તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોરી પોઈન્ટ:બેધારી ઋતુના ડામ

માવજી મહેશ્વરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ તો આંબાને મોર લાગ્યો ત્યારે પ્રેમજી હરખાતો હતો કે આગલા વર્ષની ખોટ સરભર થશે. પણ અત્યારે આકાશના રંગ જોઈને તેને ધ્રાસ્કો પડ્યો

છેલ્લા કેટલાક દિવસથી બેધારી ચાલતી ઋતુએ આજે રંગ બતાવ્યો. આજે પવન ફૂંકાયો. વાટકીમાં ચા રેડી પ્રેમજીએ વાવડામાં ધૂણતાં વૃક્ષો સામે જોયાં કર્યું. એની આંખ સામે જ એક કેરી નીચે પડી. જાણે પોતાના ઉપર પથ્થર પડ્યો હોય તેમ પ્રેમજીને ધ્રાસ્કો પડ્યો! તેની ઘરવાળી કંકુ હજુ ચૂલા પાસે બેઠી હતી. પ્રેમજીએ ચાની ચૂસકી ભરી પૂર્વ દિશા તરફ જોયું. ઘસીને ધોયેલા પિત્તળનાં ચમકતાં વાસણ જેવા સૂરજ સામે આંખ માંડી શકાતી ન હતી. પ્રેમજી છેલ્લા ચારેક દિવસથી આકાશના રંગ જોઈ રહ્યો હતો. તેના બાપા કહેતા કે ચૈત્ર મહિનામાં આકાશ ડહોળું રહે તો ચોમાસુ સારું જાય. ચોમાસું તો સારું જશે પણ અત્યારે ઉનાળો નખ્ખોદ વાળી નાખશે એનું શું ? આમેય હોળી વખતે ફૂંકાયેલા પવનથી આંબાનો અડધો મોર તો ખરી પડ્યો. હવે ફળ બેઠાં છે ત્યારે આ વાયરો ફૂંકાય છે. લાગે છે બે વર્ષથી માઠી દશા બેઠી છે. પ્રેમજીનો આઠેક વર્ષનો પોતરો ખમીસની ચાળમાં ખરેલી કેરી ભરી આવ્યો અને પ્રેમજીની નજીક આવીને બોલ્યો, ‘દાદા ખાવી છે?’ પ્રેમજીએ પોતરાના ખમીસની ચાળમાં ભરેલી દસેક કેરી સામે જોયું પછી બાળકના મોં ઉપર નિર્દોષ ભાવ જોઈ બોલ્યો, ‘તું ખાઇ, જા દાદીબાને કહે એના પર મીઠંુ છાંટી દે નહીંતર કાન દુખશે.’ તેણે અકારણ પોતાની ઘરવાળી સામે જોયું. વહેલી સવારે ફૂંકાયેલો પવન ડરામણો હતો. પ્રેમજીનો મોટો છોકરો થોડું ભણેલો હતો. રાતે તેણે મોબાઈલમાં જોઈને કહ્યું હતું, ‘બાપા આમા તો ચાર દિવસ વરસાદ બતાવે છે. હવે ચા પી લીધી કે બાકી છે? ચાલો, આજે આથમણી કોર પાણી વાળવાનું છે. ઝાડ ફાલ પર વળ્યાં છે જો પાણી નહીં મળે તો કમાઈ રહ્યા.’ કંકુએ જરા ઊંચા અવાજે કહ્યું. પ્રેમજીએ ઠરી ગયેલી ચાને એક જ ચૂસકીમાં પૂરી કરી વાટકો જમીન ઉપર મૂકી દીધો. ઝાડવાં હજુ પવનમાં ડોલી રહ્યાં હતાં. પ્રેમજી આમ સ્વભાવનો જરા ભીરુ હતો. તે ફળનો વેપારી હતો. મોટી મોટી વાડીઓ રાખતો. કેરી એનો પ્રિય ધંધો હતો. દિવાળી પછી સોદા થતા. એ સોદાનો કોઈ હિસાબ માંડે તો આંખ ફાટી રહે કે આ મેલા ખમીસવાળો સામાન્ય માણસ આટલા મોટા સોદા કરતો હશે! વાડીઓના સોદા નક્કી થાય, સુથીની રકમ અપાઈ જાય ત્યારથી વાડીઓમાં આખુંય કુટુંબ લોહી પાણી એક કરે. આગલાં વર્ષે કેરીના પાકને એક હવામાન નડ્યું. ઉપરથી લોકડાઉન આવ્યું એટલે તેનો અડધો અડધ માલ સાવ સસ્તામાં વેચી નાખવો પડ્યો. કેટલોક પડ્યો પડ્યો બગડી ગયો. વાહન વ્યવહાર બંધ હોવાથી માલ માર્કેટ સુધી પહોંચાડી ન શકાયો. વાડીના માલિકે તો સમયસર ઉઘરાણી કર્યે રાખી. પ્રેમજી હાથ જોડતો રહ્યો. વાયદા કરતો રહ્યો. ધંધામાં ખોટ અને મોટા છોકરાએ લીધેલા ટેમ્પાના હપ્તા ભરવાના. નછૂટકે તેણે ઘરમાં રહેલા ઘરેણાં વેચી નાખવાં પડ્યાં. એની ઘરવાળી કંકુ હવે વારે ઘડીએ તેને યાદ અપાવ્યાં કરે છે કે આ વર્ષે હતા એના કરતા ભારે ઘરેણાં લઈ દેવાના છે. પ્રેમજીએ આ વર્ષનો હિસાબ માંડ્યો તો એને ખોટ જતી દેખાઈ. માર્કેટમાં રોજ જાતજાતની વાતો થયાં કરતી હતી. સરકાર ફરીથી લોકડાઉન નાખશે એવી અફવા પણ ફેલાતી હતી. તે અજરખ ખભે મૂકીને ધોરિયાની ધારે ધારે ચાલવા લાગ્યો. આંબાના ઝાડ નીચે ખરેલી કેરીઓને જોઈ તેની હિંમત તૂટતી જતી હતી. આમ તો આંબાને મોર લાગ્યો ત્યારે તે હરખાતો હતો કે આગલા વર્ષની ખોટ સરભર થશે. પણ અત્યારે આકાશના રંગ જોઈને તેને ધ્રાસ્કો પડ્યો કે આ વર્ષે પણ જો ખોટ ગઈ તો વેચવા માટેય કશું નથી. વિચારમાં ને વિચારમાં તે વાડીના શેઢે આવી ગયો. બે શેઢાના ખૂણા ઉપર ખેડૂતે ખેતરપાળની નાનકડી દેરી બનાવી હતી. દેરીની અંદર મૂકેલી મૂર્તિ ઉપરનું સિંદૂર ચમકતું હતું. પ્રેમજીએ ભારે હૈયે આકાશ સામે જોયું અને દેરી પાસે બેસી ગયો. અનાયાસે તેના હાથ જોડાઈ ગયા. પવન હજુ એવો જ ફૂંકાતો હતો.⬛mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...