• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Cracked UPSC In Fourth Attempt With Subjects Like Medical Science And Public Administration, Became I. T. S. Officer

લક્ષ્યવેધ:મેડિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો સાથે ચોથા પ્રયાસે UPSC ક્રેક કરી, બન્યા આઇ. ટી. એસ. અધિકારી

8 દિવસ પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક
  • વડોદરા ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરીકે કાર્યરત ડો. રાહુલ સિંઘ 12મા ધોરણમાં બનારરમાં ટોપર હતા

મિrasત્રો! ઉત્તર પ્રદેશ, કેરળ અને દક્ષિણનાં રાજ્યોમાં એવું કલ્ચર છે કે, વિદ્યાર્થી આઠમા કે દસમા ધોરણમાં હોય ત્યારથી જ યુ. પી. એસ. સી. પરીક્ષાની તૈયારી ચાલુ કરી દે છે. મૂળ બનારસના ડો. રાહુલ સિંઘે એમ. બી. બી. એસ.ની ડિગ્રી મેળવ્યા પછી નવી દિલ્હીમાં જગજીવનરામ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે જોબ શરૂ કરી. મેડિસિનના ક્ષેત્રમાં આરંભાયેલી પોતાની કારકિર્દીથી તેમને સંતોષ ન થયો. એટલે તેમણે યુ. પી. એસ. સી. પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેમણે યુ. પી. એસ. સી. એક્ઝામ ચોથા પ્રયાસે ક્રેક કરી અને તેમની પસંદગી આઈ. ટી. એસ. એટલે કે ઇન્ડિયન ટ્રેડ સર્વિસમાં કરવામાં આવી. હાલમાં તેઓ વડોદરા ઝોનના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરીકે કાર્યરત છે.

ટેક્સટાઈલ મિલમાં માર્કેટિંગની જોબ કરનાર રમાકાંત સિંઘ છે અને પ્રમીલાબહેનાં પુત્ર ડો. રાહુલ સિંઘે શાળાકીય શિક્ષણ બનારસમાં મેળવ્યું હતું. તેમણે ધોરણ 10મા 78 ટકા માર્ક્સ મેળવ્યા હતા. ધોરણ 12 સાયન્સમાં 91 ટકા માર્કસ મેળવીને તેઓ બનારસ ટોપર બન્યા હતા.

ડો. રાહુલ સિંઘ પોતાની તેજસ્વી કારકિર્દિ વિશે માંડીને વાત કરે છે, ‘મેં ઓલ ઇન્ડિયા મેડિકલની અને આઈ. આઈ. ટી. જેઈઈ (JEE)ની પરીક્ષા પણ આપી હતી. આ પછી 2004 થી 2010 સુધી અમદાવાદમાં એમ. બી. બી. એસ.નો અભ્યાસ કર્યો. મેડિસિનમાં ડિગ્રી મેળવ્યા પછી મને નવી દિલ્હીની જગજીવનરામ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સરકારી નોકરી પણ મળી ગઈ હતી. આનાથી મને જોબ સેટિસ્ફેક્શન નહોતું. તેથી મેં આપણા દેશના વહીવટી તંત્રમાં સામેલ થવા માટે ઉચ્ચ અધિકારી તરીકેની કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું. વળી, અમારા યુ. પી.ના કલ્ચરમાં જ યુ. પી. એસ. સી. એક્ઝામ ક્રેક કરવાનું વલણ જોવા મળે છે. જોકે, મેં ત્રણ વાર યુ. પી. એસ. સી. પરીક્ષા આપી. આપેલા ત્રણ પ્રયાસોમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શક્યો હતો પણ અંતે મારી પસંદગી થઈ ન હતી. છેવટે ચોથા પ્રયાસે યુ. પી. એસ. સી. એક્ઝામમાં મને સફળતા મળી અને ઇન્ડિયન ટ્રેડ સર્વિસ માટે મારી પસંદગી કરવામાં આવી હતી. આ સર્વિસમાં પણ કામ કરવા માટે સ્કોપ ઘણો છે.’

ફોરેન ટ્રેડ ઓફિસનું મૂળ કાર્ય દેશના વિવિધ જિલ્લાઓમાંથી એક્સપોર્ટ પ્રમોટ કરવાનું છે. આ સાથે ફોરેન ટ્રેડ એજન્સીને નોટિફાઈ કરે છે. અન્ય દેશો પોતાની ચીજ વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરી ભારતમાં ચીજવસ્તુઓ ડમ્પ કરે ત્યારે સ્થાનિક ઉદ્યોગકારોને રક્ષણ મળે તે હેતુસર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લગાવવાનું કામ પણ આ જ કાર્યાલય કરે છે. સાથે સાથે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની કામગીરી માટે ભારતની નોડલ ઓફિસ વિદેશ વેપાર કાર્યાલય જ છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ડેવલપમેન્ટના કમિશનર તરીકે ઇન્ડિયન ટ્રેડ સર્વિસના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

યુ. પી. એસ. સી. પરીક્ષાની તૈયારી અને વિષયોની પસંદગી અંગે ડો. રાહુલ સિંઘ કહે છે, ‘મેં નવી દિલ્હી અને બનારસમાં યુ. પી. એસ. સી. પરીક્ષાની સઘન તૈયારી કરી હતી. મેં વિશેષ કોચિંગ લીધું ન હતું. હોસ્પિટલમાં ઓફ ડે ડ્યુટી હોય કે નાઈટ શિફ્ટ હોય ત્યારે હું પરીક્ષાની તૈયારીરૂપે વાંચન-લેખન કરતો હતો. મેં મેડિકલ સાયન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો યુ. પી. એસ. સી. પરીક્ષામાં રાખ્યા હતા.’

ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો અંગે ડો. રાહુલ સિંઘ કહે છે, ‘બનારસમાં કેટલા ઘાટ છે? મેડિકલના વિષય અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડોક્ટર બની ગયા અને હોસ્પિટલમાં જોબ પણ મળી ગઈ પછી યુ. પી. એસ. સી. પરીક્ષા આપવાનો વિચાર કેમ આવ્યો? એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.’

યુ. પી. એસ. સી.ની પરીક્ષામાં ત્રણ વાર મળેલી નિષ્ફળતા વિશે કહે છે, ‘યુ. પી. એસ. સી.ની પરીક્ષામાં ત્રણ વાર સુધી ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો, છતાં મારી પસંદગી થઈ ન હતી. યુ. પી. એસ. સી.ની પરીક્ષામાં મને મેડિકલ સાયન્સમાં માત્ર આઠ માર્ક્સ જ આવ્યા હતા, તે આઠ નહીં પણ એંશી હોય એવો મને પૂર્ણ વિશ્વાસ હતો. પરંતુ યુ. પી. એસ. સી. માં પેપર રીચેક કરતા જ નથી. એટલે નિષ્ફળતાનો મેં હિંમતભેર સામનો કર્યો.’

તાલીમ અને પોસ્ટિંગ વિશે ડો. રાહુલ સિંઘ કહે છે, ‘મારી ટ્રેનિંગ એક વર્ષની હતી. પછી 2014 માં મારી નિમણૂક હું કોલકાતા ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ તરીકે કરવામાં આવી. ત્યારબાદ માર્ચ, 2018માં હું ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ તરીકેની ફરજ બજાવી. 2014થી મને કોલકાતામાં નોર્થ ઈસ્ટર્ન સ્ટેટનો ચાર્જ પણ મળ્યો હતો. હાલમાં વડોદરા ઝોનમાં, મધ્ય ગુજરાતના છ જિલ્લાની જવાબદારી નિભાવી રહ્યો છું.’

વિદેશ વ્યાપાર કાર્યાલયમાં ઉચ્ચ અધિકારી તરીકે અત્યાર સુધીનો યાદગાર અનુભવ શું છે? એવું પૂછતા તેઓ કહે છે, ‘વાસેનાર સંધિના ભાગરૂપે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. એ સૌથી યાદગાર ક્ષણ છે. વાસેનાર સંધિ વિશ્વના વિવિધ દેશો વચ્ચે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિ છે જેમાં ડ્યુઅલ યુઝ ટેકનોલોજી (એવી ટેકનોલોજી જેનો ઉપયોગ માનવ-માનવ કલ્યાણ માટે અને વિધ્વંસક હથિયારો બનાવવા એ બંને રીતે થઈ શકે)ના ઉપયોગને વૈશ્વિક કક્ષાએ ભાગીદારી કરી નિયંત્રિત કરવાનો આશય છે. આ સંધિના ભાગરૂપે બાયોટેક્નોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી, કેમિકલ ટેકનોલોજી જેવી વિવિધ ડ્યુલ યુઝ ટેકનોલોજીનો ભારત કઈ રીતે માનવ કલ્યાણ માટે ઉપયોગ કરી રહ્યું છે તેની રજૂઆત આંતરરાષ્ટ્રીય મંચ સમક્ષ ભારતના પ્રતિનિધિ તરીકે મેં કરી હતી.’ ડો. રાહુલ સિંઘના પત્ની અદિતિબહેનનો કોલ ઇન્ડિયામાં ડેપ્યુટી મેનેજર, એચ. આર. તરીકે કાર્યરત છે. ⬛

અન્ય સમાચારો પણ છે...