડતા અાવી રહ્યા હતા. અોછામાં અોછા તેર-ચાૈદ ફૂટની ઊંચાઇ, લંબચોરસ ચહેરા, ઊભા વાળ અને સાત-અાઠ ફૂટ જેટલા લાંબા લાકડા જેવા પગ... કમ્પ્યૂટર પર કોઇ અાદમીના ચિત્રને બંને બાજુ દબાવીઅે અને અેની સાઇઝ અેકાઅેક મોટી થઇ જાય અેવી અાકૃતિઅો હતી. બંને પુરુષો ટીવીના પરદે ‘સ્લો મોશન’માં દોડતા અભિનેતાની નકલ કરી રહ્યા હોય અેવું લાગ્યું.
દીવાનચંદ બોલ્યા... અે પણ મૃગજળ છે. સામાન્ય સંજોગોમાં દૂરની વસ્તુ નજીક અાવતાં મોટી લાગે, પણ અહીં જીપ જેમ જેમ અાગળનો રસ્તો કાપી રહી હતી તેમ પેલા બે માનવઅાકાર નાના થવા લાગ્યા હતા અને પછી તો ખબર પડી કે બંને જણ સીમાદળના જવાન હતા. ટેલિફોન લાઇન રિપેર કરવા રણમાં ગયા હતા. જીપ જોઇઅે અમારી તરફ દોડ્યા હતા કે જેથી લિફ્ટ મળી જાય. બસ પછી તો મૃગજળ અને છરબત્તી (ghost light) વિષયની ચર્ચા થઇ. પાણીના સરોવર, ઘાસના મેદાનો, ઝૂંપડાથી છવાયેલી વાંઢો, ગાય-ભેંસના ધણ, ઊંટની વણજારો અને માનવી ભૂલે ત્યારે મૃગજળના અાભાસની સાથે કલ્પનાની અાકૃતિઅોનીયે ભેળસેળ થઇ જાય ત્યારે મોત અેક ક્રૂર વાસ્તવિક્તા બનીને નાચવા લાગે. ઝાંઝવા પાછળ દોડતાં મૃત્યુને ભેટતા માનવી કેવી પીડા અનુભવતા હશે! ખરે જ રણ જિંદગી છે અને મોત પણ. અે રાૈદ્રે છે અને સાૈમ્ય પણ અને તેથી જ કુદરતનો બેમિસાલ કરિશ્મા છે. kirtikhatri@hotmail.com
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.