તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાગ બિન્દાસ:નંબર. 1 પ્રોબ્લેમ નં.1 થવાની ઘેલછા

9 દિવસ પહેલાલેખક: સંજય છેલ
 • કૉપી લિંક

ટાઇટલ્સ રક્તદાનની લાઇનમાં કોઇને નં. વન નથી આવવું (છેલવાણી) ‘કૈવેલરીના પર્વત પર ઇશુ ખ્રિસ્તને શૂળીએ ચડાવવામાં આવ્યા એ પછી ભક્ત જોસેફે જોયું કે એક બીજો માણસ માથા પછાડી રહ્યો હતો. જોસેફે એને કહ્યું, ‘રડ નહિ, ઇશુ જેવા પયગંબરના વધથી દુ:ખ તો થાય, પણ એમાં આટલું બધું?’ પેલાએ તરત જ અટકાવીને કહ્યું, ‘હું ઇશુ માટે નથી રડી રહ્યો! અરે, ઇશુ જેવા જાદૂ તો મને પણ આવડે છે! મેં પણ પાણી પર ચાલીને દેખાડ્યું છે, મેં પણ ભૂખ્યાની ખાલી થાળીમાં રોટલી ટપકાવી છે... પણ લોકોએ મને કેમ શૂળીએ ન ચડાવ્યો? હું તો ઇશુથી પણ પહેલાં જાદૂગર બન્યો હતો!’ ઓસ્કાર વાઇલ્ડની આ લઘુકથામાં માનવમનની ચાવી છુપાયેલી છે. સૌને ગમે તે રીતે નં.1 બનવું અને એ જ આપણો નં.1 પ્રોબ્લેમ છે. કોરોનાના કાળમુખા સમયમાં પણ કયો દેશ સૌથી પહેલા રસી શોધે છે એની મેડનેસભરી રેસ ચાલી હતી, જે જીવલેણ સાબિત થઇ શકે! એક વાર અમારી ઓફિસની બાજુના મકાનમાં કાર પાર્કિંગના મુદ્દે એક રિટાયર્ડ ફૌજીનું પાડોશી દ્વારા ખૂન કરી નાખવામાં આવેલું! ‘સૌથી બેસ્ટ પાર્કિંગ મારું જ!’વાળી વૃત્તિથી નાની અમથી વાત પર સરહદ પર લડેલા વૃદ્ધનું ખૂન થઇ જાય? આનાં કારણોને સમજવા સહેજ ઊંડા ઊતરવું પડશે! દસમાનું રિઝલ્ટ હોય કે કોઇની સ્મશાનયાત્રામાં હાજરી આપવાની હોય. બધે જ બધાંને ‘સૌથી પહેલા આવવું છે.’ ફિલ્મોની સ્ક્રિપ્ટિંગમાં એક ફ્રેન્ચ શબ્દ વારંવાર વપરાય છે : ‘રૈસન દ’એત્રે’ (Raison d’etre) એટલે કે હીરોનું જીવવાનું કે હોવાનું મુખ્ય કારણ શું? આપણે ત્યાં નં.1 આવવું એ જ આપણા અસ્તિત્વની ઓન-ઓફ સ્વિચ બની બેઠી છે. બધાં જ એક અદૃશ્ય સંગીતખુરશીની ગેમ રમી રહ્યાં છે. સૌને ખુરશી પર સૌથી પહેલાં બેસી જવું છે, પણ આસપાસ જે sacuklux જીવનસંગીત વાગે છે એ નથી સાંભળવું. એક વાર એક લેખકે ગુનો કર્યો. રાજાએ એને એક વર્ષ જેલની સજા ફરમાવી. મંત્રીએ કહ્યું કે આ સજા ઓછી છે. રાજાએ કહ્યું, બે વર્ષની જેલ. મંત્રીએ ફરી કહ્યું, આ સજા પણ ઓછી છે. સજા વધતાં વધતાં ફાંસી સુધી પહોંચી. મંત્રીએ કહ્યું, ફાંસીથીયે લેખકને અસર નહીં થાય. રાજાએ પૂછયું, ફાંસીથી વધારે શું? મંત્રીએ કહ્યું, લેખકની સામે એના હરીફનું નામ ‘નં.1 લેખક’ જાહેર કરી દો. એથી મોટી કોઇ સજા નહીં હોય! એ રિબાઇ રિબાઇને જીવી નહીં શકે કે મરી પણ નહીં શકે!’ ઇન્ટરવલ ચૂપચૂપ ખડે હો જરૂર કોઇ બાત હૈ, પહેલી મુલાકાત હૈ, જી પહેલી મુલાકાત હૈ! (કમર જલાલાબાદી) નાનપણની જેમ આજેય આપણે સૌ લીંબુ-ચમચીની રેસમાં દોડીએ છીએ. જીવનમાંથી ‘આનંદ’ નામનું લીંબુ કયારનુંયે નીચે પડી ગયું છે, તોયે ચમચીને મોંમાં મૂકીને સૌ દોડ્યે રાખે છે. મુશાયરામાં સૌથી પહેલો શાયર તો હું જ એમ કહીને કોમળદિલ કવિઓ કુસ્તી કરે છે. ફિલ્મોના ટાઇટલમાં ‘પહેલું નામ મારું જ’ કહીને મોટાં મોટાં સ્ટાર છણકા કરે છે. થોડાં વર્ષ પહેલાં એવોર્ડ ફંકશનમાં શાહરુખ પહેલી રોમાં બેઠેલો તો એને ત્યાંથી ઉઠાડીને અમિતાભને બેસાડવા માટે નેતા અમરસિંહે ઝઘડો કર્યો અને થપ્પડબાજી પણ કરેલી. કોઇ સુંદર છોકરીનાં લગ્ન થાય તો ઘણાં લોકો તરત જ કોમેન્ટ આપે, ‘પહેલાં તો એ મારી જ ગર્લફ્રેન્ડ હતી ને?’ જાણે છોકરી પટાવવાની વાત-200 મીટરની રેસ હતી અને પહેલી કિસ સરકારી ટેન્ડર! ઇશ્કમાં પણ ‘પહલી નજર’ કે ‘પહેલા પ્રેમ’ને આપણે વધારે જ ભાવ આપ્યો છે. સંગીતકાર અનુ મલિકે ગીતકાર મજરુહ પાસે એક વાર જિદ કરી કે ‘પહલી નઝર મેં પહલા પ્યાર હુઆ’વાળા ભાવ પર જ ગીત લખો. ત્યારે મજરુહે કહેલું, ‘મિયાં, પહલી નઝર મેં પહલા પ્યાર હો ગયા, તો ક્યા દૂસરી નઝર મેં દૂસરા પ્યાર હોગા? પ્યાર કોઇ પંજાબમેલ નહીં કિ પહેલે નંબર કે પ્લેટફોર્મ પર હી આ કે રુકે!’ ચાંદ પર પહેલા કોણ પહોંચે એ માટે રશિયા-અમેરિકામાં હોડ લાગેલી. પછી જ્યારે અમેરિકા પહેલાં સૌથી પહેલી વાર પહોંચ્યું, તો રશિયાએ અફવા ઉડાડી કે અમેરિકનો ચાંદ પર ગયા જ નથી. કોઇ ફિલ્મી સ્ટુડિયોમાં ચાંદનો સેટ લગાવી ખોટેખોટે શૂટિંગ કર્યું છે! જગતમાં નં.1 હોવાનો જિદ્દી રાષ્ટ્રપ્રેમ દુનિયાનો નં.1 પ્રોબ્લેમ છે, જે નફરત અને હિંસા ફેલાવે છે.. માર્ક કરજો કે એરપોર્ટ પર જેવી ફલાઇટની સૂચના સંભળાય કે ફ્લાઇટ પકડવા તરત જ 150 લોકો ભારત-પાક ભાગલાં થયા હોય એમ દોડીને લાઇન લગાવશે, જાણે વહેલાં જઇને સીટ નહીં પકડાય તો ઊભા ઊભા જવું પડશે! પછી વિમાન જ્યારે લેંડ થાય અને દરવાજાં ખૂલે એ પહેલાં જ બધાં ઉપરથી સામાન ખેંચીને બહાર દોડવા ધક્કામુક્કી કરશે.. જાણે બહાર જઇને બોર્ડર પર લડવા જવાનું હોય! ટ્રેનમાં પણ સૌ દોડીને અંદર ઘૂસશે. વીર્યના લાખો શુક્રાણુ સૌથી પહેલા પહોંચનારને જ ગર્ભ બનવાનું માન પ્રાપ્ત થાય છે એ રીતે સૌને ટ્રેનની સીટ પકડવી છે. ટ્રેનનો ડબ્બો તરત જ અંધારા ગર્ભાશયમાં પલટાઇ જાય છે! એક જમાનામાં ગાય-ભેંસ જેવો પોદળો મૂકે કે તરત કોઇ દોડીને પોદળાની આસપાસ કુંડાળંુ કરી લેતું, જેથી પોદળો એનો થઇ જાય. આપણે સૌએ જિંદગીને પોદળો બનાવીને આસપાસ કુંડાળાઓ કરવા માંડ્યાં છીએ. દેશમાં જેવી કોઇ ઘટના બને કે તરત જ અભિપ્રાય આપીને કહેવાનું કે જોયું? મેં તો પહેલાં જ કહેલું ને? ટીવી-ચેનલો કે સોશિયલ મીડિયા પર પણ આજે સૌથી પહેલાં સમાચાર આપવાની હોડમાં ફેક્ટ ચેક કરવાનું ભૂલી જાય છે. મીડિયાએ બ્રેકિંગ ન્યૂઝની લાકડીથી સમાજની બુદ્ધિને ભાંગીને ભૂક્કો કરી નાખી છે! અરે, ઇશ્વરોમાં પણ ગણેશજીને ‘પ્રથમેશ’ એટલે કે નં.1 દેવતા ગણવામાં આવે છે તો પછી ઇન્સાનોનો શું વાંક? આપણા પરિવારમાં પણ જે પહેલું સંતાન જન્મે એને ખૂબ માન મળે છે! આઇ થિંક, બે નંબરનાં સંતાનોએ એક એસોસિએશન બનાવીને આ અન્યાય સામે લડત લડવી જોઇએ. સૌપ્રથમ વાર હિમાલય પર એવરેસ્ટ સર કરીને તેનસિંગે-હિલેરીએ ઝંડો લહેરાવ્યો તો ત્યાં એક મલયાલીએ તરત પ્રગટ થઇને પૂછયું ‘સર, નાળિયેર આપું?’ આ મલયાલીઓએ ફેલાવેલ જોક છે. એમાં ગુજ્જુઓએ ઉમેર્યું કે, નાળિયેરની દુકાનમાંથી ગુજરાતી શેઠનો અવાજ આવ્યો, ‘પૈસા ગણીને લેજે નહીં તો કાઢી મૂકીશ!’ આમ આ જોકમાં દરેક પ્રાંતના લોકો પોતાની પંચલાઇન ઉમેરતાં જ રહે છે, કારણ કે સૌને પહેલા આવવું છે. સૌથી વધુ સફળ સાબિત થવું છે પણ છેવટે તો આપણે સૌથી સંકુચિત કે છીછરો સમાજ બનાવવામાં નં.1 પુરવાર થઇ રહ્યાં છીએ! આ બ્રહ્માંડની અનંતતાના અંકગણિતમાં કોઇ નં. 1 હોય કે નં. 1 લાખ..શું ફર્ક પડે છે? ⬛ એંડ ટાઇટલ્સ આદમ : હું જ તારો પહેલો પ્રેમ છું ને? ઇવ : મેં તને પણ અનેક વાર ‘હા’ પાડી છે ને? sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો