ડૂબકી:રડવું શ્વાસ લેવા જેવું સાહજિક છે

વીનેશ અંતાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • }}} જાપાનમાં જાહેરમાં રડવું નાલેશીભર્યું ગણાય છે. એથી લાગણીઓને માર્ગ આપવા ખાસ સ્થળો બન્યાં છે. લોકો ત્યાં વિનાસંકોચે રડી શકે છે

એક છોકરાને ખૂબ વાગ્યું. દુખાવો સહન ન થવાથી એ રડવા માગતો હતો, પરંતુ એને કહેવામાં આવ્યું હતું કે છોકરાઓ ક્યારેય રડે નહીં. એથી એણે આંસુ પોતાની અંદર સમાવી લીધાં. વર્ષો વીત્યાં. છોકરો પુખ્ત થયો. પીડાના ઘણા પ્રસંગ આવ્યા. એ રડવા માગતો હતો, પરંતુ એને કહેવામાં આવ્યું હતું કે પુરુષો રડે નહીં. ઉંમર વધતી ગઈ, જીવનમાં અનેક દુ:ખદાયક ઘટનાઓમાં એણે એનું કહેવાતું પુરુષપણું જાળવી રાખ્યું અને ક્યારેય રડીને પીડા વ્યક્ત ન કરી. એનાં બધાં આંસુ છાતીમાં જમા થતાં ગયાં. એણે પોતાને પુરુષ તરીકે સાબિત કર્યો છે તે વાતનો એ ગર્વ અનુભવતો હતો. વૃદ્ધ થયો. અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ એણે આંખ ભીની થવા દીધી નહીં. આંસુઓના ભરાવાથી એની છાતી ફાટવાની સ્થિતિએ પહોંચી. એને લાગ્યું કે એની અંદર ભરાયેલું પીડાનું પ્રચંડ વાવાઝોડું ધોધમાર વરસાદની સાથે કોઈ પણ ક્ષણે ત્રાટકશે. બધી જ પીડાએ એકસામટો હુમલો કર્યો, અવરુદ્ધ આંસુઓનો બંધ ફાટ્યો. એ જીવનમાં પહેલી વાર પુષ્કળ રડ્યો. ત્યાર પછી ધીરે ધીરે એનું રુદન સંકેલાયું તે પછી એને શાંતિ મળી. તે પહેલાં એણે આવી માનસિક શાંતિ ક્યારેય અનુભવી નહોતી. એણે આંસુ લૂછ્યાં અને સ્મિત કર્યું. સ્મિત એટલા માટે કે એને પહેલી વાર સમજાયું હતું – રડ્યા પછી એ સાચો પુરુષ બન્યો છે. આપણે છોકરાઓને નાનપણથી ન રડવાનું શા માટે શીખવીએ છીએ? પુરુષ તરીકે જન્મ્યા એટલે એમણે વેદના વ્યક્ત કરવાની જ નહીં? માનસશાસ્ત્રીઓ પ્રમાણે સામાજિક ખ્યાલો અને વાતાવરણ એમાં ભાગ ભજવે છે. ઘણા સમાજમાં રડવું પુરુષસહજ માનવામાં આવતું નથી. સ્ત્રીઓ છૂટથી રડે, પરંતુ પુરુષોએ તો મન કાઠું જ રાખવું પડે. એ કારણે વારંવાર રડી પડતા છોકરાને આપણે ‘પુરુષ બનતાં શીખ’ એવી શિખામણ આપીએ છીએ. પુરુષ રડે તો એને ‘રોતલ’ કહીને ઉતારી પાડવામાં આવે. બહારથી સખત રહેવાના પ્રયત્નોમાં પુરુષ અંદરથી તૂટતો જાય છે. ફિઓના ફોરમાન નામનાં સકારાત્મક મનોવૈજ્ઞાનિકના અભ્યાસી અમેરિકાની શાળાઓમાં જઈને, વાલીઓ સાથે કાઉન્સલિંગ કરીને શીખવ્યું છે કે સ્ત્રી અને પુરુષ બંને માટે રડવું સ્વાભાવિક પ્રક્રિયા છે. ‘પરંપરાગત રીતે કોઈ પુરુષ રડે, તો એને પુરુષસહજ માનવામાં આવતું નથી. આપણે માની લીધું છે કે લાગણી છુપાવવાથી જ પુરુષ મજબૂત બને છે અને જીવનમાં મુશ્કેલ સમયનો સામનો કરી શકે છે. આપણે દરેક વયનાં છોકરા-છોકરીઓને એમની લાગણી પરત્વે પ્રમાણિક બનવાનું કહેવું જોઈએ. એ લાગણીઓ નકારાત્મક હોય, તો પણ આંસુઓમાં વહી જવા દેવી જોઈએ. ઢીલા ન પડવાની નાનપણથી લાદવામાં આવેલી શીખને કારણે ઘણા પુરુષો શારીરિક અને માનસિક બીમારીના ભોગ બને છે.’ આપણે જાણીએ છીએ કે રડવાથી અંદર ભરાયેલું વજન વહી જાય છે, પીડામાંથી રાહત મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. રુદનને બાયલાપણું માનતા પુરુષો એમના જીવનમાં અંગત સંબંધોમાં પણ ખુલી શકતા નથી અને અપ્રામાણિક હોવાની છાપ પડે છે. એમનું સાચું વ્યક્તિત્વ પ્રગટ થતું નથી, નજીકની વ્યક્તિઓમાં ગેરસમજ થાય છે. પુરુષ હોવાને કારણે રડી ન શકતા પુરુષોમાં વધતી નકારાત્મક લાગણીઓ ઘણી વાર આપઘાત કરવાની હદ સુધી પહોંચે છે. સ્પેનમાં 2019માં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું કે એમના દેશમાં કુદરતી મૃત્યુ પછી આપઘાતનું પ્રમાણ બીજા નંબરે છે. પુરુષો ડિપ્રેશન અને બીજી માનસિક વ્યાધિના ભોગ બન્યા હતા. સ્પેનમાં મેડ્રિડ અને બીજાં શહેરોમાં ‘ક્રાઇંગ રૂમ’ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિ ખુલ્લા મને રડી શકે છે. એવી એક ‘રડવા માટેની જગ્યા’ના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂક્યું છે : ‘અંદર આવો અને રડો.’ આ વ્યવસ્થાથી લોકોને માનસિક બીમારીમાંથી મુક્ત થવાનો માર્ગ મળ્યો છે. જાપાનમાં તો ‘રુદન થેરપી’નો અમલ ઘણા સમયથી કરવામાં આવ્યો છે. આજના ઝડપી જીવનમાં લોકોને લાગણી વ્યક્ત કરવાનો પણ સમય રહ્યો નથી. જાપાનમાં જાહેરમાં રડવું નાલેશીભર્યું ગણાય છે. એથી લાગણીઓને માર્ગ આપવા ખાસ સ્થળો બન્યાં છે. લોકો ત્યાં વિનાસંકોચે રડી શકે છે. કેટલીક જગ્યામાં તો લોકોને રડાવવા માટે કરુણ ફિલ્મો બતાવવામાં આવે છે. હૂંફાળા વાતાવરણમાં ચેનથી રડવા માટે પૂરતી સગવડ મળે છે. સ્ત્રીઓ પણ ત્યાં એમની લાગણી સંકોચ વિના વ્યક્ત કરી શકે તે માટે જરૂરી સમય અને એકાંત મળે છે. એ કારણે અપસેટ થયેલા લોકો રડીને મનમાં ભરાયેલા ભારમાંથી મુક્તિ મેળવી શકે છે. રડવા માટે ઉપલબ્ધ સ્થાનોને ‘આંસુઓનાં કુરિયર’ કહેવાય છે. કેટલીય જાપાની કંપનીઓ આ માટે નિષ્ણાતોની સહાય લઈ કર્મચારીઓને સ્ટ્રેસમાંથી બચાવે છે. સામૂહિક રીતે કરેલું રુદન પણ એક પ્રકારે પીડામુક્તિનો માર્ગ બને છે. ગયા દોઢ-બે વર્ષમાં આપણને રડવાનાં ઘણાં કારણ મળ્યાં છે. તે પહેલાં પણ રડીને પ્રગટ કરેલી વેદનાનું પ્રમાણ ઘણું હતું. એમાં પુરુષો પણ સામેલ હતા. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની રડવાની ટકાવારી ઓછી છે. છતાં પુરુષો રડતા જ નથી, એવું નથી. સુપ્રસિદ્ધ લેખક ચાર્લ્સ ડિકન્સે કહ્યું છે : ‘આપણે આંસુઓથી શા માટે શરમાવું જોઈએ? આંસુ તો આપણી અંદર જમા થયેલી પીડાનો કચરો સાફ કરવા માટેનું જળ છે. હું જ્યારે પણ રડ્યો છું, અંદરથી નિર્મળ અને હળવો થયો છું.’ એક આદિવાસી પ્રજામાં કહેવત છે, ‘ચોખ્ખું જોવા માટે પહેલાં તો આંખોને આંસુઓથી સ્વચ્છ કરવી જોઈએ.’ પીડાનાં કાળાંડિબાંગ વાદળાં છંટાય પછી જ આપણી દુ:ખભરી વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે. ફ્રાંસના મહાન લેખક વિક્ટર હ્યુગોએ કહ્યું હતું : ‘જે લોકો રડતાં નથી, તેઓ જોઈ શકતાં નથી.’ આપણે રોબોટ નથી, સંવેદનશીલ વ્યક્તિ છીએ. રડવું સ્ત્રી અને પુરુષ બંને માટે શ્વાસ લેવા જેવી જ સાહજિક પ્રક્રિયા છે. એને અવરોધવાનું ન હોય, વહેવા દેવાનું હોય. ચારે બાજુથી ઘેરાયેલા માણસ માટે રડી લેવું પણ યોગ્ય ઉપચાર છે. માનસશાસ્ત્રીઓ કહે છે, રડવાનું મન થાય ત્યારે રડો અને સ્વસ્થ થાવ. ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...