તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહજ સંવાદ:દલિતથી બ્રાહ્મણ: સાંસ્કૃતિકઅસ્મિતાના વાહકો

2 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • નાત-જાત, જ્ઞાતિના ભેદ હવે ઊભા થયાં છે, પણ ભારતીય સંસ્કૃતિના વાહકો તો પ્રાચીનકાળથી ભારત દેશમાં વસે છે અને તેમાં કોઈ અલગ નથી

આપણી વચ્ચે એક અણગમતો શબ્દ બની ગયો છે ‘નાતજાત’. રાજકારણમાં ‘વોટ બેંક’ માટે જાતિવાદનું સાધન મુખ્ય બની ગયું. અનામતનો મહેલ આવા મુદ્દા પર રચાયો છે અને હજુ વધુ માગણી થયા કરે છે. કોઈ એવો દિવસ પણ આવશે કે એકસો ટકા અનામત કોઈ પક્ષ તેના ઢંઢેરામાં ઉમેરશે!

પણ આ જ્ઞાતિ, જાતિ, વર્ગ અને સમુદાયે એક જમાનામાં સાંસ્કૃતિક અસ્મિતા પણ સર્જી હતી! એકલા પાટણનું ઉદાહરણ લઈએ તો કાશ્મીરથી આવેલા ઔદિચ્ય બ્રાહ્મણોએ ગુજરાતમાં જ્ઞાન, ભક્તિ અને અાધ્યાત્મને જમીન પર ઉતાર્યાં હતાં. જૈન અને નાગર - આ બંનેનો પ્રભાવ હતો. ક્ષાત્ર રાજવીઓ તેનું સન્માન કરતા. વિમલ શાહ અને સોમેશ્વરનાં કાર્યોએ પાટણને વધુ સમર્થ બનાવ્યું. ચોરવાડ જૈન જ્ઞાતિના વસ્તુપાળ-તેજપાળે જિનાલયો સ્થાપ્યાં. દેલવાડાનું તેમાં પ્રખ્યાત છે. ગિરનાર અને શત્રુંજયમાં પણ મનોહારી દેરાસરો છે. આવાં કાર્યોમાં ધન વાપરવું જોઈએ તેવી શાણી સલાહ તેજપાળ-પત્ની અનુપમા દેવીએ આપી હતી. દેવીવાડામાં જે દેરાણી-જેઠાણીના ગોખ છે તે આ અનુપમા દેવી અને લલિતાદેવીના છે.

પંડિત વટેશ્વર એ વિસ્મૃત થયેલું નામ, પાટણના સહસ્ત્રલિંગ તળાવના પુનઃનિર્માણ સાથેનું છે. ભીમદેવને રાણી ઉદયમતી, સોમનાથના નૃત્યાંગના ચૌલાદેવી (બઉલા દેવી)અને પંડિત વટેશ્વરની પ્રેરણા મળી અને સહસ્ત્રલિંગ સર્જાયું. ચૌલા તેજસ્વિની હતી. જેમ મુંજાલ-પુત્ર કીર્તિદેવે મહામાત્યને ચેતવણી આપી હતી તેવું જ ચૌલાદેવીએ ભીમદેવને કહ્યું : ‘સાંભળો છો ને શિવાલયોનો ઘંટારવ? એ આપણાં હૃદય અને દિમાગને જાગૃત કરવા માટે થઇ રહ્યો છે. દૂર ગઝનીનાં મેદાનોથી આપણી સંસ્કૃતિને સમાપ્ત કરવા આવી રહેલા આક્રમકોનાં એંધાણ હું જોઈ રહી છું. નૃત્ય, વિલાસ, કળા, સંસ્કૃતિ, આદાનપ્રદાન, વ્યવસાય, ધર્મ આ બધું તો જ રહેશે, જો આપણે મ્લેચ્છ આક્ર્મકોના લોહી તરસ્યા આક્રમણનો સામનો કરીશું.’

રાણી વાવ પૂર્વેનાં ચૌલાનાં નૃત્ય અને તેજસ્વી વાણીનો અધ્યાય આજે તો સ્મૃતિશેષ થઇ ગયો છે. ચૌલાએ ત્યાં જે મહાનૃત્ય કર્યુઁ તે પ્રાણપ્રિય ભીમદેવ, તેમની રાણીઓ, નગરજનો માટે નહીં, આક્રમકોની આંધીનો શૌર્યપૂજક સમાજ સામનો કરે, રાજાધિરાજ, શ્રેષ્ઠી, સેનાપતિ, સંપ્રદાયો, પંડિતો - સૌ સજ્જ થાય તેને અર્પિત હતું. અને મેઘમાયા વણકરનું સમાજ માટેનું બલિદાન? સામાજિક સમરસતા માટે વીર મેઘમાયાએ જે આહુતિ આપી, સમાજને જળ પ્રાપ્તિ થાય તે માટે, તેનું કવિત આજેય ઘણાના હોઠ પર છે :

સંવત અગિયારો ચોરાણુંની સાલમાં અજવાળી સાતમને માઘ માસે અણહીલપુર પાટણે હોમાયો માયવો સરવર છલકાણાં મેગ માયે!

બત્રીસલક્ષણો જુવાન સરોવરમાં જળ આવે તે માટે અર્પિત થયો, તે પૂર્વે તેણે રાજા પાસે આટલું માગી લીધું હતું. ‘અમારો દલિત સમાજ હવેથી ગામની બહાર નહીં રહે, ગામમાં રહેશે. તુલસી-પીપળો-ગુરુ-ઘામોત-બ્રાહ્મણ-વહીવંચો બધું મળશે. સારા પ્રસંગને ઊજવવાનો અધિકાર રહેશે. અમારે માનભેર જિંદગી જીવવી છે.’ રાજવીએ શરતો માન્ય કરી, વીર મેઘમાયાએ જીવન અર્પણ કર્યું, જળ ઊભરાયાં. પાટણ તો પાટણ. 500થી અધિક જૈન વિદ્વાનો, 100 જેટલા બ્રહ્મપંડિતો, ‘કાન્હ કરે પ્રબંધ’નો રચયિતા, વીસનગરી નાગર પદ્મનાભની કલમ, સરસ્વતીની વાણી સાથે વિહાર કરતો કવિ ભાલણ, ‘ભવાઈ’ કળાને અણનમ કરનારો અસાઇત, સંસ્કૃત-અપભ્રંશ-ઉતરા-અપભ્રંશ-ને પછી ગિરા ગુર્જરી ભાષા આ વાણીનું રૂપાંતર અહીં થયું. શ્રીપાલે જ્યારે સિદ્ધરાજને માટે રાજદરબારમાં વિશેષણો વાપર્યાં-‘મહારાજાધિરાજ’, ‘પરમેશ્વર’, ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધ ચક્રવર્તી’, ‘અવંતીનાથ’, ‘બર્બરકવિષ્ણુ’, ‘ત્રિભુવનગંડ’ ‘મહારાજ જયસિંહદેવ સિદ્ધરાજ.’

ત્યારે સિદ્ધરાજે કહ્યું, ‘કવિવર, સાંભળ્યા તમે સર્વ વિશેષણો?’ શ્રીપાલ:‘હા મહારાજ... અને તે ઉચિત જ છે. મહાલયો, મહાસ્થાનો, મહાસરોવરો અને દિગ્વિજયોમાં આપ છો જ અભૂતપૂર્વ. ન ભૂતો, ન ભવિષ્યતિ.’ સિદ્ધરાજ હસ્યા. હેમચંદ્રાચાર્યે કહ્યું, ‘પૃથ્વી, સમુદ્ર, સંસ્કાર અને સમૃદ્ધિ એ પરાક્રમી રાજાના વિજયમાંથી ઉદ્્ભવે છે. મહારાજના માલવ-વિજય માટે દિગ્ગજો કલ્પલતાની તોરણમાળ બંધાવો.’ સિદ્ધરાજ: પાટણને પાટલીપુત્ર બનાવનારની અભિપ્સા પૂર્ણ થઇ, ખરું ને આચાર્યશ્રી!’

શ્રીપાલ, હેમચંદ્રાચાર્ય, દેવબોધ. સૌએે આનંદપૂર્વક હા પાડી. દેવબોધે ઉચ્ચાર્યું: ‘જે ભોજરાજ માટે કહેવાતું, ‘દ્રપમેધ સુદુર્લભમ્’ તે હવે આપને માટે પણ યથાર્થ બન્યું.’ સિદ્ધરાજે સૌની સમક્ષ હૃદય ખોલ્યું : ‘હું બધું છું-મહાપરાક્રમી પણ છું, પરંતુ વિદ્વજનો, માલવ વિજય પછી અવંતિની રાજ્યસભામાં હું ગયો. ત્યાં મેં ગ્રંથ ભંડાર નિહાળ્યો. અદ્્ભુત, અદ્વિતીય, અનન્ય. મારા હાથમાં રાજવી ભોજરાજાએ રચેલું ‘ભોજવ્યાકરણ’ મૂકવામાં આવ્યું અને કહેવામાં આવ્યું. માલવનૃપતિ ભોજે રચેલું આ વ્યાકરણ છે. અહીં પંડિતાઈ પ્રાપ્ત કરવા માટે બાળકો આ વૈયાકરણથી શીખવાની શરૂઆત કરે છે. માલવ-પ્રજા પોતાનાં વાણી વિનિમયનાં શુદ્ધ ઉચ્ચારણો કરે છે. અરે, બાળકોનાં હાલરડાં ગાતી માતાઓની બોલી પણ કેટલી મીઠીમધુરી અને વ્યવધાન વિનાની સુંદર હોય છે..’ ‘મારાં ગુર્જર દેશની સંસ્કારવાણીમાં તેવું જ માધુર્ય કેમ ન પ્રકટે? શસ્ત્રવિજયને શાસ્ત્રના સામ્રાજ્યમાં સ્થાન કેમ ન મળે?’ શ્રીપાલે કહ્યું : ‘તલવાર, તુરંગ અને તત્ત્વજ્ઞાનમાં, સાહિત્ય, શિવ અને સૌંદર્યમાં આપની રુચિ અદ્્ભુત છે.’

સિદ્ધરાજે સંકલ્પ વ્યક્ત કર્યાં : વિદ્વાન કો અપિ કથં નાસ્તિ દેશે વિશ્વઅપિ ગુર્જરે? અને યશો મમ તવ ખ્યાતિ, પુણ્યં ચ મૂનિનાયક; વિશ્વલોકોપકારાય કરુ વ્યાકરણમ નવમ્ હૈમચંદ્રને સિદ્ધરાજનો સંકલ્પ મળ્યો. શ્રી અને શાસન અને સરસ્વતીનો સંગમ ને રચાયું આ ‘પાટણ-વૈભવ’નું ઇતિહાસ-કાવ્ય! vpandya149@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser