તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીન-શોટ:કોરોનાકાળમાં કલાકારોએ કેળવી ક્રિએટિવિટી

ઉમેશકુમાર ઉપાધ્યાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં ઘણા સ્ટાર્સે લોકોને મદદ કરી, તો ઘણાએ સેવા કરી. સ્ટાર્સ લોકડાઉન દરમિયાન અભિનયથી ઇતર શું શીખ્યાં અને શું કર્યું, તે જાણીએ

એક-બે નહીં, પણ કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન લગભગ તમામ સ્ટાર્સ કોઇ ક્રિએટિવ કામ શીખ્યાં અને તેમાં નિપુણતા મેળવી. પિયાનો વગાડવાનાં શોખીન અદા શર્માએ જણાવ્યું, ‘મેં પિયાનો વગાડવાની પ્રેક્ટિસ કરી પણ હું જે ક્રિએટિવ પ્રવૃત્તિ શીખી, તે વાંસળી વગાડતાં. તે શીખવવા માટે એક વાંસળીવાદક દર શનિવારે આવતા હતા, તેમની પાસેથી પદ્ધતિસર વાંસળી વગાડવાની તાલીમ લીધી. અત્યારે હું શૂટિંગ માટે હૈદરાબાદ આવી છું, તો વાંસળી પણ સાથે લાવી છું.’ અભિનેત્રી ઝરીન ખાને ભાષા પર ફોકસ કર્યું. એ કહે છે, ‘લોકડાઉન દરમિયાન હું સ્પેનિશ લેંગ્વેજ શીખી. હજી જોકે બેઝિક જ આવડે છે, પણ સમય મળે ત્યારે શીખતી રહું છું.’ નવરાશની પળોને પોતાના શોખ અનુસાર અલગ અલગ ક્રિએટિવ કામ સૌ શીખ્યાં. આહના કુમરા અને સંદીપ આનંદે પ્રિન્ટિંગ પુસ્તકને ઓડિયો બુકમાં પરિવર્તિત કરવા પોતાના સ્વરના ક્રિએટિવિટી દર્શાવી. સંદીપ કહે છે, ‘મારા માટે આ તક ખરેખર સારી હતી કેમ કે હું માત્ર મારા સ્વરથી પાત્રને જીવંત કરતો હતો. એમાં હું કેટલો સફળ રહ્યો છું તે તો નથી ખબર, પણ લોકડાઉનમાં મારો આ નવો પ્રયત્ન રહ્યો. હું અન્ય ઓડિયો શોઝ પર પણ કામ કરી રહ્યો છું. અનેક કવિતાઓ લખવા સાથે મેં એક શોર્ટ ફિલ્મ ‘નિશાન’નું પણ લેખન-દિગ્દર્શન કર્યું.’ કંઇક નવું કરવામાં સતત પ્રયત્નશીલ રહેતાં અર્ચના પૂરણ સિંહે લોકડાઉનમાં જાતજાતના વિડીયો બનાવી પોતાના ફોલોઅર્સમાં વૃદ્ધિ કરી. આ ક્રિએટિવિટી અંગે તે કહે છે, ‘મેં મારા પતિ, બાળકો અને મારા અનેક વિડીયો બનાવ્યાં. તેનું એડિટિંગ, શૂટિંગ કરવા સાથે સ્વર પણ તેમાં મારો જ હોય છે. છેલ્લા કેટલાક સમયથી હું પેઇન્ટિંગ બનાવું છું. અત્યાર સુધીમાં ત્રણ-ચાર પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. હજી વધુ બનાવવાનાં પ્રયત્ન કરી રહી છું.’ પોતપોતાની રુચિ અનુસાર ગાયિકા જોનિતા ગાંધીએ ગીત લેખનમાં ક્રિએટિવિટી અપનાવી તો પાયલ દેવ પેઇન્ટિંગ અને મેકઅપ કરતાં શીખી. આસ્થા ગિલે પોતાનો ફોબિયા દૂર કરવાનું કામ કર્યું, તો શિલ્પા રાવે ગાર્ડનિંગનો શોખ અપનાવ્યો. અભિનેત્રી ઇશિતા દત્તા જણાવે છે, ‘મને શરૂઆતથી જ પેઇન્ટિંગનો શોખ હતો, પણ સમય નહોતો મળતો. જોકે લોકડાઉનમાં સમય ફાળવીને પેઇન્ટિંગ શીખું છું. હવે તો મારાં પેઇન્ટિંગ્સ ઘણા સારા બને છે. તે ઉપરાંત, હું કૂકિંગ અને ગાર્ડનિંગ પણ શીખી અને અનેક છોડ રોપ્યાં.’ લોકડાઉનમાં પોતાની ક્રિએટિવિટીને વેગ આપવા અભિનેતા તનુજ વિરવાણીએ શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જ્યારે અભિનેત્રી શમા સિકંદરે વાર્તાઓ લખી છે. અભિનેતા-કોમેડિયન કીકુ શારદા લોકડાઉનમાં નિતનવી ગેમ રમતા શીખ્યા, જે તેઓ પોતાનાં પત્ની અને બાળકો સાથે મળી રમી શકે, અન્યથા બધાં પોતપોતાનાં મોબાઇલમાં જ ગેમ રમ્યાં કરતાં હતાં. વેબસીરિઝ ‘મહારાણી’ ફેમ અભિનેતા પંકજ ઝાએ પણ ‘મહાભોજ’ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે, જે શ્રાદ્ધવિધિ પર બનનારી ફિલ્મ હશે. ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ફેમ અભિનેત્રી ઇન્દિરા તિવારીએ પણ પોતાની ક્રિએટિવિટી પેઇન્ટિંગ્સમાં દાખવી છે. એણે આલિયા ભટ્ટનું એક પેઇન્ટિંગ બનાવી આલિયાને ગિફ્ટ પણ આપ્યું છે. ‘ઇમલી’ સિરિયલના અભિનેતા ગૌરવ મુકેશ લોકડાઉનમાં વાંસળી અને ગિટાર વગાડતા શીખ્યા. રિચા ચડ્ઢા ફિલ્મ ‘શકીલા’ની તૈયારી માટે બેલી ડાન્સ થોડો શીખી હતી, પણ લોકડાઉનમાં સમય અને મોકો મળ્યો, ત્યારે એ ઓનલાઇન ક્લાસીસ દ્વારા બેલી ડાન્સ શીખ્યાં. એ કહે છે, ‘નૃત્ય મારા માટે ચિકિત્સકીય અનુભવ છે. બેલી ડાન્સના અભ્યાસ માટેની તક મળી તેથી ખૂબ ખુશ છું. આ નૃત્ય અનેક પરંપરાઓનું મિશ્રણ છે. મારા માટે આ નૃત્યશૈલી ઓનલાઇન શીખવાનો અનુભવ અનોખો રહ્યો.’ આમ, મોટા ભાગના કલાકારોએ કોરોનાકાળમાં લોકડાઉનનો સમય પોતાની ટેલેન્ટને નિખારવા કે શોખ પૂરા કરવાની વૃત્તિ અપનાવી. આ ઉપરાંત મિનિષા લાંબા, સોના મોહપાત્રા, સંજય મિશ્રા જેવા ટેલેન્ટેડ કલાકારો પણ ફુરસદના સમયે કંઇ ને કંઇ ક્રિએટિવ કામ શીખતાં અને કરતાં રહે છે. ⬛

અન્ય સમાચારો પણ છે...