સ્ટોરી પોઈન્ટ:હાસ્યથી ઢંકાયેલું ધોધમાર રુદન

માવજી મહેશ્વરી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. આંખમાં ધસી આવતા આંસુ લૂછ્યાં. અચાનક એ બહાર ચાલ્યો ગયો, પાછો આવ્યો ત્યારે આંખો લાલ, પણ હોઠ પર હાસ્ય

મેં એવું નહોતું વિચાર્યું કે તે આમ રડી પડશે. મને હતું એની સહન કરવાની હદ આવી જશે તો કદાચ ગુસ્સે થઈ જશે, ચોપડાનો ઘા કરશે અને કહી દેશે જા તારાથી થાય તે કરી લે. હું એ બે જણની ચણભણ જોયા કરતો હતો. મોઘમમાં જેટલું વેતરી શકાય એટલું વેતરવાની એક તક બેય જણ છોડતા નહોતા. એકબીજા પરની ચીડ ચોખ્ખી દેખાતી હતી. મારે બેઉને સાંભળવાનું હતું. એટલું જ નહીં, બેયને સંભાળવાના પણ હતા. વળી, એ બે પાસેથી કામ લેવાનું હતું. સંસ્થાએ એક સર્વે કરવાનો હતો. સર્વેયરોએ વસ્તીમાં ફરીને હકીકતો ભેગી કરવાની હતી. સર્વેયરના એક જૂથ ઉપર એક સુપરવાઇઝર હતો. મારે સુપરવાઇઝર પાસેથી આંકડા અને વિગતો લેવાની હતી. હું વારંવાર તેને દબાણ કર્યા કરતો હતો. એના જૂથમાં એક સર્વેયરની વિગતો આવી નહોતી અથવા અધૂરી હતી. એક વ્યક્તિને કારણે અટક્યું હતું. ત્રણ દિવસ પહેલાં સુપરવાઇઝર તેને મારી પાસે લઈ આવ્યો. લડાઈ એક સુપરવાઇઝર અને એક સર્વેયરની હતી. સુપરવાઈઝર ઊકળીને બોલ્યો, ‘સાહેબ, તમે એને પૂછો તો ખરા કે બે મહિનામાં કર્યું શું? રોજ નવા બહાનાં, ફોન સ્વિચ ઓફ આવે, રિંગ જાય તો ભાઈ ઉપાડે નહીં. મારે કરવું શું?’ મેં સર્વેયર સામે જોયું. એની લાંબી મોં ફાડ ઉપર નર્યું હાસ્ય. તેણે ફાઈલ સુપરવાઇઝરના હાથમાંથી લેતાં કહ્યું, ‘સાહેબ, હું હાલ પૂરું કરીને આપી જાઉં છું. શા માટે તમે મને બદનામ કરો છો? બધાને કહ્યા કરો છો કે હું કામચોર છું, નકામો છું, મને પગાર પણ ન દેવો જોઈએ.’ મેં જોયું કે પેલો સર્વેયર બરાબર ગુસ્સાની ક્ષણે હસી પડતો હતો. એ ચૂપ થાય કે તરત સુપરવાઇઝર શરૂ થઈ જતો. મેં ફાઈલ જોઈ હતી. એણે કામ તો કર્યું હતું, પણ નકરા છબરડા વાળ્યા હતા. છતાં મને કોઈ કારણસર એ સર્વેયર સામે ગુસ્સો આવતો નહોતો. એની અચાનક હસી પડવાની રીત કંઈક જુદી હતી. એના હોઠ હસતા હતા પણ આંખો હસતી નહોતી. હું સુપરવાઇઝરના ગુસ્સાથી લાલ થયેલા મોંને જોઉં કે પેલા યુવાનને, જેણે ભૂલ સ્વીકારી હતી. એ ગુસ્સે થવાનો પ્રયત્ન કરતો હતો પણ એનાથી હસી જવાતું હતું. સુપરવાઇઝરે મારી સામે જોતાં કહ્યું, ‘સાહેબ, આ કામ માટે ઈમાનદારીનો એવોર્ડ વિચારી રાખ્યો હોય તો આને આપજો.’ અચાનક પેલાના હોઠ ધ્રૂજ્યા. મને થયું કે કદાચ મારી લેશે, પણ તેણે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. આંખમાં ધસી આવતા આંસુ લૂછ્યાં. વાતાવરણ ગંભીર બની ગયું. અચાનક એ યુવાન બહાર ચાલ્યો ગયો અને પાછો આવ્યો ત્યારે આંખો એકદમ લાલ, પણ હોઠ ઉપર એ જ હાસ્ય. ચા આવી. મેં ચાનો કપ એને આપતાં કહ્યું, ‘યાર! એમાં રડી પડવાની શું જરૂર હતી?’ તેણે મારી સામે જોયું. ફરી તેની આંખમાં આંસુ આવી ગયા, પણ અચાનક એની જીભ ચાલુ થઈ ગઈ, ‘સાહેબ, એમ.એ., બી.એડ. થયેલો છું. મજબૂરીમાં આ નોકરી કરું છું. વાયરિંગનું થોડું જાણું છું. પરચૂરણ કામ મળે ત્યારે કરી લઉં છું. ઘર તો ચલાવવું પડે ને? પોતાનાએ માર્યો છે સાહેબ! મારા ભાઈ અહીં નોકરી કરતા હતા. એ પરણેલા હતા અને બીજી સ્ત્રીને પરણ્યા. સમાજમાં હોબાળો થયો. મે મારી ભાભી અને ભાઈના બે છોકરાને સાચવ્યાં. મારી કમનસીબી કે ઈન્ટરવ્યૂ કોલ માટે સરનામું ભાઈના ઘરનું આપ્યું. ભાઈએ જેને ઘરમાં બેસાડી હતી એ બાઈએ ઇન્ટરવ્યૂ કોલ જ ફાડી નાખ્યો. તક સરી ગઈ. ઘણા ફાંફા માર્યા. કિસ્મતે સાથ ન આપ્યો, પણ એક એક્સિડન્ટમાં એ બાઈ મરી ગઈ, ભાઈને ઇજા થઇ. ભાઇ અત્યારે ભાભી સાથે રહે છે. અહીંનું ઘર પેલી બાઈના નામે છે. મિલકત એ બાઈથી થયેલા છોકરાના નામે છે. હું એક ખોલીમાં રહું છું. હમણાં રાતે વાયરમેન સાથે કામ કરવા જાઉં છું. ઉજાગરો થાય છે એટલે સમયસર કામ થઈ શક્યું નથી. જાણું છું ભૂલ મારી છે, પણ આ સાહેબ સમજતા નથી. મને વગોવે છે. આજે બધું ઓકે કરી દઈશ.’ તેની આંખમાં આંસુ છલક્યાં. સુપરવાઇઝરે ફાઈલ આડીઅવળી કરવા માંડી. ⬛ mavji018@gmail.com

અન્ય સમાચારો પણ છે...