તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોરી પોઈન્ટ:લાગણીનાં વાવેતર

4 મહિનો પહેલાલેખક: માવજી મહેશ્વરી
 • કૉપી લિંક
 • વિશ્રામે કહ્યું, ‘એક વાત કહું? તું મોટો સાહેબ થયો પણ ક્યાંય લાગણીના વાવેતર કર્યા છે ખરા? તું તારા કુટુંબમાં કે નાતમાં સારા-માઠા પ્રસંગે હાજર રહ્યો?

‘આપણા ઘરની ના પાડી?’ બેન્ક ઓફિસર વી. આર. મકવાણા ઉર્ફે વિનોદ રણછોડ મકવાણા જાણે ચિત્કારી ઊઠ્યા! એમનું મૂળ નામ તો વેલજી રણછોડ મકવાણા હતું, પણ નોકરીમાં જોડાયા પછી તેમને પોતાનું નામ જૂનવાણી લાગ્યું એટલે બદલી નાખ્યું હતું. તેમના દૂરના ભત્રીજાએ કહ્યું, ‘હાલો કાકા, ચા પીએ.’ જોકે, ભત્રીજા વિશ્રામને ખબર કે તેનો આ કાકો કેબિન ઉપર ચા નહીં પીએ કેમ કે વી. આર. મકવાણાનો એવો સ્વભાવ નહોતો. તેઓ આજે પોતાના ગામડે આવ્યા હતા. એ ગામ જેની સાથે તેમને કોઈ વિશેષ સંબંધ રહ્યા નહોતા. તેમના બાપા રણછોડ એટલે પાંચમાં પુછાય. એમના આંગણે માણસ ન ખૂટે. પણ વી. આર. મકવાણાને નાનપણથી જ બાપાના માયાળુ સ્વભાવ સાથે વાંધો પડતો. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ભણવા શહેરની બોર્ડિંગમાં ચાલ્યા ગયા હતા. વેકેશનમાં આવે ત્યારે તેમને ખેતી, ચોપાં, ધૂળ, મેલા-ઘેલાં માણસોની ચીડ જાગતી. આવા વી. આર. મકવાણાને નાની ઉંમરે નોકરી મળી ગઈ. તેય શહેરમાં. એમના લાગણીશીલ બાપા અવારનવાર શહેરમાં જાય. મકવાણાને આ બધું ગમે નહીં. તે પોતાના બાપાનાં મેલાં કપડાં, વધી ગયેલી દાઢી અને તેમની સાથે આવેલા માણસોને જોઈ અકળાય.

એક દિવસ પોતાની અકળામણ ઠાલવી જ દીધી. તે દિવસથી તેમના બાપાએ દીકરા પાસે જવાનું માંડી વાળ્યું. વી. આર. મકવાણાનાં લગ્ન થઈ ગયાં પછી તો તેમણે પોતાના ગામડે જવાનું સાવ ઓછું કરી નાખ્યું. ક્યારેક કોઈ સામાજિક પ્રસંગે જવાનું થાય ત્યારે અભણ માણસોને જાતજાતની સલાહો દે. કોઈના ઘેર ચા ન પીએ. હા એમના ઉપર લક્ષ્મીની કૃપા ભારોભાર હતી. તેઓ ક્લાર્ક તરીકે લાગ્યા હતા અને ભણીને બેન્ક મેનેજર સુધી પહોંચ્યા. એમને બે જ સંતાનો. મોટી દીકરી અને નાનો દીકરો. દીકરીને પરણાવ્યે પાંચ વર્ષ થવાં જતાં હતાં. એમણે દીકરીનાં લગ્નમાં પોતાના નાતીલાઓને બોલાવ્યા નહોતા. તેમનો દીકરો ગ્રેજ્યુએટ થઈને બેસી રહ્યો. આખો દિવસ મોટર સાઇકલ ફેરવ્યા કરે. એ દીકરો સત્યાવીસ વર્ષનો થયો છે.

બેન્ક મેનેજર મકવાણાએ એના માટે છોકરીઓ શોધવાનું શરૂ કર્યું પણ એમના સમાજશાસ્ત્રના માપદંડ એટલા ઊંચા કે કોઈ ઘર એમને ગમ્યું નહીં. કંટાળીને આખરે તેમણે પોતાના પસંદગીનાં ધોરણ નીચાં કર્યાં. તોય પણ બધું જ ગોઠવાઈ જાય અને છેલ્લી ઘડીએ સામેવાળા ના પાડી દે. આવું દસ-બાર ઠેકાણે થયું. મકવાણાને સમજાય નહીં કે આવું શા માટે થઈ રહ્યું છે? મેનેજર મકવાણાનું સમાજશાસ્ત્ર ગુંચવાઈને ઊભું રહી ગયું. નછૂટકે તેમણે પોતાના પરિવારમાં એક ભત્રીજાને ગામડામાં કોઈ સારું ઘર મળી જાય તેની તપાસ કરવાનું કહ્યું. એક વાત ચાલીય ખરી. એ માટે જ તેઓ આજે ગામડે આવ્યા હતા. પણ ભત્રીજાએ જે કહ્યું તે સાંભળી એક તરફ તેમને ગુસ્સો આવતો હતો અને બીજી તરફ પોતાના હોદ્દા અને પૈસા ઉપર દયા આવતી હતી. ‘તે શું મેનેજરસાહેબને આજે બાપાનું ગામ સાંભર્યું છે? વેલજી, તું હવે ગામને લાડવા ક્યારે ખવડાવશ ? કે છોકરીના કર્યાં એમ છોકરાનાય લગ્ન પતાવી લીધાં? કહેતાં તેમની સાથે પાંચ ચોપડી ભણેલા વિશ્રામે મેનેજર મકવાણાના ખભા ઉપર હાથ મૂક્યો.

મેનેજર મકવાણાએ વિશ્રામને કહ્યું, ‘છોકરી શોધી દે તો કાલે ગામ જમાડી દઉં.’ વિશ્રામે કહ્યું, ‘એક વાત કહું? તું મોટો સાહેબ થયો પણ ક્યાંય લાગણીના વાવેતર કર્યા છે ખરા? તું તારા કુટુંબમાં કે નાતમાં સારા-માઠા પ્રસંગે હાજર રહ્યો? માણસો એમ ને એમ દીકરીઓ ન દે, સાહેબ. આજે આવ્યો છે તો મારા ઘરે જમજે. બે દિવસ રહે અહીંયા. રણછોડબાપાની શાખ મરી નથી ગઈ હજુ.’ વિશ્રામે હાક મારીને ચા મગાવી. મેનેજર મકવાણાએ છીપર ઉપર બેસીને ચાની ચૂસ્કી લગાવી. તેમને વિશ્રામે સળગાવેલી બીડીની જરાય અકળામણ થતી ન હોતી. મેનેજર મકવાણાનું ગણિત ઓગળવા લાગ્યું. તેઓ ભીતર રોઈ રહ્યા. તેમને ચામાં એક અજીબ સ્વાદ આવતો હતો. mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો