લક્ષ્યવેધ:ગુજરાતી વિષયમાં UPSC ક્રેક કરીને બન્યા ભારતીય વિદેશ સેવાના અધિકારી

11 દિવસ પહેલાલેખક: ઉત્સવ પરમાર
  • કૉપી લિંક
  • બેન્કની નોકરી સાથે તૈયારી કરનાર વિશાલ હર્ષની ‘કદમ કદમ બઢાયે જા’ જેવી ગાથા

વિશાલ હર્ષ. ‘સ્પીપા’ના જૂના વિદ્યાર્થી. લોંગ જમ્પમાં લાંબો કૂદકો મારવા ખેલાડી ચાર કદમ પાછળ જાય અને પછી વિનિંગ જમ્પ લગાવે એવી એમની સંઘર્ષ ગાથા. રહેવાનું અમદાવાદ. તેમનાં મમ્મી પ્રાંતિયાની સરકારી સ્કૂલમાં શિક્ષક અને પપ્પા સચિવાલયમાં. સરકારમાં અધિકારી બનવાનો વિચાર બાળપણમાં જ મનમાં ક્યાંક રોપાઈ ગયો હતો એની ખુદ વિશાલભાઈને પણ જાણ નહોતી. સરકારી સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ. અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી મીકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી પી. જી. ડિપ્લોમા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં MBA કર્યું. આ દરમિયાન જ પેલું જૂનું, જોયેલું, અજાણ્યું સપનું જાગ્યું અને મનમાં UPSC ક્રેક કરવાનો નિર્ણય લીધો. વિશાલભાઈની સફર રોચક રહી છે. તૈયારી શરૂ તો કરી પણ સાથે સ્ટાફ સિલેક્શન, બેન્ક, પીઓ જેવી પરીક્ષાઓ પાસ કરી. પહેલાં અલાહાબાદ બેન્કમાં મુંબઈમાં નોકરી કરી અને બાદમાં SBIની POની નોકરી તેમણે સ્વીકારી. ઘર-પરિવારથી દૂર વડોદરા, સુરત બાદ કોડિનારમાં નોકરી શરૂ થઇ. તેમના લગ્ન થઇ ગયાં હતાં, બાળક પણ હતું. પરંતુ નોકરીના સ્થળે એકલા રહ્યા. આ દરમિયાન ‘સ્પીપા’ના અમુક મિત્રોનું સિવિલ સર્વિસમાં સિલેક્શન થયું અને વિશાલભાઈની અંદર દબાયેલું સ્વપ્ન ફરી જાગ્યું. બેન્કની નોકરી થકવી દે એટલી વ્યસ્ત. ડોકું ઊંચું કરવાનો સમય ના મળે ત્યાં વાંચવું ક્યારે? વિશાલભાઈએ નોકરી પછીના કલાકોમાં રાત્રે નવથી બે વાંચવાનું શરૂ કર્યું. મમ્મી પાસેથી મળેલો નાનપણનો વાંચવાનો શોખ અહીંયા કામ લાગ્યો. ધીમે ધીમે રિધમ પકડાઈ અને ગાડી પાટા પર આવવા લાગી. પછી બદલી અમદાવાદ થઈ. કામનું ભારણ વધ્યું પણ બેન્ક મેનેજરનું પ્રોત્સાહન હતું. અહીંયા તો રાતે મોડે સુધી કામ ચાલે. ઘરે આવીને વાંચવાનું. કેટલું સ્ટ્રેસફુલ! પણ વિશાલભાઈ કહે છે, ‘બેન્કના કામનો સંતોષ જ એટલો હતો કે સ્ટ્રેસ કોઈ દિવસ અનુભવાયો નથી ઊલટાની કામની ઊર્જા વાંચનમાં ઉપયોગી નીવડી. એમાં બ્રાન્ચ મેનેજરના પ્રમોશન બાદ જવાબદારી વધી. એ દરમિયાન એમની બ્રાન્ચ ત્રણ વર્ષ રિજિયનની ટોપ બ્રાન્ચ બની એ એનો પુરાવો. પ્રીલિમિનરી, મેઇન્સના કોઠા ભેદતા બે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો.’ પાંચ એટેમ્પટ. સિવિલ સર્વિસની તૈયારી ટેસ્ટ મેચ જેવી હોય છે. પીચ પર ટકી રહેવાનું રાહુલ દ્રવિડ જેવું દાક્ષિણ્ય જોઈએ. છેલ્લા ઇન્ટરવ્યૂ પછી એ પોતાના કામે વળગી ગયા. એ દિવસે એ પોતાની બ્રાન્ચમાં કોઈ ગ્રાહક સાથે હાઉસિંગ લોનની ચર્ચા કરી રહ્યા હતા. રિઝલ્ટ ડિક્લેર થયું અને લાંબી મૅરેથોન પછી દોડવીર વિસામો લે એવી હાશ થઈ. વિશાલભાઈએ સિવિલ સર્વિસ પરીક્ષા ક્રેક કરી દીધી હતી. ગુજરાતી સાહિત્ય સાથે સિવિલ સર્વિસ પરીક્ષા આપનાર વિશાલભાઈ પાસે સમય ઓછો હતો એટલે એમણે ગુણવત્તાસભર વાંચન પર ભાર મૂક્યો. NCERTનાં બેઝિક પુસ્તકો ઉપરાંત સ્ટાન્ડર્ડ પુસ્તકોનો જ અભ્યાસ કર્યો. એમાં મિત્રોએ પણ વિવિધ મટિરિયલ આપી મદદ કરી. પોતાની નબળાઈ અને શક્તિ બંને તેઓ જાણતા. જેમ કે નિબંધના પેપરમાં ફિલોસોફિકલ કોઈ વિષય પુછાશે તો તે નિબંધ લખવાની તેમની પ્રાથમિકતા ઓછી હશે પણ તથ્યાત્મક પુછાયો તો તેઓ એ નિબંધ પસંદ કરશે. તેમણે નક્કી કર્યું હતું કે 100 ટકા સિલેબસ પૂરો ના થાય તો કંઈ નહીં પણ 80 ટકા તો જોરદાર જ કરીશ. રમતગમતના શોખીન વિશાલભાઈને પર્સનાલિટી ટેસ્ટમાં ભારતીય હોકી ટીમથી માંડીને પોતે કર્ણાટકમાં કલેક્ટર બને તો શું કરશો સુધીના અલગ અલગ રેન્જના સવાલો પુછાયા હતા. તૈયારી દરમિયાન કરેલી ભૂલો અંગે તેઓ કહે છે, ‘પહેલીવાર જ્યારે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી અને પછી બેન્કની નોકરી મળતા છોડી ત્યારે મેં મારી જાતને અન્ડર એસ્ટિમેટ કરી હતી. એ અવમૂલ્યન ના કર્યું હોત તો કદાચ પરિણામ વહેલું મળત! બીજું, શરૂઆતના સમયમાં જૂના પેપરનો અભ્યાસ કર્યા વિના, UPSCની ઉમેદવાર પાસેની અપેક્ષા સમજ્યા વિના તૈયારી કરી ત્યાં ભૂલ કરી. થોડો લખવાનો અભ્યાસ પણ ઓછો પડ્યો. પણ પછી આ જ ભૂલમાંથી બોધપાઠ લીધો.’ આજે તેઓ ભારતીય વિદેશ સેવાના અધિકારી તરીકે દિલ્હી ખાતે ફરજ બજાવે છે.⬛

અન્ય સમાચારો પણ છે...